અમદાવાદ– ગુજરાતમાં ચૂંટણીના નગારા વાગવાની તૈયારીઓમાં છે. ત્યારે હવે ભાજપની વિરુધ્ધ વિરોધીઓ એક થઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને કોંગ્રેસની ટિકિટ આપવાની ઓફર કરી હતી. જો કે આજે અલ્પેશ ઠાકોર દિલ્હી જઈને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, અને મુલાકાત પછી જાહેર કર્યું હતું કે 23 ઓકટોબરે અમદાવાદમાં અમારી રેલીમાં રાહુલ ગાંધી આવશે, ત્યારે અમે કોંગ્રેસમાં જોડાઈશું.જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધીના આમંત્રણ મામલે કહ્યું હતું કે દિલ્હીમાં તેમની કોઈની સાથે મુલાકાત થઈ નથી. પણ તેમનું સંપુર્ણ ફોક્સ ભાજપને હરાવવાનું થે, બંધારણ વિરોધી ભાજપને કોઈપણ કીમત પર હટાવવાની છે.
બીજી તરફ પાટીદાર નેતા હાર્દિક પટેલે જાહેરાત કરી છે કે કોંગ્રેસ તેમની શરતો માની લેશે તો તેઓ ટેકો આપવા તૈયાર છે, પાટાદાર નેતા હાર્દિક પટેલે એ પણ કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે કોંગ્રેસ તેમની વાત માની લેશે.
અત્રે નોંધનીય છે કે 23 ઓકટોબરે ઓબીસી એસસી-એસટી એક્તા મંચની સંયોજક અલ્પેશ ઠાકોરની અમદાવાદમાં રેલી યોજાવાની છે. આ રેલીને જનાદેશ સમ્મેલનનું નામ આપવામાં આવ્યું છે. ગુજરાતની ચૂંટણીમાં ઓબીસી મતોનું ખુબ જ મહત્વ છે. રાજ્યમાં 54 ટકા મત ઓબીસી અને અતિપછાત જાતિના છે. અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે આ રેલીમાં 5 લાખથી વધારે લોકો ભાગ લેશે. અલ્પેશ ઠાકોર આ રેલીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે પોતાની રણનીતિ જાહેર કરશે.