અમદાવાદ – એક અજબના સ્ટિંગ ઓપરેશનમાં, ઉત્તર ગુજરાતના પટેલ અનામત આંદોલનના નેતા નરેન્દ્ર પટેલે એવો આરોપ મૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટી પોતાને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પટેલે પોતાના દાવાના ટેકામાં ગઈ કાલે પત્રકાર પરિષદ બોલાવીને પત્રકારો સમક્ષ એ કરન્સી નોટો પણ રજૂ કરી હતી જે એમના કહેવા મુજબ ભાજપ તરફથી સોદાના ભાગરૂપે એમને ગઈ કાલે આપવામાં આવી છે.
નરેન્દ્ર પટેલે મીડિયાની સામે ૧૦ લાખ રૂપિયા રજૂ કર્યા હતા અને કહ્યું કે, બાકીના ૯૦ લાખ પોતાને આજે સોમવારે ડિલીવર કરાશે.
નરેન્દ્ર પટેલે એવો દાવો પણ કર્યો હતો કે હાલમાં જ ભાજપમાં જોડાયેલા અન્ય પાટીદાર નેતા વરુણ પટેલે ભાજપ સાથે પોતાનો આ સોદો કરાવ્યો હતો.
બીજી બાજુ, વરુણ પટેલે નરેન્દ્ર પટેલના આરોપને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે મેં કોઈ લાંચ-રુશ્વતની ઓફર કરી નથી.
વરુણ પટેલ ભાજપમાં જોડાયાના અમુક કલાકો બાદ જ નરેન્દ્ર પટેલે આ આરોપ કરીને સનસનાટી મચાવી દીધી હતી. એમના આરોપને પગલે ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમી આવી ગઈ છે. ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.
આ જ નરેન્દ્ર પટેલે ગયા મહિને ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં પાટીદાર આંદોલનકારી નેતા હાર્દિક પટેલ તથા અન્ય ત્રણ સમર્થકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પણ બાદમાં એ પાછી ખેંચી લીધી હતી. નરેન્દ્ર પટેલે ગઈ કાલે રવિવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગયા શનિવારે સાંજે ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા વરુણ પટેલ મને રવિવારે ભાજપના ગુજરાત એકમના પ્રમુખ જિતુ વાઘાણી તથા અન્ય નેતાઓ પાસે લઈ ગયા હતા.
‘વરુણ મને ભાજપના કાર્યાલય શ્રી કમલમ ખાતે લઈ ગયો હતો અને જિતુ વાઘાણી તથા અમુક રાજ્ય પ્રધાનો સાથે મારી ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ એ મને એક રૂમમાં લઈ ગયો હતો અને રૂ. ૧૦ લાખ ભરેલી એક બેગ આપી હતી. એણે મને કહ્યું હતું કે આ રૂપિયા એક ટોકન તરીકે છે, અને બાકીના ૯૦ લાખ રૂપિયા વચન અપાયા મુજબ, સોમવારે પક્ષના એક સમારંભ બાદ મને ચૂકવી દેવામાં આવશે. મને એ સમારંભમાં ખાસ હાજર રહેવા જણાવાયું હતું.’