ગુજરાતઃ નવી સુવિધાપૂર્ણ ચેરિટી ઓફિસો

ગાંધીનગર– મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યા બાદ ચેરિટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યા પછી રાજયમાં ચેરિટી કમિશનર હસ્તકની જિલ્લા-કક્ષાની વિવિધ કચેરીઓ કે જે ભાડાના મકાનોમાં કે અન્ય સરકારી મકાનોમાં બેસતી હોય તેના પોતાના અલાયદા ભવન નિર્માણ થઇ રહ્યાં છે.અમદાવાદ મુકામે મીરઝાપુર રોડ ઉપર સ્થિત જૂની, ખૂબ જ સંકડાશભરી, ગીચ વિસ્તારમાં આવેલી, વાહન પાર્કિંગની સવલત ન થઇ શકે તેવી, અને તદ્દન જર્જરિત હાલતની બિલ્ડિંગમાં બેસતી ચેરિટી કમિશનર કચેરીનું અમદાવાદના ડ્રાઇવ-ઇન-રોડ જેવા પોશ વિસ્તારમાં વસ્ત્રાપુર વસાહત મુકામે બહુમાળી-ર ભવનમાં સ્થળાંતર કરવામાં આવી છે.

તે જ રીતે હવે રાજય સરકારે નવી ઊભી કરેલ જોઇન્ટ ચેરિટી કમિશનરની ભાવનગર અને મહેસાણાની કચેરીઓ અનુક્રમે તા.૮.૧૦.૨૦૧૭ અને ૧૨.૧૦.૨૦૧૭ના રોજથી તેમજ આસીસ્ટન્ટ ચેરીટી કમિશનરની મોરબી જિલ્લા ખાતેની કચેરી તા. ૧૧.૧૦.૨૦૧૭ના રોજથી કાર્યરત થનાર હોવાનું કાયદા મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લા ખાતેની જોઇન્ટ ચેરીટી કમિશનરની કચેરીના જ્યુરિસડિકશન હેઠળ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાઓનો સમાવેશ થશે, જ્યારે મહેસાણા ખાતેની જોઇન્ટ ચેરિટી કમિશનરની કચેરીના જ્યુરિસડિકશન હેઠળ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થશે જ્યારે મોરબી જિલ્લા ખાતે જિલ્લાની પોતાની અલાયદી આસીસ્ટન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થશે.

નવી જોઇન્ટ ચેરિટી કમિશનરની કચેરીઓ કાર્યરત થતાં, ભાવનગર ખાતે નોંધાયેલા ૧૧,૯૩૯ જેટલા ટ્રસ્ટો અને સોસાયટીઓ, બોટાદના ૨,૧૫૩ ટ્રસ્ટો અને સોસાયટીઓ અને અમરેલીમાં નોંધાયેલા ૭,૮૧૨ ટ્રસ્ટો અને સોસાયટીના જે કઇ લિટિગેશનો પેન્ડિંગ હોય કે ભવિષ્યમાં ઊભા થાય ત્યારે આ જિલ્લાના પક્ષકારોને હવે રાજકોટ જવાના બદલે તેમના ઘરઆંગણે જ ન્યાય મળી શકશે.એ જ રીતે, મહેસાણા મુકામે જોઇન્ટ ચેરિટી કમિશનરની કચેરી કાર્યરત થતાં જિલ્લાના જ્યુરિસડિકશન હેઠળના મહેસાણા, હિંમતનગર, અરવલ્લી અને પાલનપુર જિલ્લાના ટ્રસ્ટો અને સોસાયટીઓના લિટિગેશન, જે અગાઉ અમદાવાદ મુકામે પેન્ડિંગ હતા તે હવે મહેસાણા જિલ્લામાં તબદિલ થતાં આ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના ટ્રસ્ટોના લિટિગન્ટ્સને તેમના કેસો માટે હવે અમદાવાદ જવું નહીં પડે અને સમય અને નાણાંનો વ્યય થતો અટકશે.

હાલમાં ગુજરાતમાં અંદાજે ૩,૪૫,૦૦૦ જેટલાં ચેરિટેબલ ટ્રસ્ટો અને સોસાયટીઓ રેકર્ડ પર નોંધાયેલી છે. દિનપ્રતિદિન તંત્રમાં કેસોનું પ્રમાણ વધતું જાય છે ચેરિટી તંત્રને સ્ટ્રેન્ધનિંગ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા કક્ષાની નવી કચેરીઓ, કચેરીના રેકર્ડનું કોમ્પ્યુટરાઇઝેશન અને રેકર્ડના ડિઝિટાઇઝેશન જેવી કામગીરીના કારણે ચેરીટી તંત્રના ગત વર્ષે અંદાજે ૨૧,૦૦૦ જેટલા કેસો પડતર હતા તેની સરખામણીએ તે ઘટીને હાલમાં ૧૯,૦૦૦ કેસો પડતર છે અને કેસોની પેન્ડેન્સીમાં ઘટાડો થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]