કંગના ફરી વિવાદમાં સપડાઈઃ આદિત્ય પંચોલીએ કાનૂની નોટિસ ફટકારી

મુંબઈ – કંગના રણૌત બોલીવૂડમાં એક પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે જાણીતી થઈ છે, પરંતુ સાથોસાથ નાની-મોટી મુસીબતો કે વિવાદ પણ એનો પીછો છોડતાં નથી.

કંગનાએ હાલમાં એક મુલાકાત વખતે તેનાં ભૂતકાળનાં પ્રેમ પ્રકરણો વિશે આંચકાજનક કબૂલાત કરી હતી. એનાં ઘટસ્ફોટની ઋતિક રોશન, અધ્યયન સુમન પર કોઈ અસર થઈ નથી અને એમણે મૌન ધારણ કરી રાખ્યું છે, પણ અભિનેતા આદિત્ય પંચોલીની અભિનેત્રી પત્ની ઝરીના વહાબ ખૂબ રોષે ભરાઈ છે. તો આદિત્યએ તો ‘સિમરન’ની અભિનેત્રી કંગનાને કાનૂની નોટિસ ફટકારી દીધી છે.

ઝરીના વહાબે કંગના સામે ક્રિમિનલ અને માનહાનિનો કેસ કરવાનો નિર્ણય લીધો છે.

આદિત્ય પંચોલીએ કહ્યું છે કે કેસ હવે કોર્ટને આધીન છે તેથી એ વિશે વધારે કંઈ ન બોલવાની તેના વકીલોએ સલાહ આપી છે.

એક મુલાકાતમાં ઝરીનાએ કહ્યું કે, કંગના હવે તો ખરેખર હદ વટાવી ગઈ છે. ફિલ્મના પ્રમોશન માટે આવી વાતો કરવાની શું જરૂર હતી? જૂના સંબંધો વિશે કાદવ ઉછાળવાને બદલે એણે ભૂતકાળનું દફન કરી દેવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે કંગનાએ એવો દાવો કર્યો છે કે પોતે ઉંમરમાં આદિત્ય પંચોલીની પુત્રી સના કરતાંય નાની છે.

ઝરીના વહાબને ગુસ્સો એ વાતનો ચડ્યો છે કે કંગનાએ આ બધામાં એમની પુત્રી સનાને શા માટે ઢસડી છે. ‘પોતાના પ્રચારમાં મારી દીકરીનું નામ ઢસડવા બદલ કંગનાએ મારી માફી માગવી જોઈએ. કંગના એ ભૂલી ગઈ છે કે એ જ્યારે મુંબઈમાં નવી આવી હતી ત્યારે મેં અને નિર્મલ (આદિત્ય પંચોલીનું ખરું નામ)એ એને કેટલી મદદ કરી હતી. નિર્મલે જ કંગનાનાં નામની નિર્માતાઓને ભલામણ કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]