ગુજરાતમાં મોદી સરકારની સશસ્ત્ર તખતાપલટનું કાવતરું ઘડનાર પકડાયો

0
7992

અમદાવાદ– આંધ્રપ્રદેશમાં નાલગોંડા જિલ્લાના વતની શ્રીરામુલા વ્યંકટમ નામનો નકસલી મુખીયો પકડાયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. આ આરોપી ગુજરાતમાં તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારના સશસ્ત્ર સત્તાપલટા માટેના ષડયંત્રનો આરોપી છે. વ્યંક્ટમ સાત વર્ષથી ગેરકાનૂની ગતિવિધિ નિરોધક અધિનિયમ હેઠળ સૂરતના કામરેજમાં નોંધાયેલા કેસમાં ભાગેડુ હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

એટીએસના જણાવ્યા પ્રમાણે વ્યંકટમ સીપીઆઈ-માઓવાદીનો સક્રિય કાર્યકર્તા અને આંધ્રપ્રદેશ તથા ઓડિશાના વિશેષ ઝોનનો વડો પણ હતો. તે નક્સલ આંદોલનના સમર્થનમાં એક પત્રિકા ચલાવે છે.

2010માં સૂરત આવીને ત્યાં રહેતાં કામદારો અને આદિવાસીઓને સરકાર વિરુદ્ધ ભડકાવવાનું કામ કરતો હતો. સૂરતમાં રહીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાની પ્રવૃત્તિઓ માટે સો જેટલા સંગઠન બનાવી પોતાના કેડરોને આ સંગઠનોમાં મોકલી જંગલોમાં હથિયારની તાલીમ આપતો હતો.

તેણે 2003માં માઇન બ્લાસ્ટ કરી આંધપ્રદેશનના તત્કાલીન સીએમ ચંદ્રાબાબુ નાયડુની હત્યાનું ષડયંત્ર રચ્ચું હતું. હત્યા સહિતના કુલ36 કેસ વ્યંકટમ પર દેશભરમાં નોંધાયેલા છે.

તેના પર છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં નકસલી ગતિવિધિઓ માટે ખંડણીના કેસો પણ છે. તેને રાજકીય પક્ષ રચી સત્તા હાંસલ કરવાની મંશા હતી. 2007માં ઓડિશામાં ધરપકડ કરાયેલા આ ખૂંખાર નકસલીને તેના સમર્થકોએ ડીએમને બંધક બનાવીને તેને છોડવાની શરતમાં સામો છોડાવી લીધો હતો ત્યારથી તે ફરાર હતો.

એટીએસ સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કામરેજ પોલિસે નકસલી ગતિવિધિના આરોપમાં કુલ 24 આપીને ઝડપી લીધાં છે. જોકે વ્યંકટમ જેવા અન્ય બે ખૂંખાર આરોપી હજુ પણ પકડાયાં નથી.