USના સંરક્ષણપ્રધાનની મુલાકાત સમયે જ કાબૂલ એરપોર્ટ પર હુમલો

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આશરે 30 જેટલા રોકેટથી હુમલો કરાયો છે. મળતી માહિતી મુજબ અમેરિકાના રક્ષાપ્રધાન જનરલ મેટિસ અને નાટોના વરિષ્ઠ અધિકારી જેન્સ સ્ટોલટનબર્ગની અફઘાનિસ્તાન મુલાકાત સમયે આ હુમલો કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ આ હુમલો રોકેટથી કરવામાં આવ્યો છે. અને અંદાજે 20થી 30 જેટલા રોકેટથી હુમલો કરાયાની વાત અફઘાનિસ્તાન ગૃહમંત્રાલયે સ્વીકારી છે. હાલ આ મામલે કોઈ પણ પ્રકારના જાનમાલની નુકસાનના સમાચાર નથી.

સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ રોકેટ લૉન્ચ કરાયા બાદ ફાયરિંગના પણ અવાજ સાંભળવા મળ્યાં છે. સુરક્ષાના કારણોસર એરપોર્ટ ખાલી કરાવી દેવાયું છે અને તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હાલમાં જ અફઘાનિસ્તાનમાં પોતાના વધુ સૈનિકો મોકલવાની વાત જણાવી હતી. આ મામલે અમેરિકાના રક્ષાપ્રધાન સ્થિતિની સમીક્ષા કરવા અફઘાનિસ્તાન પહોંચ્યા છે. રોકેટ હુમલા અંગે હજી સુધી કોઈપણ આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.