બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયાએ મેળવ્યો આશ્વાસનસમો વિજય…

બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે 28 સપ્ટેંબર, ગુરુવારે રમાઈ ગયેલી ચોથી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21-રનથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (124) અને આરોન ફિન્ચ (94)ની ઓપનિંગ જોડીએ કરેલા 231 રનની મદદથી પોતાના હિસ્સાની 50 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 334 રન કર્યા હતા. ભારતીય ટીમ તેના જવાબમાં 50 ઓવરમાં 8 વિકેટે 313 રન કરી શકી હતી. પાંચ મેચોની સિરીઝની પહેલી 3 મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝને પોતાના કબજામાં લઈ ચૂકી છે, પણ બેંગલુરુ મેચમાં પરાજયને કારણે એની સરસાઈ ઘટીને 3-1 થઈ છે. પાંચમી અને છેલ્લી વન-ડે મેચ 1 ઓક્ટોબરે નાગપુરમાં રમાશે. 335ના ટાર્ગેટને ચેઝ કરવામાં ભારતના બેટ્સમેનોએ જોરદાર લડત આપી હતી. રોહિત શર્મા (65) અને અજિંક્ય રહાણે (53)ની ઓપનિંગ જોડીએ 106 રનની ભાગીદારી કરી હતી. તો મિડલ ઓર્ડર બેટ્સમેન કેદાર જાધવે 67, હાર્દિક પંડ્યાએ 41, મનીષ પાંડેએ 33, કેપ્ટન વિરાટ કોહલીએ 21 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર કેન રિચર્ડસન 58 રનમાં 3 વિકેટ સાથે ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. 119 બોલમાં 12 ચોગ્ગા, ચાર છગ્ગા સાથે 124 રન કરનાર વોર્નરને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરાયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]