Home Blog Page 4925

હવે થોડાક દિવસ ‘વાહ, તાજ!’ જોવાનું ય બંધ છે…

આગ્રાઃ કોરોના વાયરસના પ્રકોપના કારણે વિશ્વની સાત અજાયબીઓ પૈકી એક એવા આગ્રાના તાજમહેલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર એએસઆઈએ તાજમહેલ સહિત તમામ સ્મારકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે આ મામલે ટ્વીટ પણ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા સંસ્કૃતિ મંત્રાલયે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના તમામ ટીકિટ વાળા સ્મારક અને અન્ય તમામ, સંગ્રહાલય આગામી 31 માર્ચ 2020 સુધી બંધ રાખવાના નિર્દેશ આપ્યા છે.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત સંરક્ષિત સ્મારક અને આખા દેશમાં કેન્દ્રીય સંગ્રહાલયો 31 માર્ચ સુધી બંધ રહેશે. તો લદ્દાખ, ઓડિશા, જમ્મૂ-કાશ્મીર અને કેરળમાં કોરોના વાયરસના એક-એક કેસો સામે આવવાની સાથે જ દેશમાં કુલ કેસોની સંખ્યા 114 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે આ પૈકી 13 લોકો સાજા થઈ જતા તેમને રજા આપી દેવામાં આવી છે જ્યારે કુલ 3 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે પૂર્વી રાજ્ય ઓડિશામાં કોરોના પોઝિટિવના એક કેસની પુષ્ટી થઈ છે. તો ICMR દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં કોરોના ચીનની જેમ કહેર મચાવી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશના 15 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોના વાયરસથી 135 દેશોના 1,53,517 લોકો ચેપી છે અને 6000 થી વધારે લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસના ચેપીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખતા સરકારે મંત્રી સમૂહની બેઠક બાદ સામાજિક અંતર રાખવા જેવા ઉપાયોને 31 માર્ચ સુધી અમલી કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.

કોરોનાના કારણે સાસણ ગીર પ્રવાસીઓ માટે 29 માર્ચ સુધી બંધ

અમદાવાદ: કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે, ભારતમાં પણ તેની અસર જોવા મળી છે. કોરોનાની અસર ટૂરિઝમ ક્ષેત્ર પર સૌથી વધુ જોવા મળી રહી છે. કોરોનો વાયરસના કારણે ગીર અભ્યારણ્ય, દેવળિયા સફારી પાર્ક અને ધારીથી આઠ કિલોમીટર દૂર આવેલા આંબરડી સફારી પાર્કને પણ 17થી 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સિંહ દર્શન માટેની ઓનલાઈન બુક થયેલી પરમિટ પણ રદ કરી દેવામાં આવી છે.

જુનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયને પણ કોરોના વાયરસના કારણે 29 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  નોંધનીય છે કે ગીર સોમનાથમાં પણ કોરોનાના ડરના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. તો જુનાગઢમાં પણ યાત્રાળુઓનો ધસારો રહે છે પરંતુ હવે સક્કરબાગ ઝૂમાં ટૂરિસ્ટ્સને 29 માર્ચ સુધી પ્રાણીઓ જોવા નહીં મળે.

ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરીને દેશભરમાં 31 માર્ચ સુધી સ્કૂલ અને કોલેજો તેમજ મોલ અને મલ્ટિપ્લેક્સ 29 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્કૂલ અને કોલેજોમાં બે અઠવાડિયા માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

ગોગોઈ પહેલાં આ રિટાયર્ડ જજ પણ રાજયસભામાં જઇ ચૂક્યા છે

દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભા માટે નિયુક્ત કર્યા છે. કોંગ્રેસ અને વિપક્ષના કેટલાય પક્ષના નેતાઓએ તેમની નિયુક્તિ પર સવાલ ઊભા કર્યા છે. જોકે આવું કંઈ પહેલી વાર નથી થયું, કે કોઈ જજને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હોય. આ પહેલાં પણ કેટલાક જજોને ભૂતપૂર્વ સરકારોએ રાજ્યસભામાં મોકલ્યા હોય અથવા અન્ય પદો પર આરૂઢ કર્યા હોય.

રંજન ગોગોઈ

મોહમ્મદ હિદાયતુલ્લા

1968થી 1970 સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ રહેલા મોહમ્મદ હિદાયતુલ્લાને 31 ઓગસ્ટ, 1979એ ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. તેઓ 30 ઓગસ્ટ 1984 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ રહ્યા હતા. તેઓ બે વાર ભારતના કાર્યવાહક રાષ્ટ્રપતિ પણ બન્યા હતા.

રંગનાથ મિશ્રા

ભારતના 21મા ચીફ જસ્ટિસ રંગનાથ મિશ્રાને રિટાયરમેન્ટ પછી કોંગ્રેસ સરકારે રાજ્યસભાના સંસદસભ્ય રહ્યા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટીનું શભ્યપદ લીધું હતું. તેમની પર આરોપ હતો કે તેમણે 1984નાં શીખવિરોધી રમખાણોમાં કોંગ્રેસને ક્લીનચિટ આપી હતી, જેને કારણે તેમને આ ઇનામ આપવામાં આવ્યું હતું.

બહારુલ ઇસ્લામ

1952માં કોંગ્રેસ પક્ષમાં સામેલ થયા પછી બહારુલ ઇસ્લામ લાંબો સમય સુધી પાર્ટી માટે કામ કરતા હતા. ત્યાર બાદ પાર્ટીએ તેમને રાજીનામું અપાવડાવીને 1972માં ઇન્દિરા ગાંધી સરકારે તેમને ગૌહાટી હાઇકોર્ટના જજ બનાવ્યા હતા. 1980માં નિવૃત્ત થયા બાદ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવ્યા હતા. નિવૃત્તિના છ મહિના પહેલાં તેમણે રાજીનામું આપીને કોંગ્રેસમાંથી તેઓ લોકસભા ચૂંટણી લડ્યા હતા.

 

મુંબઈમાં કોરોનાગ્રસ્ત ગુજરાતીનું મૃત્યુ; એ માટુંગાના રહેવાસી હતા

મુંબઈ : ભારતમાં કોરોના વાઈરસના ચેપે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 125 થઈ છે. ત્રણ વ્યક્તિના મરણ નિપજ્યા છે. મુંબઈમાં પણ આ રોગે એક દર્દીનો ભોગ લીધો છે. 64 વર્ષના અને માટુંગા ઉપનગરમાં રહેતા પ્રકાશ મોદી નામના દર્દીનું ચિંચપોકલી સ્થિત કસ્તુરબા હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.

પ્રકાશ મોદી એમની પત્ની અને પુત્રની સાથે દુબઈથી આવ્યા હતા. એમને કોરોના લાગુ પડ્યાનું માલૂમ પડ્યું હતું. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ એમના મહત્ત્વના અવયવો ધીમે ધીમે કામ કરતા બંધ થઈ ગયા હતા. આખરે આજે સવારે એમનું નિધન થયું હતું.

મુંબઈ પાછા આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ થતી વખતે એમણે પોતે દુબઈથી આવ્યા હોવાનું જાહેર કર્યું નહોતું.

પ્રકાશ મોદી ગઈ 22 ફેબ્રુઆરીએ દુબઈ જવા રવાના થયા હતા અને 8 માર્ચે મુંબઈ પાછા ફર્યા હતા. એ બીમાર પડી ગયા બાદ 8 માર્ચે એમને માહિમની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં એમને સામાન્ય દર્દી જેવી બીમારી હોવાનું જણાયું હતું, પરંતુ બાદમાં ડોક્ટરોને માલૂમ પડ્યું હતું કે એમને કોરોનાવાઈરસ લાગુ પડ્યો છે.

એમની પર કોરોનાને લગતી ટેસ્ટ કરવામાં આવી હતી અને 12 માર્ચે એમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એમને તથા એમના પત્ની અને પુત્રને તરત જ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પ્રકાશ મોદીના પત્નીને 13 માર્ચે અને પુત્રને 14 માર્ચે કોરોના થયાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

વિધાનસભા સત્ર: કોંગ્રેસની ગેરહાજરીથી એકતરફી ચર્ચા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. આ પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને પગે રેલો આવ્યો છે.

આ દરમ્યાન આજે ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી જેમાં શહેરી વિકાસ અ ગૃહ નિર્માણ વિભાગ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં વિપક્ષના એક પણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. વિપક્ષી ધારાસભ્યો હાલ જયપુર ખાતે રિસોર્ટ્સમાં છે અને તેઓ 25 માર્ચે પરત ફરતે અને 26 માર્ચે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન થશે.

એટલે કે આગામી 25 માર્ચ સુધી કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીથી વિધાનસભાના બજેટ સત્રની કામગીરી એકતરફી રહેશે.

રાજ્યસભાની ચૂંટણીઃ ભાજપ માટે ત્રીજી સીટ મેળવવી સરળ નહીં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 103 વિધાનસભ્યો છે, પણ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને ત્રણ ઉમેદવારો જિતાડવા માટે અત્યારે કમસે કમ પાંચ વિધાનસભ્યોની જરૂર છે. ભાજપ ત્રીજી બેઠક જીતવા આકાશપાતાળ કરી રહ્યો છે, પણ ત્રીજી સીટ જીતવી જરાય સરળ નહીં હોય.

પાંચ વિધાનસભ્યોનો જુગાડ કેવી રીતે થશે?

ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે 103 વિધાનસભ્યો છે, પણ ભાજપે ત્રણ ઉમેદવારોને જિતાડવા માટે પાંચ વિધાનસભ્યોની જરૂર છે. જીતવા માટે સમીકરણ મુજબ એક સીટ મેળવવા માટે પહેલી પ્રાથમિકતા 36 મત મળવા જરૂરી છે. ભાજપ ભલે દાવો કરી રહ્યો હોય કે એને બીટીપીન  બે અને એનસીપીના એક વિધાનસભ્યનો ટેકો પ્રાપ્ત છે. જોકે તેમ છતાં એને ત્રીજી સીટ જીતવા માટે બે વધુ વિધાનસભ્યોના ટેકાની જરૂર છે.

કોંગ્રેસ વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ ના કર્યું તો?

ભાજપને આશા છે કે કેટલાક વધુ કોંગ્રેસી વિધાનસભ્યો ક્રોસ વોટિંગ દ્વારા એ ત્રીજી સીટ જીતી શકશે. આ સિવાય એક વધુ સંભાવના બને છે કે કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યો રાજીનામાં આપી દે. જેતી વિધાનભવનમાં તેમનું સંખ્યાબળ ઘટી જાય. આવામાં ભાજપની પહેલી પ્રાથમિકતા માટે જરૂરી વોટોની સંખ્યા 34 સુધી ઘટી જાય. જો આવું થાય તો ભાજપને વગર કોઈની મદદે ત્રણેત્રણ સીટો જીતી જાય.

સોલંકી અથવા ગોહિલ- બેમાંથી એક પર સંકટ

રાજ્યના ચાર રાજ્યસભા સભ્યો- ચૂનીભાઈ ગોહિલ, લાલસિંહ વડોદરિયા, શંભુ પ્રસાદ ટુંડિયા અને મધુસૂદન મિસ્ત્રીનો કાર્યકાળ નવ એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આમાં કોંગ્રેસ પાસે મધુસૂદન મિસ્ત્રીની જ એક બેઠક છે, પણ કોંગ્રેસે બે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને ઉમેદવાર બનાવ્યા છે, પણ આમાંથી કોઈ એકે હારનો સામનો કરવો પડે એમ છે.

હવે કોંગ્રેસ પાસે 68 વિધાનસભ્યો છે, કેમ કે કોંગ્રેસના પાંચ વિધાનસભ્યોએ રાજીનામાં આપ્યાં છે. વળી, કોંગ્રેસે આ પાંચ વિધાનસભ્યોને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પક્ષમાંથી કાઢી મૂક્યા છે. બીજી બાજુ કોંગ્રેસે બાકીના વિધાનસભ્યોને જયપુર શિફ્ટ કર્યા છે.

 

કોરોનાઃ વિશ્વ આખુંય લોકડાઉન તરફ વળી રહ્યું છે…

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસના પ્રકોપને કારણે યુરોપીય દેશોની સીમાઓ સીલ થઈ ગઈ છે. ફ્રાંસમાં આવાગમન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લંડનમાં લોકડાઉન થઈ ચૂક્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા આ આવનારા સમયમાં લાંબી લડાઈ માટે તૈયારી કરી રહ્યું છે. ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોએ તમામ નાગરિકોને આદેશ આપ્યો છે કે તેઓ આગામી 15 દિવસ સુધી ઘરમાં જ રહે. વિશ્વભરમાં આ પગલાંથી વૈશ્વિક લોકડાઉનની અટકળો તેજ થઈ ગઈ છે.

લંડનમાં લોકડાઉન

યુકેમાં કોરોના વાઇરસના 1,543 કેસ નોંધાયા છે અને 55 મોત થયાં છે. બ્રિટનના વડા પ્રધાને ગઈ કાલે રાત્રે લોકોને સચેત રહેવાની હાકલ કરતાં કહ્યું હતું કે યુકેમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લંડનમાં પણ પ્રસર્યો છે, જેથી તેમણે લોકોને એકબીજાથી દૂર રહેવાની અપીલ કરી હતી તેમ જ રેસ્ટોરાં, બાર્સ ને સિનેમા અને મર્યાદિત ટ્રાવેલ કરવા જણાવ્યું છે. વળી તેમણે આગામી 12 સપ્તાહ સુધી મોટા પાયે થતા સામાજિક પ્રસંગો (લગ્નો કે સોશિયલ ફંકશનો)થી દૂર રહેવા વિનંતી કરી હતી.

ફ્રાન્સમાં પણ સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ

ફ્રાન્સના મેક્રોએ કહ્યું હતું કે લોકોને બિનજરૂરી યાત્રાઓ ટાળવા અને સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જો કોઈ આનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે યુરોપીય સંઘની બહારની સીમાઓ આજથી 30 દિવસ સુધી બંધ કરી દીધી હતી. અત્યાર સુધી 145 દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસથી વિશ્વભરમાં મોતનો આંકડો 7,000ને પાર કરી ચૂક્યો છે.

ટ્રમ્પે પણ એકસાથે 10થી વધુ લોકોને એકઠા કરવા પ્રતિબંધ મૂક્યોઅમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પોતાના નાગરિકોને કહ્યું છે કે એકસાથે 10થી વધુ લોકો એકઠા નહીં થઈ શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ રોગચાળા સામે મહિનાઓ લાંબા ચાલનારા સંઘર્ષ માટે તૈયાર રહો.

બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અનમે અમેરિકા દ્વારા સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે કોવિડ-19 રોગચાળો એક માનવીય વિપદા છે અને વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ છે, જે વૈશ્વિક અર્થતંત્રો માટે મુખ્ય જોખમ છે.

 

 

 

 

 

 

 

મધ્ય પ્રદેશઃ કોંગ્રેસના બાગી ધારાસભ્યોનો લેટેસ્ટ સુર…

નવી દિલ્હીઃ બેંગ્લોરમાં બેઠેલા મધ્યપ્રદેશ કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે તેઓ ચૂંટણી માટે તૈયાર છે. તેમનું કહેવું હતું કે જ્યારે સિંધિયા પર હુમલો થઈ ચૂક્યો છે તો તેઓ કેવી રીતે સુરક્ષિત રહી શકે. આ સાથે જ ધારાસભ્યોનું કહેવું છે કે તેઓ તમામ પોતાની ઈચ્છા સાથે આવ્યા છે અને તેમનું રાજીનામું મંજૂર શાં માટે નથી કરવામાં આવી રહ્યું?

બાગી ધારાસભ્યોમાંથી એક ઈમરતી દેવીએ કહ્યું કે, જ્યોતિરાદિત્ય સિંધિયા અમારા નેતા છે. તેઓ અમારા વિશે વિચારે છે. હું તેમની સાથે હંમેશા રહીશ. ભલે મારે કુવામાં કૂદવું પડે. તો એક અન્ય ધારાસભ્ય ગોવિંદ સિંહ રાજપૂતે કહ્યું કે, કમલનાથજીએ તેમની વાત 15 મીનિટ પણ સાંભળી નથી તો અમે અમારા ક્ષેત્રમાં વિકાસ માટે કોની સાથે વાત કરત. ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાની આગેવાનીમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ કોંગ્રેસને દગો આપ્યો છે. સિંધિયા પહેલા જ ભાજપમાં જઈ ચૂક્યા છે. તો આ ધારાસભ્યોએ પણ પોતાનું રાજીનામું વિધાનસભા સ્પીકરને મોકલી આપ્યું છે. બાદમાં કમલનાથ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે.

ભાજપની માંગ પર રાજ્યપાલે 16 માર્ચના રોજ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો હતો પરંતુ વિધાનસભા સ્પીકરે કોરોના વાયરસની વાત કરીને વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી ટાળી દીધી છે. પરંતુ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચવામાં આવ્યું છે. હવે તમામની નજરો સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે.

શાહીનબાગના પ્રદર્શનને સરકારના પ્રતિબંધો નથી નડતા?

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંકટને ધ્યાને રાખતા દિલ્હી સરકાર દ્વારા માર્ચના અંત સુધીમાં 50 થી વધારે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કર્યા બાદ પણ શાહીન બાગમાં અનેક લોકો એકત્ર થયા હતા. સીએએ વિરુદ્ધ મહિલાઓની આગેવાની વાળા ઘરણાને 93 દિવસ થઈ ગયા છે. ધરણાને યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓએ સંબોધિન કર્યું હતું. ધરણામાં મહિલાઓ અને બાળકો જોડાયેલા હતા. આમાં ફૈઝ અહમદ ફૈઝની કવિતાઓનું પઠન કરવામાં આવ્યું હતું. વિવિધતાઓમાં એકતા અને ક્રાંતિના નારા લગાવવામાં આવી રહ્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાને રાખતા રાષ્ટ્રીય રાજધાનીમાં 31 માર્ચ સુધી 50 થી વધારે લોકોની ઉપસ્થિતિ વાળા ધાર્મિક, સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજનૈતિક બેઠકો કરવાની મંજૂરી નહી હોય. તેમણે એપણ સંકેત આપ્યા કે આ પ્રતિબંધ દિલ્હીના શાહીનબાગ અને જામિયા મિલ્લિયા ઈસ્લામિયાની બહાર વિરોધ પ્રદર્શન કરનારી ભીડ પર લાગૂ થશે. મહત્વનું છે કે આ સંસ્થાનો પર સીએએ, એનઆરસી વિરુદ્ધ 15 ડિસેમ્બરથી ધરણા ચાલી રહ્યા છે.

શહેરમાં તમામ સાપ્તાહિક બજારો પર રોક લગાવી દેવામાં આવી છે અને તમામ શોપિંગ મોલને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ પ્રવેશદ્વાર અને સ્ટોરમાં સેનેટાઈઝર ઉપ્લબ્ધ કરાવે.

કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જિમ, નાઈટ ક્લબ અને સ્પા 31 માર્ચ સુધી બંધ રહેશે. તેમણે કહ્યું કે, 31 માર્ચ સુધી દિલ્હીમાં 50 થી વધારે લોકોની ઉપસ્થિતિ વાળા ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક કાર્યક્રમોને મંજૂરી નહી હોય. આ રોક પ્રદર્શનો પર પણ લાગૂ થશે.

કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે, જે રોક લગાવવામાં આવી છે તેમાં શાહીનબાગના પ્રદર્શનનો પણ સમાવેશ થશે? ત્યારે તેમણે કહ્યું હતું કે આ રોક તમામ પર લાગૂ થશે ભલે તે પ્રદર્શન હોય કે સભા. મુખ્યમંત્રીએ કહ્યું કે લગ્ન સમારંભો પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ છતા લોકોને તારીખો લંબાવવાની સલાહ આપવામાં આવે છે.

સુવિચાર – ૧૭ માર્ચ, ૨૦૨૦