Home Blog Page 5631

ઈકોનોમીઃ સરકાર V/S યશવંત સિંહા, હવે અરૂણ શૌરી…

અહેવાલ- ભરત પંચાલ

દેશનો છેલ્લા છ મહિનાથી સતત જીડીપી ગ્રોથ ઘટી રહ્યો છે, વેપારીઓ બૂમો પાડી રહ્યાં છે, બીજી તરફ જીએસટીના અમલમાં અને તે પછીના ફોર્મ સબમિટ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોંઘવારી સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યાં, તો ભારતમાં છેલ્લા બે મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધ્યા છે. વિપક્ષોએ કેન્દ્ર સરકારની આર્થિક નીતિ મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. તો ભાજપના સીનિયર મોસ્ટ અને વાજપેયી સરકારમાં નાણાંપ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ મોદી સરકારની અને નાણાપ્રધાન અરુણ જેટલીની નીતિઓની જાહેરમાં ટીકા કરી છે. હવે અરૂણ શૌરી મેદાનમાં આવ્યાં છે. મોદી સરકાર દેશની ઈકોનોમીને પાટા પર લાવવા વિચારી રહી છે, આર્થિક રાહત પેકેજ પણ જાહેર કરે તેવી શકયતાઓ છે, ત્યારે તેમના પક્ષના સીનિયર નેતાઓ સરકારની કામગીરીની ટીકા કરીને નવો પ્રશ્ન સર્જ્યો છે.

ભાજપના સીનિયર નેતા અને અત્યારે હાલ તેમને કોરાણે મુકી દેવાયા છે, એવા પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહા પછી નોટબંધીને લઈને પત્રકારમાંથી રાજનેતા બનેલા અરૂણ શૌરીએ ભાજપ પર નિશાન તાક્યું છે. અરૂણ શૌરીએ કહ્યું છે કે નોટબંધીએ બહુ મોટી મની લોન્ડરીંગ સ્કીમ હતી. જે સરકાર દ્વારા કાળાં નાણાને સફેદ કરવા માટે લાગુ કરવામાં આવ્યું હતું. શૌરીએ એમ પણ કહ્યું હતું કે આરબીઆઈના ગવર્નરે જ કહ્યું છે કે નોટબંધી પછી 99 ટકા રદ થયેલી નોટો પાછી આવી ગઈ છે. પહેલા એમ કહેવાતું હતું કે નોટબંધથી ટેક્સ અને કાળું નાણું પાછું આવશે. પણ કશુંય આવ્યું નથી.

અરૂણ શૌરીએ જીએસટીને લઈને પણ સરકારની ટીકા કરી છે. દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે જીએસટીનો અમલ કરાયો છે. આ સમય ખોટો હતો. જીએસટીને વધુ ઉતાવળે લાગુ કરાયો છે, જીએસટીની ડિઝાઈનમાં અનેક ખામીઓ હોવા છતાં લાગુ કરી દેવાયો.

આ પહેલાં પૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ તો સ્પષ્ટ કહી દીધુ હતું કે મોદી સરકારના આર્થિક નિર્ણયો પછી આવેલી મંદી પછી આગળની સરકાર પર દોષનો ટોપલો નાંખવો તે વાજબી નથી. જીએસટી લાગુ કરવામાં પણ સરકારે ખૂબ ઉતાવળ કરી છે.  આ નિવેદનો તો વાંચ્યા જ હશે…

આમ ભાજપના જ સીનિયર મોસ્ટ પ્રધાનો મોદી સરકારની આર્થિક નીતિઓની છડેચોક ટીકા કરી રહ્યા છે. તો મોદી સરકાર ત્રણ વર્ષની તેમની ઉપલબ્ધિઓને પ્રજા સમક્ષ લઈ જઈ રહી છે. તાજેતરમાં જ પીએમ મોદીએ કહ્યું હતું કે મારે આકરા પગલાં નહીં ભરવાના… સીસ્ટમને સુધારવા માટે કઠિન પગલાં ભરવા જ પડશે. તો જ સુધાર આવશે. યશવંત સિંહાએ પીએમ મોદીને મળવાનો સમય માગ્યો, તેમને મળવાનો સમય ન આપ્યો પછી યશવંતસિંહા મીડિયા સામે આવ્યાં. તો હાલના નાણાપ્રધાન અરુણ જેટલીએ તેમની મજાક કરી અને નોકરી માંગવા નીકળ્યા છે, એવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું હતું. અરે ભાઈ… રાજકારણ એકતરફ છે, પણ દેશનું અર્થતંત્ર સર્વોપરી છે. તેના સુધારા માટે સીનિયર મોસ્ટ નેતા કોઈ સૂચન કરે તો સરકારે 100 ટકા તેને સ્વીકારવું જોઈએ, અને તેમની પાસેથી વધુ કયા સુધારા કરી શકાય તેમ કહીને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ. યશવંતસિંહાની મજાક ઉડાવીને અરુણ જેટલીએ રાજકીય દાવપેચ રમતા હોય તેવો જવાબ જાહેરમાં આપ્યો હતો.

યશવંત સિંહા વાજપેયી સરકારમાં નાણાંપ્રધાન હતા. અને અરૂણ શૌરી એક સારા અર્થશાસ્ત્રી પણ છે. તેમના સૂચનો દેશને કામ આવી શકે તેમ છે. સરકારે તેમને આર્થિક સુધારાની કમિટીમાં લેવા જોઈએ.

આ બધું તો ઠીક… અંદરોઅંદરની હૂંસાતૂસીને કારણે જ દેશને સહન કરવાનું આવશે. પણ ખરેખર જોવા જઈએ તો ભારતનો જીડીપી ગ્રોથ એપ્રિલથી જૂનના ત્રિમાસિકગાળામાં ઘટીને 5.7 ટકા આવ્યો છે. જે ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. કેન્દ્ર સરકાર વિદેશમાં જઈને દેશના અર્થતંત્રનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરે છે, વિદેશી રોકાણ આકર્ષવા માટે થઈને સરકારની યોજનાઓના વખાણ કરે છે, પણ તેની કોઈ અસર ઈકોનોમી પર પડી જ નથી. જીડીપી ગ્રોથ ઘટીને આવ્યોને પંદર દિવસ થઈ ગયા તે પછી કેન્દ્ર સરકાર ચિંતિત બની છે. તેણે આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી સૂચનો મંગાવ્યા છે, અને તેના પર અમલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં પોતાના જ પક્ષના સીનીયર નેતાઓએ મોદી સરકારની આર્થિક નીતિઓની ટીકા કરી છે. જેથી કેન્દ્ર સરકાર હાલ તો બોઘવાઈ ગઈ છે.

આરબીઆઈએ ધીરાણ નીતિની સમીક્ષા કરી, ચાવીરૂપ દરોમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. ઉલટાનું જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડ્યું છે, અને મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી છે. અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા માટે કોઈ પ્લાન નથી દર્શાવ્યો. હવે અર્થતંત્રની મંદી સરકાર માટે માથાના દુઃખાવારૂપ બની ગઈ છે.

ત્યાં મોદી સરકાર મેક ઈન ઈન્ડિયા… ન્યૂ ઈન્ડિયા… સ્વચ્છતા મિશન… સ્ટાર્ટઅપ… જેવા સ્લોગનો સાથે દેશને બદલવાના સ્વપ્ન જોઈ રહી છે.

સીએમ સોમનાથના શરણે

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન જલાભિષેક કરી શિશ નમાવી સોમનાથદાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર દ્વારા શાલ ઓઢાડી મુખ્યપ્રધાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સાયબર સીક્યૂરિટી કોન્ફરન્સ

અમદાવાદ-આજના જમાનામાં ઇન્ટરનેટના માધ્યમથી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ થાય છે તેમાં અનેક પ્રકારના ગુનાઓ બને છે જે સમગ્ર વિશ્વમાં સુરક્ષા વિભાગો માટે પડકાર બનતાં હોય છે. આવી સમસ્યાઓ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય કરીને ઉકેલવા શું નવું થઇ શકે અને થયું છે તેની વૈશ્વિક વિચારણા ગાંધીનગરમાં પા5-6 ઓક્ટોબરો થશે. ઇન્ફોર્સકોન-2017 નામની આ કોન્ફરન્સમાં દુનિયાભરના 500 વિષયતજજ્ઞ ભાગ લઇ રહ્યાં છે.ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને કેન્દ્રીય ગૃહવિભાગના બ્યુરો પોલિસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સંયુકત ઉપક્રમે ‘આંતરરાષ્ટ્રીય ફોરેન્સીક સાયન્સ એન્ડ સાયબર સિક્યોરીટી’ કોન્ફરન્સ યોજાશે.

બે દિવસ યોજાનાર આ કોન્ફરન્સમાં દેશવિદેશના ૫૦૦થી વધુ ડેલીગેટ્સ ભાગ લેશે. જેમાં કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોના ન્યાયાધીશ, સનદી અધિકારીઓ, સીનિયર પોલિસ અધિકારીઓ, બેન્કર્સ, એકેડેમીશિયન, વિજિલન્સ ઓફિસર્સ, સીનિયર ફોરેન્સીક નિષ્ણાતો, સાયબર એક્સપર્ટ ભાગ લેશે.

આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ એકેડેમિક સંશોધનો, વૈજ્ઞાનિકો, તજજ્ઞો દ્વારા સીકયૂરિટી ક્ષેત્રે થયેલા પોતાના અનુભવો અને જ્ઞાનનું આદાનપ્રદાન કરાશે. ફોરેન્સિક સાયન્સની વિવિધ શાખાઓ, ગુન્હાહિત ન્યાય, ગુનાખોરી અને સીક્યૂરિટી જેવા ક્ષેત્રો પર પરામર્શ કરશે. બંને દિવસ દરમિયાન નિષ્ણાતો-તજજ્ઞો પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા સવિસ્તૃત ચર્ચાવિચારણા કરશે.

શેરબજારમાં બીજા દિવસે મજબૂતી, સેન્સેક્સ 174 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે મજબૂતી આગળ વધી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધારણા મુજબ વ્યાજદરમાં કોઈ જ ફેરફાર નથી કર્યો, પણ એસએલઆરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે, જેનાથી બેંકોમાં લીકવીડીટી વધશે, અને આથી પીએસયુ બેંક શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. તેમજ ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ બ્લુચિપ શેરોમાં પણ નવી લેવાલીનો ટેકો હતો. પરિણામે શેરબજારમાં મજબૂતી વધુ આગળ વધી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 174.33(0.55 ટકા) વધી 31,671.71 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી ઈન્ડેક્સ 55.40(0.56 ટકા) ઉછળી 9914.90 બંધ થયો હતો.

આજે બેંક, ઓટો, એફએમસીજી, ફાર્મા, રીયલ્ટી, ઓઈલ, ગેસ, પાવર કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેપિટલ ગુડઝ સેકટરના શેરોમાં નવી ખરીદીથી માર્કેટને સપોર્ટ મળ્યો હતો. આમ જોવા જઈએ તો એફઆઈઆઈએ બે મહિનામાં 25,000 કરોડનું નેટ વેચાણ કર્યું છે. પણ સામે સ્થાનિક નાણા સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડોની નવી લેવાલી ચાલુ રહી છે, આથી શેરબજાર ટકી ગયું છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની સમીક્ષા રજૂ કરી, જેમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, તો સામે એસએલઆર અડધો ટકો ઘટાડ્યો છે. જો કે આરબીઆઈને ચિંતા સતાવી રહી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા છે, આથી મોંઘવારી દર વધશે. તેમજ જીડીપી ગ્રોથનું અનુમાન પણ ઘટાડયું છે. જેને પગલે શેરબજારમાં ચિંતા વ્યકત કરાતી હતી. કેટલાક તેજીવાળા દરેક ઊંચે મથાળે હળવા થઈ રહ્યા છે. એફઆઈઆઈ વગર શેરબજારમાં તેજી થવી મુશ્કેલ છે.

  • પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં રૂપિયા બેનો ઘટાડો કર્યો છે, જેથી પેટ્રોલ-ડીઝલના ભાવ લીટરે રૂપિયા 2 ઘટયા છે.
  • નેટકો ફાર્મામાં આજે 20 ટકાની અપર સર્કિટ લદાઈ હતી. નેટકો ફાર્માની પાર્ટનર કંપની માઈલનને અમેરિકામાં કોપેગ્જોન દવાના જેનરિક વર્ઝનને યુએસ એફડીએની મંજૂરી મળી ગઈ છે. તે દવાની માર્કેટ સાઈઝ 364 કરોડ ડૉલર છે.
  • આજે તેજી બજારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • બેંક, ઓટો, એફએમસીજી ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીના ટેકાથી ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી રહી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 59.89 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 127.65 ઉછળ્યો હતો.
  • કેડિલા હેલ્થ માટે સારા સમાચાર હતા. ઝાયડ્સની ડેસ્મોપ્રેસિન નેસલ સ્પ્રે સોલ્યુશનને યુએસ એફડીએની મંજૂરી મળી ગઈ છે.
  • ટાટા મોટર જેએલઆરનું અમેરિકામાં વેચાણ વધ્યું છે. સપ્ટેમ્બરમાં કંપનીનું અમેરિકામાં કુલ વેચાણ 16.9 ટકા વધી 9703 યુનિટ થયું છે. જેમાં જેગુઆરનું વેચાણ 23.8 ટકા વધ્યું છે. લેન્ડરોવરનું વેચાણ 13.7 ટકા વધ્યું છે.

RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યા; સસ્તી લોન માટે રાહ જુઓ

નવી દિલ્હી– રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બાઈ મંથલી ક્રેડિટ પૉલીસીની જાહેરાત કરી છે, જેમાં ચાવી રૂપ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6 ટકા, રીવર્સ રેપો રેટ 5.75 ટકા અને એમએસએફ રેટ 6.25 ટકા પર યથાવત રાખ્યા છે. તેમજ આરબીઆઈએ એસએલઆર 0.50 ટકો ઘટાડીને 19.50 ટકા કર્યો છે. આરબીઆઈની આગામી ક્રેડિટ પૉલીસી 5-6 ડિસેમ્બરે આવશે. હવે લોકોને સસ્તી લોન માટે ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.

જો કે આ વખતની ક્રેડિટ પૉલીસીમાં વ્યાજ દર યથાવત રહેવાની શકયતા વધારે હતી. નિષ્ણાતોના મતે પણ આરબીઆઈ ડિસેમ્બરની ક્રેડિટ પૉલીસીમાં રેટ કટ કરશે.

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2018 માટે જીવીએ અનુમાન 7.3 ટકાથી ઘટાડીને 6.7 ટકા કર્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓકટોબરથી માર્ચમાં રીટેઈલ મોંઘવારી દર 4.2થી 4.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જાન્યુઆરીથી માર્ચ 2018 અને એપ્રિલ-જૂન 2018માં રિટેઈલ મોંઘવારી દર 4.6 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યુ છે. તેમજ જાન્યુઆરીથી માર્ચ 2019 સુધીમાં રીટેઈલ મોંઘવારી દર 4.5 ટકા રહેવાની ધારણા રજૂ કરાઈ છે.

બેંક ઓફ અમેરિકા- મેરિલ લિન્ચના અભિપ્રાય પ્રમાણે મોનિટરી પૉલીસી કમિટી(એમપીસી) ડિસેમ્બર સુધી રેટ કટ નહી કરે. તેણે તેની નોંધમાં લખ્યું છે કે આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલ જરૂર આ કમિટી સમક્ષ રેટ કટ ન કરવા ભલામણ કરશે. તેમજ જીડીપી ગ્રોથમાં ઘટાડો અને મોંઘવારી દરના લક્ષ્યમાં જરૂર ઘટાડો કરે તેવી ધારણા રખાય છે.

કેન્દ્ર સરકાર આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટેની યોજના પર કામ કરી રહી છે. પણ હજી સુધી કોઈ નક્કર જાહેરાત કરાઈ નથી. જીડીપી ગ્રોથ સતત છ મહિનાથી ઘટી રહ્યો છે.

IRCTC પરથી ટિકીટ લેવાથી માર્ચ મહિના સુધી નહીં લાગે સર્વિસ ચાર્જ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં યાત્રા કરતા યાત્રિકો માટે મોટી ખુશખબર છે. આઈઆરસીટીસીથી ઓનલાઈન ટ્રેનની ટિકીટ બૂક કરાવવા પર માર્ચ મહિના સુધી સર્વિસ ચાર્જ નહી આપવો પડે. ગત વર્ષે નવેમ્બર માસમાં લાગુ કરવામાં આવેલી નોટબંધી બાદ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ટિકીટ બૂક કરવા પર સર્વિસ ચાર્જ માફ કરી દેવામાં આવશે. પહેલા આ સુવિધા માત્ર 30 જૂન સુધી હતી ત્યારબાદ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી અને હવે સર્વિસ ચાર્જ ન આપવાની તારીખને માર્ચ 2018 સુધી લંબાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કકે આઈઆરસીટીસીથી ઓનલાઈન ટિકીટ બૂક કરાવવાથી 20 થી 40 ટકા રૂપિયા પ્રતિ ટિકીટનો સર્વિસ ચાર્જ લાગે છે.

29 સપ્ટેમ્બરના રોજ આઈઆરસીટીસી, રેલવે ટિકીટ એજંસી અને રેલવે બોર્ડ દ્વારા યાત્રિકોને સર્વિસ ચાર્જ ન આપવાની સુવિધા વધુ લંબાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર આ મામલે વાત કરતા રેલવેના એક વરિષ્ઠ અધીકારીએ જણાવ્યું કે 33 ટકા આઈઆરસીટીસીનુ રાજસ્વ ઓનલાઈન બૂકિંગના વસૂલનારા સર્વિસ ચાર્જથી આવે છે. ગયા નાણાકિય વર્ષના રાજસ્વ સંગ્રહની વાત કરીએ તો 1500 કરોડ ટિકીટ બુકિંગ પર આઈઆરસીટીસીને 540 કરોડ રૂપિયાનુ રાજસ્વ મળ્યું હતું,

ભવ્ય ફૂટબોલ શો: U-17 વર્લ્ડ કપ – ભારતમાં પહેલી જ વાર

17 વર્ષથી નીચેની ઉંમરના ફૂટબોલ ખેલાડીઓની વર્લ્ડ કપ માટે
ભારત છે તૈયાર

દર બે વર્ષે યોજાતી ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા આ વખતે ભારતની ભૂમિ પર રમાશે – સ્પર્ધાના ઈતિહાસમાં પહેલી જ વાર. આ વખતની સ્પર્ધા 6-28 ઓક્ટોબર સુધી 23 દિવસો સુધી રમાશે.

દેશમાં કુલ 6 શહેરોમાં અન્ડર-17 વર્લ્ડ કપ સ્પર્ધા યોજાશે. જેમાં ભારત ઉપરાંત બીજી 23 વિદેશી ટીમો ભાગ લેશે. નવી દિલ્હી, કોલકાતા, ગુવાહાટી, નવી મુંબઈ, મડગાંવ અને કોચી શહેરોમાં કુલ 52 મેચો યોજાશે. ફાઈનલ મેચ કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ અથવા સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાશે.

2015ની સ્પર્ધા ચિલીમાં યોજાઈ હતી. જેમાં નાઈજિરીયા ચેમ્પિયન બન્યું હતું અને માલી રનર્સ-અપ હતું.

ભારત 1950માં વર્લ્ડ કપ સોકરમાં રમવા ક્વોલિફાય થયું હતું, પણ ત્યારે અનેક પ્રકારના નાણાકીય કારણોને લીધે ભારતીય ટીમ એ સ્પર્ધામાં રમી શકી નહોતી. હવે 67 વર્ષ બાદ ભારતને ફિફા સંસ્થાએ આટલી મોટી સ્પર્ધાનું યજમાનપદ સોંપ્યું છે.

  આ છે, સ્પર્ધાની 24 ટીમોઃ એમને 4-4 ટીમના 6 ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે.
 ગ્રુપ-A  ભારત, યૂએસએ, કોલંબિયા, ઘાના
 ગ્રુપ-B  પેરાગ્વે, માલી, ન્યુ ઝીલેન્ડ, તૂર્કી
 ગ્રુપ-C  ઈરાન, ગિની, જર્મની, કોસ્ટા રિકા
 ગ્રુપ-D  ઉત્તર કોરિયા, નાઈજર, બ્રાઝિલ, સ્પેન
 ગ્રુપ-E  હોન્ડુરાસ, જાપાન, ન્યુ કેલિડોનિઆ, ફ્રાન્સ
 ગ્રુપ-F  ઈરાક, મેક્સિકો, ચિલી, ઈંગ્લેન્ડ

6 ઓક્ટોબરના શુક્રવારે સ્પર્ધાના પહેલા દિવસે કુલ ચાર મેચ રમાશે.

સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના (ગ્રુપ-A) અને નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં ન્યુ ઝીલેન્ડ અને તૂર્કી (ગ્રુપ-B) મેચો રમાશે.

રાતે 8 વાગ્યે દિલ્હીના નેહરુ સ્ટેડિયમ ખાતે ભારત અને યૂએસએ (ગ્રુપ-A)ની મેચ રમાશે અને નવી મુંબઈના પાટીલ સ્ટેડિયમમાં પેરાગ્વે અને માલી વચ્ચે મેચ રમાશે.

6 ઓક્ટોબરના શુક્રવારે સ્પર્ધાના પહેલા દિવસે કુલ ચાર મેચ રમાશે.

સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના (ગ્રુપ-A) અને નવી મુંબઈના ડી.વાગ્રુપ-Cય. પાટીલ સ્ટેડિયમમાં ન્યુ ઝીલેન્ડ અને તૂર્કી (ગ્રુપ-B) મેચો રમાશે.

રાતે 8 વાગ્યે દિલ્હીના નેહરુ સ્ટેડિયમ ખાતે ભારત અને યૂએસએ (ગ્રુપ-A)ની મેચ રમાશે અને નવી મુંબઈના પાટીલ સ્ટેડિયમમાં પેરાગ્વે અને માલી વચ્ચે મેચ રમાશે.

(સ્પર્ધાનો સમગ્ર કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…)

https://chitralekha.com/images/FIFA-Time-table.jpg

અન્ડર-17 વર્લ્ડ કપના આયોજનથી ભારતનું શું લાભ થશે?

આ પહેલી જ વાર ફૂટબોલની સૌથી મોટી સ્પર્ધાનું યજમાનપદ મળ્યું છે

ભારતમાં મોટી કહી શકાય એવી સ્પર્ધા છેલ્લે 2008માં યોજાઈ હતી, તે એએફસી ચેલેન્જર કપ હતી. એ વખતે બહુ જૂજ ટીમ ભારતમાં રમવા આવી હતી. આ વખતે તો 23 વિદેશી ટીમો રમવા આવી છે.

માળખાકીય સવલતોનો વિકાસ થશે

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અન્ડર-17 સ્પર્ધાના આયોજન માટે કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. તમામ છ શહેરોના સ્ટેડિયમ્સની કાયાપલટ કરવામાં આવી છે અને એમને વર્લ્ડ ક્લાસ બનાવી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમોને અપગ્રેડ કરવાની કામગીરીથી ફિફા સંસ્થાએ ખુશી વ્યક્ત કરી છે.

ભારતમાં લોકો ફૂટબોલની રમતને ગંભીરતાથી લેશે
ભારત એટલે ક્રિકેટઘેલો દેશ છે. અહીં આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધા ઉપરાંત બીજી ઘણી મોટી ક્રિકેટ સ્પર્ધાઓ અનેકવાર યોજાઈ ચૂકી છે. હવે અન્ડર-17 વર્લ્ડ કપ સોકરના આયોજનને લીધે ફૂટબોલની રમતને દેશનાં લોકો વધારે ગંભીરતાથી લેશે. હાલ આ રમત દેશના અમુક જ ભાગમાં લોકપ્રિય છે જેમ કે ઈશાન ભારત, પશ્ચિમ બંગાળ, ગોવા, કોચી (કેરળ), થોડુંક થોડુંક મુંબઈ, બેંગલુરુ પણ ખરું. ઉત્તર ભારતમાં આ રમતનું લેવાલ નથી.

ભારતને વિશ્વસ્તરે માન્યતા મળશે

1982માં દિલ્હીમાં એશિયાડ સ્પર્ધાના ભવ્ય આયોજન બાદ ભારતની દુનિયાભરમાં વાહ-વાહ થઈ હતી. હવે અન્ડર-17 વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા બાદ વિશ્વસ્તરે ભારતની શાખ વધશે, કારણ કે આ મેચોનું દુનિયાભરમાં ટીવી પર જીવંત પ્રસારણ કરાશે. કોકા કોલા કંપની ફિફા સંસ્થાની ભાગીદાર છે અને કોકા કોલા કંપની ભારતમાં ખેલકૂદના વિકાસ માટે પણ ગ્લોબલ પાર્ટનર છે.

આ છે, ભારતના 21-ખેલાડીઓની અન્ડર-17 વર્લ્ડ કપ ટીમઃ

અમરજીત સિંહ કિયામ (કેપ્ટન), ધીરજ સિંહ મોઈરાંગટેમ, સુરેશ સિંહ વાંગજામ, બોરિસ સિંહ થાંગજામ, અનવર અલી, પ્રભુસુખન સિંહ ગિલ, સની ધાલીવાલ, નમિત દેશપાંડે, કોમલ થટાલ, અનિકેત જાધવ, રહીમ અલી, જિતેન્દ્ર સિંહ, મોહમ્મદ શાહજહાં, સંજીવ સ્ટાલિન, ખુમાંથેમ નિન્ટોગેમ્બા, જીક્સન સિંહ, નોંગદમ્બા નાઓરેમ, લાલેન્ગમાવિઆ, હેન્ડ્રી એન્ટોને, અભિજીત સરકાર, રાહુલ કેનોલી પ્રવીણ.

ગોલકીપર્સ – ધીરજસિંહ, પ્રભુસુખન સિંહ ગિલ, સની ધાલીવાલ

ડિફેન્ડર્સ – બોરિસ સિંહ, જિતેન્દ્ર સિંહ, અનવર અલી, સંજીવ સ્ટાલિન, હેન્ડ્રી એન્ટોન, નમિત દેશપાંડે, હેન્ડ્રી એન્ટોને

મિડફિલ્ડર્સ – સુરેશ સિંહ, અમરજિત સિંહ કિયામ, અભિજીત સરકાર, કોમલ થાટલ, જિક્સન સિંહ, રાહુલ કેનોલી પ્રવીણ, મોહમ્મદ શાહજહાં, ખુમાંથેમ નિન્ટોગેમ્બા,લાલેન્ગમાવિઆ,નોંગદમ્બા નાઓરેમ

ફોરવર્ડ્સ – રહીમ અલી, અનિકેત જાધવ.

ભારતીય ટીમ તેની બધી ગ્રુપ મેચો દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રમશે. ટીમની પહેલી મેચ 6 ઓક્ટોબરે દિલ્હીમાં યૂએસએ સામે છે. બીજી મેચ 9 ઓક્ટોબરે રાતે 8 વાગ્યે કોલંબિયા સામે અને ત્રીજી મેચ 12 ઓક્ટોબરે રાતે 8 વાગ્યે ઘાના સામે છે. જો ભારત બે મેચ જીતશે તો રાઉન્ડ ઓફ-16 તબક્કામાં પહોંચશે. એ રાઉન્ડ 16-18 ઓક્ટોબર સુધી ચાલશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ 16-ટીમના રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલ મેચો રમાશે જે 21-22 ઓક્ટોબરે રમાશે.

25 ઓક્ટોબરે સેમી ફાઈનલ અને 28 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમાશે.

ભારતીય ટીમની આગેવાની શાંત મગજના, ફૂટબોલનના ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા અમરજીત સિંહ કિયામે લીધી છે. દેખાવની દ્રષ્ટિએ અન્ય રસપ્રદ ખેલાડીઓ છે – અનિકેત જાદવ અને અનવર અલી. સમગ્ર કિશોર ટીમને સિનિયર ટીમની જેમ તાલીમબદ્ધ કરે છે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન. ભારતીય ટીમના કોચ છે લૂઈસ નોર્ટન ડી મેટોસ, જેઓ પોર્ટુગીઝ છે.

ભારતનો કેપ્ટન અમરજીત સિંહ મણીપુર રાજ્યના થાઉબલ જિલ્લાના એક ગામના ગરીબ પરિવારનો વતની છે.

ભારતીય ટીમના ખેલાડીઓ સ્પર્ધામાં રમવા આતુર છે એનું મુખ્ય કારણ એ છે કે સૌને એમનાં માતા-પિતાની હાજરીમાં આવડી મોટી સ્પર્ધામાં રમવાની તક મળી છે.

કેપ્ટન અમરજીતનું કહેવું છે કે અમારી ટીમના દરેક ખેલાડીનાં માતાપિતાને એમનાં સંતાનની જે મેચ જોવી હોય તો એમને માટે ફૂટબોલ ફેડરેશને દિલ્હીમાં તમામ વ્યવસ્થા કરી છે.

 

ગુજરાતના મહત્ત્વના બંદરનું નામ બદલાઇને થયું દીનદયાલ પોર્ટ

નવી દિલ્હી/અમદાવાદઃ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.આ સાથે કંડલા પોર્ટનું નામાભિધાન દીનદયાળ પોર્ટ થઇ ગયું છે. સામાન્ય રીતે ભારતમાં બંદરોના નામ, તે બંદર જે શહેરમાં આવેલું હોય તેના પરથી આપવામાં આવે છે. જો કે વિશેષ કેસમાં સરકાર યોગ્ય વિચારણા કરીને ભૂતકાળમાં થયેલા મહાન નેતાઓના નામ પરથી પોર્ટનું નામ બદલે છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી કચ્છની જનતાએ ‘કંડલા પોર્ટ’નું નામ બદલીને‘દીનદયાળ પોર્ટ, કંડલા’ કરવા માગણી કરી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય (25.9.1916 – 1.2.1968) પ્રસિદ્ધ નેતા હતાં, જેમણે તેમનું જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમણે સંપૂર્ણ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું તથા લોકોનાં ઉત્થાન માટે કામ કર્યું હતું. તેમણે ગરીબો અને કામદાર વર્ગના ઉત્થાન માટે પણ જીવન અર્પિત કર્યું હતું. સહિષ્ણુતા, નિઃસ્વાર્થીપણું અને કાયદા પ્રત્યે સન્માનની ભાવના જેવા લોકતાંત્રિક પાયાગત મૂલ્યો જાળવીને તેમણે ‘એકાત્મ માનવતાવાદ’ના સિદ્ધાંતો પર આધારિત કાર્યો કર્યા હતાં.

કંડલા પોર્ટનું નામ બદલીને “દીનદયાળ પોર્ટ, કંડલા” કરીને કૃતજ્ઞ રાષ્ટ્ર, ભારતનાં મહાન સપૂતોમાંના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં અમૂલ્ય પ્રદાનને હંમેશા યાદ રાખશે. આ ગુજરાતનાં લોકોને, ખાસ કરીને એવા યુવાનોને પ્રેરિત કરશે, જેઓ આ મહાન નેતાનાં પ્રદાનથી સંપૂર્ણપણે વાકેફ ન હોય.

રાષ્ટ્રપતિનું જીબૂટીમાં અભિવાદન

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના સૌપ્રથમ  વિદેશપ્રવાસે જીબૂટી આવી પહોંચ્યાં હતાં. જ્યાં ભારતના રાજદૂત અનુરાગ શ્રીવાસ્તવે ભારતીય સમુદાય દ્વારા આોજિત સ્વાગત સમારોહમાં તેમનું અભિવાદન કર્યું હતું.

અમેરિકા છીનવી શકે છે પાકિસ્તાનનો મહત્વનો દરજ્જો, એક્શન માટે તૈયાર ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ઝાટકો આપવાની તૈયારી કરી લીધી છે. અમેરિકી રક્ષાપ્રધાન જેમ્સ મૈટિસે જણાવ્યું છે કે અમેરિકા પાકિસ્તાનના એસએમએમએ પાછા લેવા પર વિચાર કરી શકે છે.

જેમ્સ મૈટિસે જણાવ્યું કે જો પાકિસ્તાન સાથે કુટનૈતિક વાતની વધુ એક કોશીશ નિષ્ફળ જશે તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે.

રજૂ કરાયું હતુ બિલ

મેજર નોન નાટો સહયોગીના દરજ્જાને રદ કરવા માટે બિલ પાસ કરવામાં આવ્યું હતુ. આમાં જણાવવામાં આવ્યું હતુ કે પાકિસ્તાન આતંકવાદ વિરૂદ્ધ પ્રભાવશાળી રીતે લડવામાં નિષ્ફળ ગયું છે.

બુશે આપ્યો હતો પાકિસ્તાનને આ હોદ્દો

વર્ષ 2004માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે પાકિસ્તાનને મેજર નોન નાટો સહયોગી દેશનો દરજ્જો આપ્યો હતો, જેથી અલકાયદા અને તાલિબાન સાથે મુકાબલો કરવામાં અમેરિકાને મદદ મળે.

આતંકવાદ મુદ્દે પણ પાકિસ્તાનને અપાઈ સલાહ

અમેરિકા તરફથી ફરીએકવાર પાકિસ્તાનને સલાહ આપવામાં આવી છે કે તે આતંકવાદને છોડીને ભારત સાથે દોસ્તી કરી લે. અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મૈટિસે જણાવ્યું કે પાકિસ્તાન જો પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને નિભાવવા માટેની રીત શોધી લે અને પોતાની જમીનને આતંકવાદીઓ માટે સહારો ન બનવા દે તો તેને ભારત પાસેથી ઘણા આર્થિક લાભો પ્રાપ્ત થઈ શકે છે.