ગામનો પોતાનો પેટ્રોલ પમ્પ હોય તો…

પેટ્રોલ પમ્પ શોધવા માટે રખડવું પડતું હતું તે સ્થિતિ હવે નથી. હાઇવે પર હવે થોડા અંતર પર પેટ્રોલ પમ્પ મળી જાય છે. એક જમાનામાં પેટ્રોલના પરવાના બહુ લાગવગીયાને જ મળતાં હતાં. એટલે તાલુકામાં એક પેટ્રોલ પમ્પ હોય ત્યારે ગામડેથી ટ્રેક્ટરવાળા આખું પીપ લઈને આવે. ટ્રેક્ટરની ટાંકી ફૂલ કરાવે અને પીપ પણ ભરાવી લે. થોડા દિવસ કામ ચાલે અને વળી પાછું શહેરનું ચક્કર કાપવાનું.આ કંઈ નવી વાત નહોતી. આમ જ વર્ષો સુધી ચાલ્યું. તેનો કોઈ ઉપાય કોઈ ગામે કદી વિચાર્યો નહીં. વર્ષો પછી પેટ્રોલ પમ્પ વધ્યાં એટલે સમસ્યા આપોઆપ હલ થઈ ગઈ. પણ ન્યૂ ઝિલેન્ડનું એક ગામ. ગામમાં આવી જ સમસ્યા. પેટ્રોલ ભરાવવા દૂર જવું પડે અને સાથે કેન લઈ જવું પડે. ભારત જેમ કંઈ વસતિ વિસ્ફોટ ન્યૂ ઝિલેન્ડમાં થયો નથી એટલે વર્ષોના વર્ષો સુધી ગામમાં પેટ્રોલ પમ્પ થયો જ નહીં.

ન્યૂ ઝિલેન્ડના આ ગામનું નામ છે પોન્ગોરા. એકદમ નાનકડું ગામ. પેટ્રોલ પૂરાવવું હોય તો બે કલાક ડ્રાઇવ કરીને જવું પડે. ગામના લોકો એટલા કંટાળ્યાં કે આખરે જાતે જ ગામમાં પેટ્રોલ પમ્પ શરૂ કરવાનું નક્કી કર્યું. કોઈ કંપની તો તૈયાર હતી જ નહીં એટલે માલિકી પણ ગામની એવું નક્કી કર્યું. આખા ગામમાં ફક્ત 120 લોકો જ છે. ચારેક વર્ષથી પેટ્રોલ પમ્પ બંધ થઈ ગયો હતો, કેમ કે આટલા લોકોમાં આખો પમ્પ ચલાવવાનું પરવડે નહીં. પમ્પ તો બંધ થઈ ગયો એ પછી બે કલાકનું ચક્કર ચાલું થયું. બે કલાક ડ્રાઇવ કરીને જવાનું. એટલું પેટ્રોલ બાળીને પેટ્રોલ ભરાવવાનું. ધક્કો માથે ના પડે એટલે સાથે કેન લઈને જવું પડે. તો પણ ધક્કો તો માથે પડતો જ હતો. આખરે ગામના લોકોએ મિટિંગ કરી અને નક્કી કર્યું કે જાતે જ પમ્પ ચાલુ કરીએ. આ માટે ભંડોળ એકઠું કરાયું. અઢી લાખ ન્યૂ ઝિલેન્ડ ડોલર એકઠા કરાયા. જોકે આટલા નાણાં પૂરતા નહોતા. બાકીના નાણાં કંપની એલાઇડ પેટ્રોલિયમે નાખ્યાં. કંપનીએ 6 લાખ ડોલર નાખ્યાં. કંપનીને ખાતરી નહોતી કે નફો થઈ શકશે, કેમ કે માત્ર 120 લોકો વચ્ચે મર્યાદિત ઘરાકી જ રહેવાની. આખરે કંપની તૈયાર થઈ, કેમ કે ગામના લોકોનો ઉત્સાહ હતો. તે રીતે ઓક્ટોબરમાં પેટ્રોલ પમ્પ તૈયાર થઈ ગયો.

ન્યૂ ઝિલેન્ડમાં આ માત્ર પોન્ગોરા ગામની સમસ્યા નથી. માત્ર પેટ્રોલ પમ્પની સમસ્યા પણ નથી. નાના નાના ગામોમાં જાહેર સુવિધા આપવાનું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. નાના ગામમાં પોસ્ટની સેવા પણ ના મળે. દવાખાનું ના મળે. ડેરી પણ ના હોય. વીજળીનું અને ફોનનું બિલ ભરવા પણ દૂર જવું પડે. સરકાર માટે પણ આ સમસ્યા કેવી રીતે ઉકેલવી તે મૂંઝવણ છે. ખાનગીકરણના કારણે પેટ્રોલ પમ્પ હોય કે ફોન અને વીજળી કંપનીની ઓફિસ હોય, નિર્ણય ખાનગી કંપનીએ કરવાનો હોય છે. ખાનગી કંપનીને ઓફિસ રાખવી પરવડે નહીં. તે સંજોગોમાં પોન્ગોરો ગામના લોકોએ એક નવું મોડેલ ઊભું કર્યું છે. દેશના બીજા નાના નાના કસબાઓને પણ આ મોડેલ કદાચ કામ આવશે તેમ જાણકારો માનવા લાગ્યાં છે અને હાલમાં જ શરૂ થયેલો પોન્ગોરાનો પેટ્રોલ પમ્પ જોણું થયું છે. પોન્ગોરા ગામના નાગરિકોએ તો નક્કી જ કર્યું છે કે સરકાર પર આધાર રાખવાના બદલે આપણી સમસ્યાઓ જાતે જ ઉકેલવી. તે માટે ગામમાં જાતજાતની સમિતિઓ બની છે. તેથી મજાક પણ થાય છે કે ગામમાં જેટલી વસતિ છે, તેના કરતાંય વધારે સમિતિઓ છે.

આ કામના કારણે ગામમાં સંપનું વાતાવરણ ખીલી શક્યું છે. ખર્ચ ઓછો થાય તે માટે પેટ્રોલ પમ્પનું ચણતરકામ, તેનો રસ્તો, ત્યાંનો બગીચો આ બધું લોકોએ જાતે જ તૈયાર કરી લીધું હતું. ગામજનોની આ સ્પિરિટથી એલાઇડ કંપનીનો મેનેજર પણ ચકિત થઈ ગયો હતો. તે ખુશ થયો કે લોકો કંપનીને મદદ થાય તેવું કરતાં હતાં. કંપનીને લાગે છે કે આ રીતથી બીજા નાના નાના કસબામાં પણ તે પોતાના પેટ્રોલ પમ્પ ખોલી શકશે.
હવે વિચારો ભારતમાં આવું થાય ખરું? ગામ ભેગું થઈને પોતાનો જ પેટ્રોલ પમ્પ ખોલે? ના રે ના, ભારતમાં આવું ના થાય – આવું ના બોલતા, કેમ કે ભારતમાં પણ ઘણા આદર્શ ગામો છે, જ્યાં સહકારી ધોરણે ઘણું થાય છે.