Home Blog Page 5606

ગુજરાત કોંગ્રેસ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ને જિગ્નેશ મેવાણીને ટિકિટ આપવા તૈયાર

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગમે તેમ કરીને જીત મેળવવી છે, તેવા સંકલ્પ સાથે ભાજપ સરકાર સામે આંદોલન કરનાર હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને વિધાનસભાની ટિકિટ આપવાની ઓફર કરી છે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ જાય અને તેમના આંદોલનને કોંગ્રેસ વાચા આપશે, તેવું વચન આપ્યું હતું. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતીઓથી હેરાન-પરેશાન નાગરિકોની લાગણીને વાચા આપવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીને લોક આંદોલનો શરૂ કર્યા હતા. પ્રજાને આ નેતાઓ પાસે પણ અપેક્ષાઓ હોવાથી ભાજપના કુઃશાસનને ગુજરાતમાંથી નાબૂદ કરવા, આ ત્રણે નેતાઓને સાથે રાખીને અને સમાન વિચારધારાવાળી રાજકીય પાર્ટીને પણ ગુજરાતનું નવસર્જન કરવા માટે આગળ વધવાનો નિર્ણય કોંગ્રેસ પક્ષે કર્યો છે. ‘પાસ’ ના કન્વીનરો અને હાર્દિક પટેલની આગેવાની એક આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓએ પોતાના સમાજની માંગણી અને લાગણી સાથે કોંગ્રેસ પક્ષને આવેદન પત્ર આપ્યું છે. જેઓની માંગણી-લાગણીને કોંગ્રેસ પક્ષ અનુમોદન આપ્યું છે. સાથો સાથ હાર્દિક પટેલ અને ‘પાસ’ ના કન્વીનરો કોંગ્રેસ પક્ષને સમર્થન આપે, આશીર્વાદ આપે, સહયોગ આપે. તેમજ હાર્દિક પટેલને ચૂંટણી લડવી હોય તો પણ કોંગ્રેસ પક્ષ તરફથી તેમને આમંત્રણ છે.

તેવા જ બીજા યુવા નેતા અલ્પેશ ઠાકોર કે જેઓ બક્ષીપંચ સમાજ સાથે રાખીને ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થાય, સમાજમાં સમાનતાની વાત કરી રહ્યાં છે. તેઓને પણ કોંગ્રેસ પક્ષની વિજય યાત્રામાં જોડાવા આમંત્રણ આપી છીએ. કોંગ્રેસ પક્ષે નવસર્જન ગુજરાતનું સ્વપ્ન ગુજરાતીની પ્રજા માટે જોયું છે. તેને સાકાર કરવા અલ્પેશભાઈ ઠાકોરને સાથ, સહકાર આપવા આમંત્રણ આપીએ છીએ.

એવા જ ગુજરાતમાં દલિતો પર થતા અન્યાયના મુદ્દે લડત આપનાર દલિત સમાજના યુવા નેતા જિગ્નેશ મેવાણી ને પણ આ કોંગ્રેસ પક્ષની વિજય યાત્રામાં જોડાવા આમંત્રણ આપીએ છીએ. આ ત્રણેય નેતાઓ હકારાત્મક પ્રતિભાવો આપશે એવી કોંગ્રેસ પક્ષને આશા છે.

જેડીયુના પીઢ અને ગરીબ-સામાન્ય નાગરિકને મદદરૂપ થનાર ધારાસભ્ય છોટુભાઈ વસાવા કે જેઓ જવાબદાર નેતા છે. રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષને મદદરૂપ થયા હતા તેમને પણ કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાવવા આમંત્રણ પાઠવીએ છીએ.

આમ આદમી પાર્ટીના ઘણાં આગેવાનો-કાર્યકરોની લાગણી કોંગ્રેસ પક્ષને સમર્થન આપી કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાશે. તેવા વિશ્વાસ સાથે તેઓને પણ આમંત્રણ પાઠવીએ છીએ.

એન.સી.પી. એ રાજ્ય સભાની ચૂંટણીમાં દ્રોહ કર્યો હતો તેમ છતાં જો એન.સી.પી. ને લાગે કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર રૂપી ભાજપનું કુઃશાસન ખતમ કરવું છે તો તેઓને પણ કોંગ્રેસ પક્ષની વિજયયાત્રામાં જોડાવા આમંત્રણ પાઠવીએ છે.

 

ચાર વર્ષ પછી શશીકલા જેલમાંથી છૂટશે ત્યારે…

ઓક્ટોબરે શશીકલા જેલમાંથી પેરોલ પર છૂટી હતી. હોસ્પિટલમાં બીમાર પતિની ખબર કાઢવા માટે તેને પેરોલ મળ્યાં હતાં, પણ સાથોસાથ તેણે પોતાના રાજકીય જૂથની બિમારીનો પણ ઇલાજ કરવાનો હતો. 12 ઓક્ટોબર ફરી પાછું જેલમાં જતાં રહેવાનું હતું, પણ આ છ દિવસમાં જે પણ ગતિવિધિ થઈ તેના પર સૌની નજર હતી. કેમ કે ચાર વર્ષની સજા શશીકલાને થઈ છે તે જેલમાંથી છૂટશે ત્યારે શું થશે તેનું મીની ટ્રેલર આ છ દિવસોમાં જોવા મળ્યું હતું.ચાર વર્ષનો રાજકીય વનવાસ ભારતીય રાજકારણમાં મોટો ના કહેવાય. ઘણા નેતાઓ વર્ષો સુધી પડછાયામાં રહ્યાં પછી અચાનક બહાર આવીને સત્તા પર બેઠા હોય તેવું બન્યું છે. શશીકલા એટલે જયલલિતાની સખી અને તેના સુખદુઃખની સાથી. સાથોસાથ તેના રાજકારણ અને ભ્રષ્ટાચારની પણ સાથી. એથી જ જેલમાં જવું પડ્યું છે, કેમ જયા ટીવી સહિત અનેક કંપનીઓ તેના સગાંઓના નામે ધમધમતી થઈ ગઈ હતી.

શશીકલાનું સમગ્ર કુટુંબ પરિવાર વિનાની જયલલિતાની ફરતે ગોઠવાઈ ગયું હતું. એક તબક્કે જયલલિતાએ આ આખી ટોળકીને હાંકી કાઢી હતી. પણ ફરી શશીકલાને બોલાવવી પડી. શશીકલાના પતિને જયલલિતાના મહેલ જેવા ઘરમાં પ્રવેશવાની મનાઈ હતી, પણ શશીકલા જયલલિતા બધા જ કાંળાધોળાં પોતાના ભત્રીજા નટરાજન અને બીજા ભાણીઆના નામે કરતી. આ આખી ટોળકીને મન્નારગુડી ગેન્ગ તરીકે તામિલનાડુમાં કુખ્યાતી મળી છે. મન્નારગુડી વિસ્તારમાં શશીકલાનો પરિવાર વીસીઆર ભાડે આપવાનું કામ કરતો હતો. ફિલ્મોની વિડિયો કેસેટનો ધંધો ધમધોકાર હતો, પણ એટલો ધમધોકાર નહોતો કે તેમાંથી અબજો રૂપિયા રળી શકાય. અબજો રૂપિયાનું સામ્રાજ્ય જયલલિતા સાથેના પરિચય પછી જ થયું હતું.

જયલલિતા સાથે મન્નારગુડીમાં જ એક કાર્યક્રમમાં શશીકલાનો પરિચય થયો અને ધીમેધીમે શશીકલા જયલલિતાનો પડછાયો થઈ ગઈ હતી.ઘટનાક્રમે વળાંક લીધો અને જયલલિતા લાંબી રહસ્યમય બીમારી પછી રહસ્યમય મોત પામી. તે પછી જયલલિતાની જગ્યાએ શશીકલા સીધી જ ગાદીએ બેસી શકી નહીં. ચમચા અને દલાલોની એક હેસિયત હોય છે. અમરસિંહ અનેકના તારણહાર બન્યાં હતાં, પણ કામ પૂર્ણ થઈ જાય ત્યારે દલાલની ભૂમિકા પૂરી થઈ જતી હોય છે. ઘર બતાવીને સોદાબાજી કરીને ખરીદી કરાવનાર બ્રોકર કદી ઘરનો સભ્ય ના બની શકે. ઘર ખરીદવામાં આર્થિક સહિતની મદદ કરનાર જ ઘરનો સભ્ય બની શકે.

શશીકલાની વાત પર પાછા વળીએ તો જયલલિતાની સેવા, ચમચાગીરી અને દલાલીનું કામ કરતાંકરતાં શશીકલાને સત્તાની ગંધ આવવા લાગી હતી. જયલલિતાને પોએસ ગાર્ડનમાં મળવું હોય તો શશીકલાની મંજૂરી વિના મળી શકાય નહીં. પ્રધાનો પણ મળી શકે નહીં. આમ છતાં જયલલિતાની જગ્યાએ મુખ્યપ્રધાન મૂકવાની વાત આવી ત્યારે પન્નીરસેલ્વમને પસંદ કરવા પડ્યાં. થોડા દિવસો વીત્યાં તે સાથ જ પન્નીરસેલ્વમને હટાવીને જાતે જ મુખ્યપ્રધાન બનવાની હિલચાલ શશીકલાએ શરૂ કરી ત્યારે પક્ષમાં ભાગમાં પડી ગયા. પન્નીરસેલ્વમે નોખો ચોકો માંડ્યો અને શશીકલા ગાદીએ બેસી શકે તે પહેલાં જ કોર્ટમાંથી ચૂકાદો આવી ગયો કે શશીકલાએ તો ચાર વર્ષ જેલમાં ગાળવાં પડશે. જેલમાં ગયાં પછીય પક્ષ પરનો કબજો ન છોડવા માટે શશીકલાએ ઘણાંને કાઢી મૂક્યાં અને પક્ષના વડા તરીકે, મહામંત્રી તરીકે પોતાના ભત્રીજા નટરાજનને બેસાડી દીધો. સીએમ તરીકે પોતાના વફાદાર પલાનીસામીને બેસાડી દીધા.

એ પછી સ્થિતિ ફરી બગડી. ભાજપ ઇચ્છે છે કે તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષો નબળાં પડે તો ભાજપ માટે જગ્યા થાય. કેન્દ્ર સરકારે પોતાનો ભાગ ભજવ્યો હતો એમ જાણકારો માને છે. શશીકલાના વિરોધી જૂથોને પ્રોત્સાહિત કરાયાં, પણ એકવાર શશીકલા જેલમાં ગઈ તે પછી જુદા પડેલા જૂથોને એક કરીને એઆઇએડીએમકે ફરી મજબૂત થાય અને ભાજપ સાથે એનડીએમાં જોડાઈ જાય તે માટે પેરવી થઈ હતી.

બહુ લાંબો ઘટનાક્રમ છે, પણ તેનો સાર એટલો છે કે શશીકલાના નાના જૂથને એકલું પાડીને બાકીના એઆઇએડીએમકેને થોડો નબળો પાડવો અને તેને એનડીએમાં બેસવા માટે મજબૂર કરવો. તેવું થયું પણ છે, પણ જયલલિતા પાસેથી રાજકારણના પાઠ શીખેલી શશીકલાએ હજી હાર માની નથી. જેલમાં તેણે કરોડોની લાંચ આપીને બધી સગવડો મેળવી હતી. જેલમાં બેઠી બેઠી પાસા ફેંકતી હતી. તે પછી પતિની તબિયત ખરાબ થઈ એટલે છ દિવસ માટે પેરોલ મળ્યાં.

છ દિવસમાં પહેલાં દિવસે તેમના ટેકેદારો બહુ દેખાયા નહોતાં. પરંતુ છેલ્લા દિવસ સુધીમાં સ્થિતિ બદલાઈ અને શશીકલાને જેલમાં પાછા જવાનું થયું ત્યારે વિદાય આપવા મોટું ટોળું એકઠું કરાયું હતું. છ દિવસમાં શશીકલાએ માત્ર પતિની મુલાકાત હોસ્પિટલમાં લેવાની હતી, જાહેરમાં લોકોનો સંપર્ક કરવાનો નહોતો. પણ ખાનગીમાં મુલાકાતો થઈ શકે અને ફોન પર વાત થઈ શકે. છ દિવસમાં શશીકલાએ જે પણ પાસાં ખેલ્યાં હોય, તેણે એટલો અણસાર આપ્યો કે તેની સાવ અવગણના થઈ શકશે નહીં. આઠ મહિના શશીકલા જેલમાં છે તે દરમિયાન પન્નીરસેલ્વમ અને પલાનીસામી એક થઈ ગયાં અને નટરાજનને મહામંત્રીપદેથી કાઢી મૂક્યો છે. પણ શશીકલા લડત આપ્યાં વિના છોડશે નહીં તેવું લાગે છે.ચીનમ્મા તરીકે ઓળખાતી શશીકલાના સમર્થનમાં કેટલાક પ્રધાનો બોલ્યાં પણ ખરાં. પેરોલના બે દિવસ પછી સહકારપ્રધાન સેલ્લુર રાજુએ વખાણ કર્યા કે ચીન્નમાના કારણે જ પાર્ટીની સરકાર ટકી ગઈ હતી. બીજા એક પ્રધાન ઓ. એસ. મણિયમે પણ કહ્યું કે પોતે ચીનમ્માને મળવા જશે. જોકે કોર્ટે શશીકલાને કોઈને મળવાની ના પાડેલી છે એટલે મળ્યા નહીં, પણ તેમના નિવેદનના કારણે કેટલાક પ્રધાનો પણ શશીકલાએ કરેલો ઉપકાર ભૂલ્યાં નથી તે સ્પષ્ટ થયું. જયલલિતાની હયાતીમાં જ શશીકલા પોતાનાં માણસો ગોઠવવાં લાગ્યાં હતાં. શશીકલાએ અનેકને ટિકિટો અપાવી છે અને પ્રધાનો બનાવ્યાં છે. ચીનમ્મા હવે એ ઉપકારનો બદલો માગશે. રાજેન્દ્ર બાલાજી અને સી. વી. ષણમુગમ જેવા પ્રધાનો પણ તેના ટેકેદાર મનાય છે. અત્યારે તેઓ કશું બોલ્યાં નથી, પણ સવા ત્રણ વર્ષ પછી શશીકલા જેલમાંથી બહાર આવશે ત્યારે શું કરશે તે સવાલ ઊભો જ છે. જયલલિતાની સાચી વારસદાર પોતે છે તે દાવો તેણે સાબિત કરવાનો છે. તે જયલલિતાના પગલે ચાલવાની કોશિશ કરશે. પેરોલ પર છૂટીને તેણે ગણેશજીના મંદિરે દર્શન કર્યાં હતાં. આ ગણેશજીના મંદિરે જયલલિતા પણ દર્શને જતાં હતાં. ચાર વર્ષની કેદ પૂરી થાય તે પછી શશીકલા એઆઇએડીએમકે પર કબજો જમાવવાની પોતાની ચાલના શ્રીગણેશ ફરીથી કરશે. ત્યાં સુધીમાં રાજકીય પ્રવાહો બદલાતા રહેશે એટલે ચાર વર્ષ પછી ચીનમ્મા જેલમાંથી બહાર આવશે ત્યારે શું થશે તેની ઉત્સુકતા તામિલનાડુમાં રહેવાની.

‘બર્બર હત્યારા’ ટીપુ જયંતિના કાર્યક્રમમાં મને સામેલ ન કરોઃ કેન્દ્રીય પ્રધાન

નવી દિલ્હી– કેન્દ્રીય સ્કીલ ડેવલપમેન્ટ રાજ્યકક્ષાના પ્રધાન અનંતકુમાર હેગડેએ ટીપુ સુલ્તાનને બર્બર હત્યારા અને બળાત્કારી દર્શાવીને કર્ણાટક સરકારને ટીપુ જયંતિ સાથે જોડાયેલા તમામ આયોજનોમાં તેમને સામેલ નહી કરવા કહ્યું છે. હેગડેએ આ બાબતે કર્ણાટક સરકારના અગ્રણી અધિકારીઓને પત્ર લખ્યો છે. મુખ્ય સચિવ અને ઉત્તરી કન્નડાના ઉપાયુક્તને લખેલ પત્રમાં હેગડેએ 10 નવેમ્બરના રોડ આયોજિત થનાર ટીપુ સુલતાનની જયંતિ કાર્યક્રમમાં તેમનું નામ સામેલ નહી કરવા કહ્યું છે.

હેગડેએ એક ટ્વીટ કરીને કહ્યું છે કે મે કર્ણાટક સરકારને એક એવા બર્બર હત્યારા, કટ્ટરપંથી અને માસ રેપિસ્ટ માટે આયોજિત જયંતિ કાર્યક્રમમાં મને ન બોલાવવા જણાવ્યું છે. હેગડેના આ નિવેદનથી રાજકીય મોરચે ધમાસણ મચી ગયું છે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધાર્થરમૈયાએ કહ્યું છે કે સરકારનો હિસ્સો હોવાથી હેગડેએ આ રીતનો પત્ર ન લખવો જોઈએ. તેમણે જણાવ્યું કે ટીપુ જયંતિના કાર્યક્રમનું આમંત્રણ તમામ કેન્દ્રીય અને રાજ્યકક્ષાના પ્રધાનોને મોકલવામાં આવે છે, આવવું ન આવવું તે તેમના પર નિર્ભર કરે છે.

સીએમે કહ્યું હતું કે આને રાજનૈતિક મુદ્દો બનાવાઈ રહ્યો છે. બ્રિટિશોની વિરુદ્ધ ચાર યુદ્ધ લડયા હતા, ટીપુએ તમામમાં હિસ્સો લીધો હતો. અત્રે નોંધનીય છે કે પાંચ વાર લોકસભા સાંસદ હેગડે સત્તાધારી કોંગ્રેસ સરકારના ટીકાકાર રહ્યા છે.

પોલીસ સમારંભ દિવસ

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે પોલીસ સમારંભ દિવસે નેશનલ પોલીસ મેમોરિયલમાં પોલીસ શહિદોને પુષ્પાંજલી અર્પી હતી અને સલામી આપી હતી.

ગુજરાતઃ ભાજપ આજથી શરૂ કરશે વિધાનસભાના ઉમેદવારોની નામની ચર્ચા

ગાંધીનગર– ગુજરાતમાં ભાજપ અત્યાર સુધી સૌથી મોટા ચૂંટણીના પડકારોનો સામનો કરી રહ્યું છે. આજે શનિવારે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠક મળશે, જેમાં ગુજરાત વિધાનસભાના નવા ઉમેદવારો પર ચર્ચા થશે. આ બેઠકમાં પાર્ટીના તમામ સુપરવાઈઝરો સામેલ થશે. પાર્ટીએ દરેક જિલ્લામાં ત્રણ સુપરવાઈઝરની નિમણૂંક કરી છે. સુપરવાઈઝરો તેમનો પક્ષ રજૂ કરશે, અને ઉમેદવારોના નામ પર ચર્ચા થશે.

જાણવા મળ્યા મુજબ પાર્ટી દરેક વિધાનસભા બેઠક માટે 2થી 3 વિકલ્પો શોર્ટ લિસ્ટ કર્યા છે. તે પછી આ યાદી નવી દિલ્હી મોકલવામાં આવશે. જ્યાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની નજર પછી આખરી યાદી તૈયાર થશે.

હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત નહી કરવા બદલ ચૂંટણી પંચ પર વિપક્ષોએ ટીકાઓનો વરસાદ વરસાવ્યો છે. અંતે ચૂંટણી પંચે મૌન તોડ્યું છે કે ઓ.પી. રાવતનું કહેવું છે કે જે નિર્ણય લેવાયો છે, તેની સાથે પંચ છે. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. પંચે એ વાતનો સ્વીકાર કર્ય હતો કે તેને ખબર હતી કે તારીખોની જાહેરાત નહી કરીએ તો ટીકા થશે. પણ ચૂંટણી પંચ હવે આગળનું કામ કરશે.

ભારતના વખાણથી ચીન ચિઢાયું, કહ્યું અમેરિકા ખતમ કરે પક્ષપાત

ચીન– ચીને કહ્યું છે અમેરિકી વિદેશપ્રધાન રેક્સ ટિલરસન તરફથી ભારતની સાથે સંબધોને વધુ મજબૂત બનાવવા પર ભાર આપતું નિવેદન કર્યું છે, અને બીજિંગની ટીકા કરવાના મુદ્દે પક્ષપાત કરવાની ગંધ આવે છે.

ભારતની મુલાકાત પહેલા ટિલરસને કહ્યું હતું કે અનિશ્રિતતા અને ચિંતાના આ દોરમાં ભારતને વિશ્વ સ્તર પર એક વિશ્વાસુ મિત્રની જરૂરિયાત છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે વૈશ્વિક સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિને લઈને અમારા મુલ્યને જોતા અમેરિકા જ એક મિત્ર છે.

તેના પર પ્રતિક્રિયા આપતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા લૂ કાંગે સંવાદદાતાઓને કહ્યું હતું કે ઘણા બધા મિડિયાને ભારત અને અમેરિકા વચ્ચેના સંબધોના વિકાસમાં ખુબ જ દિલચસ્પી છે. તેમણે કહ્યું કે અમે બદન્ને દેશોના સંબધોના વિકાસને જોતા ત્યાં સુધી ખુશ છીએ કે જ્યાં સુધી આ ક્ષેત્રમાં શાંતિપૂર્ણ વિકાસ અને ક્ષેત્રમાં બન્ને દેશો વચ્ચેના સંબધો વધવાના પક્ષમાં છે.

લૂએ કહ્યું કે ચીન આશા કરે છે કે વોશિગ્ટન ચીનના વિકાસ અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચીનની ભૂમિકાને નિષ્પક્ષ તરીકે જોશે. અમેરિકાના આરોપો પર લૂએ જણાવ્યું હતું કે ચીને હમેશાં સંયુક્ત રાષ્ટ્રના મુલ્યોનું સમ્માન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતોના આધાર પર બહુપક્ષીય વર્લ્ડ ઓર્ડરનું પાલન કરે છે. તેની સાથે તેમણે એ વાત પર ભાર મુક્યો હતો કે ચીન પોતાના હિતો અને અધિકારોની રક્ષા કરતો રહેશે.

 

એક મહિલાએ ફેમિલી ગ્રૂપ છોડ્યું તેમાં કેમ હોબાળો મચ્યો?

વોટ્સએપ એ એવું સોફ્ટવેર છે જેનાં વગર ઘણા લોકો માટે આજે જીવન શક્ય જ નથી. જો એક દિવસ પણ ઈન્ટરનેટ બંધ રહે તો તેમને લાગે છે કે જીવન જાણે થંભી ગયું હોય. આવા લોકોને બેચેની વધી જાય છે. આખો દિવસ નકામો ગયો હોય તેવું લાગે છે. તો ઘણા માટે વોટ્સએપ એ સામાજિક રીતે પોતાના સ્વજનો, કુટુંબ, મિત્રો, સમવ્યવસાયિકો, સમવિચારકો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ છે. આથી લગભગ દરેક વ્યક્તિ પોતાના એક ગ્રૂપમાં હોય છે જેમાં પરિવારના લોકો જોડાયેલા હોય છે.

આ ગ્રૂપ ઘણું સારું કામ કરતાં હોય છે. કુટુંબનાં સભ્યો કંઈ એક જ શહેરમાં રહેતાં હોય તે જરૂરી નથી. આથી અલગ-અલગ શહેરમાં રહેતાં સભ્યો આવાં ગ્રૂપ થકી પોતાના કુટુંબ સાથે જોડાયેલા રહે છે. કુટુંબમાં આવતા પ્રસંગો, ઉજવણીઓ, નાનાં બાળકોની અભ્યાસમાં પ્રગતિ, સભ્યોની વ્યવસાયિક પ્રગતિ, પરિવારના કોઈ સભ્યોની બીમારી આવી બધી માહિતીથી ત્વરિત રીતે અવગત રહે છે. કુટુંબના સભ્યો પૈકી કોઈનો જન્મદિવસ હોય તો ગ્રૂપનું નામ બદલી ‘happy birthday munna’ કરી દેવામાં આવે છે. આથી કોઈ સભ્ય જો જન્મદિન ભૂલી ગયું હોય તો પણ તેને યાદ આવી જાય છે અને તે જન્મદિનની શુભેચ્છા આપી શકે છે. આ સિવાય કોઈ વડીલની મૃત્યુતિથિ હોય તો તે ભૂલી જવાઈ હોય તો ગ્રૂપમાં કોઈ સભ્ય તો એવું હોય જ છે જે તેની યાદ અપાવે છે અને પછી ગ્રૂપમાં તેમને યાદ કરવામાં આવે છે. ઉપરાંત જોક, સામાજિક જાગૃતિના સંદેશા, વ્યવસાયિક માહિતી, રાજકીય સંદેશાઓ આપવામાં આવે છે.

જોકે આમાં પણ સભ્યોની વિવિધતા હોય છે, જે કોઈ પણ કુટુંબમાં જોવા મળી શકે છે. કોઈ ફુઆ કે કોઈ માસી રમૂજી હોઈ શકે તો કોઈ ફઈ કે માસા ગરમ પ્રકૃત્તિનાં હોઈ શકે. તો કોઈ સભ્ય વાતેવાતે વાંધાપડુ પણ હોઈ શકે. કેટલાંક યુવાનોને લાગી શકે કે તેમના પરિવારના ગ્રૂપમાં માત્ર વડીલોનું જ જોર છે તો તેઓ નિષ્ક્રિય થઇ જાય તેવું બને. તો કોઈ ગ્રૂપમાં વડીલોને યુવાન પરિવારજનોની બહુમતી લાગે તો તેઓ ગ્રૂપમાંથી નીકળી જાય તેવું બની શકે.

આવા પરિવારકેન્દ્રિત ગ્રૂપોમાં મોટાભાગે યુવતીઓને તેમના સાસરીયાંના ગ્રૂપમાં મજા એટલી ન આવે જેટલી પીયરિયાંના ગ્રૂપોમાં આવતી હોઈ શકે. પરંતુ જો તે નીકળી જાય તો હોબાળો મચી જાય.પરિવારમાં રહેવું હોય તો અનુફૂલન સાધવું પડતું હોય છે. આજે ભલે વિભક્ત કુટુંબમાં રહેતાં હોય, માનો કે કુટુંબમાં માત્ર પતિપત્ની અને બે બાળકો જ છે તો પણ તેમને પરસ્પર અનુકૂલન સાધવું પડે છે. બધાની જમવાની પસંદગી જુદી હોય, ટીવીની ચેનલો જોવા બાબતે કે છાપાં મગાવવા બાબતે જુદાજુદા મત હોઈ શકે છે. આ બાબતે તેમની વચ્ચે ઘર્ષણ થતું હોય છે. તો પછી વોટ્સએપના પરિવારનાં ગ્રૂપમાં પણ આવું થઇ શકે. કેટલાંક સભ્યો ગ્રૂપમાં આવેલા સંદેશા વાંચ્યા વગર સંદેશ મૂકી દે જે અગાઉ કોઈએ મૂકી દીધા હોઈ શકે છે. તો કેટલાંક સભ્યો ચકાસ્યા વગર સંદેશા મૂકી શકે છે જે ખોટાં હોઈ શકે છે. તો કોઈ સભ્યો પતિપત્ની અંગેની રમૂજો મૂકતા હોઈ તેવું બની શકે. તો ગ્રૂપમાં કેટલાક સભ્યો ખૂબ જ જાગૃત હોય અને મનના આળા હોઈ શકે જે પુનરાવર્તિત સંદેશાઓ, ખોટી માહિતી, કે આવા રમૂજોનો વિરોધ કરે. પરંતુ તેઓ જેને અશિસ્ત માને છે તેનો વારંવાર ભંગ થતો રહે તો તેઓ કંટાળી જાય અને ગ્રૂપ છોડી દે તેવું બને છે. જોકે તેમને સમજવું જોઈએ કે પરિવારના ગ્રૂપ કોઈ ઓફિસના ગ્રૂપ નથી કે જે નિયમોથી બંધાયેલા રહે. હા, તેઓ તેમનો વિરોધ નમ્ર રીતે જરૂર નોંધાવી શકે છે.

પરંતુ બધામાં આજકાલ આવી સહનશીલતા નથી હોતી.  મુંબઈની નમ: નામની એક મહિલાએ આવી જ અસહનશીલતા સાથે પોતાના પરિવારનું ગ્રુપ તો છોડ્યું, પરંતુ એક પોસ્ટ લખીને છોડ્યું. આ પોસ્ટ આજકાલ વાઇરલ બની છે. લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

આ મહિલાએ શું લખ્યું? તે આ સાથેની તસવીરમાં વાંચી શકાય છે. આ મહિલાએ પોતાના પરિવારનાં વોટ્સએપ ગ્રૂપમાં તો આ પોસ્ટ લખી જ પરંતું ટ્વીટર પર પણ આ અંગે લખ્યું. આ કેટલું વાજબી કહી શકાય તે પણ એક પ્રશ્ન છે. પણ બની શકે કે તેના આ ટ્વીટથી તેના પરિવારમાં મોટો ઝઘડો જરૂર થયો હશે.

મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની હડતાળ સમાપ્ત

મુંબઈ– બોમ્બે હાઈકોર્ટની આકરી ટીકા પછી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(એમએસઆરટીસી)ની પાંચ દિવસથી ચાલી રહેલી હડતાળ સમાપ્ત થઈ ગઈ છે. હાઈકોર્ટે શુક્રવારે જ આ હડતાળને ગેરકાયેદ જાહેર કરતાં તેને ઝડપથી સમાપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટે તેની સાથે મહારાષ્ટ્ર સરકારને પણ ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે સરકાર લોકોની મુશ્કેલીઓ મુકદર્શક બનીને જોતી રહી છે. તહેવારોની સીઝનમાં પડેલી આ હડતાળથી લાખો લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી છે.

એમએસઆરટીસીના સાત હડતાળીયા કર્મચારીઓને હંગામો કરવા અને હિંસા કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે, અને જાણવા મળ્યા મુજબ તેમની ધરપકડ પણ કરી લેવાઈ છે. પગારમાં વધારાની માંગ સાથે એમએસઆરટીસીના અંદાજે એક લાખ કર્મચારીઓ 16 ઓકટોબરથી અનિશ્રિતકાલીન હડતાળ પર હતા. તેમાં વધારે બસના ડ્રાઈવર અને કંડક્ટર હતા.