મુંબઈમાં કોરોનાગ્રસ્ત ગુજરાતીનું મૃત્યુ; એ માટુંગાના રહેવાસી હતા

મુંબઈ : ભારતમાં કોરોના વાઈરસના ચેપે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 125 થઈ છે. ત્રણ વ્યક્તિના મરણ નિપજ્યા છે. મુંબઈમાં પણ આ રોગે એક દર્દીનો ભોગ લીધો છે. 64 વર્ષના અને માટુંગા ઉપનગરમાં રહેતા પ્રકાશ મોદી નામના દર્દીનું ચિંચપોકલી સ્થિત કસ્તુરબા હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું છે.

પ્રકાશ મોદી એમની પત્ની અને પુત્રની સાથે દુબઈથી આવ્યા હતા. એમને કોરોના લાગુ પડ્યાનું માલૂમ પડ્યું હતું. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ એમના મહત્ત્વના અવયવો ધીમે ધીમે કામ કરતા બંધ થઈ ગયા હતા. આખરે આજે સવારે એમનું નિધન થયું હતું.

મુંબઈ પાછા આવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ થતી વખતે એમણે પોતે દુબઈથી આવ્યા હોવાનું જાહેર કર્યું નહોતું.

પ્રકાશ મોદી ગઈ 22 ફેબ્રુઆરીએ દુબઈ જવા રવાના થયા હતા અને 8 માર્ચે મુંબઈ પાછા ફર્યા હતા. એ બીમાર પડી ગયા બાદ 8 માર્ચે એમને માહિમની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં એમને સામાન્ય દર્દી જેવી બીમારી હોવાનું જણાયું હતું, પરંતુ બાદમાં ડોક્ટરોને માલૂમ પડ્યું હતું કે એમને કોરોનાવાઈરસ લાગુ પડ્યો છે.

એમની પર કોરોનાને લગતી ટેસ્ટ કરવામાં આવી હતી અને 12 માર્ચે એમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એમને તથા એમના પત્ની અને પુત્રને તરત જ કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. પ્રકાશ મોદીના પત્નીને 13 માર્ચે અને પુત્રને 14 માર્ચે કોરોના થયાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.