Home Blog Page 4923

નિર્ભયા કેસના અપરાધીની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી

નવી દિલ્હીઃ 2012ની સાલમાં દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની ‘નિર્ભયા’ પર ગેંગરેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજા કરાયેલા ચારમાંના એક અપરાધી અક્ષય સિંહ ઠાકુરની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી છે. અક્ષય તથા અન્ય ત્રણ અપરાધીઓને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવાનું નિર્ધારિત છે, પણ અક્ષયની પત્ની પુનીતાએ અરજી કરી છે કે એના પતિને ફાંસી અપાય એ પહેલાં પોતે એની સાથે છૂટાછેડા લઈ લેવા માગે છે.

પુનીતાએ કહ્યું છે કે પોતે અક્ષયની વિધવા તરીકે જિંદગી જીવવા ઈચ્છતી નથી. એણે છૂટાછેડા માટે બિહારના ઔરંગાબાદની ફેમિલી કોર્ટના ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ છૂટાછેડાની અરજી નોંધાવી છે.

એણે અરજીમાં લખ્યું છે કે એના પતિને 2012ની 16 ડિસેંબરના જીવલેણ ગેંગરેપ કેસમાં અપરાધી જાહેર કરી મોતની સજા ફરમાવવામાં આવી છે. પોતાનો પતિ નિર્દોષ છે એની પોતાને ખાતરી છે, પરંતુ પોતે અક્ષય સિંહ ઠાકુરની વિધવા તરીકે બાકીનું જીવન જીવવા ઈચ્છતી નથી.

મૃતક નિર્ભયા 23 વર્ષની હતી અને ફિઝિયોથેરપી ઈન્ટર્ન તરીકે કામ કરતી હતી. 2012ની 16 ડિસેંબરની રાતે દક્ષિણ દિલ્હીમાં એક દોડતી બસમાં એની પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછી ઈજાગ્રસ્ત હાલતમાં રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી. તે પંદરેક દિવસ બાદ મૃત્યુ પામી હતી.

આ ગુનો આચરવા બદલ છ જણની ધરપકડ કરવામાં આવી હતી. એમાંનો એક આરોપી સગીર વયનો હતો. રામ સિંહ નામના એક આરોપીએ કેસની કાર્યવાહી શરૂ કરાયાના અમુક દિવસો બાદ તિહાર જેલમાં આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. સગીર વયના આરોપીને સુધારણા ગૃહમાં 3 વર્ષ વિતાવ્યા બાદ 2015માં છોડી મૂકવામાં આવ્યો હતો.

પુનીતાનાં વકીલે કહ્યું કે હિન્દુ મેરેજ એક્ટની કલમ હેઠળ કોઈ સ્ત્રીનો પતિ બળાત્કાર સહિતના અધમ ગુના માટે અપરાધી જાહેર કરાય તો એની સાથે છૂટાછેડા મેળવવા માટે હકદાર બને છે.

અક્ષય સિંહ ઠાકુર બિહારના ઔરંગાબાદ જિલ્લાના લહંગ કર્મા ગામનો રહેવાસી છે. નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસમાં અક્ષય ઉપરાંત વિનય શર્મા, પવન ગુપ્તા, મુકેશ સિંહને પણ ફાંસીની સજા ફરમાવવામાં આવી છે.

આ ચારેય જણની દયાની અરજીઓ તથા રીવ્યૂ પીટિશનોને ન્યાયતંત્રએ ફગાવી દીધી છે. આ ચારેય જણે મોતની સજામાંથી બચવાના આખરી પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનો સંપર્ક કર્યો છે.

ચારેયના ડેથ વોરંટના અમલને ત્રણ વખત મુલતવી રાખવામાં આવી ચૂક્યું છે. હવે નવું ડેથ વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યું છે.

પવન નામના જલ્લાદને તિહાર જેલમાં બોલાવી લેવામાં પણ આવ્યો છે.

મૂડીઝે ભારતનો GDP ગ્રોથ ફરી ઘટાડીને 5.3 ટકા અંદાજ્યો

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ઝડપથી પ્રસરી રહેલા  કોરોના વાઇરસની અસરને પગલે રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે વર્ષ 2020 માટે ભારતના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ઘટાડીને 5.3 ટકા કર્યો હતો. રેટિંગ એજન્સીએ ફેબ્રુઆરીના પાછલા અનુમાનની તુલનાએ 10 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો. આ પહેલાં મૂડીઝે 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 5.4 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. રેટિંગ એજન્સીએ સ્પષ્ટ કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોરોના વાઇરસની અસર ભારતીય અર્થતંત્ર પર દેખાશે, કેમ કે આ રોગચાળાની ઔદ્યોગિક કામકાજમાં અડચણો આવશે.

વૈશ્વિક મંદીનું જોખમ વધ્યું

મૂડીઝે કહ્યું હતું કે કોરોના વાઇરસનો રોગચાળો જેટલો લાંબો ચાલશે એટલી વૈશ્વિક આર્થિક મંદીનું જોખમ વધુ રહેશે. એજન્સીએ કહ્યું હતું કે કેટલીય સરકારોએ અને કેન્દ્રીય બેન્કોએ નાણાકીય પેકેજ અને ધિરાણદરોમાં કાપ મૂકવા સહિતનાં અનેક પગલાં લીધાં છે.

આ પહેલાં મૂડીઝે ભારતનો આર્થિક વિકાસદર 6.6 ટકા અંદાજ્યો હતો, પણ હવે એ સતત ઘટતાં 1.3 ટકાનો કાપ મૂક્યો હતો. આ પહેલાં વર્ષ 2019માં દેશનો આર્થિક ગ્રોથ 5.3 ટકા રહ્યો હતો. જોકે વર્ષ 2018માં દેશનો જીડીપી ગ્રોથ 7.4 ટકા હતો.રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે ઘરેલુ વપરાશમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. આ સિવાય નિકાસમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. જેથી ભારતીય અર્થતંત્રના ગ્રોથમાં નોંધપાત્ર ઘટાડાની આશંકા છે. કોરોના વાઇરસની અસર જેટલી લાબી ચાલશે એટલી અર્થતંત્ર પર નકારાત્મક અસર પડશે, એમ એજન્સીએ કહ્યું હતું.

 

શા માટે અત્યારે તમારા હાથમાં રોકડ રકમ હોવી જરૂરી?

નવી દિલ્હી: કોરોના વાઈરસના ભય વચ્ચે શેર માર્કેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? શું આ તમારા માટે તક છે?  પહેલેથી ખરીદેલા શેરો વધુ ખરીદવા જોઈએ?… આવા બધા પ્રશ્નોનો તમારા મનમા ચાલતા હશે. સમગ્ર વિશ્વ જે માહામારીથી ડરી રહ્યું છે તે એટલી અલગ છે કે આપણે ક્યારેય જોયું નથી. આપણે એ વિચારવું પડશે કે આગળ શું કરવું….

કોરોના જેવી મહામારીના સમયે તમને તમારા નાણાની ચિંતા થવી સ્વભાવિક છે. શેરબજાર અને અન્ય જગ્યાએ તમારા રોકાણમાં ઘટાડતા મૂલ્યને લઈને ચિંતા થવી વાજબી છે પરંતુ આ ચિંતાને એક બાજુ મૂકી દો. અહીં આપણે જાણીશું કે, કોરોનાના વધતા જતા ભય વચ્ચે નફો કમાવવાને બદલે શું કરવું જરૂરી છે.

અત્યારે માત્ર એક જ વસ્તુ મહત્વની છે કે તમારા હાથમાં રોકડા રૂપિયા કેટલા છે? સતત ઘટતા જતા શેર બજારમાંથી નાણા ઉપાડવા કે તેમાં રોકાણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમારી પાસે રોકડ ન હોય તો શેર બજારમાંથી નાણા કાઢી લો, ભલે તેમા નુકસાન થઈ રહ્યું હોય. જો બેંકમાં પૂરતી રોકડ છે, તો પૈસા બજારમાં રહેવા દો. રોકાણનો નિર્ણય લેવા માટે આ યોગ્ય સમય નથી. હાલ આપણે વોર ઝોનમાં છીએ જ્યાં જીવન બચાવવાને પ્રાથમિકતા છે. આ સ્થિતિમાં જરૂરી છે, તમારી પાસે ઓછામાં ઓછા ત્રણ મહિનાના ખર્ચ માટે રોકડા નાણા હોવા.

સોશિયલ મીડિયા પર કોરોના વિશે ઘણી અફવાઓ ચાલી રહી છે. પણ તમારે સોશિયલ મીડિયાને બાજુ પર મૂકી સરકાર જે સત્તાવાર જાહેરાત કરે તેના પર જ ધ્યાન આપવું જોઈએ. સરકારની દરેક સલાહને અનુસરો. અને સોશિયલ મીડિયાથી દૂર રહો.

કંપનીઓએ આ હેલ્થ ઈમરજન્સીને નિવારવા અનેક પગલાં લીધાં છે. આવી સ્થિતિમાં, કામકાજ બંધ કરી શકાય એમ નથી. કંપનીઓ દ્વારા ઘરેથી કામ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. અસરગ્રસ્ત દેશોમાં કામ કરવા જવાનું હાલના સમયે મુલતવી રાખવામાં આવ્યું છે. જ્યાં સુધી તમે કોઈ બિઝનેસ ચલાવી રહ્યા નથી ત્યાં સુધી કોઈ આર્થિક નિર્ણય ન લો. કોઈ સંપત્તિ વેચશો નહીં કે કોઈ નવું રોકાણ ન કરો.

લગભગ 15 દિવસથી બધે શટડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે વસ્તુની જમાખોરી શરૂ કરી દો. જો નવા કેસોમાં ઘટાડો થાય તો ટૂંક સમયમાં શટડાઉન સમાપ્ત થઈ શકે છે, નહીં તો પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તે લંબાઈ પણ શકે છે.

તમારા વડીલોની સંભાળ રાખો. તેઓને તમારી જરૂર છે કે નહીં તે જુઓ. સોશિયલ મીડિયાની મદદ લો, જૂથમાં રહેવું સારું નથી લોકોને તેનાથી વાકેફ કરો.

કોરોના જેવી મહામારી વચ્ચે, તમારા રોકાણના મૂલ્યમાં ઘટાડો થવાની ચિંતા કરશો નહીં. કારણ કે સંપત્તિ અને આવકમાં તફાવત હોય છે. માર્કેટમાં રોકાણનું મૂલ્ય ઘટી ગયું છે, પરંતુ તમે જે કંપનીમાં કામ કરો છો તેની આવક વધુ મહત્વપૂર્ણ છે. તમારી નોકરી જાળવી રાખો તમારી આવકનું મૂલ્યાંકન કરો અને ખરાબ દિવસો માટે પહેલાથી તૈયારી રાખો. સંકટ સમયે તમારી સંપત્તિ કામ આવશે.

સંકટના આ સમયમાં, જો તમને કોઈ હોસ્પિટલમાં સ્વૈચ્છિક સેવા આપવા માટે કહેવામાં આવે છે, તો તેમાં ચોક્કસપણે જોડાવ. જો ખોરાકનો કચરો દૂર કરવા કહેવામાં આવે, તો તમે એક એપ્લિકેશન બનાવી શકો છો. જો ચેપગ્રસ્ત લોકોથી સંબંધિત બુલેટિન બોર્ડ તૈયાર કરવાનું કહેવામાં આવે, તો ચોક્કસપણે કરો. તમારું આ યોગદાન સમાજ માટે ઘણુ મહત્વપૂર્ણ છે.

એવું વિચારશો નહીં કે કોરોનાને લઈને તમારી આસપાસ જે દેખાઈ રહ્યું છે તે અવાસ્તવિક છે. જો કે, ગભરાવાની પણ જરૂર નથી. આ મહામારીથી બચવાનો હજુ સુધી કોઈ ચોક્કસ ઉપાય શોધાયો નથી. તેથી  તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

ભારતની નજર સસ્તા ભાવની ક્રૂડ ઓઈલની ખરીદી પર

નવી દિલ્હી: ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાનો ફાયદો ઉઠાવવા ભારત પ્રયત્ન કરી રહ્યું છે. ભારતે સાઉદી અરબ અને સયુક્ત અરબ અમીરાત પાસેથી સસ્તા ભાવે ક્રૂડની ખરીદી કરીને મોટા પ્રણાણમાં સ્ટોક કરવાની યોજના બનાવી છે. ચાલુ મહિને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. પહેલાથી આર્થિક સુસ્તી અને હવે કોરોનાને પગલે આ સ્થિતિ પેદા થઈ છે.

આ ઉપરાંત થોડા દિવસો પહેલા સાઉદી અરબ અને રશિયા વચ્ચે ક્રૂડના ઉત્પાદને લઈને કરાર ન થતા કિંમતોમાં વધુ ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ અને યુએઈ મોટાપાયે ઉત્પાદન ચાલુ રાખશે આ સ્થિતિનો ફાયદો ઉઠાવતા ભારત સસ્તી કિંમતે ઓઈલની ખરીદી કરીને ભવિષ્યની યોજના બનાવવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની ઘટતી જતી કિંમતોનો ફાયદો ઉઠાવવા ઓઈલ મંત્રાલય તરફથી નાણામંત્રીને પત્ર લખીને 48થી 50 અરબની માંગ કરી છે. ઓઈલ મંત્રાલયનું કહેવું છે કે, તે 8-9 મોટા ક્રૂઝમાં ક્રૂડ ઓઈલ ખરીદીને રાખશે જેથી ભવિષ્યમાં સસ્તા ભાવે ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરી શકાય.

મહત્વનું છે કે, મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 31 ડોલર પર રહી. ખાડી યુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે.

રાશિ ભવિષ્ય 18/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ તા. 18/03/2020

ટોકિયો ઓલિમ્પિક્સને સમયપત્રક અનુસાર યોજવા IOC મક્કમ

જિનેવા: ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ એવો દાવો કર્યો છે કે કોરોના વાઈરસ એટલે કે COVID-19 જાગતિક રોગચાળાની અસરની ચિંતા વધી રહી હોવા છતાં આ વર્ષની ઓલિમ્પિક ગેમ્સ અને પેરાલિમ્પિક ગેમ્સ સંબંધિત હાલને તબક્કે કોઈ ધરખમ નિર્ણયો લેવાની કોઈ જરૂર નથી.

કોરોના વાઈરસે ઊભી કરેલી કટોકટીનો સામનો કેવી રીતે કરવો એ વિશે ચર્ચા કરવા માટે IOCના એક્ઝિક્યૂટિવ બોર્ડે આંતરરાષ્ટ્રીય ફેડરેશનો સાથે આજે ટેલિકોન્ફરન્સ યોજી હતી. ત્યારબાદ એણે નિવેદન બહાર પાડ્યું હતું અને એમાં ઉપર મુજબ જણાવ્યું હતું.

નિવેદનમાં જણાવાયું છે કે, ઓલિમ્પિક ગેમ્સ ટોકિયો 2020 યોજવા માટે IOC સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગેમ્સ શરૂ થવાને હજી ચાર મહિનાનો સમય છે તેથી હાલના તબક્કે ગેમ્સના આયોજન અંગે કોઈ ધરખમ નિર્ણયો લેવાની એને કોઈ જરૂર જણાતી નથી. વળી, હાલને તબક્કે કોઈ અફવાથી પણ નુકસાન થઈ શકે છે.

કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઓલિમ્પિક ગેમ્સ ટોકિયો 2020 માટેની તૈયારીઓને માઠી અસર જરૂર પડી છે અને તે અસર રોજેરોજ બદલાઈ પણ રહી છે. પરંતુ, IOCને વિશ્વાસ છે કે દુનિયાભરના સત્તાવાળાઓ જે પગલાં લઈ રહ્યાં છે તે કોવિડ-19 વાઈરસની પરિસ્થિતિને રોકવામાં મદદરૂપ થશે.

ટોકિયો ઓલિમ્પિક ગેમ્સ 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ટોકિયો શહેરમાં યોજવાનું નિર્ધારિત છે.

કોવિડ-19 નું ફૂલ ફોર્મ પૂછતાં ચકરાવે ચડ્યા ભાજપના પ્રવક્તા

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં ભય ફેલાયો છે. ચીનના વુહાન પ્રાંતમાં જન્મેલા આ કોરોના વાયરસે હજારો લોકોના જીવ લઈ લીધા છે. લાખોની સંખ્યામાં લોકો અત્યારે કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. ઘણા ઉદ્યોગો ઠપ્પ પડી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાયરસને મહામારી જાહેર કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. પોતાના દેશમાં અત્યાર સુધીમાં 127 જેટલા લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે ત્રણ લોકોના મોત પણ થયા છે. 19

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખતા સરકારે તમામ જરુરી પગલા ભર્યા છે. દિલ્હીમાં મહામારી એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત 50 થી વધારે લોકો એક જગ્યાએ હવે એકત્ર નહી થઈ શકે. તો અન્ય રાજ્યોમાં પણ આ રોગને ફેલાતો રોકવા માટે મોલ, મલ્ટીપ્લેક્સ, થીયેટર્સ અને તમામ એવી જગ્યાઓને બંધ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે કે જ્યાં લોકો એકત્ર થાય છે.

કોરોના વાયરસના સંકટની ચર્ચા મીડિયામાં મુખ્ય મુદ્દો બની ગઈ છે. આના પર રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે. વિપક્ષ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહી રહ્યો છે કે સરકારે આ રોગને ફેલાતો અટકાવવા માટેના યોગ્ય પગલા ભર્યા નથી. તો ભાજપ તરફથી પણ એ વાતનો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, સરકાર આ મુદ્દે ગંભીર છે અને આનાથી બચવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

આ મુદ્દે એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે ડિબેટ થઈ રહી હતી. કોંગ્રેસ નેતાએ ભાજપ પર નિશાન સાધતા સંબિત પાત્રાને પૂછ્યું કે કોવિડ-19 નું ફુલ ફોર્મ શું છે પરંતુ સંબિત પાત્રા પ્રશ્ન સાંભળતા જ ભડકી ઉઠ્યા અને એંકરને કહેવા લાગ્યા કે આ લોકો આવું જ બધું કરશે. ડિબેટની એંકરે પણ કોંગ્રેસ નેતાને કહ્યું કે, તમે લોકો સંબિત પાત્રાનું જનરલ નોલેજ શા માટે ચેક કર્યા કરો છો.

રોહન ગુપ્તા એંકર અને સંબિત પાત્રાના વિરોધ છતા પોતાના પ્રશ્ન પર અડગ રહ્યા અને તેમને કોવિડ-19 નું ફુલફોર્મ પૂછતા રહ્યા. રોહન કુમારે એ કહેતા સંબિત પાત્રા પર પ્રહારો ચાલુ રાખ્યા કે આ ભાજપને લોકો કોરોના વાયરસ પર ગંભીર થવાની વાત કરે છે અને આ લોકો તો કોવિડ-19 ના ફૂલફોર્મ વિશે જાણતા પણ નથી.

કોરોના ઈફેક્ટઃ રાજઘાટ-લાલ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકોને તેજીથી પોતાના ભરડામાં લઈ રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર મંગળવાર 12 વાગ્યા સુધીમાં 126 જેટલા દર્દીઓ નોંધાયા છે, જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોના વાયરસના કારણે લાલ કિલ્લો, રાજઘાટ અને કુતુબ મીનારને બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય સેનાએ કોરોના વાયરસને ધ્યાને રાખતા રાજૌરી અને પૂંછ જિલ્લાના ગામ કેરી, દરહલ, કુકલી, ગલુઠી અને બિસાલીમાં જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. ડોક્ટર્સે ત્યાં લોકોને કોરોનાનો ફેલાતો ચેપ અટકાવવાના ઉપાયો વિશે જણાવ્યું હતું.

ભારતમાં કોરોના વાયરસના વધતા સંકટને ધ્યાને રાખતા દિલ્હીમાં લાલ કિલ્લો, રાજઘાટ અને કુતુબ મીનારને લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કોરોના વાયરસના ત્રણ વધારે મામલાઓની પુષ્ટી થઈ છે. આમાંથી લેહથી ત્રણ અને કારગિલથી એક કેસ સામે આવ્યો છે. અહીંયા દર્દીઓની સંખ્યા વધીને 6 થઈ ગઈ છે.

ભારતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. અહીંયા 39 જેટલા લોકોમાં વાયરસની પુષ્ટી થઈ છે, જ્યારે 64 વર્ષના એક દર્દીનું મોત થયું છે. 24 જેટલા પોઝિટિવ કેસો સાથે કેરળ બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. દેશમાં અત્યારસુધીમાં 13 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.

ફાંસી નજીક, છતાં ય નિર્ભયાના દોષિતો નથી જણાવતા અંતિમ ઇચ્છા

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગ રેપ અને મર્ડર કેસ મામલે ચારેય દોષિતો પૈકી કોઈએ પણ હજી સુધી પોતાની અંતિમ ઈચ્છા જણાવી નથી. ચારેય દોષિતોને 20 માર્ચના રોજ ફાંસી થવાની છે. પ્રાપ્ત વિગતો અનુસાર તિહાડ જેલ દોષિતોને ફાંસી આપવા માટે તૈયાર છે.

આજે સાંજે પવન જલ્લાદ તિહાડ જેલ પહોંચશે. જલ્લાદના આવ્યા બાદ એકવાર ફરીથી 4 ડમી ફાંસી આપવામાં આવશે. 18 અથવા 19 માર્ચના રોજ તમામ દોષિતોની મેડિકલ તપાસ કરાવવામાં આવશે. દોષિતોને તેમની અંતિમ ઈચ્છા એટલે કે સંપત્તિ કોઈના નામે કરવી છે વગેરે મામલે પૂછવામાં આવ્યું છે. પરંતુ હજી સુધી કોઈએ કંઈજ જણાવ્યું નથી.

અક્ષયને છોડીને બાકી તમામ દોષિતોની પોતાના ઘરના લોકો સાથે મુલાકાત કરાવવામાં આવી છે. તમામ દોષિતોને જેલ નંબર 3 ના કન્ડમ સેલમાં અલગ-અલગ રાખવામાં આવ્યા છે. તમામ દોષિતો પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. તેમના વ્યવહારનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ ચાર દોષિતો પૈકી ત્રણ લોકોએ આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવીને ફાંસીની સજા રોકવા વિનંતી કરી છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે દોષપૂર્ણ તપાસ દ્વારા તેમને દોષિત ગણવામાં આવ્યા છે અને તેમને પ્રયોગનું માધ્યમ બનાવવામાં આવ્યા છે. દોષિતના વકીલ એ.પી.સિંહના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચારેય દોષિતો વિનય શર્મા, પવન કુમાર ગુપ્તા, અક્ષય સિંહ અને મુકેશ સિંહે અત્યાર સુધી પોતાના તમામ કાયદાકીય ઉપચારોનો ઉપયોગ કર્યો નથી.