હવે નેવીમાં પણ મહિલા ઓફિસરોને મળશે સ્થાયી કમિશન

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા આર્મી બાદ હવે નેવીમાં પણ મહિલા ઓફિસરોને કાયમી કમિશન મળશે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતા વાળી બેન્ચે ચુકાદામાં કહ્યું કે મહિલાઓ અને  પુરુષ અધિકારીઓમાં કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ત્રણ મહિનામાં મહિલા અધિકારીઓને સ્થાઇ કમિશન આપવા કહ્યું છે.

2007ની એસએસસી જેએજી બેન્ચની એક મહિલા અધિકારી સ્થાઈ કમીશનને લઈને અરજી દાખલ કરી હતી. તેમાં મહિલાઓની સાથે લૈંગિક આધાર પર ભેદભાવનો દાવો કરવામાં આવ્યો હતો. 18 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને સ્થાઈ કમીશન આપવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પરમનન્ટ કમીશન આપવામાં મહિલા અધિકારીઓની શારીરિક મર્યદાનો હવાલો આપતી કેન્દ્રની અરજીને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સામાજિક અને માનસિક કારણ બતાવીને મહિલા અધિકારીઓને તકથી વંચિત કરવા માત્ર ભેદભાવપૂર્ણ નથી પરંતુ આ અસ્વીકાર્ય છે.

શું છે પરમનન્ટ કમીશન ?

સેનામાં પરમનન્ટ કમીશન મળ્યા બાદ કોઈ પણ અધિકારી રિટાયરમેન્ટ સુધી સેનામાં કામ કરી શકે છે સાથે તેને પેન્શનનો પણ લાભ મળે છે. સેનામાં અધિકારીઓની અછત પુરી કરવા માટે શોર્ટ સર્વિસ કમીશન શરૂ થયું હતું. આ અંતર્ગત પુરુષો અને મહિલાઓ બંનેની ભરતી કરવામાં આવે છે, તેમને 14 વર્ષમાં રિટાયર કરવામાં આવે છે અને તેમને પેન્શન પણ મળતું નથી. અત્યાર સુધી પરમનન્ટ કમીશન માટે નેવીમાં માત્ર પુરુષ અધિકારીઓ જ અરજી કરી શકતા હતા.