PM નરેન્દ્ર મોદી 7-8 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે

ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૭ અને ૮ ઓકટોબર એમ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. બે દિવસ દરમિયાન દ્વારકા, ચોટીલા, ગાંધીનગર, વડનગર અને ભરુચમાં લોકકલ્યાણની અનેક યોજનાઓનો શિલાન્યાસ કરશે.

7 ઓક્ટોબરનો કાર્યક્રમ

પીએમ મોદી 7 ઓકટોબરને શનિવારે દિલ્હીથી સીધા દ્વારકા જશે. દ્વારકાધીશના દર્શન કરીને તેઓ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. પીએમ મોદી ઓખા અને બેટદ્વારકાને જોડતા સમુદ્ર પર રૂ.૯૬૨.૪૩ કરોડના ખર્ચે નિર્મિત થનારા ચાર માર્ગીય કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના નિર્માણકાર્યનો શિલાન્યાસ કરશે અને નાગરિકોને સંબોધન કરશે.

બપોરે ૧૨.૩૦ કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પહોંચશે. ચોટીલા નજીક ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ કરાશે. નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેનું ભૂમિ પૂજન કરાશે. અમદાવાદ-રાજકોટ ૨૩૧.૩૧ કિ.મી. લંબાઇના રાષ્ટ્રીય ધોરીમાર્ગનું છ-માર્ગીકરણ કરાશે. આ કામનું પણ ભૂમિપૂજન કરાશે. રાજકોટ-મોરબી રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાના કામનું ભૂમિપૂજન પણ કરાશે.  સૂરસાગર ડેરીમાં ઓટોમેટિક દૂધ પ્રોસેસીંગ અને પેકેજીંગ પ્લાન્ટનો પ્રારંભ પણ કરાશે. તેઓ સુરેન્દ્રનગર શહેરના ચાર ઝોનમાં દૈનિક પાણી વિતરણ યોજનાનું લોકાર્પણ કરશે. આ સમારોહમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને ભારત સરકારના નાગરિક ઉડ્ડયનપ્રધાન અશોક ગજપતિ રાજુ પુસાપતિ પણ ઉપસ્થિત રહેશે.

PM નરેન્દ્રભાઇ મોદી ચોટીલાથી ગાંધીનગર આવશે. ગાંધીનગર નજીક પાલજ ગામ પાસે ૩૯૭ એકર જમીનમાં સાબરમતીના કાંઠે આઇઆઇટી સંકુલનું નિર્માણ કરાયું છે. પીએમ મોદી આ અત્યંત આધુનિક આઇઆઇટી સંકુલ રાષ્ટ્રને અર્પણ કરશે અને ડિજિટલ સાક્ષરતા અભિનંદન સમારોહને પણ સંબોધન કરશે. આ પ્રસંગે સીએમ વિજયભાઇ રૂપાણી ઉપરાંત કેન્દ્રીય ઇલેકટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી તથા કાયદો અને ન્યાયપ્રધાન રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય માનવ સંશાધન વિકાસપ્રધાન પ્રકાશ જાવડેકર, કેન્દ્રીય રાજ્યપ્રધાન ડૉ. સત્યપાલ સિંધ અને અલફોન્ઝ કન્નાનથનમ  ઉપસ્થિત રહેશે. પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે

PM નરેન્દ્ર મોદી રૂ.5825 કરોડનાં 4 રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓકટોબરે ગુજરાતમાં દ્વારકામાં રૂ. 5825 કરોડનાં મૂલ્યનાં ચાર રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે વડાપ્રધાનની સાથે માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધારપ્રધાન નીતિન ગડકરી અને રાજ્ય કક્ષાનાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ તથા રસાયણ અને ખાતરપ્રધાન મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાન રાષ્ટ્રીય રાજમાર્ગ-51 પર બેટ દ્વારકા અને ઓખા વચ્ચે કેબલ સ્ટે સિગ્નેચર બ્રીજનાં નિર્માણ માટે ખાતમુહૂર્ત કરશે. પુલનાં પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 962 કરોડ છે. ખાતમુહૂર્ત થનાર અન્ય પ્રોજેક્ટ્સમાં રૂ. 1600 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 51 પર પોરબંદર-દ્વારકા સેક્શનનાં 116.24 કિમીને 4 લેન કરવાનો, રૂ. 370 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ 51 પર ગાડુ-પોરબંદર સેક્શનનો 93.56 કિમીનો માર્ગ 2/4 લેનિંગ, રૂ. 2893 કરોડનાં ખર્ચે રાષ્ટ્રીય રાજમાર્ગ-47 અને રાષ્ટ્રીય રાજમાર્ગ-27 પર અમદાવાદ-રાજકોટ સેક્શનનાં 201.31 કિમીનાં માર્ગને 6 લેન કરવાનાં પ્રોજેક્ટ્સ સામેલ છે.

 

વતન વડનગરને પાદર 8મી ઓક્ટોબરે

ગુજરાતની મુલાકાતના બીજા દિવસની શરૂઆત પીએમ નરેન્દ્રભાઇ મોદી માદરે વતન-વડનગરથી કરશે. નરેન્દ્રભાઇ વડાપ્રધાન બન્યા પછી સૌપ્રથમ પોતાના વતનમાં આવી રહ્યાં છે. તેમના આવકાર માટે વડનગર થનગની રહ્યું છે. મોદી વડનગરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજનું લોકાર્પણ કરશે. વડનગરથી જ તેઓ હિંમતનગરની હોસ્પિટલ પણ રાષ્ટ્રને અર્પણ કરશે. તેઓ આ પ્રસંગે મિશન ઇન્દ્રધનૂષ અંતર્ગત સઘન રસીકરણ અભિયાનનો પણ આરંભ કરાવશે. સાથોસાથ ફિમેલ હેલ્થવર્કર્સને આઇએમ ટેકો એપ્લિકેશન અને ટેબલેટ્સનું પણ વિતરણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસના અંતિમ ચરણમાં વડનગરથી ભરૂચ જશે. ભરૂચમાં નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે કલ્પસર પ્રભાગની ભાડભૂત બેરેજ યોજનાનો શિલાન્યાસ કરાશે. નર્મદા નદી પર રૂ.૪,૩૩૭ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ભાડભૂત બેરેજથી આ વિસ્તાર વિશેષ લાભાન્વિત થશે. ભરૂચ ખાતેથી જ રી નરેન્દ્રભાઇ મોદી જી.એન.એફ.સી.ના રૂ.૬૦૦ કરોડના વિવિધ પ્રોજેકટ્સના લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે તથા ઉધનાથી જયનગર-વિહારને જોડતી અંત્યોદય એક્સપ્રેસનું પ્રસ્થાન કરાવશે.