ભવ્ય ફૂટબોલ શો: U-17 વર્લ્ડ કપ – ભારતમાં પહેલી જ વાર

17 વર્ષથી નીચેની ઉંમરના ફૂટબોલ ખેલાડીઓની વર્લ્ડ કપ માટે
ભારત છે તૈયાર

દર બે વર્ષે યોજાતી ફિફા અન્ડર-17 વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા આ વખતે ભારતની ભૂમિ પર રમાશે – સ્પર્ધાના ઈતિહાસમાં પહેલી જ વાર. આ વખતની સ્પર્ધા 6-28 ઓક્ટોબર સુધી 23 દિવસો સુધી રમાશે.

દેશમાં કુલ 6 શહેરોમાં અન્ડર-17 વર્લ્ડ કપ સ્પર્ધા યોજાશે. જેમાં ભારત ઉપરાંત બીજી 23 વિદેશી ટીમો ભાગ લેશે. નવી દિલ્હી, કોલકાતા, ગુવાહાટી, નવી મુંબઈ, મડગાંવ અને કોચી શહેરોમાં કુલ 52 મેચો યોજાશે. ફાઈનલ મેચ કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ અથવા સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાશે.

2015ની સ્પર્ધા ચિલીમાં યોજાઈ હતી. જેમાં નાઈજિરીયા ચેમ્પિયન બન્યું હતું અને માલી રનર્સ-અપ હતું.

ભારત 1950માં વર્લ્ડ કપ સોકરમાં રમવા ક્વોલિફાય થયું હતું, પણ ત્યારે અનેક પ્રકારના નાણાકીય કારણોને લીધે ભારતીય ટીમ એ સ્પર્ધામાં રમી શકી નહોતી. હવે 67 વર્ષ બાદ ભારતને ફિફા સંસ્થાએ આટલી મોટી સ્પર્ધાનું યજમાનપદ સોંપ્યું છે.

  આ છે, સ્પર્ધાની 24 ટીમોઃ એમને 4-4 ટીમના 6 ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે.
 ગ્રુપ-A  ભારત, યૂએસએ, કોલંબિયા, ઘાના
 ગ્રુપ-B  પેરાગ્વે, માલી, ન્યુ ઝીલેન્ડ, તૂર્કી
 ગ્રુપ-C  ઈરાન, ગિની, જર્મની, કોસ્ટા રિકા
 ગ્રુપ-D  ઉત્તર કોરિયા, નાઈજર, બ્રાઝિલ, સ્પેન
 ગ્રુપ-E  હોન્ડુરાસ, જાપાન, ન્યુ કેલિડોનિઆ, ફ્રાન્સ
 ગ્રુપ-F  ઈરાક, મેક્સિકો, ચિલી, ઈંગ્લેન્ડ

6 ઓક્ટોબરના શુક્રવારે સ્પર્ધાના પહેલા દિવસે કુલ ચાર મેચ રમાશે.

સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના (ગ્રુપ-A) અને નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં ન્યુ ઝીલેન્ડ અને તૂર્કી (ગ્રુપ-B) મેચો રમાશે.

રાતે 8 વાગ્યે દિલ્હીના નેહરુ સ્ટેડિયમ ખાતે ભારત અને યૂએસએ (ગ્રુપ-A)ની મેચ રમાશે અને નવી મુંબઈના પાટીલ સ્ટેડિયમમાં પેરાગ્વે અને માલી વચ્ચે મેચ રમાશે.

6 ઓક્ટોબરના શુક્રવારે સ્પર્ધાના પહેલા દિવસે કુલ ચાર મેચ રમાશે.

સાંજે પાંચ વાગ્યે દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે કોલંબિયા અને ઘાના (ગ્રુપ-A) અને નવી મુંબઈના ડી.વાગ્રુપ-Cય. પાટીલ સ્ટેડિયમમાં ન્યુ ઝીલેન્ડ અને તૂર્કી (ગ્રુપ-B) મેચો રમાશે.

રાતે 8 વાગ્યે દિલ્હીના નેહરુ સ્ટેડિયમ ખાતે ભારત અને યૂએસએ (ગ્રુપ-A)ની મેચ રમાશે અને નવી મુંબઈના પાટીલ સ્ટેડિયમમાં પેરાગ્વે અને માલી વચ્ચે મેચ રમાશે.

(સ્પર્ધાનો સમગ્ર કાર્યક્રમ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…)

https://chitralekha.com/images/FIFA-Time-table.jpg

અન્ડર-17 વર્લ્ડ કપના આયોજનથી ભારતનું શું લાભ થશે?

આ પહેલી જ વાર ફૂટબોલની સૌથી મોટી સ્પર્ધાનું યજમાનપદ મળ્યું છે

ભારતમાં મોટી કહી શકાય એવી સ્પર્ધા છેલ્લે 2008માં યોજાઈ હતી, તે એએફસી ચેલેન્જર કપ હતી. એ વખતે બહુ જૂજ ટીમ ભારતમાં રમવા આવી હતી. આ વખતે તો 23 વિદેશી ટીમો રમવા આવી છે.

માળખાકીય સવલતોનો વિકાસ થશે

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અન્ડર-17 સ્પર્ધાના આયોજન માટે કરોડો રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. તમામ છ શહેરોના સ્ટેડિયમ્સની કાયાપલટ કરવામાં આવી છે અને એમને વર્લ્ડ ક્લાસ બનાવી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમોને અપગ્રેડ કરવાની કામગીરીથી ફિફા સંસ્થાએ ખુશી વ્યક્ત કરી છે.

ભારતમાં લોકો ફૂટબોલની રમતને ગંભીરતાથી લેશે
ભારત એટલે ક્રિકેટઘેલો દેશ છે. અહીં આઈસીસી વર્લ્ડ કપ સ્પર્ધા ઉપરાંત બીજી ઘણી મોટી ક્રિકેટ સ્પર્ધાઓ અનેકવાર યોજાઈ ચૂકી છે. હવે અન્ડર-17 વર્લ્ડ કપ સોકરના આયોજનને લીધે ફૂટબોલની રમતને દેશનાં લોકો વધારે ગંભીરતાથી લેશે. હાલ આ રમત દેશના અમુક જ ભાગમાં લોકપ્રિય છે જેમ કે ઈશાન ભારત, પશ્ચિમ બંગાળ, ગોવા, કોચી (કેરળ), થોડુંક થોડુંક મુંબઈ, બેંગલુરુ પણ ખરું. ઉત્તર ભારતમાં આ રમતનું લેવાલ નથી.

ભારતને વિશ્વસ્તરે માન્યતા મળશે

1982માં દિલ્હીમાં એશિયાડ સ્પર્ધાના ભવ્ય આયોજન બાદ ભારતની દુનિયાભરમાં વાહ-વાહ થઈ હતી. હવે અન્ડર-17 વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા બાદ વિશ્વસ્તરે ભારતની શાખ વધશે, કારણ કે આ મેચોનું દુનિયાભરમાં ટીવી પર જીવંત પ્રસારણ કરાશે. કોકા કોલા કંપની ફિફા સંસ્થાની ભાગીદાર છે અને કોકા કોલા કંપની ભારતમાં ખેલકૂદના વિકાસ માટે પણ ગ્લોબલ પાર્ટનર છે.

આ છે, ભારતના 21-ખેલાડીઓની અન્ડર-17 વર્લ્ડ કપ ટીમઃ

અમરજીત સિંહ કિયામ (કેપ્ટન), ધીરજ સિંહ મોઈરાંગટેમ, સુરેશ સિંહ વાંગજામ, બોરિસ સિંહ થાંગજામ, અનવર અલી, પ્રભુસુખન સિંહ ગિલ, સની ધાલીવાલ, નમિત દેશપાંડે, કોમલ થટાલ, અનિકેત જાધવ, રહીમ અલી, જિતેન્દ્ર સિંહ, મોહમ્મદ શાહજહાં, સંજીવ સ્ટાલિન, ખુમાંથેમ નિન્ટોગેમ્બા, જીક્સન સિંહ, નોંગદમ્બા નાઓરેમ, લાલેન્ગમાવિઆ, હેન્ડ્રી એન્ટોને, અભિજીત સરકાર, રાહુલ કેનોલી પ્રવીણ.

ગોલકીપર્સ – ધીરજસિંહ, પ્રભુસુખન સિંહ ગિલ, સની ધાલીવાલ

ડિફેન્ડર્સ – બોરિસ સિંહ, જિતેન્દ્ર સિંહ, અનવર અલી, સંજીવ સ્ટાલિન, હેન્ડ્રી એન્ટોન, નમિત દેશપાંડે, હેન્ડ્રી એન્ટોને

મિડફિલ્ડર્સ – સુરેશ સિંહ, અમરજિત સિંહ કિયામ, અભિજીત સરકાર, કોમલ થાટલ, જિક્સન સિંહ, રાહુલ કેનોલી પ્રવીણ, મોહમ્મદ શાહજહાં, ખુમાંથેમ નિન્ટોગેમ્બા,લાલેન્ગમાવિઆ,નોંગદમ્બા નાઓરેમ

ફોરવર્ડ્સ – રહીમ અલી, અનિકેત જાધવ.

ભારતીય ટીમ તેની બધી ગ્રુપ મેચો દિલ્હીમાં જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રમશે. ટીમની પહેલી મેચ 6 ઓક્ટોબરે દિલ્હીમાં યૂએસએ સામે છે. બીજી મેચ 9 ઓક્ટોબરે રાતે 8 વાગ્યે કોલંબિયા સામે અને ત્રીજી મેચ 12 ઓક્ટોબરે રાતે 8 વાગ્યે ઘાના સામે છે. જો ભારત બે મેચ જીતશે તો રાઉન્ડ ઓફ-16 તબક્કામાં પહોંચશે. એ રાઉન્ડ 16-18 ઓક્ટોબર સુધી ચાલશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ 16-ટીમના રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલ મેચો રમાશે જે 21-22 ઓક્ટોબરે રમાશે.

25 ઓક્ટોબરે સેમી ફાઈનલ અને 28 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમાશે.

ભારતીય ટીમની આગેવાની શાંત મગજના, ફૂટબોલનના ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા અમરજીત સિંહ કિયામે લીધી છે. દેખાવની દ્રષ્ટિએ અન્ય રસપ્રદ ખેલાડીઓ છે – અનિકેત જાદવ અને અનવર અલી. સમગ્ર કિશોર ટીમને સિનિયર ટીમની જેમ તાલીમબદ્ધ કરે છે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન. ભારતીય ટીમના કોચ છે લૂઈસ નોર્ટન ડી મેટોસ, જેઓ પોર્ટુગીઝ છે.

ભારતનો કેપ્ટન અમરજીત સિંહ મણીપુર રાજ્યના થાઉબલ જિલ્લાના એક ગામના ગરીબ પરિવારનો વતની છે.

ભારતીય ટીમના ખેલાડીઓ સ્પર્ધામાં રમવા આતુર છે એનું મુખ્ય કારણ એ છે કે સૌને એમનાં માતા-પિતાની હાજરીમાં આવડી મોટી સ્પર્ધામાં રમવાની તક મળી છે.

કેપ્ટન અમરજીતનું કહેવું છે કે અમારી ટીમના દરેક ખેલાડીનાં માતાપિતાને એમનાં સંતાનની જે મેચ જોવી હોય તો એમને માટે ફૂટબોલ ફેડરેશને દિલ્હીમાં તમામ વ્યવસ્થા કરી છે.