Home Blog Page 5605

અભિનેત્રી રાની મુખરજી-ચોપરાનાં પિતા રામ મુખરજીનું મુંબઈમાં નિધન

મુંબઈ – બોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી રાની મુખરજી-ચોપરાનાં પિતા રામ મુખરજીનું આજે સવારે અહીંની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ ૮૪ વર્ષના હતા. એમના પાર્થિવ શરીરને બાદમાં ૧૦ વાગ્યે વિલે પારલે સ્થિત એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યે વિલે પારલેની સ્મશાનભૂમિમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રામ મુખરજી બંગાળી અને હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક હતા. તેઓ છેલ્લા ઘણા વખતથી બીમાર હતા. આજે સવારે લગભગ ૬ વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

રામ મુખરજીએ ‘હમ હિન્દુસ્તાની’ અને ‘લીડર’ (દિલીપ કુમાર-વૈજયંતીમાલા) જેવી ફિલ્મો બનાવી હતી.

રામ મુખરજીના પરિવારમાં એમના પત્ની ક્રિશ્ના, પુત્રી રાની અને પુત્ર રાજા છે.

રાની મુખરજીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રામ મુખરજી જ લાવ્યા હતા અને ૧૯૯૬માં એક બંગાળી ફિલ્મમાં એને ચમકાવી હતી. ત્યારબાદ ૧૯૯૭માં એમણે રાનીને રાજા કી આયેગી બારાત ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરાવી હતી.

રામ મુખરજી મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલા ફિલ્માલયા સ્ટુડિયોના સ્થાપકોમાંના એક હતા.

જીએસટી દરના માળખાને સંપૂર્ણપણે ઠીકઠાક કરવાની જરૂર છેઃ હસમુખ અઢિયા

નવી દિલ્હી – કેન્દ્રના રેવેન્યૂ વિભાગના સચિવ ડો. હસમુખ અઢિયાનું કહેવું છે કે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કર વ્યવસ્થા હવે સુદ્રઢ થઈ ગઈ છે ત્યારે કરવેરાના દરના માળખામાં ફેરફારો કરીને એને સંપૂર્ણ ઠીકઠાક કરવાની જરૂર છે, જેથી નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો પરનો બોજો ઘટી શકે.

એક મુલાકાતમાં, અઢિયાએ કહ્યું કે જીએસટી દરના માળખાને એકદમ સ્થિરતા પ્રાપ્ત થતાં એકાદ વર્ષ લાગશે.

જીએસટી કર વ્યવસ્થા એ આબકારી જકાત (એક્સાઈઝ ટેક્સ), સર્વિસ ટેક્સ અને વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) સહિત ડઝનથી વધુ કેન્દ્રીય અને રાજ્ય સ્તરના વેરાઓનું સમૂહ છે.

પરોક્ષ વેરાઓ માટેની જીએસટી કર વ્યવસ્થાને અમલમાં મૂકાયાને લગભગ ચાર મહિના થયા છે, પણ એના અમલને પગલે અમુક સમસ્યાઓ ધ્યાનમાં આવી છે. આ કર વ્યવસ્થા અંગે નિર્ણયો લેનાર સંસ્થા – જીએસટી કાઉન્સિલ તેની પર ધ્યાન આપી રહી છે.

મધ્યમ તથા નાના કદના ઉદ્યોજકોને કરવેરા ચૂકવવામાં તથા જીએસટી રીટર્ન્સ ફાઈલ કરવામાં પડી રહેલી મુશ્કેલી હળવી કરી વ્યવસ્થાને ઉદ્યોગ-લક્ષી બનાવવાના પ્રયાસો ચાલુ છે. એ માટે જીએસટી કાઉન્સિલે ૧૦૦થી વધારે ચીજવસ્તુઓના દરને ઘટાડ્યા છે તેમજ નિકાસકારો માટે રીફંડ પ્રક્રિયાને વધારે સરળ બનાવી છે.

કોંગ્રેસી નેતા કરણ સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહનું PDPમાંથી રાજીનામું

નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીર રાજ્યમાં ભાજપ સાથેની શાસક પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના નેતા વિક્રમાદિત્ય સિંહે આજે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

વિક્રમાદિત્ય સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. કરણ સિંહના પુત્ર છે. કરણ સિંહ રાજ્યના ભૂતપૂર્વ સદ્ર-એ-રિયાસત છે.

વિક્રમાદિત્ય સિંહે જમ્મુ અને કશ્મીરના મુખ્યપ્રધાન અને પીડીપીનાં વડાં મેહબૂબા મુફ્તીને પોતાનો રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે. એમણે કહ્યું છે કે પોતાની અને પાર્ટી વચ્ચે મતભેદોને કારણે પોતે આ રાજીનામું આપી રહ્યા છે.

એમણે રાજ્યમાં રોહિંગ્યા મુસલમાનોનાં ગેરકાયદેસર વસવાટના પ્રશ્નનો પણ રાજીનામાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ગામનો પોતાનો પેટ્રોલ પમ્પ હોય તો…

પેટ્રોલ પમ્પ શોધવા માટે રખડવું પડતું હતું તે સ્થિતિ હવે નથી. હાઇવે પર હવે થોડા અંતર પર પેટ્રોલ પમ્પ મળી જાય છે. એક જમાનામાં પેટ્રોલના પરવાના બહુ લાગવગીયાને જ મળતાં હતાં. એટલે તાલુકામાં એક પેટ્રોલ પમ્પ હોય ત્યારે ગામડેથી ટ્રેક્ટરવાળા આખું પીપ લઈને આવે. ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરાવે અને પીપ પણ ભરાવી લે. થોડા દિવસ કામ ચાલે અને વળી પાછું શહેરનું ચક્કર કાપવાનું.આ કંઈ નવી વાત નહોતી. આમ જ વર્ષો સુધી ચાલ્યું. તેનો કોઈ ઉપાય કોઈ ગામે કદી વિચાર્યો નહીં. વર્ષો પછી પેટ્રોલ પમ્પ વધ્યાં એટલે સમસ્યા આપોઆપ હલ થઈ ગઈ. પણ ન્યૂ ઝિલેન્ડનું એક ગામ. ગામમાં આવી જ સમસ્યા. પેટ્રોલ ભરાવવા દૂર જવું પડે અને સાથે કેન લઈ જવું પડે. ભારત જેમ કંઈ વસતિ વિસ્ફોટ ન્યૂ ઝિલેન્ડમાં થયો નથી એટલે વર્ષોના વર્ષો સુધી ગામમાં પેટ્રોલ પમ્પ થયો જ નહીં.

ન્યૂ ઝિલેન્ડના આ ગામનું નામ છે પોન્ગોરા. એકદમ નાનકડું ગામ. પેટ્રોલ પૂરાવવું હોય તો બે કલાક ડ્રાઇવ કરીને જવું પડે. ગામના લોકો એટલા કંટાળ્યાં કે આખરે જાતે જ ગામમાં પેટ્રોલ પમ્પ શરૂ કરવાનું નક્કી કર્યું. કોઈ કંપની તો તૈયાર હતી જ નહીં એટલે માલિકી પણ ગામની એવું નક્કી કર્યું. આખા ગામમાં ફક્ત 120 લોકો જ છે. ચારેક વર્ષથી પેટ્રોલ પમ્પ બંધ થઈ ગયો હતો, કેમ કે આટલા લોકોમાં આખો પમ્પ ચલાવવાનું પરવડે નહીં. પમ્પ તો બંધ થઈ ગયો એ પછી બે કલાકનું ચક્કર ચાલું થયું. બે કલાક ડ્રાઇવ કરીને જવાનું. એટલું પેટ્રોલ બાળીને પેટ્રોલ ભરાવવાનું. ધક્કો માથે ના પડે એટલે સાથે કેન લઈને જવું પડે. તો પણ ધક્કો તો માથે પડતો જ હતો. આખરે ગામના લોકોએ મિટિંગ કરી અને નક્કી કર્યું કે જાતે જ પમ્પ ચાલુ કરીએ. આ માટે ભંડોળ એકઠું કરાયું. અઢી લાખ ન્યૂ ઝિલેન્ડ ડોલર એકઠા કરાયા. જોકે આટલા નાણાં પૂરતા નહોતા. બાકીના નાણાં કંપની એલાઇડ પેટ્રોલિયમે નાખ્યાં. કંપનીએ 6 લાખ ડોલર નાખ્યાં. કંપનીને ખાતરી નહોતી કે નફો થઈ શકશે, કેમ કે માત્ર 120 લોકો વચ્ચે મર્યાદિત ઘરાકી જ રહેવાની. આખરે કંપની તૈયાર થઈ, કેમ કે ગામના લોકોનો ઉત્સાહ હતો. તે રીતે ઓક્ટોબરમાં પેટ્રોલ પમ્પ તૈયાર થઈ ગયો.

ન્યૂ ઝિલેન્ડમાં આ માત્ર પોન્ગોરા ગામની સમસ્યા નથી. માત્ર પેટ્રોલ પમ્પની સમસ્યા પણ નથી. નાના નાના ગામોમાં જાહેર સુવિધા આપવાનું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. નાના ગામમાં પોસ્ટની સેવા પણ ના મળે. દવાખાનું ના મળે. ડેરી પણ ના હોય. વીજળીનું અને ફોનનું બિલ ભરવા પણ દૂર જવું પડે. સરકાર માટે પણ આ સમસ્યા કેવી રીતે ઉકેલવી તે મૂંઝવણ છે. ખાનગીકરણના કારણે પેટ્રોલ પમ્પ હોય કે ફોન અને વીજળી કંપનીની ઓફિસ હોય, નિર્ણય ખાનગી કંપનીએ કરવાનો હોય છે. ખાનગી કંપનીને ઓફિસ રાખવી પરવડે નહીં. તે સંજોગોમાં પોન્ગોરો ગામના લોકોએ એક નવું મોડેલ ઊભું કર્યું છે. દેશના બીજા નાના નાના કસબાઓને પણ આ મોડેલ કદાચ કામ આવશે તેમ જાણકારો માનવા લાગ્યાં છે અને હાલમાં જ શરૂ થયેલો પોન્ગોરાનો પેટ્રોલ પમ્પ જોણું થયું છે. પોન્ગોરા ગામના નાગરિકોએ તો નક્કી જ કર્યું છે કે સરકાર પર આધાર રાખવાના બદલે આપણી સમસ્યાઓ જાતે જ ઉકેલવી. તે માટે ગામમાં જાતજાતની સમિતિઓ બની છે. તેથી મજાક પણ થાય છે કે ગામમાં જેટલી વસતિ છે, તેના કરતાંય વધારે સમિતિઓ છે.

આ કામના કારણે ગામમાં સંપનું વાતાવરણ ખીલી શક્યું છે. ખર્ચ ઓછો થાય તે માટે પેટ્રોલ પમ્પનું ચણતરકામ, તેનો રસ્તો, ત્યાંનો બગીચો આ બધું લોકોએ જાતે જ તૈયાર કરી લીધું હતું. ગામજનોની આ સ્પિરિટથી એલાઇડ કંપનીનો મેનેજર પણ ચકિત થઈ ગયો હતો. તે ખુશ થયો કે લોકો કંપનીને મદદ થાય તેવું કરતાં હતાં. કંપનીને લાગે છે કે આ રીતથી બીજા નાના નાના કસબામાં પણ તે પોતાના પેટ્રોલ પમ્પ ખોલી શકશે.
હવે વિચારો ભારતમાં આવું થાય ખરું? ગામ ભેગું થઈને પોતાનો જ પેટ્રોલ પમ્પ ખોલે? ના રે ના, ભારતમાં આવું ના થાય – આવું ના બોલતા, કેમ કે ભારતમાં પણ ઘણા આદર્શ ગામો છે, જ્યાં સહકારી ધોરણે ઘણું થાય છે.

તમે જીવતા છો તેના પૂરાવા છે ને તમારી પાસે?

કોમેડીમાં સૌથી વધુ વાર ભજવાયેલો સીન કદાચ એ છે, જેમાં સરકારી કચેરીમાં વ્યક્તિની ઓળખ માગવામાં આવે. ઓફિસ ઓફિસ સિરિયલમાં પંકજ કપૂરનું પેન્શન બંધ થઈ જાય છે. તે પેન્શન કચેરીમાં જઈને પૂછે એટલે તેને કહેવામાં આવે છે કે મુત્સદીલાલ તમે તો મરી ગયા છો. અરે હું તમારી સામે જીવતો જાગતો ઊભો છું, એવો તેનો જવાબ કોઈ અસર કરતો નથી, કેમ કે સરકારને તો પુરાવા જોઈએ કે તમે જીવતા છો.સરકારને અને સરકારી તંત્રને લોકો જીવે કે મરે તેની પરવા નથી હોતી. તેને તો આધાર જોઈએ કે તમે જીવો છો. આજના જમાનામાં સરકાર બધી જ વાતમાં આધાર કાર્ડ માગવા લાગી છે. તમે મરી જાવ અને તમારા દેહને અગ્નિદાહ દેવો હોય તો સ્મશાનવાળા મરી ગયેલાનું આધારકાર્ડ માગશે. સરકારે ચોખવટ કરી છે કે અંતિમક્રિયા માટે આધારકાર્ડની જરૂર નથી, પણ ચોખવટ ક્યારેય કામ આવતી નથી. એકવાર નિયમ જાહેર થયો એટલે થયો.

રેશન કાર્ડની બાબતમાં પણ એવું થયું છે. રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે તો સસ્તાં અનાજની દુકાનેથી સામગ્રી મળે. સતત કોદાળી અને પાવડા લઈને મજૂરી કરનારા મનુષ્યની હાથની રેખાઓ પણ ભૂંસાઈ જાય છે, કેમ કે તેમનું આમ પણ કોઈ ભવિષ્ય હોતું નથી. ભવિષ્ય દેખાડતી રેખાઓ જ ના હોય અને આંગળી અને અંગૂઠા ઘસાઇને ફિંગરપ્રિન્ટ વિનાના થઈ ગયા હોય. આવા વખતે આધારકાર્ડ હોય તોય ફિંગરપ્રિન્ટ સ્કેનર સ્વીકારતું નથી. તેથી વર્ષોથી જેને દુકાનદાર ઓળખતું હોય તે વ્યક્તિને પણ તમે જીવતાં છો એવું દુકાનદાર સ્વીકારી શકતો નથી. સસ્તાં અનાજનો સંચાલક ગરીબ માણસને તેના હકનું અનાજ, કઠોળ આપી શકતો નથી.

આવી પરિસ્થિતિમાં સરકારે કેટલાક કેસમાં સ્પષ્ટતા પણ કરી હતી કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હોય ત્યાં ગરીબ માણસને સામગ્રી આપી દેવી. પણ સરકારી તંત્ર ક્યારેય પ્રેક્ટિકલ થતું નથી. ઝારખંડમાં એક બાળકીનો જીવ જતો રહ્યો કેમ કે તેના કુટુંબનું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે જોડાયેલું નહોતું. આધાર કાર્ડનો મામલો સુપ્રીમ સુધી પહોંચ્યો છે અને સર્વોચ્ચ અદાલતે કહ્યું જ છે કે આધાર કાર્ડ ના હોય તેટલા માત્રથી ગરીબોને કલ્યાણ યોજનાના લાભથી વંચિત રાખી શકાય નહીં.

આમ છતાં સિમડેગા જિલ્લાની 11 વર્ષની કિશોરી ભૂખમરાથી મરી ગઈ. આધાર કાર્ડ ન હોવાથી તેના કુટુંબનું રેશન કાર્ડ બંધ કરી દેવાયું હતું. સસ્તા અનાજની દુકાનવાળો તેમને અનાજ આપતો નહોતો. સંતોષી નામની કિશોરી રોજ શાળાએ જઈને મધ્યાહ્ન ભોજનમાં જમી લેતી હતી. પણ દુર્ગા પૂજાની આખા અઠવાડિયાની રજાઓ પડી એટલે શાળામાંથી જમવાનું મળતું હતું તે પણ બંધ થયું. આખરે ભૂખમરાએ સંતોષીનો ભોગ લઈ લીધો.કરિમાતી નામનું ગામ. તેમાં સંતોષીનું કુટુંબ રહેતું હતું. જમીનવિહોણા કુટુંબનો એક માત્ર આધાર મજૂરી, પણ તેય નિયમિત મળે નહીં. જે થોડી આવક થાય તેમાંથી સસ્તા અનાજની દુકાનેથી મળતી સામગ્રીથી કામ ચાલતું હતું. પણ છએક મહિના પહેલાં દુકાનદારે તેમનું કાર્ડ રદ કરી દીધું. નિયમો પ્રમાણે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડવું પડે. આધાર કાર્ડ હતું નહીં એટલે રેશન મળતું બંધ થયું. આખરે લાંબા ભૂખમરાની સ્થિતિ પછી 28 સપ્ટેમ્બરે 11 વર્ષની સંતોષીનું મોત થઈ ગયું.

ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારે નિયમ કાઢ્યો કે આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડવું. આ નિયમથી દેશમાં ગ્રામીણ સ્થિતિમાં ભારે કફોડી સ્થિતિ થઈ છે. ગામડાંમાં કેવી મુશ્કેલી છે તેની માહિતી બહાર આવતાં આવતાં પણ મહિનાઓ થઈ ગયાં હતાં. હવે છેક માહિતી બહાર આવી રહી છે. 11 વર્ષની કિશોરી મોતને પામી તે વાત પણ હવે મહિના પછી બહાર આવી છે. સુપ્રીમ કોર્ટે જે કહ્યું હતું તે શા માટે અગત્યનું હતું તે આનાથી સાબિત થાય છે. ગરીબો માટે રોજની મજૂરી કમાવી અઘરી હોય છે ત્યારે આધાર કાર્ડ અને રેશન કાર્ડ માટે કેવી રીતે ધક્કા ખાય તે સવાલ રહેવાનો છે. સરકાર દર થોડા વર્ષ નિયમો બદલે. દર થોડા વર્ષે નવા તુક્કા કાઢે. નવા ઓળખ કાર્ડ કાઢે અને નાગરિકો વળી ધંધે લાગે. મતદાન કાર્ડ બનાવવામાં પણ આ જ હાલત છે. નામ ક્યારે કમી થઈ જાય તે નક્કી જ નહીં. વળી ફરી નામ ઉમેરવાની પ્રક્રિયા કરવાની. ફરીથી નામ ઉમેરવા જાવ ત્યારે ફરી તમને પૂછવામાં આવે – તમે તમે છો તેની ખાતરી શું? તમે તમે જ છો તેના પુરાવા આપો. તમે જીવો છો તેના પુરાવા આપો…

પાકિસ્તાનને 4-0થી કચડી નાખી ભારત એશિયા કપ હોકીની ફાઈનલમાં

ઢાકા – ભારતની હોકી ટીમે આજે અહીં પાકિસ્તાન પર વધુ એક મોટો વિજય હાંસલ કર્યો છે. સુપર-4 રાઉન્ડમાં પોતાની છેલ્લી મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 4-0થી કચડી નાખ્યું છે અને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

રવિવારે ભારતીય સમય મુજબ સાંજે 5.00 વાગ્યે રમાનાર ફાઈનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે જેણે દક્ષિણ કોરિયા સાથેની મેચ 1-1થી ડ્રો કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ભારતે આ સ્પર્ધામાં અગાઉ રાઉન્ડ-રોબીનમાં મલેશિયાને 6-2થી હરાવ્યું હતું.

આજની મેચમાં ભારત વતી ગોલ કરનાર ખેલાડીઓ હતા – સતબીર સિંહ (39મી મિનિટે), હરમનપ્રીત સિંહ (51મી મિનિટે), લલિત ઉપાધ્યાય (52) અને ગુરજન્ત સિંહ (57મી મિનિટે).

સ્પર્ધામાં ભારત અત્યાર સુધી અપરાજિત રહ્યું છે અને ટીમ ટોપ રેન્ક રહી છે.

આ વર્ષમાં ભારતની હોકી ટીમનો પાકિસ્તાન પર આ ચોથો વિજય હતો. આ પહેલાં ભારત તેના પડોશીને લંડનમાં હોકી વર્લ્ડ લીગમાં બે વાર અને અહીં એશિયા કપમાં રાઉન્ડ-રોબીન લીગમાં હરાવી ચૂક્યું હતું.

ભાઈબીજઃ જેલમાં ભાઈબહેનની આંખ ભીજાઈ

આજે શનિવારે ભાઈબીજ હતી. પણ જયપુરની સેન્ટ્રલ જેલમાં બહેનોએ જેલમાં રહેલા ભાઈને મળીને ભાઈ લાંબુ જીવે અને ઝડપથી સજા કાપીને જેલની બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. સેન્ટ્રલ જેલમાં બહેનભાઈનું મિલન થયું ત્યારે ભાવવિભોર વાતાવરણ સર્જાયું હતું. જેલમાં સજા કાપી રહેલા ભાઈની આંખમાં પણ આંસુડાની ધાર હતી.

રાહુલ ગાંધીની હાજરીમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાશે

અમદાવાદ– ગુજરાતમાં ચૂંટણીના નગારા વાગવાની તૈયારીઓમાં છે. ત્યારે હવે ભાજપની વિરુધ્ધ વિરોધીઓ એક થઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસની ટિકિટ આપવાની ઓફર કરી હતી. જો કે આજે અલ્પેશ ઠાકોર દિલ્હી જઈને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, અને મુલાકાત પછી જાહેર કર્યું હતું કે 23 ઓકટોબરે અમદાવાદમાં અમારી રેલીમાં રાહુલ ગાંધી આવશે, ત્યારે અમે કોંગ્રેસમાં જોડાઈશું.જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધીના આમંત્રણ મામલે કહ્યું હતું કે દિલ્હીમાં તેમની કોઈની સાથે મુલાકાત થઈ નથી. પણ તેમનું સંપુર્ણ ફોક્સ ભાજપને હરાવવાનું થે, બંધારણ વિરોધી ભાજપને કોઈપણ કીમત પર હટાવવાની છે.

બીજી તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે કોંગ્રેસ તેમની શરતો માની લેશે તો તેઓ ટેકો આપવા તૈયાર છે, પાટાદાર નેતા હાર્દિક પટેલે એ પણ કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે કોંગ્રેસ તેમની વાત માની લેશે.

અત્રે નોંધનીય છે કે 23 ઓકટોબરે ઓબીસી એસસી-એસટી એક્તા મંચની સંયોજક અલ્પેશ ઠાકોરની અમદાવાદમાં રેલી યોજાવાની છે. આ રેલીને જનાદેશ સમ્મેલનનું નામ આપવામાં આવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં ઓબીસી મતોનું ખુબ જ મહત્વ છે. રાજ્યમાં 54 ટકા મત ઓબીસી અને અતિપછાત જાતિના છે. અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે આ રેલીમાં 5 લાખથી વધારે લોકો ભાગ લેશે. અલ્પેશ ઠાકોર આ રેલીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે પોતાની રણનીતિ જાહેર કરશે.