ઈમાનની ચિરવિદાયઃ મુંબઈની સૈફી હોસ્પિટલે એમનું વજન ખૂબ ઘટાડી આપ્યું હતું

ઈજિપ્તનાં ઈમાન એહમદ, જે વિશ્વના સૌથી મેદસ્વી મહિલા હતાં અને જેમનું વજન એક સમયે 500 કિલોગ્રામ હતું, એમનું આજે સવારે અહીંની બુરજીલ હોસ્પિટલમાં નિધન થયું છે. હજી ગયા જ અઠવાડિયે ઈમાને એમનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો.
હોસ્પિટલના ડોક્ટરોએ કહ્યું હતું કે ઈમાનની તબિયતમાં હૃદય તથા કિડનીની કામગીરીમાં બગાડો થવા સહિત ઘણાં કોમ્પલિકેશન્સ ઊભાં થયા હતા અને અંતે આજે સ્થાનિક સમય મુજબ સવારે 4.35 વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

ઈમાને આ જ વર્ષના પ્રારંભમાં મુંબઈમાં ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલમાં વેઈટ-લોસ માટેની સર્જરી કરાવી હતી.

તબિયત છેલ્લા અમુક દિવસોથી વધારે બગડી હતી

ડોક્ટરોએ કહ્યું કે હોસ્પિટલમાં ઈમાન જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાત એવા 20 ડોક્ટરોની દેખરેખ હેઠળ હતાં. લાગણી વ્યક્ત કરવાની એમની ક્ષમતામાં થોડોક સુધારો થયો હતો.

અબુ ધાબી પહોંચ્યા હતા ત્યારે ઈમાનનું વજન 300 કિલો હતું

ઈમાન એહમદ ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરનાં વતની હતાં. એમણે ગયા ફેબ્રુઆરીમાં સૈફી હોસ્પિટલમાં વેઈટ-લોસની સર્જરી કરાવી હતી.

સૈફી હોસ્પિટલના ડોક્ટરોએ બેરિઆટ્રિક સર્જરી કરી હતી અને એમના આહાર પર કડક નિયંત્રણો મૂક્યા હતા. એ સારવારને પગલે એમનું વજન 504 કિલોથી ઘટીને 300 કિલો થઈ ગયું હતું. ડોક્ટરોએ દાવો કર્યો હતો કે ઈમાનની તબિયતમાં ધારણા કરતાં ત્રણ ગણો ઝડપી સુધારો થયો હતો.

ત્યારબાદ ચોથી મેએ એમને અબુ ધાબી લઈ જવામાં આવ્યાં હતાં.

ઈમાન જાતે એમનાં મુખેથી ખાઈ શકશે એવી ડોક્ટરોને આશા હતી

બુરજીલ હોસ્પિટલનાં ચીફ મેડિકલ ઓફિસર ડો. યાસીન અલ શહાતે અગાઉ કહ્યું હતું કે ઈમાન એહમદની સેકન્ડ સ્ટેજની સારવાર પૂરી થશે ત્યારબાદ જાતે એમનાં મુખેથી ખોરાક લઈ શકશે અને ઈલેક્ટ્રિક વ્હીલચેર મારફત આસપાસ ઘૂમી પણ શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]