અખિલેશ યાદવને 5 વર્ષ માટે બનાવાયા સપાના અધ્યક્ષ

આગ્રા- સમાજવાદી પાર્ટીનુ 10મું રાષ્ટ્રીય સમ્મેલન આજથી આગ્રામાં શરૂ થયું છે. અખિલેશ યાદવે આ કાર્યક્રમનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. આ સમ્મેલનમાં અખિલેશ યાદવને પાંચ વર્ષ માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સપાના મહાસચિવ આઝમ ખાન, રામગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, ધર્મેન્દ્ર યાદવ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અહીયા ઉપસ્થિત રહ્યા નહોતા.

આગ્રાના તારાઘર મેદાનમાં યોજાઈ રહેલા સમ્મેલનમાં ઉત્તર પ્રદેશ સહિત 25 રાજ્યોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. મુલાયમ સિંહ યાદવ અને શિવપાલ યાદવની ગેરહાજરીમાં સપાના નવા સંવિધાન અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર 5 વર્ષ માટે અખિલેશને નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં દેશભરના આશરે 15 હજાર જેટલા સપાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગઈકાલે રાત્રે જ દેશભરમાંથી સપાના પ્રતિનિધિઓ આગ્રા પહોંચ્યા હતા.

છેલ્લા 9 મહિનાથી મુલાયમની ટૂકડીમાં ક્લેશ ચાલી રહ્યો છે. અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે દુશ્મની એટલી વધી ગઈ છે કે બન્ને વચ્ચે વાતચીત કરવાનો સંબંધ રહ્યો નથી. પરંતુ હવે દુશ્મનીની દિવાલ ધીમે ધીમે તૂટી રહી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ગઈકાલે શિવપાલે અખિલેશને ફોન કરીને પહેલાથી જ શુભેચ્છા પાઠવી દીધી હતી તો બીજી તરફ અખિલેશે પણ જણાવ્યું કે મારા કાકા શિવપાલના મારા પર આશિર્વાદ છે અને હંમેશા રહેશે.