ગુજરાતમાં પેટ્રોલ, ડિઝલ સસ્તું થશે; સરકાર VAT ઘટાડશે

અમદાવાદ – ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે એમની સરકાર પેટ્રોલ અને ડિઝલ પરના વેલ્યૂ એડેડ ટેક્સ (VAT)માં કાપ મૂકશે. બંને ઈંધણના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાની કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યોને વિનંતી કર્યા બાદ ગુજરાત સરકારે એ દિશામાં પહેલ કરી છે અને VATમાં ઘટાડો કરનાર તે દેશનું પ્રથમ રાજ્ય બનશે.

ગુજરાતના આ નિર્ણયનું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા અન્ય ભાજપશાસિત રાજ્યો પણ કરે એવી ધારણા છે.

રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે પેટ્રોલ-ડિઝલ પરનો VAT ઘટાડવાનો નિર્ણય લીધો છે. સંબંધિત અધિકારીઓને મુસદ્દા પ્રસ્તાવ ઘડવાની સૂચના આપી દેવાઈ છે. નિર્ણયનો બે-ત્રણ દિવસમાં અમલ કરવામાં આવશે.

જોકે VATમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવશે એ વિશે રૂપાણીએ કશું જણાવ્યું નથી.

ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડિઝલ, બંને પર 28.96 ટકા VAT નાખવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલ પરની આબકારી જકાત (બેઝિક એક્સાઈઝ ડ્યૂટી)માં બે ટકાનો ઘટાડો કરી દીધો છે. એને પગલે પેટ્રોલ-ડિઝલ થોડુંક સસ્તું થયું છે. હવે રાજ્ય સરકારો પણ તેઓ દ્વારા અલગ અલગ રીતે લાગુ કરાતો VAT ઘટાડે તો આ ઈંધણ વધારે સસ્તું થઈ શકે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]