ઑલરાઉન્ડ વેચવાલીથી શેરબજારનો સેન્સેક્સ વધુ 295 પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ– શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે અને સતત પાંચમી ટ્રેડિંગ સેશનમાં ગાબડુ પડ્યું હતું. નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે ટેન્શન વધ્યું છે. જેને પગલે વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે ગભરાટ વચ્ચે ગાબડા પડ્યા હતા. જેની પાછળ ભારતીય શેરોની જાતે-જાતમાં ઑલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 295.81(0.93 ટકા) ગગડી 31,626.63 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 91.80(0.92 ટકા) તૂટી 9872.60 બંધ થયો હતો.

જિઓયોપોલિટકલ ટેન્શનને પગલે સતત પાંચ દિવસથી માર્કેટ સતત ઘટી રહ્યું છે. તેમજ ભારતની ઈકોનોમીને લઈને પણ ચિંતાના વાદળો ઘેરાયા છે. જેથી તેજીવાળા અને મંદીવાળા ખેલાડીઓએ શેરોની જાતેજાતમાં ભારે વેચવાલી કાઢી હતી. સાથે એફઆઈઆઈ પણ નેટ સેલર હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 448 પોઈન્ટ ગબડી પડ્યો હતો, જો કે સ્થાનિક નાણા સંસ્થાઓએ અને મ્યુચ્યુઅલ ફંડોએ બ્લુચિપ શેરોમાં ટેકારૂપી લેવાલી કાઢી હતી, પરિણામે શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઘટ્યા મથાળેથી સુધર્યા હતા.

  • આગામી ગુરુવારે સપ્ટેમ્બર એફ એન્ડ ઓની એક્સપાયરી આવે છે, જેથી ઉભા ઓળિયા સુલટાયા હતા.
  • વડાપ્રધાન મોદી ભારતની ઈકોનોમીને મંદીમાંથી બહાર કાઢવા માટે રાહતપેકેજની જાહેરાત કરે તેવો આશાવાદ હતો.
  • છેલ્લી બે ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 750 પોઈન્ટનું ગાબડુ પડ્યું છે.
  • છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડીમાં 4 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
  • કૈપેસાઈટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સના આઈપીઓના નવા શેરનું ઘટતા બજારમાં પણ શાનદાર લિસ્ટિંગ થયું છે. કૈપેસાઈટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સનો શેર 60 ટકા પ્રિમિયમથી રૂપિયા 399ના ભાવે લિસ્ટ થયો હતો. જે નવા શેરની ઈસ્યુપ્રાઈઝ રૂ.245-250 હતી.
  • આજ તમામ સેકટરના શેરો માઈનસમાં બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 177.36 માઈનસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 329.90 તૂટ્યો હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]