રૂપાલની પલ્લી માટે તંત્ર દ્વારા ખાસ સ્વચ્છતા આયોજન

ગાંધીનગરઃ રૂપાલમાં પ્રતિવર્ષ યોજાતાં વરદાયિની માતાજીના પલ્લીના ઉત્સવમાં-મેળામાં લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે આ વર્ષે માતાજીના આ પવિત્ર ઉત્સવમાં તંત્ર દ્વારા પણ ખાસ તકેદારીઓ રાખવામાં આવી છે. ખાસ કરીને સ્વચ્છતા પર ખૂબ ભાર મુકવામાં આવ્યો છે. સ્વચ્છતા જળવાય તે માટે રાઉન્ડ ધી કલોક મોનીટરિંગ કરવામાં આવશે. દુકાનદારોને પ્લાસ્ટિક અને પાણીના પાઉચ દ્વારા ગંદકી ન થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે.

રૂપાલ ખાતે પ્રતિવર્ષ માતા વરદાયીનીની પલ્લીનો ઉત્સવ-મેળો યોજાય છે. આખા ગામમાં મા વરદાયીની પલ્લી ફરે છે અને આ પલ્લીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. ત્યારે રૂપાલ ખાતે વરદાયિની માતાજીના પલ્લીના મેળાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઇપણ પ્રકારની તકલીફ પડે નહી તે માટે રૂપાલ ખાતે જિલ્લા કલેકટર સતીશ પટેલના અધ્યક્ષ સ્થાને મંદિરના ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેકટર સતીશ પટેલે જણાવ્યું હતું કે, નોમના પલ્લીના મેળામાં આવતા લાખો દર્શનાર્થીઓને પ્રાથમિક જરૂરિયાત જેવી કે, પીવાના પાણી, વીજળીઅને વાહન વ્યવહાર સહિત ટ્રાફિક અને સ્વચ્છતા જળવાય તે માટે રાઉન્ડ ધી કલોક મોનીટરીંગ થવું જોઇએ. સ્વચ્છતા અને આરોગ્ય તથા કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિકના પ્રશ્નો અંગે તકેદારીના ભાગરૂપે બેનરો અને અગત્યના ટેલીફોન નંબરના સંપર્કો દર્શાવતા બેનરો પ્રદર્શિત કરવાના આયોજન અંગે પણ વાત કરવામાં આવી હતી. માતાજીની પલ્લી ઉપર શુઘ્ઘ ધી નો માત્ર પ્રતિક રૂપે અભિષેક થાય અને ડુપ્લીકેટ ધી નું વેચાણ ન થાય તે માટે ૪૦ વેપારીઓના ધી વેચાણના રજીસ્ટ્રેશન ઉપરાંત મધુર ડેરીના ચાર સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય માટે ચાર મેડીકલ ટીમ સહિત ૧૦૮ની વ્યવસ્થા કરવામાં આવી છે. દુકાનદારોને પ્લાસ્ટિક અને પાણીના પાઉચ દ્વારા ગંદકી ન થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. ગાંધીનગર, કલોલ અને માણસા ડેપોની વધુ એસ.ટી બસ રૂપાલ માટે ફાળવવા અને વધુ ટ્રીપોનું આયોજન કરવામાં આવશે.

રૂપાલની પલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે બે ડીવાયએસપી, આંઠ પી.આઈ, 27 પીએસઆઈ,344 પોલીસ, 65 મહિલા પોલીસ, 10 કમાન્ડો અને 230 હોમગાર્ડના જવાનો ફરજ બજાવશે.