જેટલી-સિન્હા વચ્ચે તૂતૂમૈમૈ… સરકાર-વિરોધી સિન્હાને જેટલીએ ’80મા વર્ષે નોકરી માગનાર’ કહી ઠેકડી ઉડાવી

નવી દિલ્હી – કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીના બે વરિષ્ઠ નેતા વચ્ચેની શાબ્દિક ફટકાબાજીએ રસપ્રદ વાતાવરણ ઊભું કર્યું છે. આ બંને નેતા નાણાંપ્રધાન છે – એક છે, વર્તમાન નાણાંપ્રધાન અરૂણ જેટલી અને બીજા છે ભૂતપૂર્વ નાણાંપ્રધાન યશવંત સિન્હા.

સિન્હાએ નોટબંધી અને જીએસટી અમલ મુદ્દે મોદી સરકારની આકરી ટીકા કરી છે.

જેટલીએ ગઈ કાલે એક સમારંભમાં એમના સંબોધનમાં સિન્હાને જોરદાર રીતે વળતો જવાબ આપ્યો હતો અને તીખી ટકોર કરીને એમને સંભળાવ્યું હતું કે નોકરી માગવા નીકળેલાની ઉંમર 80ને પાર છે.

બાદમાં, સિન્હાએ એના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે જો હું નોકરીનો અરજદાર હોત તો જેટલીને નાણાં ખાતું મળ્યું ન હોત.

સિન્હાએ લખેલા એક લેખમાં જેટલી પર આરોપ મૂક્યો છે કે નોટબંધી અને જીએસટી અમલમાં મૂકીને એમણે દેશના અર્થતંત્રને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

જેટલીએ નાણાંપ્રધાન તરીકે પોતાના દેખાવનો બચાવ કર્યો છે અને સિન્હાની ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું કે, 1991માં ભારત પાસે 4 અબજ ડોલરથી ઓછું ફોરેન રીઝર્વ હોવાને કારણે ધિરાણ ચૂકતે કરવા માટે પોતાનું સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. એ વખતે યશવંત સિન્હા દેશના નાણાંપ્રધાન હતા.

જેટલીએ નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા@70 મોદી@3.5’ નામક એક પુસ્તકના વિમોચન પ્રસંગે કહ્યું હતું કે, ભાજપની સરકારને આગલી કોંગ્રેસ-યૂપીએની સરકાર પાસેથી 9-10 ટકાનો મોંઘવારી દર વારસામાં મળ્યો હતો, જે હાલ ભાજપના શાસનમાં ઘટીને 3.6 ટકા થઈ ગયો છે.