મમતાની મમત મુસ્લિમોની જ મુશ્કેલી વધારશે

શ્ચિમ બંગાળનું નામ હવે માત્ર બંગાળ છે. મમતા બેનરજીએ નામ બદલ્યું હતું, પણ બીજી કેટલીક બાબતમાં મમતાદીદી બદલાયાં નથી. જીદની બાબતમાં બહેન બદલાયાં નથી. તેમણે જીદ લીધી છે કે પોતે ડાબેરીઓ અને કોંગ્રેસીઓ કરતાં પણ સવાયા સેક્યુલર થઈને દેખાડશે. તેમની ભાવના કદાચ સારી પણ હશે અને તેમને લાગતું હશે કે રાજ્યમાં વિશાળ વસતિ મુસ્લિમોની છે, તેમના માટે વિચારવું રહ્યું. સાચી વાત છે કે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીનાં પગલાંને કારણે મુસ્લિમોની મુશ્કેલી વધી શકે છે. આ વખતના મુર્હરમ પહેલાં જ વિનાકારણે વિવાદ ઊભો થયો છે અને વાતાવરણ તંગ થઈ ગયું છે.

વિજયા દશમી આ વખતે છે ૩૦મી સપ્ટેમ્બરે. કોલકાતા સહિત સમગ્ર રાજ્યમાં દુર્ગા પૂજાનું ભારે મહત્ત્વ છે. દશેરાના દિવસે મોટી મૂર્તિઓનું વિસર્જન થતું હોય છે. મુંબઈમાં ગણપતિ વિસર્જન જેવી ભીડ, બલકે તેનાથી વધારે ભીડ કોલકાતામાં દુર્ગા વિસર્જન વખતે થાય છે. આ વખતે મોહર્રમ પહેલી ઓક્ટોબર પડે છે. દશેરાના બીજા દિવસે. દશેરાએ રાતના ૧૦ વાગ્યા સુધી દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન કરી શકાશે એમ સરકારે જાહેર કર્યું હતું. બીજા દિવસે મોહર્રમ હોવાથી વિસર્જન 24 કલાક માટે બંધ અને પછી બીજીથી ચોથી સુધી વિસર્જન ચાલે.

આમ તો દશેરાએ જ મોટા ભાગે વિસર્જન થઈ જાય છે, એથી પ્રતિબંધની વાત સરકારે ના કરી હોત તહેવારો શાંતિથી પૂર્ણ થયાં હોત. પણ મમતાને લાગ્યું કે બે તહેવારો ભેગા થશે તો અશાંતિ થશે. તેમણે અશાંતિની આશંકાથી પ્રતિબંધ જાહેર કરી દીધો અને મહાઅશાંતિ ઊભી કરી દીધી છે. કેમ કે હવે કેટલાક લોકો મમતા જેવી જ જીદ લઈને બેઠાં છે કે મોહર્રમના દિવસે હવે તો વિસર્જન કરવું છે.

મામલો અદાલત સુધી પહોંચ્યો અને હાઇકોર્ટે સરકારની ટીકા કરી કે શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કામ તમારું છે, પ્રતિબંધ મૂકવાનું કામ તમારું નથી. હાઈકોર્ટમાં મમતાની સરકારે એવી દલીલો કરી હતી કે કોમી સદભાવના જાળવી રાખવા આવું કરાયું છે. એક જ દિવસે વિસર્જન અને મોહર્રમના સરઘસો નીકળે ઊભી થનારી કોમી તંગદિલીને ટાળવાની સરકારની ઈચ્છા છે. પણ થયું છે તેનાથી ઉલટું. મમતાએ સદભાવનાની જગ્યાએ દુર્ભાવના ઊભી કરી છે અને તંગદિલી વધારી મૂકી છે.

દુર્ગા પૂજા એ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. દેશની બહુમતીનો તહેવાર છે. લઘુમતીના તહેવાર ખાતર બહુમતીના તહેવારની ઉજવણી અટકાવી દેવાઈ હોય તેવું કદાચ દુનિયાના કોઈ દેશમાં નહીં બન્યું હોય. લઘુમતી પોતાનો તહેવાર ઉજવી શકે તે માટે સરકારે અડચણો હોય તે દૂર કરવી રહી, પણ તેનો અર્થ એવો ના કરી શકાય કે બહુમતીના તહેવારને તમે અટકાવો. આ એ જ ભાવનાનું ઉલ્લંઘન થયું, જે ભાવના હેઠળ લઘુમતીને તેમના અધિકારો મળ્યાં છે. એ ભાવના કે દરેકને પોતાના ધર્મપાલનનો અધિકાર હોવો જોઈએ. દરેકમાં બહુમતી પણ આવી જાય એટલી સાદી વાત મમતા બેનરજી સમજ્યાં નથી કે ઈરાદાપૂર્વક સમજવા માગતાં નથી. તેઓ લઘુમતીના અધિકારો માટે વિશેષ કાળજી લેવા માગે છે, પણ તેનાથી લઘુમતીનું જ સૌથી મોટું અહિત તેમણે કર્યું છે તે વાત કમ સે કમ લઘુમતીએ જાતે સમજવાની જરૂર છે. તાજિયાના જુલુસમાં હિન્દુઓ પણ જોડાતા હોય તે દેશમાં મમતાએ આવું પગલું લેવાની જરૂર નહોતી. વાંક મુસ્લિમોનો નથી. વાંક મમતાનો છે, પણ બહુમતી લોકોના મનમાં રંજ પેદા થયો છે તેના કારણે વિના વાંકે મુસ્લિમો સામે મનમાં ડંખ ઊભો થશે.

જોકે બંગાળમાં આ પહેલીવાર આવું થયું નથી. દુર્ગા પૂજા અને મોહર્રમ નજીક નજીક આવી જાય તેવું ઘણીવાર બન્યું છે. 1981 અને 1982માં પણ વિસર્જન અને મોહર્રમ એક સાથે થઈ ગયાં ત્યારે તે વખતની સરકારોએ પ્રતિબંધ મૂક્યો હતો. પણ ભૂતકાળમાં ખોટું થયું હતું એટલે ફરી ખોટું કરવું એ કોઇ લોજિક નથી. અમદાવાદમાં રથયાત્રા અને ઈદ એકસાથે આવી જાય છે ત્યારે પોલીસ વિશેષ બંદોબસ્ત ગોઠવે છે અને બંને કોમના અગ્રણીઓ વિશેષ કાળજી લે છે અને તહેવારો શાંતિથી પૂર્ણ થાય છે. મમતા બેનરજીને શાંતિની જ પરવા હોત તો તેઓ પણ પૂરતો બંદોબસ્ત અને બંને કોમના અગ્રણીઓની શાંતિ સમિતિ બનાવીને તહેવારોને પાર પાડી શક્યાં હોત. પણ લઘુમતી વોટબેન્કની જ રાજનીતિ મમતા બેનરજીએ આગળ વધારી છે તે સમજી શકાય તેમ છે. કોંગ્રેસની આવી નીતિથી પોતાનું અહિત થયું છે તે સમજી ગયેલા મુસ્લિમોએ યુપી – બિહારમાં કોંગ્રેસને તડકે મૂકી દીધી છે. બંગાળના મુસ્લિમો મમતાનું હવે શું કરે છે તે જોવાનું રહ્યું.