પાણીમાં ડૂબેલા પાટા પરથી એક્સપ્રેસ ટ્રેન ભગાવવાની ઘટનાઃ વિરાર સ્ટેશનના બે અધિકારી સામે લેવાશે શિસ્તભંગના પગલાં

મુંબઈ – ગઈ 20 સપ્ટેંબરે મુંબઈ તથા પડોશના પાલઘર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક સ્ટેશનો ખાતે પાટા પર પાણી ફરી વળ્યા હતા. પાલઘર જિલ્લાનું નાલાસોપારા સ્ટેશન પણ એમાંથી બાકાત નહોતું.

એ દિવસે સવારે લગભગ 6.45 વાગ્યે 4 નંબરના પ્લેટફોર્મ પર ઊભેલા પ્રવાસીઓના આશ્ચર્ય વચ્ચે એક એક્સપ્રેસ ટ્રેન વ્હીસલ મારતી ધસમસતી આવતી દેખાઈ હતી. લોકોને વધારે આશ્ચર્ય એ થયું હતું કે પાટા પર પાણી ફરી વળ્યા હતા તે છતાં એ મેલ ટ્રેન ખૂબ જ પૂરપાટ ગતિએ પસાર થઈ હતી. ટ્રેન એ રીતે ભાગતી આવી હતી એને લીધે પ્લેટફોર્મ પર ઊભેલા લોકો પર ખૂબ પાણી ઊડ્યું હતું અને લોકોને રક્ષણ મેળવવા અહીંતહીં ભાગવું પડ્યું હતું.

ઘણા પ્રવાસીઓએ પોતપોતાના મોબાઈલ ફોન દ્વારા એ દ્રશ્યની મૂવી ઉતારી લીધી હતી.

એ વિડિયો બાદમાં તરત જ સોશિયલ મિડિયા પર વાયરલ થયો અને જયપુર-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન ડ્રાઈવર અને જવાબદાર રેલવે અધિકારીઓ સામે પગલાં લેવાની માગણી થઈ હતી.

આખરે પશ્ચિમ રેલવે તંત્રે તપાસ યોજી હતી. હવે બે અધિકારીને કસુરવાર ઠેરવવામાં આવ્યા છે. આ બે જણ છે – વિરારના સ્ટેશન માસ્તર બિપીનકુમાર સિંહ અને ઈન્સ્પેક્ટર શેખ અબ્દુલ રહીમ. આ બંને સામે આરોપ છે કે એમણે યોગ્ય સ્પીડ નિયંત્રણો ઈસ્યૂ કર્યા નહોતા.

બિપીન સિંહે એક્સપ્રેસ ટ્રેનના એન્જિન ડ્રાઈવર સાથે કોઈ સંદેશવ્યવહાર કર્યો નહોતો. તે વખતે નાલાસોપારા સ્ટેશનના પાટા પર 150 મી.મી.થી વધુનું જળસ્તર હતું.

નિયમો એવા છે કે જો પાટા પર પાણી ભરાયું હોય તો ટ્રેનની સ્પીડ ખૂબ ઓછી કરી દેવી, કારણ કે ડૂબી ગયેલા પાટા પરથી સ્પીડમાં ભગાવવાથી ટ્રેન ઉથલી પડવાની સંભાવના રહે છે.

 

httpss://www.youtube.com/watch?v=xzAeD6t71PE