‘દરેકને માટે વીજળી’: વડાપ્રધાન મોદીએ લોન્ચ કરી સૌભાગ્ય યોજના

નવી દિલ્હી – વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના આજે બીજા અને છેલ્લા દિવસે દેશની જનતાને અમુક મહત્વની ભેટ આપી છે.

વડાપ્રધાન મોદીએ ગરીબોના કલ્યાણાર્થે 8 મોટી યોજનાઓની જાહેરાત કરી છે.

મોદીએ અહીં ઓએનજીસી કંપનીની કોર્પોરેટ ઓફિસમાં દીનદયાળ ઊર્જા ભવનનું ઉદઘાટન કર્યું હતું અને પ્રધાનમંત્રી સહજ બિજલી યોજના – સૌભાગ્ય યોજના લોન્ચ કરી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દેશમાં જે ઘરમાં વીજળી ન હોય ત્યાં વીજળી પહોંચાડવાનો છે.

સૌભાગ્ય યોજના અંતર્ગત દેશમાં જે ગામનાં ઘરોમાં વીજળી પહોંચાડી શકાય એમ નહીં હોય ત્યાં સોલાર પાવર પેક પૂરા પાડવામાં આવશે. ત્યાં 500 રૂપિયા લઈને વીજળી પૂરી પાડવામાં આવશે. 200-300 વીપી સોલર પાવર પેક આપવાની સરકારની યોજના છે.

કેન્દ્ર સરકાર સૌભાગ્ય યોજનાના અમલ માટે ૧૭ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે એવી ધારણા છે.

વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૫માં ૧૦૦૦ દિવસોમાં દેશના ૧૮ હજાર ગામડાઓમાં વીજળી પૂરવઠો પહોંચાડવાનું લક્ષ્ય આપ્યું હતું. ગત્ સ્વાતંત્ર્ય દિવસ સુધીમાં દેશમાં ૧૦ હજાર ગામડાઓમાં વીજળીના જોડાણો પૂરા પાડવામાં આવી ચૂક્યા હતા.