ચીને ઉત્તર કોરિયાને કેમ પડતું મૂક્યું ?

ત્તર કોરિયામાં ત્રીજી પેઢીનો શાસક યુવાન છે અને નાદાન પણ. અહીં નાદાની નિર્દોષ નથી, પણ દુનિયાને મોટી હાનિ કરે તેવી છે. કિમ જોંગ-ઉન પિતાના અવસાન પછી ઉત્તર કોરિયાનો શાસક બન્યો. તેના પિતા હતા કિમ જોંગ-ઇલ અને દાદા હતા કિમ ઇલ-સંગ. દાદાના પ્રતાપે બે પેઢી સરખુખત્યાર તરીકે રહી. કિમ પરિવારની અટક છે. કિમ પરિવારના વડવા ઇલ-સંગ 1948માં દેશના વડા બન્યા હતા. જાપાનની ઘૂંસરીમાંથી દેશને મુક્ત કરાવવા લડત ચાલેલી તેમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. તેના કારણે સત્તા હાથમાં આવ્યા પછી તેમણે છોડી નહીં અને 45 વર્ષ શાસન કર્યું. 1994 સુધી તેમનું શાસન ચાલ્યું અને તેમના મૃત્યુ પછી તેમના દીકરાએ સત્તા સંભાળી લીધી.આમ તો 1980થી જ જોંગ-ઇલે સત્તા સંભાળવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ પિતા 1994 સુધી જીવ્યા. 1994 પછી સંપૂર્ણ સત્તા મળી અને 2011 સુધી તેમણે શાસન કર્યું. તેમના મોત પછી પૌત્ર જોંગ-ઉન સત્તા આવ્યો અને ત્યારથી અત્યાર સુધી ધમાલ કરતો આવ્યો છે. આ વાછરડું જેના જોરે કૂદતું હતું તે ખીલો ચીનનો હતો. ચીન પડોશી દેશ છે અને એક જ એવો પડોશી દેશ જેની સાથે ઉત્તર કોરિયાના સારા સંબંધો હોય. જાપાન સાથે અને દક્ષિણ કોરિયા સાથે તો દુશ્મની છે. રશિયા સાથે પણ ખાસ સંબંધો નહિ અને અમેરિકા સામે લડવાના હોંશ.
ઉત્તર કોરિયાની સૌથી લાંબી સરહદ ચીન સાથે છે અને સૌથી સારા સંબંધો તેની સાથે રહ્યા છે. દક્ષિણ કોરિયા સાથે યુદ્ધ થયું ત્યારે 1920-53 દરમિયાન ચીન તેની પડખે રહ્યું હતું. બંને દેશો વચ્ચે સંરક્ષણના મુદ્દે કરાર પણ થયેલા છે. પરંતુ અણુ ધડાકા અને છેલ્લે શંકા છે તે પ્રમાણે હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ ઉત્તર કોરિયાએ કર્યું. આ ઉપરાંત મિસાઇલો છોડી જે જાપાન ઉપરથી ઊડીને ભય ફેલાવતી ગઈ હતી. તે પછી અમેરિકાએ પોતાના વિમાનો ઉત્તર કોરિયાની સીમામાં ઉડાડ્યા. મામલો તંગ થતો જોયા પછી ચીને વલણ ફેરવ્યું છે. ચીન હવે કહી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે વાતચીત કરવી જોઈએ. 
ચીનના આ બદલાયેલા વલણ પાછળ સ્ટ્રેટેજીક કારણ પણ હોઈ શકે છે. જો ખરેખર આવી યુદ્ધ પડે તો કઈ દીશામાં જવું તે વધુ મોકળાશથી નક્કી કરી શકાય તે માટે ચીન ઉત્તર કોરિયા સાથે વચને બંધાઈ જવા માગતું નથી. ચીન આડકતરી રીતે બેફામ બનેલા કિમ જોંગ-ઉનને કાબૂમાં પણ રાખવા માગે છે. હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ પણ ઉત્તર કોરિયાએ કર્યું છે તેમ મનાય છે. પોતાના પડખામાં બેઠેલો દેશ આવા ખતરનાક શસ્ત્રો સાથે અખતરા કરે તે પણ ચિંતાનું કારણ છે. મિસાઇલ આડેધડ ઊડાડીને જોંગ-ઉને સૌને ચિંતામાં મૂકી દીધા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયા ટકી ગયું, કેમ કે ચીનનો સાથે તેને હતો. પણ ચીન નથી ઇચ્છતું કે આ સાથ તેને પોતાને જ મોંઘો પડે. ચીનના કહ્યામાં પણ જોંગ-ઉન ના હોય તેવી છાપ પડી છે તે પણ ચીનના ધ્યાન બહાર નથી. બીજો સૌથી મોટો ખતરો દક્ષિણ કોરિયાને છે. દક્ષિણ કોરિયાએ પણ સીધી ચીન સાથે વાત કરવાની કોશિશ કરી છે. અમેરિકા પણ ઇચ્છે છે કે આ મુદ્દે ચીન સાથે વાતચીત થાય. ચીને અત્યાર સુધી આ બંને દેશો સાથે સંયુક્ત રીતે વાત કરવાનું ટાળ્યું છે. ઉત્તર કોરિયા સાથેના સંબંધોને કારણે ચીન વાત ટાળતું હતું. હવે ચીન પોતે જ કહેવા લાગ્યું છે કે ઉત્તર કોરિયાએ વાતચીતના ટેબલ પર બેસવું જોઈએ.
ઉત્તર કોરિયા જો આ સલાહનું પાલન ના કરે તો ચીન પોતે વિશ્વના દેશો સાથે વાતચીત કરવા માટે પોતાને મુક્ત અનુભવી શકે છે. પોતાની સરહદ નજીક યુદ્ધ જેવી સ્થિતિમાં ચીન નિષ્ક્રિય થઈને બેસી રહી શકે નહિ. મહાસત્તા બનવા માટેના આ લક્ષણો નથી. તેથી ઉત્તર કોરિયાને પણ મેસેજ આપવો જરૂરી છે કે બંને વચ્ચેના સંબંધો દ્વિપક્ષી ખરા, પણ ચીને તો દુનિયા સાથેના બહુપક્ષી સંબંધોનો વિચાર કરવાનો છે. 
ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તન આવે ત્યારે તેના અણુશસ્ત્રોનું શું કરવું તે સવાલ અગત્યનો છે. ચીન નથી ઈચ્છતું કે દક્ષિણ કોરિયાને આગળ કરીને અમેરિકન દળો ઉત્તર કોરિયામાં ઘૂસી જાય. યુદ્ધના સંજોગોમાં અમેરિકન દળો ઉત્તર કોરિયામાં હોય તો શસ્ત્રોનો કબજો તેના હાથમાં પણ જઈ શકે છે. ચીન આ વાત મંજૂર રાખી શકે નહિ.
બીજી તકલીફ ઊભી થાય ઉત્તર કોરિયામાંથી હજારો લોકો નિરાશ્રિત તરીકે ચીનમાં આવી ચડે. દક્ષિણ કોરિયાની સરહદથી આક્રમણ થવાનું એટલે તે તરફ નિરાશ્રિતો જઈ શકે નહિ. એક માત્ર રસ્તો ચીનનો છે. ચીનમાં હજારો નાગરિકો આવી ચડે તો એક નવી માનવીય સમસ્યા પણ ચીન માટે ઊભી થાય. 
આ દરમિયાન ચીનમાં જ કેટલાક પ્રકાશનોમાં એવી ચર્ચા થઈ છે કે ચીન પોતાની સેના ઉત્તર કોરિયામાં મોકલીને એક સેફ્ટી ઝોન પણ ઊભો કરી શકે છે. નાગરિકો પોતાના વિસ્તારમાં ના આવે, પણ ઉત્તર કોરિયામાં જ રહે. આ સેફ્ટી ઝોનમાં નાગરિકોના રાખવામાં આવ્યો હોય એટલે અમેરિકા અને સાથી દેશો તે દિશામાં હુમલો પણ ના કરી શકે. યુદ્ધ વકરે અને તે સંજોગોમાં ઉત્તર કોરિયાની હાર પછી કબજો કરવાની વાત આવે તો પણ ચીનનો હાથ ઉપર રહી શકે. આ બધી ગણતરીને ધ્યાનમાં લઈને જ ચીને અત્યારથી જ ઉત્તર કોરિયાને સાથ આપવાનું બંધ કરી દીધું હોય તેમ લાગે છે.