અભિનેત્રી રાની મુખરજી-ચોપરાનાં પિતા રામ મુખરજીનું મુંબઈમાં નિધન

મુંબઈ – બોલીવૂડની ખ્યાતનામ અભિનેત્રી રાની મુખરજી-ચોપરાનાં પિતા રામ મુખરજીનું આજે સવારે અહીંની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ ૮૪ વર્ષના હતા. એમના પાર્થિવ શરીરને બાદમાં ૧૦ વાગ્યે વિલે પારલે સ્થિત એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. બપોરે બે વાગ્યે વિલે પારલેની સ્મશાનભૂમિમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

રામ મુખરજી બંગાળી અને હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક હતા. તેઓ છેલ્લા ઘણા વખતથી બીમાર હતા. આજે સવારે લગભગ ૬ વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો.

રામ મુખરજીએ ‘હમ હિન્દુસ્તાની’ અને ‘લીડર’ (દિલીપ કુમાર-વૈજયંતીમાલા) જેવી ફિલ્મો બનાવી હતી.

રામ મુખરજીના પરિવારમાં એમના પત્ની ક્રિશ્ના, પુત્રી રાની અને પુત્ર રાજા છે.

રાની મુખરજીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રામ મુખરજી જ લાવ્યા હતા અને ૧૯૯૬માં એક બંગાળી ફિલ્મમાં એને ચમકાવી હતી. ત્યારબાદ ૧૯૯૭માં એમણે રાનીને રાજા કી આયેગી બારાત ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરાવી હતી.

રામ મુખરજી મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલા ફિલ્માલયા સ્ટુડિયોના સ્થાપકોમાંના એક હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]