Home Blog Page 5630

ગુલબર્ગ કેસમાં મોદીને આરોપી બનાવવાની માગ કરતી અરજી રદ

અમદાવાદ-2002 કોમી રમખાણ દરમિયાન મોટા પાયે થયેલી હિંસા પાછળ નરેન્દ્ર મોદી સહિત મોટા નેતાઓ શામેલ હતાં તેવી રજૂઆત કરતી અરજીને ગુજરાત હાઇકોર્ટે રદ કરી દીધી છે

ગુલબર્ગ સોસાયટી રમખાણ કેસમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને નીચલી અદાલત દ્વારા ક્લીન ચિટ આપવાના કેસમાં જાકિયા ઝાફરીની અરજી ગુજરાત હાઇકોર્ટે રદ કરી દીધી છે. મોદી સહિતના અન્ય કેટલાક સામે જાકિયા ઝાફરીએ અરજી કરી હતી.કોર્ટે આ સાથે એસઆઈટીનો ક્લોઝર રીપોર્ટ પણ સ્વીકાર કરી લીધો છે.

નીચલી અદાલતે એસઆઈટીના ક્લોઝર રીપોર્ટને માનીને મોદી સહિત 56 આરોપીઓને ક્લીન ચિટ આપી હતી.રીવ્યૂ અરજી ફાઇલ કરવામાં જાકિયા ઝાફરીની સાથે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડનું એનજીઓ સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ પણ હતું. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ગુલબર્ગ સોસાયટી રમખાણ સહિતના રમખાણો પાછળ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટના આ ચૂકાદા સામે જાકિયા ઝાફરી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે.

અખિલેશ યાદવને 5 વર્ષ માટે બનાવાયા સપાના અધ્યક્ષ

આગ્રા- સમાજવાદી પાર્ટીનુ 10મું રાષ્ટ્રીય સમ્મેલન આજથી આગ્રામાં શરૂ થયું છે. અખિલેશ યાદવે આ કાર્યક્રમનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. આ સમ્મેલનમાં અખિલેશ યાદવને પાંચ વર્ષ માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સપાના મહાસચિવ આઝમ ખાન, રામગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, ધર્મેન્દ્ર યાદવ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અહીયા ઉપસ્થિત રહ્યા નહોતા.

આગ્રાના તારાઘર મેદાનમાં યોજાઈ રહેલા સમ્મેલનમાં ઉત્તર પ્રદેશ સહિત 25 રાજ્યોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ યાદવની ગેરહાજરીમાં સપાના નવા સંવિધાન અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર 5 વર્ષ માટે અખિલેશને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં દેશભરના આશરે 15 હજાર જેટલા સપાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈકાલે રાત્રે જ દેશભરમાંથી સપાના પ્રતિનિધિઓ આગ્રા પહોંચ્યા હતા.

છેલ્લા 9 મહિનાથી મુલાયમની ટૂકડીમાં ક્લેશ ચાલી રહ્યો છે. અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે દુશ્મની એટલી વધી ગઈ છે કે બન્ને વચ્ચે વાતચીત કરવાનો સંબંધ રહ્યો નથી. પરંતુ હવે દુશ્મનીની દિવાલ ધીમે ધીમે તૂટી રહી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ગઈકાલે શિવપાલે અખિલેશને ફોન કરીને પહેલાથી જ શુભેચ્છા પાઠવી દીધી હતી તો બીજી તરફ અખિલેશે પણ જણાવ્યું કે મારા કાકા શિવપાલના મારા પર આશિર્વાદ છે અને હંમેશા રહેશે.

PMની ટીકાનો મામલોઃ પ્રકાશ રાજ પર લખનઉ કોર્ટમાં કેસ

લખનઉ- પાંચ વાર ઈન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત થયેલા જાણીતા અભિનેતા પ્રકાશ રાજ પર લખનઉની કોર્ટમાં કેસ ચાલશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા પ્રકાશ રાજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આકરી ટીકા-ટીપ્પણીઓ કરી હતી, ત્યારે આ મામલે એક વકીલે પ્રકાશ રાજ વિરૂદ્ધ કોર્ટમાં ફરીયાદ કરી છે.દક્ષિણપંથી વિચારધારાના આલોચક તેમજ ધર્મનિરપેક્ષતા વિશે મજબૂત વકીલાત કરતા ગૌરી લંકેશની સપ્ટેમ્બર મહિનામાં તેમના ઘરની બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરના રોજ બેંગાલુરુમાં એક કાર્યક્રમમાં પ્રકાશ રાજે તેમના મિત્ર ગૌરી લંકેશના હત્યારાઓને ન પકડવા પર ગુસ્સો વ્યક્ત કરતાં વડાપ્રધાનની કાર્યશૈલીઓ પર ટીકા કરી હતી. પ્રકાશે કહ્યું હતુ કે લોકો સોશિયલ મીડિયા પર ગૌરી લંકેશની હત્યાની ખુશી મનાવી રહ્યા છે.

પ્રકાશે જણાવ્યું હતુ કે ખુશી મનાવનારા કેટલાક લોકો એવા પણ છે જેમને વડાપ્રધાન મોદી ટ્વિટર પર ફોલો કરે છે. પ્રકાશે વડાપ્રધાન વિશે વધુ ટીકા કરતા જણાવ્યું હતુ કે આપણી પાસે એવા વડાપ્રધાન છે કે જે આ મામલે આંખ બંધ કરીને બેઠા છે. પ્રકાશે જણાવ્યું હતુ કે વડાપ્રધાન મારા કરતા પણ સારા એક્ટર છે. વધુમાં પ્રકાશે જણાવ્યું હતું કે મોદીએ આ મામલે મૌન ધારણ કર્યું છે તે ખુબ જ ચિંતાનો વિષય છે અને તેઓ સતત ગૌરી લંકેશની હત્યાની ખુશી મનાવી રહેલા લોકોને ફોલો કરી રહ્યા છે. પ્રકાશ રાજે પોતાના નિવેદન બાદ ટ્વિટર પર એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતુ કે મે મારા નેશનલ એવોર્ડ પરત કરવાની વાત નથી કરી, કોઈ મુર્ખ જ આવું કામ કરી શકે.

મુંબઈ જેવા હુમલા કરવા દાઉદ કરી રહ્યો છે તૈયારીઓ

મુંબઈ- 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ 24 વર્ષ બાદ ફરથી ભારતમાં હુમલાઓનું પુનરાવર્તન કરવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે. મુંબઈ પોલિસે પાકિસ્તાનમાં રહેતા દાઉદના ભાઈ અને ભારતમાં તેના માણસો સાથે થતી વાતચીતને ઈન્ટરસેપ્ટ કરી છે. દાઉદના આ બ્લેક ફ્રાઈડે પ્લોટ વિશે કેન્દ્ર સરકારને પણ માહિતી આપવામાં આવી છે.

દાઉદના આ બદઈરાદાઓથી સ્પષ્ટપણે સાબિત થાય છે ભારતની સૌથી પ્રભાવશાળી અને શક્તિશાળી જગ્યાઓ પર દાઉદના પોતાના માણસો ગોઠવાયેલા છે. આવામાં દાઉદના લોકોને પકડવા માટે પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની જવાબદારીઓ અને પડકારો વધી જાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાગેડુ દાઉદ ઈબ્રાહિમ અને તેની કંપનીના કેટલાક લોકો ભારતમાં બેસીને પોતાના નાપાક મનસુબાઓને અંજામ આપવા માટેની સાજીશમાં લાગ્યા છે. ત્યારે મુંબઈ પોલીસ દ્વારા દાઉદ ઈબ્રાહિમના પાકિસ્તાનમાં રહેતાં ભાઈ અને ભારતમાં તેના લોકો વચ્ચે થોડા સમય પહેલા જ થયેલી વાતચીતને મુંબઈ પોલિસે ઈન્ટરસેપ્ટ કરી એક મોટી સાજીશનો પર્દાફાશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ પોલિસ દ્વારા જે કૉલ ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથી કેટલીક મહત્વની માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે હવે સુરક્ષા એજંસીઓ એલર્ટ બની ગઈ છે, અને ભારત વિરોધી તત્વો પોતાના કોઈપણ નાપાક ઈરાદામાં ઈરાદામાં સફળ ન થાય તે માટે ચુસ્તતા દાખવવામાં આવી રહી છે.

ફેસબૂકઃ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું…

ફેસબૂક વગર આજની ‘સ્માર્ટ’ફોનની ‘સ્માર્ટ’ દુનિયા અધૂરી ગણાય, ખરું કે નહીં? પરંતુ આ માધ્યમનો ઉપયોગ કેટલાક ‘સ્માર્ટ’ લોકો અથવા દેશો કરીને કહેવાતાં ‘સ્માર્ટ’ લોકોને ઉલ્લુ બનાવી જાય તો ?અમેરિકાની ચૂંટણીમાં આવો જ કિસ્સો બહાર આવ્યો છે. અમેરિકાની ચૂંટણી જે ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યાં છે તેને પ્રભાવિત કરવા રશિયાએ ફેસબૂક પર ઘણી બધી જાહેરખબરો મૂકી હતી. આ વાત ફેસબૂકે પોતે સ્વીકારી છે. અમેરિકાનું નીચલું ગૃહ જે કૉંગ્રેસ તરીકે ઓળખાય છે તે આ બાબતે તપાસ ચલાવી રહ્યું છે. તેને ફેસબૂકે ૩,૦૦૦ જાહેરખબરો સોંપી છે. આ જાહેરખબરો રશિયાની એક કંપનીએ ખરીદી હતી જેથી અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરી શકાય. ચોંકાવનારી વાત તો એ છે કે અમેરિકામાં જે વંશીય ભેદભાવ અને સામાજિક ખાઈ છે તેનું બરાબર દોહન કરી લેવાનો ઉદ્દેશ્ય આ જાહેરખબરોમાં હતો. આ જાહેરખબરો ગે-લેસ્બિયનો સાથે થતાં વ્યવહારો, વંશ, બંદૂક અંગેના અધિકારો, સ્થળાંતર (ઇમિગ્રેશન) અંગેની હતી. હવે ફેસબૂકના પ્રવક્તા એવું કહે છે કે “અમને આ જાહેરખબરો ખૂબ જ વાંધાજનક લાગી.”

કેટલીક જાહેરખબરો રશિયાના ચલણમાં ખરીદવામાં આવી હતી. જ્યારે જાહેરખબરો મળી ત્યારે ફેસબૂકે હસતાંહસતાં સ્વીકારી લીધી. મિડિયાના કેટલાક વર્ગમાં આવું થતું હોય છે. જાહેરખબર એ કમાણીનું અને કર્મચારીના પગારનું સાધન ચોક્કસ છે પરંતુ ગમે તે જાહેરખબર સ્વીકારી લેવી તે નૈતિક રીતે યોગ્ય તો ન જ કહેવાય.

અંદાજે ૧ કરોડ લોકોએ આ જાહેરખબરો જોઈ હતી. અમેરિકાની વસતી ૩૨ કરોડ છે. તેમાંથી ૧ કરોડ લોકોએ આ જાહેરખબર જોઈ. તેમાંથી ૪૪ ટકાએ ચૂંટણી પહેલાં જોઈ અને 56 ટકાએ ચૂંટણી પછી. આમ જોવામાં આવે તો નાનકડાં વર્ગને આ જાહેરખબરોએ પ્રભાવિત કર્યા હશે તો કર્યા હશે. પરંતુ વિશ્વ માટે આ ચોંકાવનારી વાત જરૂર છે.આ બધું બહાર આવ્યું એટલે ફેસબૂક (એમ સમજોને કે માર્ક ઝૂકરબર્ગ) ડાહીડાહી વાતો કરવા લાગ્યું છે. તે કહે છે કે આ જાહેરખબરો તેના વિશ્વને જોડવાના અને તેનાં બીજાં મૂલ્યોની વિરુદ્ધ છે. કોઈએ માર્કભાઈને પૂછવું જોઈએ કે જાહેરખબરો લેતી વખતે આ ડહાપણ કેમ ન સૂજ્યું ? ત્યારે પગ નીચે રેલો નહોતો આવ્યો એટલે ?

જેઓ સારી નોકરી શોધતા હોય તેમના માટે આનંદના સમાચાર એ છે કે ફેસબૂક હવે માણસોને નોકરીએ રાખવાનું છે. આ માણસોનું કામ જાહેરખબરોની સમીક્ષા કરવાનું રહેશે. જોકે એક ટીમ તો પહેલેથી છે જ પરંતુ તેની સંખ્યા ઓછી પડતી હશે એટલે તેમાં ૧,000 માણસોને વધુ જોડવામાં આવશે.

આ ઉપરાંત ફેસબૂકે તેની જાહેરખબર અંગેની નીતિમાં કેટલાક ફેરફારો પણ જાહેર કર્યા છે. તે મુજબ, જાહેરખબરોને વધુ પારદર્શક બનાવવામાં આવશે. જો તમે હવે જાહેરખબર જોશો તો આ જાહેરખબર કોણે આપી છે તે જોવા મળશે. આ જાહેરખબર આપનાર વ્યક્તિ કે કંપનીએ બીજી કઈ કઈ જાહેરખબરો આપી છે તે પણ તમે જોઈ શકશો. ફેસબૂકના આ પગલાંના લીધે જાહેરખબર આપનાર વ્યક્તિ કે કંપની વધુ જવાબદાર બનશે તેમ મનાય છે. ફેસબૂક સીધી ધમકી, શસ્ત્રના વેચાણ કે વપરાશ, આઘાતજનક સામગ્રી વગેરે પર પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ પણ કરશે. જાહેરખબર આપતી વ્યક્તિ કે કંપનીએ વધુ વિગતો આપીને પોતાની અસલિયત છતી કરવાની રહેશે.

ફેસબૂક હવે પછીથી માત્ર જાહેરખબરની સામગ્રી જ નહીં જુએ પરંતુ સાથે સાથે તે કયા સંદર્ભમાં આપવામાં આવી છે અને કયા દર્શકવર્ગને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે તે પણ જોશે. પરંતુ ફેસબૂકે એ ચોખવટ કરી છે કે દરેક પૉસ્ટ કે જાહેરખબરનું નિરીક્ષણ શક્ય નથી. એટલે કેટલીક તો વાંધાજનક જાહેરખબરો અને પૉસ્ટ તો જોવા મળશે જ. કદાચ આ આવક મેળવવાની છટકબારી હોઈ શકે અથવા ફેસબૂકની વાત વાસ્તવિક (જેન્યુઇન) પણ હોઈ શકે કારણ કે આખી દુનિયાના કરોડો-અબજો લોકો જ્યારે દિવસમાં દર પાંચ મિનિટે કંઈ ને કંઈ પૉસ્ટ કરતા હોય ત્યારે એ બધાનું નિરીક્ષણ કરવું સહેલું નથી.

વેજીટેબલ કટલેસ

વેજીટેબલ કટલેસ બનાવવી છે, પણ બટેટાની ચિકાશને કારણે કટલેસ નરમ થઈને તૂટી જાય છે, તો થોડાંક પૌઆ મિક્સીમાં ક્રશ કરીને એમાં નાંખો અને
કટલેસનો આકાર વાળો.

તમન્ના ભાટિયા મળી કેન્સરપીડિત બાળકોને…

બોલીવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયા ૪ ઓક્ટોબર, બુધવારે મુંબઈમાં કેન્સરપીડિત બાળકોને મળી હતી અને એમની સાથે વાતચીત કરી એમને હિંમત આપી હતી.

 

‘વસઈ-વિરાર મેયર્સ મેરેથોન’ની જાહેરાત…

મુંબઈની પડોશમાં આવેલા પાલઘર જિલ્લાના વસઈ અને વિરાર શહેરોમાં આવતા ડિસેંબરમાં ‘વસઈ-વિરાર મેયર્સ મેરેથોન -૨૦૧૭’નું આયોજન થનાર છે. એની જાહેરાત માટે મુંબઈમાં 4 ઓક્ટોબર, બુધવારે આયોજિત પત્રકાર પરિષદમાં બોલીવૂડ કલાકારો મંદિરા બેદી અને રાહુલ બોઝ ઉપરાંત વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ક્ષિતીજ ઠાકુર ઉપસ્થિત રહ્યાં હતાં. આ મેરેથોનમાં વિવિધ કેટેગરીઓમાં કુલ રૂ. ૩૫ લાખનાં રોકડ ઈનામો આપવામાં આવશે. ‘વસઈ-વિરાર મેયર્સ મેરેથોન -૨૦૧૭’નું આ પાંચમું વર્ષ છે.

 

બે મહિનામાં FIIએ રૂ.25 હજાર કરોડનું નેટ વેચાણ કર્યું

નવી દિલ્હીઃ સપ્ટેમ્બર મહિનામાં ઈન્વેસ્ટરોએ ભારતીય શેર માર્કેટમાંથી 13 હજાર કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું છે. ત્યારે 2 મહિનામાં એફઆઈઆઈએ આશરે 25 હજાર કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે. વિદેશી રોકાણ સતત ઓછું થવાથી શેર માર્કેટ પર દબાણ વધ્યું છે. એક્સપર્ટ્સનુ માનીએ તો ઘરેલુ માર્કેટ મોંઘુ થવાના કારણે, સ્થાનિક દ્રષ્ટીએ પોઝિટિવ ટ્રિગરની ઉણપ, ગ્લોબલ અનિશ્ચિતતા અને યુએસ ફેડ દ્વારા વ્યાજદરો વધારવામાં આવશે તેવા સંકેતને લઈને વિદેશી રોકાણકારો સ્થાનિક શેરબજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે. હાલ કંપનીઓ માર્કેટનો અર્નિંગ ગ્રોથ સુધરવાની રાહ જોઈ રહી છે, અને ત્યારબાદ જ તેઓ રોકાણ કરવા પાછા આવી શકે છે. અને જ્યાં સુધી એફઆઈઆઈનું નવું રોકાણ ન આવે ત્યાં સુધી થોડા સમય માટે શેરબજાર પર દબાણ જોવા મળી શકે છે.

જો આ કેલેન્ડરની વાત કરીએ તો માર્ચમાં શેરબજારમાં એફઆઈઆઈએ 30 હજાર 500 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. અને ત્યારબાદ વેચવાલી વધી ગઈ છે. એપ્રિલમાં એફઆઈઆઈએ માર્કેટમાં 2394 કરોડ, મે માસમાં 7711 કરોડ, જૂન માસમાં 3617 કરોડ અને જુલાઈ માસમાં 5161 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું હતું. તો ઓગષ્ટ મહિનામાં આશરે 12 હજાર કરોડ રૂપિયા માર્કેટમાંથી લીધા હતા. સપ્ટેમ્બર મહિનામાં પ્રોફિટબુકિંગ વધ્યું હતું અને રોકાણકારોએ 13 હજાર કરોડ રૂપિયા માર્કેટમાંથી પાછા ખેંચ્યા હતા. ત્યારે આને લઈને ઓગષ્ટથી અત્યાર સુધીમાં સેન્સેક્સ 3 ટકાથી વધારે અને નિફ્ટી 2.3 ટકા ઘટ્યા છે.