ગુજરાતના મહત્ત્વના બંદરનું નામ બદલાઇને થયું દીનદયાલ પોર્ટ

0
4607

નવી દિલ્હી/અમદાવાદઃ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ કરવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.આ સાથે કંડલા પોર્ટનું નામાભિધાન દીનદયાળ પોર્ટ થઇ ગયું છે. સામાન્ય રીતે ભારતમાં બંદરોના નામ, તે બંદર જે શહેરમાં આવેલું હોય તેના પરથી આપવામાં આવે છે. જો કે વિશેષ કેસમાં સરકાર યોગ્ય વિચારણા કરીને ભૂતકાળમાં થયેલા મહાન નેતાઓના નામ પરથી પોર્ટનું નામ બદલે છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી કચ્છની જનતાએ ‘કંડલા પોર્ટ’નું નામ બદલીને‘દીનદયાળ પોર્ટ, કંડલા’ કરવા માગણી કરી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય (25.9.1916 – 1.2.1968) પ્રસિદ્ધ નેતા હતાં, જેમણે તેમનું જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું હતું. તેમણે સંપૂર્ણ જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કર્યું હતું તથા લોકોનાં ઉત્થાન માટે કામ કર્યું હતું. તેમણે ગરીબો અને કામદાર વર્ગના ઉત્થાન માટે પણ જીવન અર્પિત કર્યું હતું. સહિષ્ણુતા, નિઃસ્વાર્થીપણું અને કાયદા પ્રત્યે સન્માનની ભાવના જેવા લોકતાંત્રિક પાયાગત મૂલ્યો જાળવીને તેમણે ‘એકાત્મ માનવતાવાદ’ના સિદ્ધાંતો પર આધારિત કાર્યો કર્યા હતાં.

કંડલા પોર્ટનું નામ બદલીને “દીનદયાળ પોર્ટ, કંડલા” કરીને કૃતજ્ઞ રાષ્ટ્ર, ભારતનાં મહાન સપૂતોમાંના એક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનાં અમૂલ્ય પ્રદાનને હંમેશા યાદ રાખશે. આ ગુજરાતનાં લોકોને, ખાસ કરીને એવા યુવાનોને પ્રેરિત કરશે, જેઓ આ મહાન નેતાનાં પ્રદાનથી સંપૂર્ણપણે વાકેફ ન હોય.