છ ઓક્ટોબરે શશીકલા જેલમાંથી પેરોલ પર છૂટી હતી. હોસ્પિટલમાં બીમાર પતિની ખબર કાઢવા માટે તેને પેરોલ મળ્યાં હતાં, પણ સાથોસાથ તેણે પોતાના રાજકીય જૂથની બિમારીનો પણ ઇલાજ કરવાનો હતો. 12 ઓક્ટોબર ફરી પાછું જેલમાં જતાં રહેવાનું હતું, પણ આ છ દિવસમાં જે પણ ગતિવિધિ થઈ તેના પર સૌની નજર હતી. કેમ કે ચાર વર્ષની સજા શશીકલાને થઈ છે તે જેલમાંથી છૂટશે ત્યારે શું થશે તેનું મીની ટ્રેલર આ છ દિવસોમાં જોવા મળ્યું હતું.ચાર વર્ષનો રાજકીય વનવાસ ભારતીય રાજકારણમાં મોટો ના કહેવાય. ઘણા નેતાઓ વર્ષો સુધી પડછાયામાં રહ્યાં પછી અચાનક બહાર આવીને સત્તા પર બેઠા હોય તેવું બન્યું છે. શશીકલા એટલે જયલલિતાની સખી અને તેના સુખદુઃખની સાથી. સાથોસાથ તેના રાજકારણ અને ભ્રષ્ટાચારની પણ સાથી. એથી જ જેલમાં જવું પડ્યું છે, કેમ જયા ટીવી સહિત અનેક કંપનીઓ તેના સગાંઓના નામે ધમધમતી થઈ ગઈ હતી.
શશીકલાનું સમગ્ર કુટુંબ પરિવાર વિનાની જયલલિતાની ફરતે ગોઠવાઈ ગયું હતું. એક તબક્કે જયલલિતાએ આ આખી ટોળકીને હાંકી કાઢી હતી. પણ ફરી શશીકલાને બોલાવવી પડી. શશીકલાના પતિને જયલલિતાના મહેલ જેવા ઘરમાં પ્રવેશવાની મનાઈ હતી, પણ શશીકલા જયલલિતા બધા જ કાંળાધોળાં પોતાના ભત્રીજા નટરાજન અને બીજા ભાણીઆના નામે કરતી. આ આખી ટોળકીને મન્નારગુડી ગેન્ગ તરીકે તામિલનાડુમાં કુખ્યાતી મળી છે. મન્નારગુડી વિસ્તારમાં શશીકલાનો પરિવાર વીસીઆર ભાડે આપવાનું કામ કરતો હતો. ફિલ્મોની વિડિયો કેસેટનો ધંધો ધમધોકાર હતો, પણ એટલો ધમધોકાર નહોતો કે તેમાંથી અબજો રૂપિયા રળી શકાય. અબજો રૂપિયાનું સામ્રાજ્ય જયલલિતા સાથેના પરિચય પછી જ થયું હતું.
જયલલિતા સાથે મન્નારગુડીમાં જ એક કાર્યક્રમમાં શશીકલાનો પરિચય થયો અને ધીમેધીમે શશીકલા જયલલિતાનો પડછાયો થઈ ગઈ હતી.ઘટનાક્રમે વળાંક લીધો અને જયલલિતા લાંબી રહસ્યમય બીમારી પછી રહસ્યમય મોત પામી. તે પછી જયલલિતાની જગ્યાએ શશીકલા સીધી જ ગાદીએ બેસી શકી નહીં. ચમચા અને દલાલોની એક હેસિયત હોય છે. અમરસિંહ અનેકના તારણહાર બન્યાં હતાં, પણ કામ પૂર્ણ થઈ જાય ત્યારે દલાલની ભૂમિકા પૂરી થઈ જતી હોય છે. ઘર બતાવીને સોદાબાજી કરીને ખરીદી કરાવનાર બ્રોકર કદી ઘરનો સભ્ય ના બની શકે. ઘર ખરીદવામાં આર્થિક સહિતની મદદ કરનાર જ ઘરનો સભ્ય બની શકે.
શશીકલાની વાત પર પાછા વળીએ તો જયલલિતાની સેવા, ચમચાગીરી અને દલાલીનું કામ કરતાંકરતાં શશીકલાને સત્તાની ગંધ આવવા લાગી હતી. જયલલિતાને પોએસ ગાર્ડનમાં મળવું હોય તો શશીકલાની મંજૂરી વિના મળી શકાય નહીં. પ્રધાનો પણ મળી શકે નહીં. આમ છતાં જયલલિતાની જગ્યાએ મુખ્યપ્રધાન મૂકવાની વાત આવી ત્યારે પન્નીરસેલ્વમને પસંદ કરવા પડ્યાં. થોડા દિવસો વીત્યાં તે સાથ જ પન્નીરસેલ્વમને હટાવીને જાતે જ મુખ્યપ્રધાન બનવાની હિલચાલ શશીકલાએ શરૂ કરી ત્યારે પક્ષમાં ભાગમાં પડી ગયા. પન્નીરસેલ્વમે નોખો ચોકો માંડ્યો અને શશીકલા ગાદીએ બેસી શકે તે પહેલાં જ કોર્ટમાંથી ચૂકાદો આવી ગયો કે શશીકલાએ તો ચાર વર્ષ જેલમાં ગાળવાં પડશે. જેલમાં ગયાં પછીય પક્ષ પરનો કબજો ન છોડવા માટે શશીકલાએ ઘણાંને કાઢી મૂક્યાં અને પક્ષના વડા તરીકે, મહામંત્રી તરીકે પોતાના ભત્રીજા નટરાજનને બેસાડી દીધો. સીએમ તરીકે પોતાના વફાદાર પલાનીસામીને બેસાડી દીધા.
એ પછી સ્થિતિ ફરી બગડી. ભાજપ ઇચ્છે છે કે તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષો નબળાં પડે તો ભાજપ માટે જગ્યા થાય. કેન્દ્ર સરકારે પોતાનો ભાગ ભજવ્યો હતો એમ જાણકારો માને છે. શશીકલાના વિરોધી જૂથોને પ્રોત્સાહિત કરાયાં, પણ એકવાર શશીકલા જેલમાં ગઈ તે પછી જુદા પડેલા જૂથોને એક કરીને એઆઇએડીએમકે ફરી મજબૂત થાય અને ભાજપ સાથે એનડીએમાં જોડાઈ જાય તે માટે પેરવી થઈ હતી.
બહુ લાંબો ઘટનાક્રમ છે, પણ તેનો સાર એટલો છે કે શશીકલાના નાના જૂથને એકલું પાડીને બાકીના એઆઇએડીએમકેને થોડો નબળો પાડવો અને તેને એનડીએમાં બેસવા માટે મજબૂર કરવો. તેવું થયું પણ છે, પણ જયલલિતા પાસેથી રાજકારણના પાઠ શીખેલી શશીકલાએ હજી હાર માની નથી. જેલમાં તેણે કરોડોની લાંચ આપીને બધી સગવડો મેળવી હતી. જેલમાં બેઠી બેઠી પાસા ફેંકતી હતી. તે પછી પતિની તબિયત ખરાબ થઈ એટલે છ દિવસ માટે પેરોલ મળ્યાં.
છ દિવસમાં પહેલાં દિવસે તેમના ટેકેદારો બહુ દેખાયા નહોતાં. પરંતુ છેલ્લા દિવસ સુધીમાં સ્થિતિ બદલાઈ અને શશીકલાને જેલમાં પાછા જવાનું થયું ત્યારે વિદાય આપવા મોટું ટોળું એકઠું કરાયું હતું. છ દિવસમાં શશીકલાએ માત્ર પતિની મુલાકાત હોસ્પિટલમાં લેવાની હતી, જાહેરમાં લોકોનો સંપર્ક કરવાનો નહોતો. પણ ખાનગીમાં મુલાકાતો થઈ શકે અને ફોન પર વાત થઈ શકે. છ દિવસમાં શશીકલાએ જે પણ પાસાં ખેલ્યાં હોય, તેણે એટલો અણસાર આપ્યો કે તેની સાવ અવગણના થઈ શકશે નહીં. આઠ મહિના શશીકલા જેલમાં છે તે દરમિયાન પન્નીરસેલ્વમ અને પલાનીસામી એક થઈ ગયાં અને નટરાજનને મહામંત્રીપદેથી કાઢી મૂક્યો છે. પણ શશીકલા લડત આપ્યાં વિના છોડશે નહીં તેવું લાગે છે.ચીનમ્મા તરીકે ઓળખાતી શશીકલાના સમર્થનમાં કેટલાક પ્રધાનો બોલ્યાં પણ ખરાં. પેરોલના બે દિવસ પછી સહકારપ્રધાન સેલ્લુર રાજુએ વખાણ કર્યા કે ચીન્નમાના કારણે જ પાર્ટીની સરકાર ટકી ગઈ હતી. બીજા એક પ્રધાન ઓ. એસ. મણિયમે પણ કહ્યું કે પોતે ચીનમ્માને મળવા જશે. જોકે કોર્ટે શશીકલાને કોઈને મળવાની ના પાડેલી છે એટલે મળ્યા નહીં, પણ તેમના નિવેદનના કારણે કેટલાક પ્રધાનો પણ શશીકલાએ કરેલો ઉપકાર ભૂલ્યાં નથી તે સ્પષ્ટ થયું. જયલલિતાની હયાતીમાં જ શશીકલા પોતાનાં માણસો ગોઠવવાં લાગ્યાં હતાં. શશીકલાએ અનેકને ટિકિટો અપાવી છે અને પ્રધાનો બનાવ્યાં છે. ચીનમ્મા હવે એ ઉપકારનો બદલો માગશે. રાજેન્દ્ર બાલાજી અને સી. વી. ષણમુગમ જેવા પ્રધાનો પણ તેના ટેકેદાર મનાય છે. અત્યારે તેઓ કશું બોલ્યાં નથી, પણ સવા ત્રણ વર્ષ પછી શશીકલા જેલમાંથી બહાર આવશે ત્યારે શું કરશે તે સવાલ ઊભો જ છે. જયલલિતાની સાચી વારસદાર પોતે છે તે દાવો તેણે સાબિત કરવાનો છે. તે જયલલિતાના પગલે ચાલવાની કોશિશ કરશે. પેરોલ પર છૂટીને તેણે ગણેશજીના મંદિરે દર્શન કર્યાં હતાં. આ ગણેશજીના મંદિરે જયલલિતા પણ દર્શને જતાં હતાં. ચાર વર્ષની કેદ પૂરી થાય તે પછી શશીકલા એઆઇએડીએમકે પર કબજો જમાવવાની પોતાની ચાલના શ્રીગણેશ ફરીથી કરશે. ત્યાં સુધીમાં રાજકીય પ્રવાહો બદલાતા રહેશે એટલે ચાર વર્ષ પછી ચીનમ્મા જેલમાંથી બહાર આવશે ત્યારે શું થશે તેની ઉત્સુકતા તામિલનાડુમાં રહેવાની.