યુદ્ધના એંધાણ… ઉત્તર કોરિયાઈ સેનામાં જોડાશે 47 લાખ લોકો

નવી દિલ્હી– અમેરિકા અને નોર્થ કોરિયાનો તણાવ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. બન્ને વચ્ચે ચાલી રહેલાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનું સ્તર દિવસેને દિવસે ગંભીર થતું જઈ રહ્યું છે. ત્યારે નોર્થ કોરિયામાં આશરે 47 લાખ લોકોએ સેનામાં જોડાવાની વાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટુડન્ટ્સ અને વર્કરની આ સંખ્યામાં 12.2 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને છેલ્લા છ દિવસ દરમિયાન કોરિયન પીપલ્સ આર્મીમાં શામિલ થવા બાબતે પૂછવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર કોરિયાઈ નેતા કિમ જોંગ ઉને 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિના ભાષણની કડક નિંદા કરી હતી. આ ભાષણમાં ડોનાલ્ડ ટ્રંપે ઉત્તર કોરિયાને સંપૂર્ણ રિતે નષ્ટ કરવાની ધમકી આપી હતી.

ત્યારબાદ કિમ જોંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક રીતે અસ્વસ્થ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા બેઈજ્જતીનો જવાબ ઉચ્ચસ્તર પર આપશે.

સૈન્ય વિકલ્પ માટે તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપતા જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા સામે લડવા માટે અમારી પાસે વિકલ્પ સંપૂર્ણ રીતે તૈયાર છે. સાથે જ તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે બંન્ને દેશો વચ્ચે આગળ તણાવ વધવાની સ્થિતીમાં આવું કરવું વિધ્વંસકારી હશે.

અમેરિકાએ નોર્થ કોરિયા પર ફરીએક પ્રતિબંધની ઘોષણા કરી છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના 8 બેંકો અને 26 એક્ઝિક્યુટિવ્સને પ્રતિબંધિત કર્યા છે. આપને જણાવી દઈએ કે હમણા જ અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર લગાવાયેલો આ બીજો પ્રતિબંધ છે. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૈવલ બેન લગાવ્યો હતો.

કોરિયાઈ પ્રાયદ્વિપ પર વધ્યો તણાવ

3 સપ્ટેમ્બરના રોજ પરમાણુ પરીક્ષણ સહિત કિમ જોંગના નિરંતર હથિયાર પરીક્ષણ અને ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી નિવેદનબાજીઓએ કોરિયાઈ પ્રાયદ્વિપ પર તણાવ વધારી દીધો છે.