રોહિંગ્યા મુસ્લિમોને આશરો આપવો કે નહીં ?

રોહિંગ્યા મુસ્લિમોને આશરો આપવો જોઈએ કે નહીં તેવો સવાલ ઊભો થયો અને તેનો જવાબ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપવો પડ્યો છે. જોકે આ એક એવો મામલો હતો કે દેશના હિતમાં જ વિચારવું પડે, વિશ્વ શું કહેશે તે વિચારવાનું નથી, કેમ કે નિરાશ્રિતોને કારણે કેવી સમસ્યા થઈ શકે છે તેનાથી ભારત અજાણ નથી. માનવતાના નામે વિચારવાનો ઇનકાર કોઈ કરે નહીં, પણ માનવતાનો એક અર્થ એ પણ થાય છે કે હાલમાં તમારા દેશમાં જે માનવો રહે છે તેના હિતનો પણ વિચાર કરવો. વસતીથી ઊભરાતા દેશમાં થોડા હજાર લોકોને પણ સામેલ કરવા એ દેશમાં રહેતાં માનવોને અન્યાય કરવા જેવું થશે. ખાસ કરીને રોહિંગ્યા જેવા જૂથોને કે જેમાં આતંકવાદને પોષતા જૂથો ઊભા થવા લાગ્યા છે.

મ્યાનમારમાં વર્ષોથી વિપક્ષના નેતા તરીકે ત્રાસ સહન કરનાર સૂ કીએ પણ કહેવું પડ્યું છે કે નિર્દોષ રોહિંગ્યાને ભોગવવાનું આવ્યું છે, કેમ કે તેમાં જ કેટલાક જૂથો એવા ઊભા થયાં છે જે મ્યાનમારની પોલીસ પર, મ્યાનમારની સેના પર અને મ્યાનમારના સરકારી તંત્ર પર હિંસક હુમલા કરે છે. સોશિયલ મીડિયામાં વાત મજાકમાં અને કટાક્ષમાં કહેવાતી હોય છે, પણ તેમાં ખૂંચે તેવું સત્ય હોય છે. રોહિંગ્યા મુસ્લિમોના મામલે ટીપ્પણીઓ થઈ રહી છે કે મ્યાનમારની સરહદેથી જેમ ભારત અને બાંગ્લાદેશ આવી શકાય છે, તે રીતે ચીન પણ જઈ શકાય છે. પણ રોહિંગ્યા મુસ્લિમો ચીનમાં જવા માગતાં નથી. શા માટે જવા ચીનમાં જવા માગતાં નથી તેનો જવાબ સામાન્ય માણસ પણ જાણે છે.

દુનિયા ચીનને સલાહ આપવાની હિંમત કરે નહીં, પણ ભારતને સલાહ આપવાનું સૌને હાથવગું થઈ પડ્યું છે. ભારતને કોઈને સલાહ આપવાની જરૂર નથી, કેમ કે ભારતે પીડિત લોકોને સદાય આશરો આપ્યો છે. ઈસુ ખ્રિસ્તને દેહાંત દંડ દઈ દેવાયો અને તેમના 12 શિષ્યોએ નાસી જવું પડ્યું, ત્યારે તેમાંથી એક શિષ્ય થોમસ કેરળમાં આવીને આશરો પામ્યાં હતાં. ઈસ્લામ આવ્યો તે પહેલાંથી આરબો ભારત સાથે દરિયા માર્ગે વેપાર કરવા આવતાં હતાં. ઈસ્લામ આવ્યો ત્યારે તેઓ ઈસ્લામ પણ લઈ આવ્યાં અને બહુ પ્રારંભે ઊભી થયેલી મસ્જિદોમાં ભારતમાં ચણાયેલી મસ્જિદોનો સમાવેશ થાય છે. યહુદીઓને જગતનો કોઈ દેશ સંઘરવા તૈયાર નહોતો ત્યારે યહુદીઓ ભારતમાં શાંતિથી સદીઓ સુધી રહ્યાં છે. પારસીઓનો દાખલો ગુજરાતીને યાદ પણ ના કરાવવો પડે એટલો જાણીતો છે.

એ જ ઉદારતા રોહિંગ્યા મુસ્લિમો માટે દાખવવાનો આ સમય નથી. કેમ કે આ સમય આતંકવાદને પોષણ મળે તેવી કોઈ પણ પ્રવૃત્તિને અટકાવવી પડે તેમ છે.

રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશમાં જ આશરો લે અને ભારત તેને મોટી આર્થિક સહાય આપે તેનો વિરોધ દેશમાંથી કોઈ કરશે નહીં. જગત મ્યાનમાર પર દબાણ કરે અને રોહિંગ્યાને ન્યાય મળે તે માટે કોઈ સમજૂતી કરાવવા માગે તો ભારત તેમાં પણ સાથ આપી શકે છે. પણ રોહિંગ્યાને ભારતમાં વસવા દેવા માટેની મંજૂરી આપી દેવી તે ઉપાય નથી. તેનાથી રોહિંગ્યાની સમસ્યાનો ઉકેલ પણ નથી આવવાનો, માત્ર ભારતની સમસ્યા વધવાની છે. આસામ એક જ દાખલો છે કે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને કારણે ડેમોગ્રાફી કઈ રીતે બદલાઈ જાય છે.

નિરાશ્રિતો માટે એક જરૂરિયાત એ હોય છે કે જ્યાં આશરો મળે તે ભૂમિ સાથે એકાકાર થવું. રોહિંગ્યા મુસ્લિમો એ પણ કરી શક્યાં નથી. બૌદ્ધ પરંપરાના દેશ બર્મામાં તેઓ સદીઓથી વસ્યાં છે, પણ ભારતમાં ઊભી થઈ હતી તેવી અને ગંગા-જમની તરીકે ઓળખાતી પરસ્પર આદરની પરંપરા ઊભી કરી શક્યાં નથી.

છેક ૧૪૩૦માં તે વખતના અખંડ બાંગલા પ્રદેશમાંથી મુસ્લિમો તે વખતના બર્માના અરાકાન પ્રાંતમાં વસવા લાગ્યાં હતાં. બર્મામાં ત્યારે નાના નાના રાજ્યો હતાં અને તેમાંનું એક રાજ્ય એટલે રોહાંગ.  ૧૫મી સદીમાં રોહાંગમાં વસનારા રોહિંગ્યા તરીકે ઓળખાતાં હતાં. તેમાં બૌદ્ધ, હિન્દુ અને મુસ્લિમ બધાં આવી ગયાં. હિન્દુ વસતિ જોકે ત્યારે પણ વધારે નહોતી અને અત્યારે પણ ખાસ નથી. અડધા લાખથી પણ ઓછી હશે એમ કહેવાય છે, જ્યારે રોહિંગ્યા મુસ્લિમોની વસતિ દસ લાખની આસપાસ ગણાય છે. 14મી સદીમાં મુસ્લિમો જઈને વસ્યાં તેનાથી સમસ્યા વકરી ના હોત, પણ મુસ્લિમોનો બીજો પ્રવાહ ૧૮૨૪થી ૧૯૩૦ દરમિયાન બર્મામાં આવ્યો હતો. તે વખતે અંગ્રેજો તેમને મજૂર તરીકે ત્યાં લઈ ગયાં હતાં. અંગ્રેજોનું સામ્રાજ્ય જ્યાં પણ હતું ત્યાં તેમણે આવી વસતિની ભેળસેળ અને ગરબડો કરી છે. સ્થાનિક વસતિ સામે બહારથી લોકોને અંગ્રેજો લઈ આવે અને તેમને વસાવે. તેમનો ઉપયોગ સ્થાનિક વસતી સામે કરે.

અંગ્રેજો જતાં રહ્યાં પણ આ વેરના બી વાવતાં ગયાં હતાં. મ્યાનમારના પશ્ચિમ છેડે આ પ્રાન્તમાં મુસ્લિમોની વસ્તી વધતી રહી અને ૧૯૨૦માં સ્થાનિક બૌદ્ધોને ખ્યાલ આવ્યો કે તેઓ લઘુમતીમાં આવી ગયા છે અથવા આવી જશે. રોષ વધતો ગયો અને ૧૯૩૦ના દાયકામાં રમખાણો થવાં લાગ્યાં હતાં. એક રોહિંગ્યા મુસ્લિમ લેખકે બૌદ્ધ ધર્મને ઉતારી પાડવા માટે પુસ્તક લખ્યું ૧૯૩૮માં મોટું રમખાણ થયું હતું. દાયકાઓ વીતી ગયાં પણ આ વેરભાવના નાબૂદ થઈ શકી નહીં અને તેના કારણે જ ૧૯૮૧માં મ્યાન્મારે બંધારણ બદલ્યું ત્યારે રોહિંગ્યા મુસ્લિમોને નાગરિકત્વ અપાયું નહોતું. ૨૦૧૪માં વસતી ગણતરી થઈ ત્યારે ફરી માગણી થઈ કે રોહિંગ્યાના નામ નાગરિકો તરીકે ગણતરીમાં લો. રોહિંગ્યા બેંગોલી તરીકે ઓળખ આપે તો વસતી ગણતરીમાં નામ સામેલ થાય તેવો નિયમ આવ્યો, પણ રોહિંગ્યા પોતાને બંગાળી તરીકે ઓળખાવા તૈયાર થયાં નહીં. દરમિયાન દરેક દેશમાં થયું છે તે પ્રમાણે આતંકવાદને પ્રોત્સાહન આપનારા તત્વો જે અરબસ્તાનથી પાકિસ્તાન સુધી ફેલાયેલાં છે તે રોહિંગ્યા વચ્ચે પણ પહોંચી ગયાં હતાં. આતંકવાદના બી વવાયા છે તેનો અણસાર આવી જતાં મ્યાનમારની સરકાર વધુ કડક બની છે. ભારતને પણ અણસાર આવી ગયો કે રોહિંગ્યા નિર્દોષ શરણાર્થીઓ સાથે આતંકવાદીઓ ઘૂસી શકે છે અને તેથી જ સ્પષ્ટપણે સુપ્રીમ કોર્ટમાં જણાવવું પડ્યું છે કે દેશની સુરક્ષા હોવાથી રોહિંગ્યાને આશરો આપી શકાય નહીં.