ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત નિકટ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની જનતાને નવા વર્ષ ૨૦૭૪ના આરંભે જ એક મોટો લાભ કરાવી આપ્યો છે. એમણે ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્ર (ઘોઘા-ભાનગર જિલ્લા)ને દક્ષિણ ગુજરાત (દહેજ-ભરૂચ જિલ્લા) સાથે જોડતી ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવાનું આજે લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ આજે બપોરે ગુજરાતના બંદર શહેર ભાવનગરના ઘોઘા સ્થિત રો-રો ટર્મિનલ ખાતેથી રો-રો ફેરી સેવાનો શુભારંભ કરાવ્યો હતો. જનતા માટે સેવા ૨૪મીથી શરૂ થશે. આને તમે લાભ પાંચમના લાભ તરીકે ગણાવી શકો.

‘રો-રો’ એટલે ‘રોલ-ઓન/રોલ-ઓફ્ફ’ સેવા

આ વિશિષ્ય સેવામાં, વિશાળ દરિયાઈ જહાજ પ્રવાસીઓ ઉપરાંત તમામ પ્રકારના પૈડાંવાળા કાર્ગો વાહનો (કાર, ટ્રક, ટ્રેઈલર્સ વગેરેનું)નું પણ વહન કરે છે. ઘોઘા-દહેજ રો-રો સેવા માત્ર ગુજરાતની જ નહીં, પણ સમગ્ર ભારત ઉપરાંત દક્ષિણ એશિયા વિસ્તારમાં પહેલા જ પ્રકારની રો-રો બોટ સેવા છે.

આ બોટ સેવાનું જહાજ આશરે ૭૦ જેટલા હેવી મૂવિંગ વેહિકલ્સ અને ૧૦૦ જેટલા લાઈટ વેઈટ મોટર વેહિકલ્સ તેમજ ૫૦૦ જેટલા પ્રવાસીઓને એક સાથે લઈ જઈ શકશે.

ઘોઘા અને દહેજ વચ્ચેની આ વર્લ્ડ ક્લાસ ફેરી સર્વિસ શરૂ થવાથી રોડ પ્રવાસ દ્વારા જે ૩૬૦ કિ.મી.નું અંતર છે તે હવે દરિયા માર્ગે માત્ર ૩૧ કિ.મી. જેટલું થઈ જશે. આમ, લોકોનો ખૂબ સમય અને બળતણ બચશે, તેમજ પ્રદૂષણ પણ ઘટશે.

સૌરાષ્ટ્રના લોકોને દક્ષિણ ગુજરાતમાં જવાનું હવે સાવ સહેલું થઈ જશે. દહેજ-ઘોઘા રો-રો ફેરી પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. અનેક વર્ષોથી આ સેવા શરૂ થવાની રાહ જોવાતી હતી. જે દિવસ અંતે આજે આવી પહોંચ્યો છે. આ ફેરી સર્વિસ સાથે ગુજરાતમાં જળ વિકાસનો એક નવો ઈતિહાસ લખાશે.

અંદાજે રૂ. ૬૧૫ કરોડનો પ્રોજેક્ટ

આ રૂ. ૬૧૫ કરોડના પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે ગુજરાત મેરિટાઈમ બોર્ડે.

ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચીફ એક્ઝિક્યૂટિવ અજય ભાદુના જણાવ્યા મુજબ, આ રો-રો પ્રોજેક્ટના પહેલા તબક્કામાં પ્રવાસીઓને સફર કરાવવામાં આવશે અને બીજો તબક્કો, જે બે મહિનામાં તૈયાર કરી દેવાશે, તેમાં મોટરકાર સહિતના વાહનોનું વહન શરૂ કરવામાં આવશે.

ખંભાતના અખાતમાં શરૂ કરવામાં આવેલી આ ફેરી સર્વિસથી ભાવનગર-ઘોઘા અને ભરૂચ-દહેજ વચ્ચે લોકોનો પ્રવાસ ટાઈમ અધધધ રીતે બચી જશે.

ઘોઘા અને દહેજ વચ્ચે રોડ માર્ગે ટ્રક અને બસ દ્વારા હાલ લગભગ ૧૦-૧૨ કલાક અને કાર દ્વારા ૬-૮ કલાકનો સમય લાગે છે. પણ ફેરી સર્વિસ શરૂ થવાથી એ પ્રવાસ આશરે ૬૦ મિનિટમાં જ પૂરો કરી શકાશે.

ભરૂચ જિલ્લાનું દહેજ ખંભાતના અખાતમાં પૂર્વ બાજુએ આવેલું છે જ્યારે એની વિરુદ્ધ દિશામાં એટલે કે અખાતના પશ્ચિમ કાંઠે ઘોઘા આવેલું છે.

ઘોઘા નગર ભાવનગર શહેરથી લગભગ ૨૦ કિ.મી. દૂર આવેલું છે. ભાવનગર એ ગુજરાતનું મહત્વનું વ્યાપારી કેન્દ્ર ગણાય છે. તેથી ઘોઘા જેટલું જ દહેજ પણ મહત્વ ધરાવે છે. દહેજ રેલવે લાઈન વડે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેર ભરૂચ સાથે જોડાયેલું છે.

આ પ્રોજેક્ટનો આઈડિયા છેક ૧૯૬૦ના દાયકામાં રજૂ કરાયો હતો. પ્રોજેક્ટનો શિલાન્યાસ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ૨૦૧૨માં કર્યો હતો.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે, ઈચ્છાશક્તિના અભાવે કોંગ્રેસની સરકાર આ પ્રોજેક્ટને આગળ ન ધપાવી શકી નહોતી, પણ ગુજરાત અને કેન્દ્રમાં મોદીની ભાજપ સરકારે એ પૂર્ણ કર્યો છે અને આજે લોકાર્પણ પણ કર્યું છે.

રો-રો પ્રોજેક્ટ અન્ય રાજ્યો માટે મોડેલ પ્રોજેક્ટ બનશેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન-લોકાર્પણ પ્રસંગે કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અનેક પડકારો બાદ શરૂ કરાયેલો ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા પ્રોજેક્ટ દેશના અન્ય રાજ્યો માટે મોડેલ પ્રોજેક્ટ તરીકે કામ કરશે. હું જ્યારે ગુજરાતનો મુખ્યપ્રધાન હતો ત્યારે અમે જૂની નીતિઓ બદલી હતી અને ઘોઘા-દહેજ રો-રો ફેરી સેવા માટે ટર્મિનલ બાંધવાનું કામ ખાનગી લોકોને માથે નાખવાને બદલે પોતે જ બાંધવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું હતું. રો-રો ફેરી સેવાની વાતો હું મારાં સ્કૂલના દિવસોથી સાંભળતો હતો, ઘણી સરકારો બદલાઈ ગઈ, પણ સેવા શરૂ કરાઈ નહોતી. અંતે હવે આ ઘોઘા-દહેજ ફેરી સેવા શરૂ થવાથી લોકોનો ઘણો સમય બચશે, દેશનું ઘણું ઈંધણ બચશે.

ફેરી સર્વિસના ઉદઘાટન બાદ વડાપ્રધાને ભાવનગરના દિવ્યાંગ બાળકોની સાથે ફેરીમાં સફર કરી હતી. ખાસ મહેમાનો એવા આ બાળકોને ઘોઘાથી બોટમાં સફર કરાવીને દહેજ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં વડાપ્રધાન મોદી ઉતરી ગયા હતા અને બાળકોને એ જ બોટમાં પાછા ઘોઘા લઈ જવામાં આવ્યા હતા.

વડાપ્રધાને ગયા શુક્રવારે બેસતા વર્ષના દિવસે જ એમના આ ડ્રીમ પ્રોજેક્ટની જાણકારીની ઝલક આપતો એક વિડિયો શેર કર્યો હતો. (જુઓ વિડિયો)

httpss://twitter.com/narendramodi/status/921707305913200640

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ વિશે કરેલા ટ્વિટ્સ…

httpss://twitter.com/narendramodi/status/921931862859280384

httpss://twitter.com/narendramodi/status/921931661348081664

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]