ભારતની નજર સસ્તા ભાવની ક્રૂડ ઓઈલની ખરીદી પર

નવી દિલ્હી: ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડાનો ફાયદો ઉઠાવવા ભારત પ્રયત્ન કરી રહ્યું છે. ભારતે સાઉદી અરબ અને સયુક્ત અરબ અમીરાત પાસેથી સસ્તા ભાવે ક્રૂડની ખરીદી કરીને મોટા પ્રણાણમાં સ્ટોક કરવાની યોજના બનાવી છે. ચાલુ મહિને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં 40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. પહેલાથી આર્થિક સુસ્તી અને હવે કોરોનાને પગલે આ સ્થિતિ પેદા થઈ છે.

આ ઉપરાંત થોડા દિવસો પહેલા સાઉદી અરબ અને રશિયા વચ્ચે ક્રૂડના ઉત્પાદને લઈને કરાર ન થતા કિંમતોમાં વધુ ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ અને યુએઈ મોટાપાયે ઉત્પાદન ચાલુ રાખશે આ સ્થિતિનો ફાયદો ઉઠાવતા ભારત સસ્તી કિંમતે ઓઈલની ખરીદી કરીને ભવિષ્યની યોજના બનાવવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની ઘટતી જતી કિંમતોનો ફાયદો ઉઠાવવા ઓઈલ મંત્રાલય તરફથી નાણામંત્રીને પત્ર લખીને 48થી 50 અરબની માંગ કરી છે. ઓઈલ મંત્રાલયનું કહેવું છે કે, તે 8-9 મોટા ક્રૂઝમાં ક્રૂડ ઓઈલ ખરીદીને રાખશે જેથી ભવિષ્યમાં સસ્તા ભાવે ક્રૂડ ઓઈલનો ઉપયોગ કરી શકાય.

મહત્વનું છે કે, મંગળવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 31 ડોલર પર રહી. ખાડી યુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે.