Home Blog Page 5629

IRCTC ઓનલાઈન ટિકીટ બૂકિંગ સસ્તું થશે, MDR ચાર્જ નહીં

નવી દિલ્હીઃ IRCTC વેબસાઈટ દ્વારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા રેલવે ટિકીટ બૂકિંગ કરાવવા માટે થોડાસમયમાં જ ઓછો ચાર્જ ચૂકવવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરકાર એમડીઆર ચાર્જને દૂર કરવા માટે વિચાર કરી રહી છે, જે આઈઆરસીટીસી યાત્રીઓ પાસેથી વસૂલે છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે અત્યારે આ મામલે બેંકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે જેથી એ વાતની જાણકારી મેળવી શકાય કે રેલવે યાત્રીઓને એમડીઆરના બોજમાંથી મુક્ત કરવા માટે શું કરી શકાય.

ગોયલે જણાવ્યું કે IRCTC કન્ઝ્યુમર્સને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ આપે છે. ગોયલે જણાવ્યું કે હું આને ખતમ કરવાની વાત કહી રહ્યો છું અને તેના માટે અમે બેંકો સાથે વાત પણ કરી રહ્યાં છીએ. ગોયલે જણાવ્યું કે આનો નિર્ણય આવનારા બે થી ત્રણ દિવસમાં આવી જશે.

પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર ડિજિટલ ટ્રાંઝેક્શનને ફ્રી બનાવવા માટે બેંકોએ પોતાના મોડલ પર ફરીથી કામ કરવું પડશે. તેમણે આ મામલે વિસ્તારથી જાણકારી આપ્યા વિના જણાવ્યું કે હું તે વાતથી સહમત છું કે એમડીઆરનું અસ્તિત્વ હોવું જોઈએ પરંતુ કન્ઝ્યુમર અને મર્ચન્ટે આની ચૂકવણી ન કરવાની હોય.

અરુણાચલ પ્રદેશમાં એરફોર્સ હેલિકોપ્ટર MI17 ક્રેશ, 5ના મોત, 1 ઘાયલ

અરૂણાચલઃ અરૂણાચલ પ્રદેશમાં ચીનની બોર્ડર પાસે એરફોર્સનુ હેલિકોપ્ટર Mi17v5 ક્રેશ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હેલિકોપ્ટરમાં કોઈ ક્ષતી હોવાના કારણે આ ઘટના સર્જાઈ હતી. અરૂણાચલ પ્રદેશની સરહદથી 12 કિલોમીટર દુર આ અકસ્માત સર્જાયો છે. વાયુસેનાનું Mi17v5 હેલિકોપ્ટર ક્રેશ થયાની ઘટનામાં કુલ 5 લોકોના મૃત્યું થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાસ્થળ પર વાયુસેના દ્વારા રાહત કાર્ય માટે એક ટીમ મોકલી દેવામાં આવી છે. આ દુર્ઘટના અરૂણાપ્રદેશના તવાંગ પાસે ખિરમૂ ક્ષેત્રમાં થઈ છે. હેલિકોપ્ટર આર્મી માટે એર મેંટેનન્સનો સામાન લઈ જઈ રહ્યું હતું. દુર્ઘટના સવારે આશરે 6 વાગ્યાના સુમારે ઘટી હતી. આપને જણાવી દઈએ કે 8 ઓક્ટોબરના રોજ વાયુસેના દિવસ મનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે એર ચીફ માર્શલ બીએસ ધનોગાએ ગઈકાલે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શાંતિના સમયમાં પણ જવાનોના મૃત્યુ થવા તે ખરેખર ચિંતાનો વિષય છે. અમે લોકો અકસ્માતો ઓછા થાય તે દિશામાં જરૂરી પગલા ભરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે પણ અત્યારે ઓછી સંખ્યામાં ફાઈટર છે, પરંતુ અમે લોકો ગમેતેમ કરીને કોઈપણ પ્રકારના પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છીએ.

ચીને ઉત્તર કોરિયાને કેમ પડતું મૂક્યું ?

ત્તર કોરિયામાં ત્રીજી પેઢીનો શાસક યુવાન છે અને નાદાન પણ. અહીં નાદાની નિર્દોષ નથી, પણ દુનિયાને મોટી હાનિ કરે તેવી છે. કિમ જોંગ-ઉન પિતાના અવસાન પછી ઉત્તર કોરિયાનો શાસક બન્યો. તેના પિતા હતા કિમ જોંગ-ઇલ અને દાદા હતા કિમ ઇલ-સંગ. દાદાના પ્રતાપે બે પેઢી સરખુખત્યાર તરીકે રહી. કિમ પરિવારની અટક છે. કિમ પરિવારના વડવા ઇલ-સંગ 1948માં દેશના વડા બન્યા હતા. જાપાનની ઘૂંસરીમાંથી દેશને મુક્ત કરાવવા લડત ચાલેલી તેમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેના કારણે સત્તા હાથમાં આવ્યા પછી તેમણે છોડી નહીં અને 45 વર્ષ શાસન કર્યું. 1994 સુધી તેમનું શાસન ચાલ્યું અને તેમના મૃત્યુ પછી તેમના દીકરાએ સત્તા સંભાળી લીધી.આમ તો 1980થી જ જોંગ-ઇલે સત્તા સંભાળવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પિતા 1994 સુધી જીવ્યા. 1994 પછી સંપૂર્ણ સત્તા મળી અને 2011 સુધી તેમણે શાસન કર્યું. તેમના મોત પછી પૌત્ર જોંગ-ઉન સત્તા આવ્યો અને ત્યારથી અત્યાર સુધી ધમાલ કરતો આવ્યો છે. આ વાછરડું જેના જોરે કૂદતું હતું તે ખીલો ચીનનો હતો. ચીન પડોશી દેશ છે અને એક જ એવો પડોશી દેશ જેની સાથે ઉત્તર કોરિયાના સારા સંબંધો હોય. જાપાન સાથે અને દક્ષિણ કોરિયા સાથે તો દુશ્મની છે. રશિયા સાથે પણ ખાસ સંબંધો નહિ અને અમેરિકા સામે લડવાના હોંશ.
ઉત્તર કોરિયાની સૌથી લાંબી સરહદ ચીન સાથે છે અને સૌથી સારા સંબંધો તેની સાથે રહ્યા છે. દક્ષિણ કોરિયા સાથે યુદ્ધ થયું ત્યારે 1920-53 દરમિયાન ચીન તેની પડખે રહ્યું હતું. બંને દેશો વચ્ચે સંરક્ષણના મુદ્દે કરાર પણ થયેલા છે. પરંતુ અણુ ધડાકા અને છેલ્લે શંકા છે તે પ્રમાણે હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ ઉત્તર કોરિયાએ કર્યું. આ ઉપરાંત મિસાઇલો છોડી જે જાપાન ઉપરથી ઊડીને ભય ફેલાવતી ગઈ હતી. તે પછી અમેરિકાએ પોતાના વિમાનો ઉત્તર કોરિયાની સીમામાં ઉડાડ્યા. મામલો તંગ થતો જોયા પછી ચીને વલણ ફેરવ્યું છે. ચીન હવે કહી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે વાતચીત કરવી જોઈએ. 
ચીનના આ બદલાયેલા વલણ પાછળ સ્ટ્રેટેજીક કારણ પણ હોઈ શકે છે. જો ખરેખર આવી યુદ્ધ પડે તો કઈ દીશામાં જવું તે વધુ મોકળાશથી નક્કી કરી શકાય તે માટે ચીન ઉત્તર કોરિયા સાથે વચને બંધાઈ જવા માગતું નથી. ચીન આડકતરી રીતે બેફામ બનેલા કિમ જોંગ-ઉનને કાબૂમાં પણ રાખવા માગે છે. હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ પણ ઉત્તર કોરિયાએ કર્યું છે તેમ મનાય છે. પોતાના પડખામાં બેઠેલો દેશ આવા ખતરનાક શસ્ત્રો સાથે અખતરા કરે તે પણ ચિંતાનું કારણ છે. મિસાઇલ આડેધડ ઊડાડીને જોંગ-ઉને સૌને ચિંતામાં મૂકી દીધા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયા ટકી ગયું, કેમ કે ચીનનો સાથે તેને હતો. પણ ચીન નથી ઇચ્છતું કે આ સાથ તેને પોતાને જ મોંઘો પડે. ચીનના કહ્યામાં પણ જોંગ-ઉન ના હોય તેવી છાપ પડી છે તે પણ ચીનના ધ્યાન બહાર નથી. બીજો સૌથી મોટો ખતરો દક્ષિણ કોરિયાને છે. દક્ષિણ કોરિયાએ પણ સીધી ચીન સાથે વાત કરવાની કોશિશ કરી છે. અમેરિકા પણ ઇચ્છે છે કે આ મુદ્દે ચીન સાથે વાતચીત થાય. ચીને અત્યાર સુધી આ બંને દેશો સાથે સંયુક્ત રીતે વાત કરવાનું ટાળ્યું છે. ઉત્તર કોરિયા સાથેના સંબંધોને કારણે ચીન વાત ટાળતું હતું. હવે ચીન પોતે જ કહેવા લાગ્યું છે કે ઉત્તર કોરિયાએ વાતચીતના ટેબલ પર બેસવું જોઈએ.
ઉત્તર કોરિયા જો આ સલાહનું પાલન ના કરે તો ચીન પોતે વિશ્વના દેશો સાથે વાતચીત કરવા માટે પોતાને મુક્ત અનુભવી શકે છે. પોતાની સરહદ નજીક યુદ્ધ જેવી સ્થિતિમાં ચીન નિષ્ક્રિય થઈને બેસી રહી શકે નહિ. મહાસત્તા બનવા માટેના આ લક્ષણો નથી. તેથી ઉત્તર કોરિયાને પણ મેસેજ આપવો જરૂરી છે કે બંને વચ્ચેના સંબંધો દ્વિપક્ષી ખરા, પણ ચીને તો દુનિયા સાથેના બહુપક્ષી સંબંધોનો વિચાર કરવાનો છે. 
ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તન આવે ત્યારે તેના અણુશસ્ત્રોનું શું કરવું તે સવાલ અગત્યનો છે. ચીન નથી ઈચ્છતું કે દક્ષિણ કોરિયાને આગળ કરીને અમેરિકન દળો ઉત્તર કોરિયામાં ઘૂસી જાય. યુદ્ધના સંજોગોમાં અમેરિકન દળો ઉત્તર કોરિયામાં હોય તો શસ્ત્રોનો કબજો તેના હાથમાં પણ જઈ શકે છે. ચીન આ વાત મંજૂર રાખી શકે નહિ.
બીજી તકલીફ ઊભી થાય ઉત્તર કોરિયામાંથી હજારો લોકો નિરાશ્રિત તરીકે ચીનમાં આવી ચડે. દક્ષિણ કોરિયાની સરહદથી આક્રમણ થવાનું એટલે તે તરફ નિરાશ્રિતો જઈ શકે નહિ. એક માત્ર રસ્તો ચીનનો છે. ચીનમાં હજારો નાગરિકો આવી ચડે તો એક નવી માનવીય સમસ્યા પણ ચીન માટે ઊભી થાય. 
આ દરમિયાન ચીનમાં જ કેટલાક પ્રકાશનોમાં એવી ચર્ચા થઈ છે કે ચીન પોતાની સેના ઉત્તર કોરિયામાં મોકલીને એક સેફ્ટી ઝોન પણ ઊભો કરી શકે છે. નાગરિકો પોતાના વિસ્તારમાં ના આવે, પણ ઉત્તર કોરિયામાં જ રહે. આ સેફ્ટી ઝોનમાં નાગરિકોના રાખવામાં આવ્યો હોય એટલે અમેરિકા અને સાથી દેશો તે દિશામાં હુમલો પણ ના કરી શકે. યુદ્ધ વકરે અને તે સંજોગોમાં ઉત્તર કોરિયાની હાર પછી કબજો કરવાની વાત આવે તો પણ ચીનનો હાથ ઉપર રહી શકે. આ બધી ગણતરીને ધ્યાનમાં લઈને જ ચીને અત્યારથી જ ઉત્તર કોરિયાને સાથ આપવાનું બંધ કરી દીધું હોય તેમ લાગે છે. 

મોહન ભાગવતની કારનો મથુરા પાસે અકસ્માત, સંઘ પ્રમુખ સુરક્ષિત

મથુરા- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનો એક માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. મોહન ભાગવત ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર જઈ રહ્યા હતા જ્યાં તેઓના કાફલાની ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મોહન ભાગવતના કાફલાની એક ગાડીનું ટાયર ફાટી ગયું હતુ, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. મોહન ભાગવત વિજય કૌશલજીના આશ્રમમાં અત્યારે રોકાયા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત સતત દેશમાં અલગઅલગ જગ્યાઓની મુલાકાત લઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ તેઓ બંગાળની મુલાકાતે પણ ગયા હતા અને થોડા સમયમાં તેઓ બિહારની મુલાકાતે પણ જવાના છે. તેઓએ બે દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે હિંદુ અને મુસલમાન પોતાની સહમતિથી ભારતને શ્રેષ્ઠ બનાવી શકે છે, પરંતુ ભારતને નંબર વન હિંદુત્વ જ બનાવી શકે છે કારણ કે હકીકતમાં મુસલમાન પહેલા હિન્દુ હતા પણ પછીથી તેઓ મુસલમાન બની ગયા.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવનું આયોજન

અમદાવાદ- ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ (ICCR)તથા અવંતિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દુનિયાભરના વિવિધ નૃત્ય સ્વરૂપોની રજૂઆત દ્વારા શહેરમાં સૌ પ્રથમવાર પરફોર્મીંગ આર્ટસ કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ પ્રતિભાઓ દ્વારા રજૂઆતનાં દ્વાર ખૂલ્લાં મુકાશે અને ગુજરાતના કલ્ચરલ કેલેન્ડરમાં એક નોંધપાત્ર સમારંભનો ઉમેરો થશે. વર્લ્ડ હેરિટેજ વીકની સમાંતરપણે યોજાનારા આ સમારંભ દ્વારા રજૂઆતની સાથે સાથે સાંસ્કૃતિક વારસો  જાળવવાની જરૂરિયાત ઉપર ધ્યાન અપાશે.આ સમારંભમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક અભિવ્યક્તિ નૃત્યના માધ્યમથી રજૂ થશે. આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં મેક્સિકો અને કોલંબીયા જેવા દેશો ઉપરાંત પંજાબ, આસામ, મણીપુર, કર્ણાટક, અને ગુજરાતના કલાકારો દ્વારા પોતાના પ્રદેશના વિવિધ નૃત્યસ્વરૂપો રજૂ કરવામાં આવશે. તા. 19 અને 20 નવેમ્બરના રોજ શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાનારા આ સમારંભનો 2500થી વધુ દર્શકો ઉમટશે તેવી અપેક્ષા છે. વાદ્યોના થડકાર, ઝગમગતા પોશાકો,  શાનદાર અને અવનવી અંગભંગી દ્વારા ભૌગોલિક સીમાઓ પાર કરીને કલાની રજૂઆતને ઉચ્ચ સ્તરે લઈ જવાશે.

ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ સસ્તું થશે; સરકાર VAT ઘટાડશે

અમદાવાદ – ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે એમની સરકાર પેટ્રોલ અને ડિઝલ પરના વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં કાપ મૂકશે. બંને ઈંધણના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાની કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યોને વિનંતી કર્યા બાદ ગુજરાત સરકારે એ દિશામાં પહેલ કરી છે અને VATમાં ઘટાડો કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બનશે.

ગુજરાતના આ નિર્ણયનું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અન્ય ભાજપશાસિત રાજ્યો પણ કરે એવી ધારણા છે.

રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલ પરનો VAT ઘટાડવાનો નિર્ણય લીધો છે. સંબંધિત અધિકારીઓને મુસદ્દા પ્રસ્તાવ ઘડવાની સૂચના આપી દેવાઈ છે. નિર્ણયનો બે-ત્રણ દિવસમાં અમલ કરવામાં આવશે.

જોકે VATમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવશે એ વિશે રૂપાણીએ કશું જણાવ્યું નથી.

ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડિઝલ, બંને પર 28.96 ટકા VAT નાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પરની આબકારી જકાત (બેઝિક એક્સાઈઝ ડ્યૂટી)માં બે ટકાનો ઘટાડો કરી દીધો છે. એને પગલે પેટ્રોલ-ડિઝલ થોડુંક સસ્તું થયું છે. હવે રાજ્ય સરકારો પણ તેઓ દ્વારા અલગ અલગ રીતે લાગુ કરાતો VAT ઘટાડે તો આ ઈંધણ વધારે સસ્તું થઈ શકે છે.

ગુજરાતઃ નવી સુવિધાપૂર્ણ ચેરિટી ઓફિસો

ગાંધીનગર– મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યા પછી રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા-કક્ષાની વિવિધ કચેરીઓ કે જે ભાડાના મકાનોમાં કે અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય તેના પોતાના અલાયદા ભવન નિર્માણ થઇ રહ્યાં છે.અમદાવાદ મુકામે મીરઝાપુર રોડ ઉપર સ્થિત જૂની, ખૂબ જ સંકડાશભરી, ગીચ વિસ્તારમાં આવેલી, વાહન પાર્કિંગની સવલત ન થઇ શકે તેવી, અને તદ્દન જર્જરિત હાલતની બિલ્ડિંગમાં બેસતી ચેરિટી કમિશનર કચેરીનું અમદાવાદના ડ્રાઇવ-ઇન-રોડ જેવા પોશ વિસ્તારમાં વસ્ત્રાપુર વસાહત મુકામે બહુમાળી-ર ભવનમાં સ્થળાંતર કરવામાં આવી છે.

તે જ રીતે હવે રાજય સરકારે નવી ઊભી કરેલ જોઇન્ટ ચેરિટી કમિશનરની ભાવનગર અને મહેસાણાની કચેરીઓ અનુક્રમે તા.૮.૧૦.૨૦૧૭ અને ૧૨.૧૦.૨૦૧૭ના રોજથી તેમજ આસીસ્ટન્ટ ચેરીટી કમિશનરની મોરબી જિલ્લા ખાતેની કચેરી તા. ૧૧.૧૦.૨૦૧૭ના રોજથી કાર્યરત થનાર હોવાનું કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લા ખાતેની જોઇન્ટ ચેરીટી કમિશનરની કચેરીના જ્યુરિસડિકશન હેઠળ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાઓનો સમાવેશ થશે, જ્યારે મહેસાણા ખાતેની જોઇન્ટ ચેરિટી કમિશનરની કચેરીના જ્યુરિસડિકશન હેઠળ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થશે જ્યારે મોરબી જિલ્લા ખાતે જિલ્લાની પોતાની અલાયદી આસીસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થશે.

નવી જોઇન્ટ ચેરિટી કમિશનરની કચેરીઓ કાર્યરત થતાં, ભાવનગર ખાતે નોંધાયેલા ૧૧,૯૩૯ જેટલા ટ્રસ્ટો અને સોસાયટીઓ, બોટાદના ૨,૧૫૩ ટ્રસ્ટો અને સોસાયટીઓ અને અમરેલીમાં નોંધાયેલા ૭,૮૧૨ ટ્રસ્ટો અને સોસાયટીના જે કઇ લિટિગેશનો પેન્ડિંગ હોય કે ભવિષ્યમાં ઊભા થાય ત્યારે આ જિલ્લાના પક્ષકારોને હવે રાજકોટ જવાના બદલે તેમના ઘરઆંગણે જ ન્યાય મળી શકશે.એ જ રીતે, મહેસાણા મુકામે જોઇન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થતાં જિલ્લાના જ્યુરિસડિકશન હેઠળના મહેસાણા, હિંમતનગર, અરવલ્લી અને પાલનપુર જિલ્લાના ટ્રસ્ટો અને સોસાયટીઓના લિટિગેશન, જે અગાઉ અમદાવાદ મુકામે પેન્ડિંગ હતા તે હવે મહેસાણા જિલ્લામાં તબદિલ થતાં આ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના ટ્રસ્ટોના લિટિગન્ટ્સને તેમના કેસો માટે હવે અમદાવાદ જવું નહીં પડે અને સમય અને નાણાંનો વ્યય થતો અટકશે.

હાલમાં ગુજરાતમાં અંદાજે ૩,૪૫,૦૦૦ જેટલાં ચેરિટેબલ ટ્રસ્ટો અને સોસાયટીઓ રેકર્ડ પર નોંધાયેલી છે. દિનપ્રતિદિન તંત્રમાં કેસોનું પ્રમાણ વધતું જાય છે ચેરિટી તંત્રને સ્ટ્રેન્ધનિંગ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા કક્ષાની નવી કચેરીઓ, કચેરીના રેકર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન અને રેકર્ડના ડિઝિટાઇઝેશન જેવી કામગીરીના કારણે ચેરીટી તંત્રના ગત વર્ષે અંદાજે ૨૧,૦૦૦ જેટલા કેસો પડતર હતા તેની સરખામણીએ તે ઘટીને હાલમાં ૧૯,૦૦૦ કેસો પડતર છે અને કેસોની પેન્ડેન્સીમાં ઘટાડો થયો છે.

દિવ્યાંગ વીરલાઓ દાન ઉત્સવમાં સ્તંભ પૂરવાર થયાં

પને જાણીને આશ્ચર્ય થશે કે દિવ્યાંગો દાન આપે છે… 28 દિવ્યાંગ વીરલાઓ દાન ઉત્સવમાં કેન્દ્ર સ્થાને રહીને વંચિત, ઝૂંપડપટ્ટીવાસીઓ અને મ્યુનિસિપલ શાળાઓના વિદ્યાર્થીઓ, આંગણવાડીઓ અને  ગામડાંઓમાં આ વર્ષે કશુંક આપવાના ઉમદા ઉદ્દેશમાં મોખરે રહ્યાં છે.

બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશન (બીપીએ) અને સંવેદનાની આગેવાની હેઠળ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિઓનું મેન્ટરીંગ કરીને એક વિશિષ્ટ રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. મેન્ટર્સ દ્વારા પ્રોજેક્ટ હાથ ધરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વ્યક્તિઓને ટોચના કોર્પોરેટ હાઉસ અને શહેરની અગ્રણી વ્યક્તિઓ સમક્ષ પ્રેઝન્ટેશન આપવા માટે વ્યવસ્થિત તાલીમ આપવામાં આવી હતી, જેના પરિણામે તેમની પાસેથી 25 સ્ટેશનરી કીટસ, કપડાં, રમકડાં, દવાઓ, ખોરાક અને વ્હિલ ચેર્સ એકત્ર કરવામાં આવ્યા હતા.

બ્લાઈન્ડ પિપલ્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ સેક્રેટરી ડો.ભૂષણ પૂનાની chitralekha.com ને જણાવે છે કે “આ પ્રયાસ દિવ્યાંગ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ સીંચીને તેમની ક્ષમતામાં વિશ્વાસ ઉભો કરવા માટે હાથ ધરાયો હતો. તેમણે મેન્ટર્સના પૂરતા સહયોગથી આ સમગ્ર ઝૂંબેશ ચલાવી હતી. આ વર્ષે એક્ટ ઓફ ગીવીંગ (કશુંક આપવાનો ઉદ્દેશ) દ્વારા નવી ક્ષિતિજો હાંસલ કરવામાં આવી છે.”

દુષ્યંત જોષી દ્વારા અમદાવાદમાં જોય ઓફ ગીવીંગ વીકનો અભિગમ શરૂ કરાયો છે અને તા.2 થી 8 ઓક્ટોબર દરમ્યાન નવનીત એજ્યુકેશન, ઝેડ  બ્લુ, શાંગ્રીલા એક્સપોર્ટ પ્રા.લિ., રિયલ નમકીન, પુરોહિત સ્નેક્સ અને હેવમોર જેવા ટોચના કોર્પોરેટ હાઉસ દ્વારા તેનું અનુકરણ કરાય છે. આ કંપનીઓ આગળ આવીને સહાય પૂરી પાડે છે. શિવકુમાર અને તેમના જેવી વ્યક્તિઓ તથા તેમના સંબંધીઓ અને પાડોશીઓએ પણ આ ઉદ્દેશને સમર્થન પૂરૂ  પાડ્યું છે.

મુખ્ય મેન્ટર્સમાં નંદિનીબેન રાવલ, મુક્તિ જોષી, માણેક કોરડિયા, આરૂષી નાગર, મનુભાઈ ચૌધરી, મનિષા શાહ, શિવાની શાહ, જલ્પા માલવી અને સંવેદનાના સ્થાપક જાનકીબેન વસંતનો સમાવેશ થાય છે.

તા.2 ઓક્ટોબરના રોજ આંગણવાડીના બાળકોને રમકડાં, ફૂડ પેકેટસ, દવાઓ અને સ્ટેશનરીની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે પછીના દિવસે સાણંદની ઝોલાપુર પ્રાયમરી સ્કૂલમાં વિતરણ કરાયું હતું. તા.4 ઓક્ટોબરના રોજ અમદાવાદના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કપડાંનું વિતરણ કરાયું હતું. તા.6 ઓક્ટોબરના રોજ હેવમોર, કુબેરનગરની મ્યુનિસિપલ શાળામાં કોમ્બો ભોજન અને આઈસ્ક્રીમનું વિતરણ કરશે. અમદાવાદના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં આગામી બે દિવસ દરમ્યાન રમકડાંઓનું વિતરણ કરવામાં આવશે.

દેશભરમાં વર્ષ 2009થી દાનઉત્સવ મનાવવામાં આવે છે અને તે કશુંક આપીને ખુશ થવાનો ઉત્સવ છે. આ ઝૂંબેશમાં કોઈપણ સંસ્થા કે વ્યક્તિ  સામેલ થઈ શકે છે. વર્ષ 2016માં 40 શહેરના અંદાજે 1 કરોડ લોકો એમાં સામેલ થયા હતા. કશુંક આપવાનો આ ઉત્સવ છે અને સમાજને કશુંક પરત કરવાનો પ્રયાસ છે.