Home Blog Page 4924

મુંબઈમાં લોકલ ટ્રેન સેવા બંધ નહીં કરાય; CM ઠાકરેની જાહેરાત

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે મુંબઈમાં એક વરિષ્ઠ નાગરિકનું મૃત્યુ થતાં અને આ રોગચાળાના ફેલાવાને રોકવા માટે મુંબઈમાં લોકલ ટ્રેન સેવા, મેટ્રો ટ્રેન, મોનોરેલ સેવા તથા બસ સેવાને 7 દિવસ માટે બંધ રાખવી કે નહીં એ વિશેના પ્રસ્તાવ પર આજે મહારાષ્ટ્ર સરકારે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. જોકે મહાનગરપાલિકાના કમિશનર પ્રવીણ પરદેસીએ ટ્રેન-બસ સેવા બંધ કરાય એની સામે વિરોધ કર્યા બાદ સેવાઓ બંધ ન કરવાનો સરકારે નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સમક્ષ બાદમાં સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.

કોરોના વાઈરસનો ફેલાવો ત્રીજા તબક્કામાં પહોંચ્યો છે. આ તબક્કો ખૂબ જ કટોકટીભર્યો હોવાથી એ વખતે ખાસ સંભાળ રાખવી જરૂરી છે એવું તબીબી નિષ્ણાતોએ જણાવ્યું છે.

જ્યાં લોકોની મોટા પાયે ગીરદી થતી હોય એવા સ્થળોએ કોરોના વાઈરસ ફેલાવાની સંભાવના વધારે હોવાથી લોકલ ટ્રેન સેવા અને બસ સેવા બંધ કરી દેવામાં આવે તો રેલવે સ્ટેશનો તથા બસ મથકો ખાલી રહે અને લોકો પોતપોતાના ઘરમાં જ રહે અને રોગચાળો ફેલાય નહીં, એવો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ સહિત રાજ્યના શહેરોમાં શાળા-કોલેજો, યુનિવર્સિટી કેમ્પસ, શોપિંગ સેન્ટરો, શોપિંગ મોલ્સ, થિયેટરો, સ્વિમિંગ પૂલ, મોટા મંદિરોને બંધ કરાવી દીધા છે. મોટી સભાઓ અને બેઠકો યોજવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો હાલ બીજો તબક્કો ચાલુ છે. ત્રીજો તબક્કો પંદરેક દિવસનો હશે અને એમાં જ ભારતવાસીઓએ ખાસ સંભાળવાનું છે. આ તબક્કા દરમિયાન લોકો મોટી સભાઓમાં એકત્ર ન થાય એટલા માટે મુંબઈને લોકડાઉન કરી દેવું કે નહીં એ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર, રાજ્ય સરકાર, પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઠાકરેએ એમ પણ કહ્યું કે લોકલ ટ્રેન અને બસ સેવા અતિ આવશ્યક સેવાઓમાં ગણાય છે તેથી એને બંધ કરી શકાય નહીં. પરંતુ જો લોકો શિસ્ત નહીં પાળે અને કારણ વગર પ્રવાસ ન કરવાની અપીલની અવગણના કરીને ટ્રેનો અને બસમાં ગીરદી કરતા રહેશે તો અમારે આ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવો પડશે.

મહારાષ્ટ્રના અલ્પસંખ્યક લોકોના વિકાસ ખાતાના પ્રધાન અને એનસીપી પાર્ટીના નેતા નવાબ મલિકે પણ કહ્યું કે મુંબઈમાં લોકલ ટ્રેન અને બસ સેવા બંધ કરવામાં આવનાર નથી.

દરમિયાન, વધુ બે દર્દીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં મહારાષ્ટ્રમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા વધીને 40 થઈ છે.

મુંબઈમાં ઈસ્કોન સંસ્થાનું શ્રીકૃષ્ણ મંદિર પણ આજથી 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

મુંબઈમાં પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર તથા યાત્રાધામ શિર્ડી ખાતેનું સાઈબાબા મંદિર પણ આજથી બંધ કરી દેવામાં આવ્યું છે.

કોરોના વાઈરસને કારણે મધ્ય રેલવેએ મુંબઈ, પુણે, નાગપુર જતી લાંબા અંતરની 22 ટ્રેનોને 17થી 31 માર્ચ સુધી રદ કરી દીધી છે.

મુંબઈના સ્ટેશનો પર વેઈટિંગ રૂમ્સ પણ બંધ રાખવામાં આવશે.

કોરોનાને લઈને તમામ રાજ્યો એલર્ટઃ આ છે મુખ્ય વાતો…

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ચેપના નવા કેસો ઘણા રાજ્યોમાં સામે આવ્યા બાદ દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 114 પર પહોંચી ગઈ છે. આને ધ્યાને રાખતા ઓડિશા સહિત ઘણા રાજ્યોએ નવી રીતે પ્રતિબંધો લગાવ્યા છે અને 18 માર્ચથી યૂરોપીય સંઘ અને બ્રિટનથી આવનારા યાત્રીઓનો પ્રવેશ અટકાવી દીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ અને કેરળમાં કોરોના વાયરસના ચેપના નવા મામલાઓ સામે આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ જણાવ્યું કે ચાર વધારે દર્દીઓને કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઈ છે અને આની સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 37 પર પહોંચી ગઈ છે.

  1. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના 15 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોના વાયરસથી 135 દેશોના 1,53,517 લોકો પીડિત છે અને 6000 થી વધારે લોકોના મોત થયા છે.
  2. મંત્રાલય અનુસાર, ચાર નવા મામલાની સાથે ઓડિશામાં એક, લદ્દાખમાં ચાર અને જમ્મૂ-કાશ્મીરમાં ત્રણ લોકોની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખતા સરકારે મંત્રીઓની એક બેઠક બાદ સામાજિક અંતર જેવા ઉપાયોને 31 માર્ચ સુધી લાગુ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
  3. કેરળના અધિકારીઓએ રાજ્યમાં 24 મામલાઓ હોવાની જાણકારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા નવા કેસોને આંકડામાં જોડ્યા નથી. એક બ્રિટિશ સહિત બે લોકોને કેરળમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે.
  4. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, યૂરોપીય સંઘ, યૂરોપીય મુક્ત વ્યાપાર પરિસંઘ, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રીઓના ભારતમાં આવવા પર રોક 18 માર્ચથી લાગુ થશે.
  5. ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ ભારતે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજનૈતિક અને રોજગાર શ્રેણીને છોડીને તમામ પ્રકારના વિધા રદ્દ કર્યા હતા. અગ્રવાલે જણાવ્યું કે, મંત્રી સમૂહની સાતમી બેઠક થઈ અને કોરોના વાયરસના ચેપને રોકવા માટે જરુરી પગલા તરીકે સામાજિક અંતરના ઉપાયો લાગુ કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
  6. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત સંરક્ષિત સ્મારક અને આખા દેશમાં કેન્દ્રીય સંગ્રહાલય 31 માર્ચ સુધી બંધ રહેશે. અગ્રવાલે કહ્યું કે, વિદ્યાર્થીઓને ઘરમાં જ રહેવું જોઈએ અને ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે, બીન જરુરી યાત્રાઓથી દૂર રહેવું જોઈએ. બસ, રેલવે, અને વિમાન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી દૂર રહેવું જોઈએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે, ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની મોટી મહેનત અને યોગદાનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે એકજુટ થઈને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકો સ્વસ્થ રહે, એ સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર નહી છોડવામાં આવે.
  7. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યા છે. રાજ્ય પ્રશાસને કેટલાક પ્રમુખ ધાર્મિક અને પર્યટક સ્થળોને અત્યારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓરંગાબાદ સ્થિત વિશ્વ પ્રતિદ્ધ અજંતા અને ઈલોરાની ગુફાઓ, મુંબઈ પ્રસિધ્ધ સિદ્ધિવિનાયક મંદીર અને ઉસ્માનાબાદ જિલ્લામાં સ્થિત તુળજા ભવાની મંદીર બંધ રહેશે.
  8. મહારાષ્ટ્રના જન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, દક્ષિણ મુંબઈ સ્થિત રાજ્યના સચિવાલય મંત્રાલયમાં પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કે જ્યાં રોજ હજારો લોકો આવે છે.
  9. ઓડિશાના મામલાની જાણકારી આપતા ભુવનેશ્વરમાં અધિકારીએ જણાવ્યું કે, એક વ્યક્તિ કે જેને કોરોના પોઝિટિવ આવ્યો છે તે સંશોધક છે અને તાજેતરમાં જ ઈટલીથી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે 33 વર્ષીય દર્દી 6 માર્ચના રોજ દિલ્હીથી આવ્યો હતો અને 12 માર્ચના રોજ ટ્રેનથી ભુવનેશ્વર પહોંચ્યો હતો. કોરોના વાયરસના મામલાઓ પર રાજ્ય સરકારના પ્રમુખ પ્રવક્તા સુબ્રતો બાગચીએ મીડિયાને જણાવ્યું કે દર્દીને ભુવનેશ્વર સ્થિત કેપિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
  10. દેશભરમાં હજારા વિદ્યાર્થીઓને પોતાના ઘર સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે અને કર્મચારીઓ પણ ઘરેથઈ કામ કરી રહ્યા છે, કારણ કે તંત્રએ ફ્લૂ જેવા લક્ષણોને ફેલાતા રોકવા માટે ઈમરજન્સી યોજના લાગૂ કરી છે. ઘણા રાજ્યોમાં જીમ, થીયેટર્સ, સ્વિમિંગપુલ અને અન્ય સાર્વજનિક સ્થાનોને બંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પટણી ટોપ રિસોર્ટને પણ 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  11. ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ડોક્ટરોની રજા રદ્દ કરી દેવામાં આવી છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાને રાખતા રાષ્ટ્રીય રાજધાનીમાં 31 માર્ચ સુધી 50 થી વધારે લોકોની ઉપસ્થિતિ વાળા ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજનૈતિક બેઠકો કરવાની મંજૂરી નહી હોય.
  12. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે, ન તો વિદેશી અને ન તો સ્થાનિક પર્યટકોને રાજ્યમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ તેમણે 15 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.
  13. સુપ્રીમ કોર્ટે દેશભરની જેલોની નોંધ લીધી. કોર્ટમાં વકીલો, અને અન્ય થર્મલની તપાસ કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની પીઠે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જેલ ડિરેક્ટર જનરલ અને મુખ્ય સચિવોને નોટિસ જાહેર કરી છે. કોર્ટ આ તમામને 20 માર્ચ સુધી એ જણાવવાનો નિર્દેશ આપ્યો છે કે કોરોના વાયરસને અટકાવવા માટે કયા પગલા ભરવામાં આવી રહ્યા છે.
  14. વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી પ્રભાવિત ઈરાનથી 53 લોકોને એર ઈન્ડિયાનું એક વિમાન દિલ્હી લાવ્યું હતું. યાત્રીઓને રાજસ્થાનના જેસલમેર મોકલી દેવામાં આવ્યા કે જ્યાં તેમને સેના દ્વારા તૈયાર કરાયેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
  15. કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશોમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે કે જ્યાં 700 છી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે અને આશરે 14 હજાર લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ તેમજ ચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સામૂહિક સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવા માટે પોલીસે 79 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ લોકો એક રિયાલીટી કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોનું સ્વાગત કરવા માટે ભેગા થયા હતા.
  16. પંજાબ સરકારે રિટાયર થઈ રહેલા સરકારી ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોનાને લઈને 30 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે બેરોજગાર એમબીબીએસ ડોક્ટરો સાથે સંપર્ક કરીને આ સંટકને નિવારવા માટે મદદ કરવા વિનંતી કરી છે.
  17. કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા પશ્ચિમ બંગાળ વિધાનસભાએ સમય પહેલા જ બજેટ સત્ર સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા પરિસરમાં બોલાવવામાં આવેલી સર્વદલીય બેઠક બાદ વિધાનસભા અધ્યક્ષ વિમાન બેનર્જીએ કહ્યું કે, બજેટ સત્રનો બીજો ભાગ શુક્રવારના રોજ થવાનો હતો પરંતુ કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા કાર્યવાહી પહેલા જ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં સંસદીય કાર્યમંત્રી પાર્ટ ચેટર્જી અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો.
  18. કોરોના વાયરસને લઈને ઓડિશા ચૂંટણી આયોગે પંચાયતનું બાય ઈલેક્શન રદ્દ કર્યું છે. આવાસ અને શહેરી વિકાસ વિભાગે તંત્ર અને સ્થાનિક ઓફિસોને તમામ કેન્દ્રો સહિત અન્ય બિલ્ડિંગોને વિજળી અને પાણીની સુવિધાથી તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે કે જેથી તેનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવી શકે.
  19. તંત્રએ પ્રસિદ્ધ કોર્ણાર્ક સૂર્ય મંદીર અને ભુવનેશ્વરના ધૌલી સ્થિત શાંતિ સ્તૂપને બંધ કર્યા છે. પુરી સ્થિત જગન્નાથ પુરી, ભુવનેશ્વર સ્થિત શ્રી લિંગરાજ મંદિરમાં જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તંત્રએ હરીપુર દોલા ઉત્સવ, બરુની સ્નાન સહિત અન્ય ઉત્સવો પર પ્રતિબંધ લગાવ્યો છે.
  20. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 14 એપ્રીલ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. ઝારખંડ વિધાનસભામાં સોરેને કહ્યું કે, આ આદેશ 17 માર્ચથી સરકારી અને પ્રાઈવેટ શૈક્ષણિક સંસ્થાઓ સિવાય કોચિંગ સેન્ટર અને હોસ્ટેલ પર પણ લાગુ રહેશે.

શપથ લેવા દો, પછી વાત કરુંઃ રંજન ગોગોઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈ કાલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઈની રાજ્યસભામાં નિયુક્તિ કરી હતી, ત્યાર બાદ રાજકીય ગરમાટો આવી ગયો છે. પત્રકારો સાથે વાતચીત કરતાં CJI રંજન ગોગોઈએ આ મામલે કહ્યું હતું કે એક વાર શપથગ્રહણ થઈ જવા દો એ પછી વિસ્તારપૂર્વક મિડિયાથી વાતચીત કરીશ કે મેં રાજ્યસભાનું સભ્યપદ કેમ સ્વીકાર્યું.

CJI રંજન ગોગોઈ 17 નવેમ્બર, 2019એ સર્વોચ્ચ અદાલતમાંથી ચીફ જસ્ટિસના પદેથી નિવૃત્ત થયા હતા. તેઓ નિવૃત્ત થયા એ પહેલાં તેમની અધ્યક્ષતામાં બનેલી ખંડપીઠે અયોધ્યા મામલે તથા કેટલાક મહત્ત્વપૂર્ણ કેસોનો ચુકાદો આપ્યો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભામાં નિયુક્તિ કરવાને મામલે દાવો કર્યો હતો કે ગોગોઈ કોર્ટ અને પોતાની ઇમાનદારીથી સમજૂતી કરવા માટે યાદ કરવામાં આવશે. કપિલ સિબ્બલએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જસ્ટિસ એચ. આર. ખન્ના પોતાની ઇમાનદારી, સરકારની સામે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે યાદ કરવામાં આવે છે, ત્યારે ચીફ જસ્ટિસ ગોગોઈ  રાજ્યસભામાં જવા માટે સરકાર સાથે ઊભા રહ્યા હતા અને સરકાર અને ખુદની ઇમાનદારી સાથે સમજૂતી કરવા માટે યાદ કરવામાં આવશે.

 

ભીડ ઓછી કરવા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ 50 રૂપિયા

અમદાવાદ: કોરોના વાઈરસને પગલે રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે ભારતીય રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના હેઠળ કેટલાક શહેરોમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારીને 50 રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલવે ડિવિઝન અને મુંબઈના તમામ સ્ટેશનો પર પણ પ્લેટફોર્મ ટિકિટની કિંમત વધારી દેવામાં આવી છે.

ગુજરાતના જે રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો થયો છે તેમાં અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, ભુજ, મહેસાણા, વિરમગામ, મણિનગર, સામખ્યાળી, પાટણ, ઊંઝા, સિદ્ધપુર, સમરમતી (એસબીટી) અને સમરબતી (એસબીઆઇબી) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મધ્યપ્રદેશના રતલામ રેલવે ડિવિઝનના 139 સ્ટેશનો પર પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. રતલામ વિભાગ હેઠળ આવતા સ્ટેશનોમાં પ્લેટફોર્મ ટિકિટ 10 થી વધારીને 50 રૂપિયા કરવામાં આવી છે. અગાઉ પશ્ચિમ રેલ્વેના રતલામ વિભાગમાં ટ્રેનોના એર કંડિશન્ડ પેસેન્જર કોચને 25 ડિગ્રી સેલ્સિયસ પર ફિક્સ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેથી મુસાફરોને ધાબળાની જરૂર ન પડે.

મુંબઈના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

રતલામ રેલવે ડિવિઝનની અંદર આવતા સ્ટેશનોની સફાઇ કરવામાં આવી રહી છે. તો આ તરફ મુંબઇના તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધુ 39 કોરોનાના કેસ નોંધાયા છે. મંગળવારે સવારે મુંબઈમાં કોરોના સંક્રમીત એક દર્દીનું મોત નીપજ્યું હતું.

કોરોના સામે સાવચેતીઃ દિલીપ કુમારે પોતાને આઈસોલેશનમાં મૂકી દીધા

મુંબઈ : હિન્દી ફિલ્મોના પીઢ વયોવૃદ્ધ અભિનેતા દિલીપ કુમારે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને પોતાને સેલ્ફ-ક્વોરન્ટીન અને સંપૂર્ણપણે આઈસોલેશન કરી દીધા છે.

આ જાણકારી દિલીપ કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.

એમણે તેમ પણ જણાવ્યું છે કે એમના પત્ની અને પીઢ અભિનેત્રી સાયરા બાનો એમના સ્વાસ્થ્યની સંભાળ લઈ રહ્યા છે.

દિલીપ કુમારે ટ્વીટ કર્યું છે કે, કોરોના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં લઈને મેં સ્વયંને સંપૂર્ણપણે આઈસોલેશન અને સેલ્ફ-ક્વોરન્ટીન કરી દીધો છે. મને કોઈ પણ રીતે કોરોનાનો ચેપ ન લાગે એ માટે સાયરાએ કોઈ કચાશ રહેવા દીધી નથી.

દિલીપ કુમાર છેલ્લે 1998માં રૂપેરી પડદા પર જોવા મળ્યા હતા. એ વખતે તેઓ ‘કિલા’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

1994માં એમને ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બાદમાં, 2015માં એમને ‘પદ્મવિભૂષણ’ ખિતાબ આપવામાં આવ્યો હતો.

દિલીપ કુમાર ‘દેવદાસ’, ‘મુગલ-એ-આઝમ’, ‘પૈગામ’, ‘રામ ઔર શ્યામ’, ‘ક્રાંતિ’, ‘કર્મા’ જેવી ફિલ્મોમાં કરેલા અભિનય માટે જાણીતા છે. એમણે 1966માં સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. સાયરા બાનો ઉંમરમાં એમના કરતાં 20 વર્ષ નાનાં છે.

MPના મહાભારતમાં વળાંકઃ કમલનાથે ગવર્નરને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન કમલનાથ માટે રાજકીય મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. ભાજપની ફ્લોર ટેસ્ટની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશની સરકારને અને વિધાનસભાના સ્પીકરને નોટિસ ફટકારીને બુધવાર સુધીમાં જવાબ આપવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે આવતી કાલે આ મુદ્દે સુનાવણી હાથ ધરવાની છે.  જોકે એ પહેલાં મુખ્ય પ્રધાન કમલનાથે રાજ્યપાલને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં તેમણે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે સંસદીય પરંપરાઓનું પાલન નહીં કરવાની તેમની મુરાદ નહોતી. મેં મારી 40 વર્ષના રાજકીય જીવનમાં હંમેશાં સન્માન અને મર્યાદાઓનું પાલન કર્યું છે. તમારો પત્ર 16 માર્ચ, 2020એ વાંચ્યા પછી હું દુખી છું. તમે મારી ઉપર સંસદીય મર્યાદાઓનું પાલન નહીં કરવાનો આરોપ મૂક્યો છે. મારો એવો કોઈ ઇરાદો નહોતો, પણ જો તમને લાગતું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું.

તેમણે પત્રમાં કહ્યું હતું કે વિધાનભવનની કાર્યવાહી કોરોના વાઇરસને કારણે 26 માર્ચ 2020 સુધી સ્થગિત થઈ છે. આપ જાણો જ છો કેન્દ્ર સરકારે આ વિસે એક એડવાઇઝરી જારી કરી છે અને સમારોહ અને જાહેર સ્થળોએ ભીડથી બચવા નિર્દેશ આપ્યો છે. તમે પત્રમાં ખેદ વ્યક્ત કર્યો છે કે મારા દ્વારા સમયાવધિમાં વિધાનસભામાં બહુમત સિદ્ધ કરવામાં મેં આનાકાની કરી છે, પણ આપના ધ્યાને લાવવા માગું છું કે  છેલ્લા 15 મહિનાઓમાં મેં વિધાનભવનમાં ઘણી વાર મારી બહુમતી સિદ્ધ કરી છે.

ભાજપ અવિશ્વાસ લાવે

ભાજપ મારી સરકાર પાસે બહુમતી નથીનો આરોપ લગાવી રહી છે તો તે અવિશ્વાસ પ્રસ્તાવ માધ્યમથી ફ્લોર ટેસ્ટ કરાવી શકે છે. મારી જાણમાં આવ્યું છે કે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી દીધો છે, જે વિધાનસભા અધ્યક્ષ પાસે પેન્ડિંગ છે. વિધાનસભાના નિયમો અનુસાર અધ્યક્ષ એની પર કાર્યવાહી કરશે તો એ સિદ્ધ થઈ જશે કે અમારી સરકાર પાસે વિધાનસભામાં બહુમતમાં છે કે નહીં.

16 કોંગ્રેસના વિધાનસભ્યોનો સ્વતંત્ર થવા દો

તેમણે પત્રમાં કહ્યું હતું કે ભાજપે મધ્ય પ્રદેશના જે વિધાનસભ્યોને બંધી બનાવ્યા છે એ 16 વિધાનસભ્યોને સ્વતંત્ર થવા દો અને પાંચ-સાત દિવસમાં ખુલ્લા વાતાવરણમાં રહેવા દો, એ પછી તેઓ સ્વતંત્રરૂપે નિર્ણય લઈ શકે. તમે મને 17 માર્ચ, 2020એફ્લોર ટેસ્ટ કરવાનું કહો છો અને હું બહુમત સિદ્ધ ના કરું તો એમ માનવામાં આવશે કે મારી પાસે  વિધાનસભામાં બહુમત નથી, જે આધારહીન અને ગેરબંધારણીય છે.

સુપ્રીમ કોર્ટે પણ મધ્ય પ્રદેશ વિધાનસભામાં તત્કાળ શક્તિ પરીક્ષણ કરાવવાની ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની અરજી પર કમલનાથ સરકાર પાસે બુધવાર સુધીમાં જવાબ માગ્યો છે

 

આઈપીએલ: પ્રેક્ટિસ કેમ્પ રદ, ઘરે પરત ફર્યા ખેલાડીઓ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસને ધ્યાનમાં રાખતા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આ લીગની ફ્રેન્ચાઈઝીઓએ ટુર્નામેન્ટ પહેલા પોતાના કેમ્પ પણ આગામી સૂચના સુધી રદ કરી દીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સોમવારે પોતાનો પ્રેક્ટિસ કેમ્પ રદ કરી દીધો જે 21 માર્ચથી શરૂ થવાનો હતો. ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે પણ પોતાના પ્રેક્ટિસ કેમ્પ રદ કરી દીધા છે.

આરસીબીના સતાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે તમામ લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કેમ્પ આગામી સૂચના સુધી રદ કરી દેવામાં આવ્યો છે. અમે તમામ લોકોને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરીને સુરક્ષિત રહેવાની અપીલ કરીએ છીએ.

બીસીસીઆઈએ શુક્રવારે આઈપીએલ 2020નો કાર્યક્રમ કોરોના વાઈરસના કારણે 15 એપ્રિલ સુધી મુલતવી રાખ્યો છે. ભારત સરકારે પણ આ સમય સુધી વિદેશી નાગરિકોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ ઉપરાંત ત્રણ રાજ્યોએ પણ કોરોનાના કારણે આઈપીએલની મેચોના આયોજન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. આઈપીએલ આયોજકો અને ટીમના માલિકોને આશા છે કે 15 એપ્રિલ સુધી કોરોનાનો પ્રકોપ ઓછો થઈ જશે અને સ્થિતિમાં સુધારો આવશે. જેથી રાજ્ય સરકારો પણ આઈપીએલની મેચોના આયોજનની મંજૂરી આપશે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 114 કેસ સામે આવ્યા છે. જ્યારે બે વ્યક્તિના મોત નીપજ્યા છે.

હવે નેવીમાં પણ મહિલા ઓફિસરોને મળશે સ્થાયી કમિશન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા આર્મી બાદ હવે નેવીમાં પણ મહિલા ઓફિસરોને કાયમી કમિશન મળશે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચે ચુકાદામાં કહ્યું કે મહિલાઓ અને  પુરુષ અધિકારીઓમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ત્રણ મહિનામાં મહિલા અધિકારીઓને સ્થાઇ કમિશન આપવા કહ્યું છે.

2007ની એસએસસી જેએજી બેન્ચની એક મહિલા અધિકારી સ્થાઈ કમીશનને લઈને અરજી દાખલ કરી હતી. તેમાં મહિલાઓની સાથે લૈંગિક આધાર પર ભેદભાવનો દાવો કરવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને સ્થાઈ કમીશન આપવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પરમનન્ટ કમીશન આપવામાં મહિલા અધિકારીઓની શારીરિક મર્યદાનો હવાલો આપતી કેન્દ્રની અરજીને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સામાજિક અને માનસિક કારણ બતાવીને મહિલા અધિકારીઓને તકથી વંચિત કરવા માત્ર ભેદભાવપૂર્ણ નથી પરંતુ આ અસ્વીકાર્ય છે.

શું છે પરમનન્ટ કમીશન ?

સેનામાં પરમનન્ટ કમીશન મળ્યા બાદ કોઈ પણ અધિકારી રિટાયરમેન્ટ સુધી સેનામાં કામ કરી શકે છે સાથે તેને પેન્શનનો પણ લાભ મળે છે. સેનામાં અધિકારીઓની અછત પુરી કરવા માટે શોર્ટ સર્વિસ કમીશન શરૂ થયું હતું. આ અંતર્ગત પુરુષો અને મહિલાઓ બંનેની ભરતી કરવામાં આવે છે, તેમને 14 વર્ષમાં રિટાયર કરવામાં આવે છે અને તેમને પેન્શન પણ મળતું નથી. અત્યાર સુધી પરમનન્ટ કમીશન માટે નેવીમાં માત્ર પુરુષ અધિકારીઓ જ અરજી કરી શકતા હતા.

વાહ રે, રણછોડરાય તારી લીલા! ભીક્ષુકે જમાડ્યા ભૂદેવોને!

અમદાવાદઃ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં છેલ્લા 45 વર્ષથી ભીખ માંગીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનારા એક ભીખારીએ ડાકોરના 2500 જેટલા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું. એક ભીક્ષુક દ્વારા કરવામાં આવેલા આ કર્મને જોઈને લોકો અચંબિત બની ગયા હતા. આ સૂરદાસ ભીખારીનું નામ ભગવાનદાસ શંકરલાલ જોશી છે. તેઓ સવારે ચાર વાગ્યાની મંગળા આરતીની સાથે જ ડાકોર મંદીરના દરવાજા પર પહોંચી જાય છે. અલગ-અલગ પ્રકારના ભજનો ગાય છે. આ મંદીરના દરવાજા પર જ તેઓ ભીખ માંગે છે. તેઓ અહીંયાના ગોપાલપુરાના એક મકાનમાં ભાડે રહે છે. તેમણે ડાકોરના બ્રાહ્મણોને સાર્વજનિક રુપે આમંત્રિત કર્યા હતા.

જીવનના છેલ્લા પડાવ પર લગભગ પહોંચી ગયેલા ભગવાનદાસે જણાવ્યું કે હું 45 વર્ષથી ડાકોરમાં રહું છું. રણછોડ રાયના મંદીરમાં ભીખ માંગીને મેં જે ભેગુ કર્યું છે તેમનું તર્પણ તો તેમને જ કરવું પડશે.ડાકોરના બ્રાહ્મણોના ત્યાં મેં વિવિધ પ્રસંગોમાં ભોજન કર્યું છે. મેં આખી જીંદગી જે લોકોનું ખાધુ છે તેમને મારે ક્યારેક તો ખવડાવવું જોઈએ. મેં ભીક્ષા માંગીને જેકંઈ પણ એકત્ર કર્યું છે તે સમાજનું જ છે. મારે આવતા જન્મ માટે પરોપકાર કરવો જોઈએ.

આ વિચાર મનમાં આવતા જ મેં ડાકોરના ટાવર ચોકમાં બ્રાહ્મણોને આમંત્રિત કરતું એક સાર્વજનિક સૂચના બોર્ડ લગાવી દીધું હતું. મેં અહીંયાના પથિક આશ્રમની આંબાવાડીમાં ડાકોરના બ્રાહ્મણોને દાળ, ભાત, શાક અને લાડુનું જમણ કરાવ્યું. આ બ્રહ્મ ચોર્યાસીમાં ત્રિવેદી, મેવાડા, તપોધન, શ્રીગોણ, તેમજ ખોડાવાડ જેવા ચોર્યાસી જાતિના બ્રાહ્મણોના બ્રહ્મ ભોજ માટે આવે છે. એટલા માટે આને બ્રહ્મચોર્યાસી કહેવામાં આવે છે. મને સંતોષ છે કે અહીંયા આશરે 2500 બ્રાહ્મણોએ ભોજન કર્યું.

31 માર્ચ પહેલાં પતાવી લો આ કામ, નહીં તો મોટું નુકસાન થશે

નવી દિલ્હીઃ નાણા વર્ષ 31 માર્ચે પૂરું થઈ રહ્યું છે, એ પહેલાં કેટલાંક એવા મહત્ત્વપૂર્ણ કામો છે, જે પતાવી લેવા જોઈએ, કેમ કે એક એપ્રિલથી ઘણીબધી બાબતો બદલાઇ જશે અને તમારે આર્થિક નુકસાન ઉઠાવવું પડશે. દાખલા તરીકે બોન્ડ યિલ્ડમાં ત્રણ મહિનામાં આશરે 0.4 ટકાનો ઘટાડો આવ્યો હતો. આ કારણે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં કાપ મુકાવાની સંભાવના છે. ચાલો, જોઈએ 31 માર્ચ પહેલાં કયાં-કયાં કામો પતાવી લેવા જોઈએ…

નાની બચત યોજનાઓમાં રોકાણ

 

નાની બચત યોજનાઓના વ્યાજદરો એ બોન્ડ યિલ્ડને આધારે નક્કી થાય છે. બોન્ડ યિલ્ડમાં 0.4 ટકાનો ઘટાડો થયો છે, જેથી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજરમાં પણ સતત કાપ મૂકવામાં આવી રહ્યો છે. જેથી નાની બચત યોજનાઓ હજી પણ આકર્ષક છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને કિસાન વિકાસ પત્ર (KVP) પર અત્યારે ક્રમશઃ 7.9 ટકા અને 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. જોકે એપ્રિલથી એના વ્યાજદર ઘટવાની સંભાવના છે, કેમ કે સરકાર બોન્ડ યિલ્ડને આધારે પ્રત્યક ત્રિમાસિક ગાળામાં નાની બચત યોજનાઓના વ્યાજદર નક્કી કરે છે.

PANથી આધાર કાર્ડ લિન્ક કરાવો

PAN અને આધાર લિન્ક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2020 છે. જો તમે પેન નંબરને આધાર કાર્ડથી લિન્ક નથી કરાવ્યું તો રૂ. 10,000નો દંડ આપવો પડશે. પેન આધારની લિન્કિંગ બહુ સરળ છે અને તમે એને એક SMS દ્વારા પણ એને લિન્ક કરાવી શકો છો. પેન-આધાર લિન્કિંગ માટે તમે ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર પણ જઈ શકો છો.

કોરોના વાઇરસથી સુરક્ષા માટે આરોગ્ય વીમો

કોરોના વાઇરસ કે અન્ય બીમારીઓ સામે સારવારનો ખર્ચને કવર કરવા માટે તમે 31 માર્ચથી પહેલાં આરોગ્ય વીમો લઈ શકો છો. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ચુકવણી પર તમે આવકવેતાની કલમ 80 D હેઠળ ઇનકમ ટેક્સમાં  રૂ. 25,000 સુધીના કાપનો લાભ મેળવી શકો છો.

31 માર્ચ વડા પ્રધાન વય વંદનાની છેલ્લી તારીખ

વડા પ્રધાનની વય વંદના યોજના એટલે કે PMVVYની છેલ્લી તારીખ 31 માર્ચ છે. બીજી પેન્શન યોજનાઓ જે આજીવન પેન્શન આપે છે, ત્યારે PMVVY 10 વર્ષ સુધીના સમયાવધિ માટે સુનિશ્ચિત વળતર આપે છે. આ યોજના વરિષ્ઠ નાગરિકો માટે છે. જો કોઈ પેન્શનર પોલિસીની મુદત પછી જીવિત રહે તો તેને મૂળ રકમ પાછી આપવામાં આવે છે. પેન્શનરના મૃત્યુ બાદ તેના નોમિનીને પૈસા આપવામાં આવે છે.