Home Blog Page 5604

ભાજપે લાંચ આપ્યાનો પટેલ આંદોલનકારી નેતા નરેન્દ્ર પટેલનો આરોપ

નરેન્દ્ર પટેલ

અમદાવાદ – એક અજબના સ્ટિંગ ઓપરેશનમાં, ઉત્તર ગુજરાતના પટેલ અનામત આંદોલનના નેતા નરેન્દ્ર પટેલે એવો આરોપ મૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટી પોતાને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પટેલે પોતાના દાવાના ટેકામાં ગઈ કાલે પત્રકાર પરિષદ બોલાવીને પત્રકારો સમક્ષ એ કરન્સી નોટો પણ રજૂ કરી હતી જે એમના કહેવા મુજબ ભાજપ તરફથી સોદાના ભાગરૂપે એમને ગઈ કાલે આપવામાં આવી છે.

નરેન્દ્ર પટેલે મીડિયાની સામે ૧૦ લાખ રૂપિયા રજૂ કર્યા હતા અને કહ્યું કે, બાકીના ૯૦ લાખ પોતાને આજે સોમવારે ડિલીવર કરાશે.

વરુણ પટેલ

નરેન્દ્ર પટેલે એવો દાવો પણ કર્યો હતો કે હાલમાં જ ભાજપમાં જોડાયેલા અન્ય પાટીદાર નેતા વરુણ પટેલે ભાજપ સાથે પોતાનો આ સોદો કરાવ્યો હતો.

બીજી બાજુ, વરુણ પટેલે નરેન્દ્ર પટેલના આરોપને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે મેં કોઈ લાંચ-રુશ્વતની ઓફર કરી નથી.

વરુણ પટેલ ભાજપમાં જોડાયાના અમુક કલાકો બાદ જ નરેન્દ્ર પટેલે આ આરોપ કરીને સનસનાટી મચાવી દીધી હતી. એમના આરોપને પગલે ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમી આવી ગઈ છે. ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.

આ જ નરેન્દ્ર પટેલે ગયા મહિને ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં પાટીદાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલ તથા અન્ય ત્રણ સમર્થકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પણ બાદમાં એ પાછી ખેંચી લીધી હતી. નરેન્દ્ર પટેલે ગઈ કાલે રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગયા શનિવારે સાંજે ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા વરુણ પટેલ મને રવિવારે ભાજપના ગુજરાત એકમના પ્રમુખ જિતુ વાઘાણી તથા અન્ય નેતાઓ પાસે લઈ ગયા હતા.

‘વરુણ મને ભાજપના કાર્યાલય શ્રી કમલમ ખાતે લઈ ગયો હતો અને જિતુ વાઘાણી તથા અમુક રાજ્ય પ્રધાનો સાથે મારી ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ એ મને એક રૂમમાં લઈ ગયો હતો અને રૂ. ૧૦ લાખ ભરેલી એક બેગ આપી હતી. એણે મને કહ્યું હતું કે આ રૂપિયા એક ટોકન તરીકે છે, અને બાકીના ૯૦ લાખ રૂપિયા વચન અપાયા મુજબ, સોમવારે પક્ષના એક સમારંભ બાદ મને ચૂકવી દેવામાં આવશે. મને એ સમારંભમાં ખાસ હાજર રહેવા જણાવાયું હતું.’

મીણબત્તી ફૂંકી બર્થ ડે ઉજવો છો? જોખમી છે

પણી ભારતીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે. તે દિવસેને દિવસે સાબિત થઈ રહ્યું છે. પરંતુ પશ્ચિમનું ખોટું અનુસરણ કરવાની એક ખોટી માનસિકતા ઘર કરી રહી છે. લગ્નથી લઈને મરણની વિધિઓમાં પશ્ચિમની પદ્ધતિથી ઉજવવાની ખોટી પરંપરા પડી છે. પ્રસંગોનાં નામના બદલે હવે તો આમંત્રણ પત્રિકામાં નામ પણ અંગ્રેજી રખાઈ રહ્યાં છે, જેમ કે સીમંતના પ્રસંગની આમંત્રણપત્રિકામાં બેબી શાવર લખાય છે. આ વાત ખોટી છે. જોકે આપણે એ વાતની ચર્ચા અહીં કરવી નથી.

આપણે ત્યાં જન્મદિવસની ઉજવણી અલગ રીતે થાય છે જેમાં ભારતીય સંસ્કારો ઝળકી ઉઠે છે. આપણે જન્મદિવસના દિવસે પૂજા કરીએ છીએ, માતાપિતા, વડીલોને પગે લાગીએ છીએ, મંદિરે દર્શન કરવા જઈએ છીએ, ગાય માતાને ઘાસ નીરીએ છીએ, ગરીબોને દાન કરીએ છીએ. આપણે દીવો પ્રગટાવીએ છીએ. લાડુ વગેરે પોષક આહાર ખાઈએ છીએ. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા લોકો પશ્ચિમની ખોટી રીતરસમોને અપનાવવા લાગ્યાં છે જેમાં જન્મદિવસ ઉજવવાનો પણ સમાવેશ થાય છે.

પશ્ચિમમાં જન્મદિવસ રાત્રે મનાવાય છે, કારણકે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ રાત્રે બાર વાગે તારીખ બદલાય છે. જયારે ભારતમાં તિથિ મુજબ જન્મદિવસ ઉજવાય છે. પશ્ચિમમાં કેક મગાવાય છે જેના પર મીણબત્તી લગાવીને તેને પ્રગટાવી પછી ફૂંક મારી ઓલવી નાખવામાં આવે છે. તે પછી કેકને છરીથી કાપવામાં આવે છે. અને જન્મદિવસ હોય તે વ્યક્તિ તેની પ્રિય વ્યક્તિને કેકનો ટુકડો ખવડાવે છે. હવે તો લોકો એવું શીખ્યાં છે કે કેક ખાવાના બદલે મોઢે ચોપડી મસ્તી કરવાની. આનાથી હાથ, મોઢું બધું ગંદુ થાય છે અને કેક ખાવાના બદલે તેનો બગાડ થાય છે. આ જ લોકો દિવાળી પર ફટાકડા ફોડવાના બદલે, શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ ચડાવવાના બદલે, ગરીબ બાળકોને દાન કરવાની સૂફીયાણી સલાહ આપતા સંદેશાઓ વોટ્સએપ પર પ્રસારિત કરે છે.

આવા લોકો પશ્ચિમની જ વાત માને છે. અને હવે પશ્ચિમનું જ એક સંશોધન કહે છે કે જન્મદિવસે મીણબત્તી પર ફૂંક મારવું આરોગ્યપ્રદ નથી. મીણબત્તીને ફૂંક મારવાથી મોંઢાના બેક્ટેરિયા કેક પર ચાલ્યાં જાય છે.

દક્ષિણ કેરોલીનામાં ક્લેમ્સન યુનિવર્સિટીનાં સંશોધનકર્તાઓને જાણવા મળ્યું છે કે ફૂંક મારતી વખતે લાળમાં હાજર બેક્ટેરિયા જયારે જન્મદિવસના કેક પર ફેલાય છે તો કેકમાં લગભગ ૧,૪૦૦ ટકા બેક્ટેરિયા વધી જાય છે.  ડૉ. પૌલ ડાવસને પોતાના સ્નાતક વિદ્યાર્થીઓ સાથે આ અધ્યયન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ભયંકર નિષ્કર્ષથી તેમને ખાદ્ય સુરક્ષા વિશે વિચારવા મજબૂર કર્યા હતા. તેમને તેમની દીકરી સાથેની વાતચીત દરમિયાન આ વિચાર આવ્યો.

જોકે ડૉ. પૌલ ડાવસન મુજબ આ ગંભીર ચિંતાનો વિષય આરોગ્યની દ્રષ્ટિએ નથી. પણ હજુ એ સંશોધન કરવું જરૂરી છે કે જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો ફૂંક દ્વારા ચેપ કેક પર પ્રસરી તે કેક ખાનારાને ચેપ લાગી શકે છે કે કેમ. આમ તો એમ કહે છે કે મોંઢાની હવાથી  પણ ચેપી રોગો ફેલાઈ શકે છે તો આના માટે અલગ સંશોધન કરવાની જરૂર નથી. સામાન્ય લોજિકની વાત છે. પરંતુ જેનો જન્મદિવસ હોય તે જો બીમાર હોય તો તેના દ્વારા ફૂંક મારવાથી કેક પર ૧,૪૦૦ ટકા બેક્ટેરિયા વધી જાય અને તે કેક અનેક લોકો ખાય તો સ્વાભાવિક જ રોગ પ્રસરવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.

સરવાળે પશ્ચિમ વિજ્ઞાનના સંશોધનો પણ એ દિશા તરફ વાત લઈ જાય છે કે આપણી ભારતીય પદ્ધતિ વિજ્ઞાનની રીતે પણ સાચી હતી અને છે.

હોકી ટીમ એશિયામાં ચેમ્પિયન…

ભારતના સિનિયર પુરુષોની હોકી ટીમે ઢાકામાં 22 ઓક્ટોબર, રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં મલેશિયાને 2-1 ગોલના તફાવતથી હરાવીને એશિયા કપ હોકી સ્પર્ધામાં વિજેતા ટ્રોફી જીતી લીધી છે. ભારતીય ટીમે આ ત્રીજી વાર એશિયાઈ વિજેતાપદ હાંસલ કર્યું છે. ભારતે આ પહેલાં 2003 અને 2007માં આ ટ્રોફી જીતી હતી. ભારતની આજની જીત રમનદીપ સિંહ (ત્રીજી મિનિટ) અને લલિત ઉપાધ્યાય (29મી મિનિટ)ના ગોલને આભારી છે. મલેશિયાનો એકમાત્ર ગોલ 50મી મિનિટે થયો હતો. ભારતના ગોલકીપર આશિષ ચિકટેને સ્પર્ધાનો બેસ્ટ ગોલકીપર ઘોષિત કરવામાં આવ્યો હતો.

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત નિકટ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની જનતાને નવા વર્ષ ૨૦૭૪ના આરંભે જ એક મોટો લાભ કરાવી આપ્યો છે. એમણે ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્ર (ઘોઘા-ભાનગર જિલ્લા)ને દક્ષિણ ગુજરાત (દહેજ-ભરૂચ જિલ્લા) સાથે જોડતી ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવાનું આજે લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ આજે બપોરે ગુજરાતના બંદર શહેર ભાવનગરના ઘોઘા સ્થિત રો-રો ટર્મિનલ ખાતેથી રો-રો ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો. જનતા માટે સેવા ૨૪મીથી શરૂ થશે. આને તમે લાભ પાંચમના લાભ તરીકે ગણાવી શકો.

‘રો-રો’ એટલે ‘રોલ-ઓન/રોલ-ઓફ્ફ’ સેવા

આ વિશિષ્ય સેવામાં, વિશાળ દરિયાઈ જહાજ પ્રવાસીઓ ઉપરાંત તમામ પ્રકારના પૈડાંવાળા કાર્ગો વાહનો (કાર, ટ્રક, ટ્રેઈલર્સ વગેરેનું)નું પણ વહન કરે છે. ઘોઘા-દહેજ રો-રો સેવા માત્ર ગુજરાતની જ નહીં, પણ સમગ્ર ભારત ઉપરાંત દક્ષિણ એશિયા વિસ્તારમાં પહેલા જ પ્રકારની રો-રો બોટ સેવા છે.

આ બોટ સેવાનું જહાજ આશરે ૭૦ જેટલા હેવી મૂવિંગ વેહિકલ્સ અને ૧૦૦ જેટલા લાઈટ વેઈટ મોટર વેહિકલ્સ તેમજ ૫૦૦ જેટલા પ્રવાસીઓને એક સાથે લઈ જઈ શકશે.

ઘોઘા અને દહેજ વચ્ચેની આ વર્લ્ડ ક્લાસ ફેરી સર્વિસ શરૂ થવાથી રોડ પ્રવાસ દ્વારા જે ૩૬૦ કિ.મી.નું અંતર છે તે હવે દરિયા માર્ગે માત્ર ૩૧ કિ.મી. જેટલું થઈ જશે. આમ, લોકોનો ખૂબ સમય અને બળતણ બચશે, તેમજ પ્રદૂષણ પણ ઘટશે.

સૌરાષ્ટ્રના લોકોને દક્ષિણ ગુજરાતમાં જવાનું હવે સાવ સહેલું થઈ જશે. દહેજ-ઘોઘા રો-રો ફેરી પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અનેક વર્ષોથી આ સેવા શરૂ થવાની રાહ જોવાતી હતી. જે દિવસ અંતે આજે આવી પહોંચ્યો છે. આ ફેરી સર્વિસ સાથે ગુજરાતમાં જળ વિકાસનો એક નવો ઈતિહાસ લખાશે.

અંદાજે રૂ. ૬૧૫ કરોડનો પ્રોજેક્ટ

આ રૂ. ૬૧૫ કરોડના પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે ગુજરાત મેરિટાઈમ બોર્ડે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ અજય ભાદુના જણાવ્યા મુજબ, આ રો-રો પ્રોજેક્ટના પહેલા તબક્કામાં પ્રવાસીઓને સફર કરાવવામાં આવશે અને બીજો તબક્કો, જે બે મહિનામાં તૈયાર કરી દેવાશે, તેમાં મોટરકાર સહિતના વાહનોનું વહન શરૂ કરવામાં આવશે.

ખંભાતના અખાતમાં શરૂ કરવામાં આવેલી આ ફેરી સર્વિસથી ભાવનગર-ઘોઘા અને ભરૂચ-દહેજ વચ્ચે લોકોનો પ્રવાસ ટાઈમ અધધધ રીતે બચી જશે.

ઘોઘા અને દહેજ વચ્ચે રોડ માર્ગે ટ્રક અને બસ દ્વારા હાલ લગભગ ૧૦-૧૨ કલાક અને કાર દ્વારા ૬-૮ કલાકનો સમય લાગે છે. પણ ફેરી સર્વિસ શરૂ થવાથી એ પ્રવાસ આશરે ૬૦ મિનિટમાં જ પૂરો કરી શકાશે.

ભરૂચ જિલ્લાનું દહેજ ખંભાતના અખાતમાં પૂર્વ બાજુએ આવેલું છે જ્યારે એની વિરુદ્ધ દિશામાં એટલે કે અખાતના પશ્ચિમ કાંઠે ઘોઘા આવેલું છે.

ઘોઘા નગર ભાવનગર શહેરથી લગભગ ૨૦ કિ.મી. દૂર આવેલું છે. ભાવનગર એ ગુજરાતનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. તેથી ઘોઘા જેટલું જ દહેજ પણ મહત્વ ધરાવે છે. દહેજ રેલવે લાઈન વડે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર ભરૂચ સાથે જોડાયેલું છે.

આ પ્રોજેક્ટનો આઈડિયા છેક ૧૯૬૦ના દાયકામાં રજૂ કરાયો હતો. પ્રોજેક્ટનો શિલાન્યાસ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ૨૦૧૨માં કર્યો હતો.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે, ઈચ્છાશક્તિના અભાવે કોંગ્રેસની સરકાર આ પ્રોજેક્ટને આગળ ન ધપાવી શકી નહોતી, પણ ગુજરાત અને કેન્દ્રમાં મોદીની ભાજપ સરકારે એ પૂર્ણ કર્યો છે અને આજે લોકાર્પણ પણ કર્યું છે.

રો-રો પ્રોજેક્ટ અન્ય રાજ્યો માટે મોડેલ પ્રોજેક્ટ બનશેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન-લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અનેક પડકારો બાદ શરૂ કરાયેલો ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યો માટે મોડેલ પ્રોજેક્ટ તરીકે કામ કરશે. હું જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો ત્યારે અમે જૂની નીતિઓ બદલી હતી અને ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા માટે ટર્મિનલ બાંધવાનું કામ ખાનગી લોકોને માથે નાખવાને બદલે પોતે જ બાંધવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું હતું. રો-રો ફેરી સેવાની વાતો હું મારાં સ્કૂલના દિવસોથી સાંભળતો હતો, ઘણી સરકારો બદલાઈ ગઈ, પણ સેવા શરૂ કરાઈ નહોતી. અંતે હવે આ ઘોઘા-દહેજ ફેરી સેવા શરૂ થવાથી લોકોનો ઘણો સમય બચશે, દેશનું ઘણું ઈંધણ બચશે.

ફેરી સર્વિસના ઉદઘાટન બાદ વડાપ્રધાને ભાવનગરના દિવ્યાંગ બાળકોની સાથે ફેરીમાં સફર કરી હતી. ખાસ મહેમાનો એવા આ બાળકોને ઘોઘાથી બોટમાં સફર કરાવીને દહેજ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વડાપ્રધાન મોદી ઉતરી ગયા હતા અને બાળકોને એ જ બોટમાં પાછા ઘોઘા લઈ જવામાં આવ્યા હતા.

વડાપ્રધાને ગયા શુક્રવારે બેસતા વર્ષના દિવસે જ એમના આ ડ્રીમ પ્રોજેક્ટની જાણકારીની ઝલક આપતો એક વિડિયો શેર કર્યો હતો. (જુઓ વિડિયો)

httpss://twitter.com/narendramodi/status/921707305913200640

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ વિશે કરેલા ટ્વિટ્સ…

httpss://twitter.com/narendramodi/status/921931862859280384

httpss://twitter.com/narendramodi/status/921931661348081664

કોહલીની સદી બેકાર ગઈ, ન્યૂ ઝીલેન્ડ ભારતને પહેલી વન-ડેમાં 6-વિકેટથી હરાવી ગયું

મુંબઈ – અનુભવી રોસ ટેલર (95) અને વિકેટકીપર ટોમ લેધમ (103*) વચ્ચે ચોથી વિકેટ માટે થયેલી 200 રનની ભાગીદારીના જોરે ન્યૂ ઝીલેન્ડે આજે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતને 6-વિકેટથી પરાજય આપ્યો છે અને ત્રણ મેચોની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે.

બીજી મેચ 25 ઓક્ટોબરે પુણેમાં રમાશે.

ભારતે તેના કેપ્ટન વિરાટ કોહલીની સિદ્ધિસમાન સદીના જોરે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટે 280 રન કર્યા હતા. આ સ્કોરની સામે ન્યૂ ઝીલેન્ડ 80 રનમાં જ ટોચની 3 વિકેટ પડી જતાં હેબતાઈ ગયું હતું, પણ જમણેરી રોસ ટેલર અને ડાબોડી બેટ્સમેન લેધમે ભારતના બોલરોને જોરદાર વળતી લડત આપી હતી અને 200 રનની ભાગીદારી કરી હતી. 280 રનના સ્કોર પર ટેલર આઉટ થયો હતો ત્યારે પ્રવાસી ટીમને જીત માટે માત્ર એક જ રનની જરૂર હતી. એની જગ્યાએ રમવા આવેલા હેન્રી નિકોલ્સે પહેલા જ બોલમાં બાઉન્ડરી મારીને મેચનો અંત લાવી દીધો હતો.

ટેલરે 100 બોલનો સામનો કર્યો હતો અને 95 રનના સ્કોરમાં 8 ચોગ્ગા ફટકાર્યા હતા. સામે છેડે, કીપર લેધમે 102 બોલના દાવમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. લેધમે વન-ડે કારકિર્દીમાં આ ચોથી સદી ફટકારી છે.

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાએ ઓપનિંગ બેટ્સમેન કોલીન મુનરો (28), ચાઈનામેન બોલર કુલદીપ યાદવે કેપ્ટન કેન વિલિયમ્સન (6) અને હાર્દિક પંડ્યાએ ઓપનર માર્ટિન ગપ્ટીલ (32)ને આઉટ કરીને ભારત માટે જીતની આશા બળવત્તર કરી હતી. પણ ત્યારબાદ ભારતને સફળતા હાથતાળી આપી ગઈ હતી.

અગાઉ, કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શિખર ધવન 9 અને રોહિત શર્મા 20 રન કરીને આઉટ થયા બાદ કોહલી સાથે કેદાર જાધવ (12) જોડાયો હતો. જાધવની વિકેટ બાદ દિનેશ કાર્તિકે 37 અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ 25, હાર્દિક પંડ્યાએ 16 અને ભૂવનેશ્વર કુમારે 26 રનનું યોગદાન આપ્યું હતું. કારકિર્દીની 200મી વન-ડે રમતા કોહલીએ 111 બોલમાં તેની 31મી સદી પૂરી કરી હતી. આજની સદી સાથે એણે ઓસ્ટ્રેલિયાના નિવૃત્ત રિકી પોન્ટિંગને પાછળ રાખી દીધો છે, જેણે 30 સદી ફટકારી હતી. વન-ડે ક્રિકેટમાં સદીના દ્રષ્ટિએ હવે કોહલીથી આગળ માત્ર સચીન તેંડુલકર જ છે, જેણે 49 સદી ફટકારી છે. સચીનના વિક્રમથી કોહલી હજી 18 સદી દૂર છે.

કોહલીએ તેની 200 મેચમાં 192 દાવમાં 31 સદી ફટકારી છે. સચીને તેના પહેલા 186 દાવમાં 16 અને પોન્ટિંગે તેના પહેલા 186 દાવમાં 15 સદી ફટકારી હતી. આમ, કોહલીએ એ બંને કરતાં ડબલ સ્પીડમાં સદીઓ ફટકારી છે.

મુંબઈમાં સ્ટેશન પરિસરમાંથી ફેરિયાઓને ‘મનસે’ સ્ટાઈલમાં હટાવવાનું શરૂ

મુંબઈ – એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર નાસભાગની દુર્ઘટનામાં 23 જણનાં મરણ નિપજ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેવા પાર્ટીએ મુંબઈમાં રેલવે પરિસરમાંથી એટલે કે રેલવે સ્ટેશનથી 150 મીટરના વિસ્તારની આસપાસમાંથી ફેરિયાઓને દૂર કરવા રેલવે વહીવટીતંત્રને 15-દિવસની મહેતલ આપી હતી. પક્ષના વડા રાજ ઠાકરેએ ‘સંતાપ મોરચો’ કાઢીને રેલવે તંત્રને ખુલ્લી ધમકી આપી હતી કે 15 દિવસ બાદ જે ફેરિયાઓ હટ્યા નહીં હોય એમને મનસેની સ્ટાઈલમાં હટાવવામાં આવશે.

એ 15 દિવસની મહેતલ પૂરી થઈ ગયા બાદ મનસેના કાર્યકર્તાઓએ કાયદો હાથમાં લઈને ફેરિયાઓને હટાવવાનું આંદોલન શરૂ કરી દીધું છે. મુંબઈના ઉપનગરો ઉપરાંત પડોશના થાણે અને પાલઘર જિલ્લાના વિસ્તારોમાં મનસે કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશન નજીક બેસતા ફેરિયાઓને બળપૂર્વક હટાવવાનું શરૂ કરી દીધું છે. આજે સાંતાક્રૂઝ (પૂર્વ)માં મનસે કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશનની બાજુમાં બેસતા ફેરિયાઓને બળપૂર્વક હટાવ્યા હતા. તેમણે ફેરિયાઓનો સામાન ફગાવી દીધો હતો.

દરમિયાન, મુંબઈની પડોશના થાણે જિલ્લાના કલ્યાણ અને ડોંબિવલી ઉપરાંત પાલઘર જિલ્લાના વસઈમાં ફેરિયાઓ હટાવ ઝુંબેશ શરૂ કરવા બદલ સ્થાનિક પોલીસે મનસેના કાર્યકર્તાઓ સામે ગુનો નોંધ્યો છે.

કલ્યાણ અને ડોંબિવલીમાં ગઈ કાલે શનિવારે ફેરિયાઓનો સામાન ફેંકી દઈ, તોડફોડ કરવા બદલ મનસેના ટોચના સ્થાનિક પદાધિકારીઓ સહિત 25-30 કાર્યકર્તાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આમાં, મનસેના કલ્યાણ એકમના પ્રમુખ કૌસ્તુભ દેસાઈનો પણ સમાવેશ થાય છે. ડોંબિવલીમાં મનસેના શહેર એકમના વડા મનોજ ઘરત સહિત 8-10 કાર્યકર્તાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

આવી જ કાર્યવાહી વસઈ પોલીસે કરી છે. ત્યાં પણ રેલવે સ્ટેશન પરિસરમાં બેસતા ફેરિયાઓને મનસેના કાર્યકર્તાઓએ બળપૂર્વક હટાવ્યા હતા.

રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે માલ વેચનારાઓને દંડની રકમ બમણી

BMC કમિશનર અજય મહેતા અને રાજ ઠાકરે

દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદેસર ફેરિયાઓના વધી ગયેલા ત્રાસ ઓછો કરવા માટે દંડની રકમ ડબલ કરી દીધી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ સાડા પાંચ વર્ષ બાદ આ દંડની રકમ વધારી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર રણજીત ઢાકનેનું કહેવું છે કે દંડની રકમ ડબલ થવાથી શહેરમાં ગેરકાયદેસર ફેરિયાઓની સંખ્યા ઘટશે એવી અમને આશા છે.

બીએમસી કમિશનર અજય મહેતાએ દંડની રકમના નવા દરને મંજૂર કર્યા છે અને 18 ઓક્ટોબરથી તે અમલમાં આવી ગયા છે.

ભારતીય હોકી ટીમ બની એશિયા કપ ચેમ્પિયન

ઢાકા – ભારતના સિનિયર પુરુષોની હોકી ટીમે આજે અહીં રમાયેલી ફાઈનલ મેચમાં મલેશિયાને ૨-૧થી હરાવીને એશિયા કપ હોકી સ્પર્ધા જીતી લીધી છે.

આમ, ભારતીય ટીમ સમગ્ર સ્પર્ધામાં પરાજયવિહોણી રહી છે.

રાઉન્ડ રોબીન લીગમાં મલેશિયાને હરાવી ચૂકી હોવાથી ભારતીય ટીમ આજની ફાઈનલ જીતીને ટ્રોફી હાંસલ કરવા માટે પહેલેથી જ ફેવરિટ હતી.

ભારત બે ગોલ કરનાર ખેલાડી છે – રમનદીપ સિંહ અને લલિત ઉપાધ્યાય. રમનદીપે ત્રીજી મિનિટે ગોલ કર્યો હતો જ્યારે ઉપાધ્યાયે ૨૯મી મિનિટે ટીમનો બીજો ગોલ કર્યો હતો. મલેશિયાનો એકમાત્ર ગોલ ૫૦મી મિનિટે શરીલ સાબાહે કર્યો હતો.

ભારતે આ ત્રીજી વાર એશિયા કપ હોકી સ્પર્ધા જીતી છે.

ભારતના ગોલકીપર આકાશ ચિકટેને સ્પર્ધાનો બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ આવ્યો છે.

httpss://twitter.com/TheHockeyIndia/status/922084394462072832

ભારતનો ગોલકીપર આકાશ ચિકટે – સ્પર્ધાનો બેસ્ટ ગોલી ઘોષિત

ભારતના સિનિયર પુરુષોની હોકી ટીમે ઢાકામાં 22 ઓક્ટોબર, રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં મલેશિયાને 2-1 ગોલના તફાવતથી હરાવીને એશિયા કપ હોકી સ્પર્ધામાં વિજેતા ટ્રોફી જીતી લીધી છે. ભારતીય ટીમે આ ત્રીજી વાર એશિયાઈ વિજેતાપદ હાંસલ કર્યું છે. ભારતે આ પહેલાં 2003 અને 2007માં આ ટ્રોફી જીતી હતી. ભારતની આજની જીત રમનદીપ સિંહ (ત્રીજી મિનિટ) અને લલિત ઉપાધ્યાય (29મી મિનિટ)ના ગોલને આભારી છે. મલેશિયાનો એકમાત્ર ગોલ 50મી મિનિટે થયો હતો.

કોહલીની ૩૧મી સદી, પણ ભારત હાર્યું…

ભારતનો કેપ્ટન વિરાટ કોહલી ૨૨ ઓક્ટોબર, રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ન્યૂ ઝીલેન્ડ સામેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતના દાવમાં છવાઈ ગયો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ કોહલીએ કિવી બોલરોની ધુલાઈ કરી હતી અને ૧૨૧ રન ફટકાર્યા હતા. કોહલીની કારકિર્દીની આ ૨૦૦મી મેચ હતી અને એમાં તેણે ૩૧મી સદી ફટકારી હતી. એણે ૧૧૧ બોલમાં સદી પૂરી કરી હતી. એના ૧૨૧ રનમાં ૯ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે ભારત આ મેચમાં હારમાંથી બચી શક્યું નહીં અને ન્યૂ ઝીલેન્ડ 6-વિકેટથી મેચ જીતી ગયું. ભારતના 280 રનના જવાબમાં ન્યૂ ઝીલેન્ડે રોસ ટેલરના 95 રન અને વિકેટકીપર ટોમ લેધમના અણનમ 103 રન અને બંને વચ્ચે 200 રનની ભાગીદારીની મદદથી 49 ઓવરમાં 4 વિકેટે 284 રન કરીને મેચ જીતી લીધી હતી. ભારત અને ન્યૂ ઝીલેન્ડની ટીમ કુલ ૩ વન-ડે મેચોની સિરીઝ રમશે. બીજી મેચ ૨૫ ઓક્ટોબરે પુણેમાં રમાશે.

ન્યૂ ઝીલેન્ડનો વિકેટકીપર ટોમ લેધમ 103 રન કરીને નોટઆઉટ રહ્યો

ટોમ લેધમ, રોસ ટેલરની જોડીએ 200 રનની ભાગીદારી કરી

ટોમ લેધમ – સદી પૂરી કર્યા બાદ અભિવાદન ઝીલી રહ્યો છે