જીએસટી દરના માળખાને સંપૂર્ણપણે ઠીકઠાક કરવાની જરૂર છેઃ હસમુખ અઢિયા

નવી દિલ્હી – કેન્દ્રના રેવેન્યૂ વિભાગના સચિવ ડો. હસમુખ અઢિયાનું કહેવું છે કે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કર વ્યવસ્થા હવે સુદ્રઢ થઈ ગઈ છે ત્યારે કરવેરાના દરના માળખામાં ફેરફારો કરીને એને સંપૂર્ણ ઠીકઠાક કરવાની જરૂર છે, જેથી નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો પરનો બોજો ઘટી શકે.

એક મુલાકાતમાં, અઢિયાએ કહ્યું કે જીએસટી દરના માળખાને એકદમ સ્થિરતા પ્રાપ્ત થતાં એકાદ વર્ષ લાગશે.

જીએસટી કર વ્યવસ્થા એ આબકારી જકાત (એક્સાઈઝ ટેક્સ), સર્વિસ ટેક્સ અને વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) સહિત ડઝનથી વધુ કેન્દ્રીય અને રાજ્ય સ્તરના વેરાઓનું સમૂહ છે.

પરોક્ષ વેરાઓ માટેની જીએસટી કર વ્યવસ્થાને અમલમાં મૂકાયાને લગભગ ચાર મહિના થયા છે, પણ એના અમલને પગલે અમુક સમસ્યાઓ ધ્યાનમાં આવી છે. આ કર વ્યવસ્થા અંગે નિર્ણયો લેનાર સંસ્થા – જીએસટી કાઉન્સિલ તેની પર ધ્યાન આપી રહી છે.

મધ્યમ તથા નાના કદના ઉદ્યોજકોને કરવેરા ચૂકવવામાં તથા જીએસટી રીટર્ન્સ ફાઈલ કરવામાં પડી રહેલી મુશ્કેલી હળવી કરી વ્યવસ્થાને ઉદ્યોગ-લક્ષી બનાવવાના પ્રયાસો ચાલુ છે. એ માટે જીએસટી કાઉન્સિલે ૧૦૦થી વધારે ચીજવસ્તુઓના દરને ઘટાડ્યા છે તેમજ નિકાસકારો માટે રીફંડ પ્રક્રિયાને વધારે સરળ બનાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]