કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાત તેમની અન્ય મુલાકાતોની સરખામણીએ ઘણી અલગ રહી તેના પર ઘણાં રાજકીય પંડિતોનું ધ્યાન ગયું છે અને બદલાયેલો પરિવેશ સમજણમાં લઇ સમજાવી પણ રહ્યાં છે. ખાસ તો સૌરાષ્ટ્રની ધરતી ખૂંદવા માટે યાત્રાધામોનું ભ્રમણ રાહુલ ગાંધીની આ ચૂંટણીપ્રવાસમાં બદલાયેલી વાત રહી. કોંગ્રેસની પરંપરાથી સેક્યૂલર છબિ રહી છે તેથી ખૂણેખૂણાના મંદિરોમાં ફરવું ગાંધી પરિવારને બહુ જચતું નથી. પણ રાજકારણની ચોપાટના નવાં ચોકઠાં બેસાડવાનો નવો દાવ રાહુલ પોતાની ગરજે પણ આ વખતે રમ્યાં ખરાં..વિધાનસભા ચૂંટણીની ઔપચારિક જાહેરાત થાય અને આચારસંહિતા લાગુ પડે ને તેના નિયમોમાં બંધાય તે પહેલાં પોતાની રીતે જેટલું જોર અજમાવીને બોલવું હોય તે કરી લેવાનું રાજકારણ હવે રાહુલ ગાંધીની કોંગ્રેસ સમજી ગઇ છે. તેમણે રાજનૈતિકરૂપે અત્યંત મહત્વપૂર્ણ એવા સૌરાષ્ટ્ર પંથકમાં ત્રણ દિવસની નવસર્જન યાત્રા કરી હતી. સૌરાષ્ટ્ર પહોંચેલા રાહુલ ગાંધીએ જીએસટી, પાટીદાર અને નોટબંધી જેવા મુદ્દાઓ પર બીજેપી અને નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ નવસર્જન યાત્રામાં રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા કોંગ્રેસ પર લગાવાયેલા “હિંદુ વિરોધી” અને અલ્પસંખ્યકોના તુષ્ટિકરણ જેવા આરોપોનો પણ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સિવાય સોફ્ટ હિંદુત્વ કાર્ડ ખોલ્યું હતું. રાહુલ ગાંધીએ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રના પાંચ મંદિરોની મુલાકાત કરી.એટલું જ નહીં રાજકોટ તેમ જ જામનગરમાં ગરબામાં પણ ભાગ લીધો હતો. રાહુલે 25 સપ્ટેમ્બરના રોજ દ્વારિકાધીશ મંદિરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરી પોતાની યાત્રા શરૂ કરી હતી અને સાથે ચોટીલાનો ડુંગર ચડીને માતા ચામુંડાના દર્શન કર્યા હતાં.
તો આ સાથે જ પટેલ પ્રાઇડ યાત્રાધામ એવા કાગવડના ખોડલધામની પણ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી. અહીંયા લેઉવા પટેલ સમાજ દ્વારા મા ખોડીયારનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. રાજકોટ બાદ રાહુલ વીરપુર જલારામ બાપાના દર્શને પણ ગયાં હતાં જો કે જલારામ મંદિરમાં જવાનો તેમનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ નહોતો. રાહુલની યાત્રાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું હતું કે બીજેપી અને આરએસએસના લોકો કોંગ્રેસને હિંદુ વિરોધી ગણાવે છે તે વાતનો જવાબ આપવા રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોની મુલાકાત કરી હતી.ભાજપે કોંગ્રેસ પર હિંદુ વિરોધી હોવાના કરેલા આક્ષેપ પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે કોંગ્રેસ તમામ ધર્મોને સમાનરૂપે સન્માન આપે છે. કટોકટીનો બાદ થયેલી ચૂંટણીમાં જીત્યા બાદ ઈન્દિરા ગાંધીએ અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હતા. શક્તિસિંહે જણાવ્યું કે અમે લોકો આશ્વસ્ત છીએ કે 22 વર્ષ બાદ ફરીથી ગુજરાતમાં કોંગ્રેસની વાપસી થશે અને એટલા માટે જ રાહુલ ગાંધી માટે તરોતાજા કહેવાય એવી તસવીરો સામે આવી જેમાં તેઓ મંદિરોમાં જઈને ભગવાન અને માતાજીના આશીર્વાદ લઈ રહ્યાં છે.
ચાલો એટલું તો કબૂલ્યું કે કોંગ્રેસના યુવરાજ 22 વર્ષે ગુજરાતમાં કોઇ મંદિરમાં આવ્યાં, ભલેને તેમાં શ્રદ્ધા કરતાં સબૂતનો મુદ્દો કેમ ન હોય. પૂજનઅર્ચન કેવી રીતે કરવું તે શીખવામાં ગુજરાત કોંગ્રેસનો કેટલો સુંદર સાથ મળ્યો તેની નોંધ પણ બધે લેવાઇ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સરદાર સાહેબે સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાથી ગાંધી પરિવાર સોમનાથ દર્શન કરવા જતાં નથી તેવો આક્ષેપ કર્યો હતો, જોઇએ હવે કદાચ આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા કે સોનિયા ગાંધી આ મહેણું ભાંગવા સોમનાથદાદાના શરણે ક્યારે આવે છે. લગભગ તો શક્યતા એવી લાગે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના કાર્યક્રમો ગોઠવાય ત્યારે આ મુદ્દાનું પણ ધ્યાન રાખવામાં આવે..!