PM મોદીના ગઢમાં જ તેમના પર આકરા પ્રહાર કરતાં રાહુલ ગાંધી

દ્વારકા– ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. દ્વારકાધીશના દર્શન કરીને તેમણે નવસર્જન યાત્રા શરૂ કરી હતી. નવસર્જન યાત્રા દરમિયાન ગામેગામના લોકો રાહુલ ગાંધીને મળવા અને સ્વાગત કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. જાહેરસભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યાં હતાં. જીએસટી અને નોટબંધી આ બે મુદ્દે મોદીની ઝાટકણી કાઢી હતી.

નોટબંધી પર સરકાર અને મોદીને ઘેરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજીએ કોઈપણ સલાહ લીધા વગર ભારતની ઈકોનોમી પર ભારે આક્રમણ કર્યું છે. ત્યાર પછી પણ તેઓ અટક્યાં નથી. નોટબંધીથી નાના દુકાનદારો અને વેપારીઓને ખૂબ નુકશાન ભોગવવું પડ્યું છે. તે પછી સરકાર જીએસટી લાવી છે.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં જે લોકો નબળાં છે અને ગરીબ છે, તેમના માટે તેમના દિલમાં કોઈ જગ્યા નથી, પણ ધનવાન લોકો છે, તેમના માટે તમામ દરવાજા ખુલ્લાં છે.

તેમણે આમ જનતા પાસે સમર્થન માગ્યું હતું કે કે તેમની સરકાર આવશે તો યુવાઓ અને ગરીબોની સરકાર હશે. કોંગ્રેસ પાર્ટી વાયદા કરે છે, તે પુરા કરે છે.