લંડનના ટાવર હિલ ટ્યૂબ સ્ટેશનમાં વિસ્ફોટ, પાંચ પ્રવાસી ઘાયલ

લંડન – અહીંના ટાવર હિલ સ્ટેશનમાં આજે એક બેગમાં ઓછી તીવ્રતાનો એક વિસ્ફોટ થયા બાદ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું હતું.

ધડાકો થયા બાદ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્ટેશનની બહાર ધક્કામુક્કીમાં થઈ હતી.

ઘટનામાં આશરે પાંચ જણ ઘાયલ થયા હોવાનો અહેવાલ છે.

અહેવાલો અનુસાર, ધડાકો ઈસ્ટ લંડનથી ઈલિંગ બ્રોડવે તરફ જતી એક મેટ્રો ટ્રેનમાં થયો હતો. ધડાકો થયા બાદ એસીડ જેવી દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.

બાદમાં, લંડનના અગ્નિશામક દળે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટાવર હિલ સ્ટેશન ખાતે એક ટ્રેનમાં થયેલા ધડાકાની જાણ થતાં જ અમારા જવાનો પહોંચી ગયા હતા. એવું જણાય છે કે કોઈક મોબાઈલ ફોન ચાર્જરને કારણે ધડાકો થયો હતો.

બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે ટ્વીટ કર્યું હતું કે ફાયર એલર્ટને પગલે ટાવર હિલ સ્ટેશન કામચલાઉ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.