મુંબઈમાં સ્ટેશન પરિસરમાંથી ફેરિયાઓને ‘મનસે’ સ્ટાઈલમાં હટાવવાનું શરૂ

મુંબઈ – એલફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનના ફૂટઓવર બ્રિજ પર નાસભાગની દુર્ઘટનામાં 23 જણનાં મરણ નિપજ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેવા પાર્ટીએ મુંબઈમાં રેલવે પરિસરમાંથી એટલે કે રેલવે સ્ટેશનથી 150 મીટરના વિસ્તારની આસપાસમાંથી ફેરિયાઓને દૂર કરવા રેલવે વહીવટીતંત્રને 15-દિવસની મહેતલ આપી હતી. પક્ષના વડા રાજ ઠાકરેએ ‘સંતાપ મોરચો’ કાઢીને રેલવે તંત્રને ખુલ્લી ધમકી આપી હતી કે 15 દિવસ બાદ જે ફેરિયાઓ હટ્યા નહીં હોય એમને મનસેની સ્ટાઈલમાં હટાવવામાં આવશે.

એ 15 દિવસની મહેતલ પૂરી થઈ ગયા બાદ મનસેના કાર્યકર્તાઓએ કાયદો હાથમાં લઈને ફેરિયાઓને હટાવવાનું આંદોલન શરૂ કરી દીધું છે. મુંબઈના ઉપનગરો ઉપરાંત પડોશના થાણે અને પાલઘર જિલ્લાના વિસ્તારોમાં મનસે કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશન નજીક બેસતા ફેરિયાઓને બળપૂર્વક હટાવવાનું શરૂ કરી દીધું છે. આજે સાંતાક્રૂઝ (પૂર્વ)માં મનસે કાર્યકર્તાઓએ રેલવે સ્ટેશનની બાજુમાં બેસતા ફેરિયાઓને બળપૂર્વક હટાવ્યા હતા. તેમણે ફેરિયાઓનો સામાન ફગાવી દીધો હતો.

દરમિયાન, મુંબઈની પડોશના થાણે જિલ્લાના કલ્યાણ અને ડોંબિવલી ઉપરાંત પાલઘર જિલ્લાના વસઈમાં ફેરિયાઓ હટાવ ઝુંબેશ શરૂ કરવા બદલ સ્થાનિક પોલીસે મનસેના કાર્યકર્તાઓ સામે ગુનો નોંધ્યો છે.

કલ્યાણ અને ડોંબિવલીમાં ગઈ કાલે શનિવારે ફેરિયાઓનો સામાન ફેંકી દઈ, તોડફોડ કરવા બદલ મનસેના ટોચના સ્થાનિક પદાધિકારીઓ સહિત 25-30 કાર્યકર્તાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આમાં, મનસેના કલ્યાણ એકમના પ્રમુખ કૌસ્તુભ દેસાઈનો પણ સમાવેશ થાય છે. ડોંબિવલીમાં મનસેના શહેર એકમના વડા મનોજ ઘરત સહિત 8-10 કાર્યકર્તાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

આવી જ કાર્યવાહી વસઈ પોલીસે કરી છે. ત્યાં પણ રેલવે સ્ટેશન પરિસરમાં બેસતા ફેરિયાઓને મનસેના કાર્યકર્તાઓએ બળપૂર્વક હટાવ્યા હતા.

રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે માલ વેચનારાઓને દંડની રકમ બમણી

BMC કમિશનર અજય મહેતા અને રાજ ઠાકરે

દરમિયાન, મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદેસર ફેરિયાઓના વધી ગયેલા ત્રાસ ઓછો કરવા માટે દંડની રકમ ડબલ કરી દીધી છે.

મુંબઈ મહાનગરપાલિકાએ સાડા પાંચ વર્ષ બાદ આ દંડની રકમ વધારી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર રણજીત ઢાકનેનું કહેવું છે કે દંડની રકમ ડબલ થવાથી શહેરમાં ગેરકાયદેસર ફેરિયાઓની સંખ્યા ઘટશે એવી અમને આશા છે.

બીએમસી કમિશનર અજય મહેતાએ દંડની રકમના નવા દરને મંજૂર કર્યા છે અને 18 ઓક્ટોબરથી તે અમલમાં આવી ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]