અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવનું આયોજન

અમદાવાદ- ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ (ICCR)તથા અવંતિ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં દુનિયાભરના વિવિધ નૃત્ય સ્વરૂપોની રજૂઆત દ્વારા શહેરમાં સૌ પ્રથમવાર પરફોર્મીંગ આર્ટસ કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ પ્રતિભાઓ દ્વારા રજૂઆતનાં દ્વાર ખૂલ્લાં મુકાશે અને ગુજરાતના કલ્ચરલ કેલેન્ડરમાં એક નોંધપાત્ર સમારંભનો ઉમેરો થશે. વર્લ્ડ હેરિટેજ વીકની સમાંતરપણે યોજાનારા આ સમારંભ દ્વારા રજૂઆતની સાથે સાથે સાંસ્કૃતિક વારસો  જાળવવાની જરૂરિયાત ઉપર ધ્યાન અપાશે.આ સમારંભમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક અભિવ્યક્તિ નૃત્યના માધ્યમથી રજૂ થશે. આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં મેક્સિકો અને કોલંબીયા જેવા દેશો ઉપરાંત પંજાબ, આસામ, મણીપુર, કર્ણાટક, અને ગુજરાતના કલાકારો દ્વારા પોતાના પ્રદેશના વિવિધ નૃત્યસ્વરૂપો રજૂ કરવામાં આવશે. તા. 19 અને 20 નવેમ્બરના રોજ શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાનારા આ સમારંભનો 2500થી વધુ દર્શકો ઉમટશે તેવી અપેક્ષા છે. વાદ્યોના થડકાર, ઝગમગતા પોશાકો,  શાનદાર અને અવનવી અંગભંગી દ્વારા ભૌગોલિક સીમાઓ પાર કરીને કલાની રજૂઆતને ઉચ્ચ સ્તરે લઈ જવાશે.