RBIએ વ્યાજદર યથાવત્ રાખ્યા; સસ્તી લોન માટે રાહ જુઓ

નવી દિલ્હી– રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બાઈ મંથલી ક્રેડિટ પૉલીસીની જાહેરાત કરી છે, જેમાં ચાવી રૂપ દરોમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6 ટકા, રીવર્સ રેપો રેટ 5.75 ટકા અને એમએસએફ રેટ 6.25 ટકા પર યથાવત રાખ્યા છે. તેમજ આરબીઆઈએ એસએલઆર 0.50 ટકો ઘટાડીને 19.50 ટકા કર્યો છે. આરબીઆઈની આગામી ક્રેડિટ પૉલીસી 5-6 ડિસેમ્બરે આવશે. હવે લોકોને સસ્તી લોન માટે ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.

જો કે આ વખતની ક્રેડિટ પૉલીસીમાં વ્યાજ દર યથાવત રહેવાની શકયતા વધારે હતી. નિષ્ણાતોના મતે પણ આરબીઆઈ ડિસેમ્બરની ક્રેડિટ પૉલીસીમાં રેટ કટ કરશે.

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2018 માટે જીવીએ અનુમાન 7.3 ટકાથી ઘટાડીને 6.7 ટકા કર્યું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓકટોબરથી માર્ચમાં રીટેઈલ મોંઘવારી દર 4.2થી 4.6 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જાન્યુઆરીથી માર્ચ 2018 અને એપ્રિલ-જૂન 2018માં રિટેઈલ મોંઘવારી દર 4.6 ટકા રહેવાનું અનુમાન રજૂ કર્યુ છે. તેમજ જાન્યુઆરીથી માર્ચ 2019 સુધીમાં રીટેઈલ મોંઘવારી દર 4.5 ટકા રહેવાની ધારણા રજૂ કરાઈ છે.

બેંક ઓફ અમેરિકા- મેરિલ લિન્ચના અભિપ્રાય પ્રમાણે મોનિટરી પૉલીસી કમિટી(એમપીસી) ડિસેમ્બર સુધી રેટ કટ નહી કરે. તેણે તેની નોંધમાં લખ્યું છે કે આરબીઆઈના ગવર્નર ઊર્જિત પટેલ જરૂર આ કમિટી સમક્ષ રેટ કટ ન કરવા ભલામણ કરશે. તેમજ જીડીપી ગ્રોથમાં ઘટાડો અને મોંઘવારી દરના લક્ષ્યમાં જરૂર ઘટાડો કરે તેવી ધારણા રખાય છે.

કેન્દ્ર સરકાર આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટેની યોજના પર કામ કરી રહી છે. પણ હજી સુધી કોઈ નક્કર જાહેરાત કરાઈ નથી. જીડીપી ગ્રોથ સતત છ મહિનાથી ઘટી રહ્યો છે.