ICC બની એકદમ કડકઃ બેકાબૂ ક્રિકેટરોને ફૂટબોલ સ્ટાઈલમાં મેદાનમાંથી કાઢી મૂકાશે

ક્રિકેટની રમતનું વિશ્વસ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મેચ દરમિયાન ખેલાડીઓ યોગ્ય રીતે વર્તન કરે એ માટે 16 નવા નિયમો ઘડ્યા છે અથવા જૂના નિયમોને કડક બનાવ્યા છે. આઈસીસી સંસ્થાએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હવે પછી જો કોઈ ખેલાડી મેચ દરમિયાન બેફામ કે બેકાબૂપૂર્ણ વર્તન કે વ્યવહાર કરશે તો એને તે હરકત બદલ મેદાનની બહાર મોકલી દેવામાં આવશે. ટૂંકમાં, ક્રિકેટમાં હવે ફૂટબોલની જેવો નિયમ લાગુ કરવામાં આવશે.

આઈસીસી દ્વારા નવા નિયમો બહુ મોડેથી નહીં, આવતી 28 સપ્ટેંબરથી જ લાગુ કરવામાં આવશે.

28 સપ્ટેંબરે કે ત્યારબાદ શરૂ થનાર તમામ ક્રિકેટ શ્રેણીઓ માટે નવા નિયમ લાગુ થશે.

નવી શરતોમાં બેટના કદ પર નિયંત્રણથી લઈને ખેલાડીને સેન્ડ-ઓફ્ફ (મેદાનમાંથી બહાર કાઢી મૂકવા) અને ડિસીઝન રીવ્યૂ સિસ્ટમમાં ફેરફારોનો સમાવેશ થાય છે.

28 સપ્ટેંબરે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ તેમજ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે અને એમાં આ નવા નિયમોના અમલનો આરંભ થશે.

બેટ ડાઈમેન્શન્સ પર નિયંત્રણ

આધુનિક ક્રિકેટ વિશે એમ કહેવાય છે કે એ બેટ્સમેનોની તરફેણ કરતી આવી છે, પરંતુ હવે નવા નિયમમાં બેટના કદ-ડાઈમેન્શન્સ પર નિયંત્રણ મૂકાશે, તેથી બેટ અને બોલ વચ્ચે ઉચિત સંતુલન આવશે.

બેટની લંબાઈ અને પહોળાઈ યથાવત્ રહેશે, પરંતુ બેટની જાડાઈ 40 એમએમની રાખવી પડશે અને ઊંડાઈ (ડેપ્થ) 67 એમએમ રાખવી પડશે. અમ્પાયરોને એ માટે ‘બેટ ગેજ’ આપવામાં આવશે જેનો ઉપયોગ કરીને તેઓ બેટ્સમેેનના બેટની કાયદેસરતાને ચકાસી શકશે.

ગેરવર્તન કરનાર ક્રિકેટરોને ફૂટબોલ સ્ટાઈલમાં સેન્ડ-ઓફ્ફ કરાશે

અમ્પાયર પર હુમલો કરવાની ધમકી આપવી, અમ્પાયર સાથે અયોગ્ય અને ઈરાદાપૂર્વક શારીરિક સ્પર્શ કરવા, કોઈ ખેલાડી કે અન્ય કોઈ પણ વ્યક્તિ પર શારીરિકપણે હુમલો કરવા અને મેદાનમાં હિંસા જેવી અન્ય કોઈ પણ હરકત કરવા જેવો લેવલ-4ના ગુનાઓ કરનાર ખેલાડીઓને મેદાનની બહાર કાઢી મૂકી મેચના બાકીના હિસ્સામાંથી બાકાત કરી દેવામાં આવશે.

ડિસીઝન રીવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)

અમ્પાયરના નિર્ણયને લીધે ફેરફારવિહોણા રહેલા નિર્ણયના કેસમાં ટીમોને એમનો રીવ્યૂ ગુમાવવો નહીં પડે. બીજી બાજુ, ટેસ્ટ ક્રિકેટમાં 80 ઓવર બાદ વધુ ટોપ-અપ રીવ્યૂઝ નહીં અપાય. ટીમોને હવેથી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં ડીઆરએસનો ઉપયોગ કરવા દેવામાં આવશે. ધારો કે કોઈ કેસમાં બેટ્સમેનને એલબીડબલ્યુ આઉટ અપાયો હોય અને રીવ્યૂનું પરિણામ જે તે અમ્પાયરના નિર્ણય પર છોડવામાં આવે અને અમ્પાયર એમના મૂળ નિર્ણયને વળગી રહે તો પણ બેટિંગ ટીમ તેને ફાળવવામાં આવેલો રીવ્યૂ જાળવી શકશે, જે આ પહેલાં બનતું નહોતું.

રન-આઉટ અંગેનો નિયમ હળવો બનાવાયો

નવા નિયમ અનુસાર, જો કોઈ બેટ્સમેન કે બેટ્સવુમન રન લેવા દોડતી વખતે કે ક્રીઝમાં પહોંચવા છલાંગ મારે ત્યારે એનું બેટ પોપિંગ ક્રીઝની પાછળ રહે, પરંતુ બેઈલ્સ ઉખેડતી વખતે એનું બેટ મેદાન સાથેનો સ્પર્શ ગુમાવી બેસે તોય એને રનઆઉટ આપવામાં નહીં આવે.

આ જ નિયમ કોઈ પણ બેટ્સમેન કે બેટ્સવુમન સ્ટમ્પ આઉટ થતા બચવાનો પ્રયાસ કરે તો એ વખતે પણ લાગુ થશે.

હેલ્મેટને વાગીને બોલ ઉછળે તો…

ધારો કે બેટ્સમેને ફટકારેલો બોલ કોઈ ફિલ્ડર કે વિકેટકીપરે પહેરેલી હેલ્મેટ સાથે અથડાઈને ઉછળ્યા બાદ તે બેટ્સમેનને હવેથી કેચઆઉટ, સ્ટમ્પ આઉટ કે રનઆઉટ જાહેર કરી શકાશે.