શેરબજારમાં બીજા દિવસે મજબૂતી, સેન્સેક્સ 174 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ– શેરબજારમાં બીજા દિવસે મજબૂતી આગળ વધી હતી. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધારણા મુજબ વ્યાજદરમાં કોઈ જ ફેરફાર નથી કર્યો, પણ એસએલઆરમાં અડધા ટકાનો ઘટાડો કર્યો છે, જેનાથી બેંકોમાં લીકવીડીટી વધશે, અને આથી પીએસયુ બેંક શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. તેમજ ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ બ્લુચિપ શેરોમાં પણ નવી લેવાલીનો ટેકો હતો. પરિણામે શેરબજારમાં મજબૂતી વધુ આગળ વધી હતી. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 174.33(0.55 ટકા) વધી 31,671.71 બંધ રહ્યો હતો. અને એનએસઈ નિફટી ઈન્ડેક્સ 55.40(0.56 ટકા) ઉછળી 9914.90 બંધ થયો હતો.

આજે બેંક, ઓટો, એફએમસીજી, ફાર્મા, રીયલ્ટી, ઓઈલ, ગેસ, પાવર કન્ઝ્યુમર ડ્યુરેબલ અને કેપિટલ ગુડઝ સેકટરના શેરોમાં નવી ખરીદીથી માર્કેટને સપોર્ટ મળ્યો હતો. આમ જોવા જઈએ તો એફઆઈઆઈએ બે મહિનામાં 25,000 કરોડનું નેટ વેચાણ કર્યું છે. પણ સામે સ્થાનિક નાણા સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડોની નવી લેવાલી ચાલુ રહી છે, આથી શેરબજાર ટકી ગયું છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની સમીક્ષા રજૂ કરી, જેમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો, તો સામે એસએલઆર અડધો ટકો ઘટાડ્યો છે. જો કે આરબીઆઈને ચિંતા સતાવી રહી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા છે, આથી મોંઘવારી દર વધશે. તેમજ જીડીપી ગ્રોથનું અનુમાન પણ ઘટાડયું છે. જેને પગલે શેરબજારમાં ચિંતા વ્યકત કરાતી હતી. કેટલાક તેજીવાળા દરેક ઊંચે મથાળે હળવા થઈ રહ્યા છે. એફઆઈઆઈ વગર શેરબજારમાં તેજી થવી મુશ્કેલ છે.

  • પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં રૂપિયા બેનો ઘટાડો કર્યો છે, જેથી પેટ્રોલ-ડીઝલના ભાવ લીટરે રૂપિયા 2 ઘટયા છે.
  • નેટકો ફાર્મામાં આજે 20 ટકાની અપર સર્કિટ લદાઈ હતી. નેટકો ફાર્માની પાર્ટનર કંપની માઈલનને અમેરિકામાં કોપેગ્જોન દવાના જેનરિક વર્ઝનને યુએસ એફડીએની મંજૂરી મળી ગઈ છે. તે દવાની માર્કેટ સાઈઝ 364 કરોડ ડૉલર છે.
  • આજે તેજી બજારમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, મેટલ, આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • બેંક, ઓટો, એફએમસીજી ફાર્મા સેકટરના શેરોમાં નવી લેવાલીના ટેકાથી ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા.
  • રોકડાના શેરોમાં નવી લેવાલી રહી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 59.89 પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 127.65 ઉછળ્યો હતો.
  • કેડિલા હેલ્થ માટે સારા સમાચાર હતા. ઝાયડ્સની ડેસ્મોપ્રેસિન નેસલ સ્પ્રે સોલ્યુશનને યુએસ એફડીએની મંજૂરી મળી ગઈ છે.
  • ટાટા મોટર જેએલઆરનું અમેરિકામાં વેચાણ વધ્યું છે. સપ્ટેમ્બરમાં કંપનીનું અમેરિકામાં કુલ વેચાણ 16.9 ટકા વધી 9703 યુનિટ થયું છે. જેમાં જેગુઆરનું વેચાણ 23.8 ટકા વધ્યું છે. લેન્ડરોવરનું વેચાણ 13.7 ટકા વધ્યું છે.