કોવિડ-19 નું ફૂલ ફોર્મ પૂછતાં ચકરાવે ચડ્યા ભાજપના પ્રવક્તા

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં ભય ફેલાયો છે. ચીનના વુહાન પ્રાંતમાં જન્મેલા આ કોરોના વાયરસે હજારો લોકોના જીવ લઈ લીધા છે. લાખોની સંખ્યામાં લોકો અત્યારે કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. ઘણા ઉદ્યોગો ઠપ્પ પડી ગયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વાયરસને મહામારી જાહેર કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસો નોંધાયા છે. પોતાના દેશમાં અત્યાર સુધીમાં 127 જેટલા લોકો કોરોના વાયરસથી પીડાઈ રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે ત્રણ લોકોના મોત પણ થયા છે. 19

કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખતા સરકારે તમામ જરુરી પગલા ભર્યા છે. દિલ્હીમાં મહામારી એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. આ એક્ટ અંતર્ગત 50 થી વધારે લોકો એક જગ્યાએ હવે એકત્ર નહી થઈ શકે. તો અન્ય રાજ્યોમાં પણ આ રોગને ફેલાતો રોકવા માટે મોલ, મલ્ટીપ્લેક્સ, થીયેટર્સ અને તમામ એવી જગ્યાઓને બંધ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે કે જ્યાં લોકો એકત્ર થાય છે.

કોરોના વાયરસના સંકટની ચર્ચા મીડિયામાં મુખ્ય મુદ્દો બની ગઈ છે. આના પર રાજનીતિ પણ ખૂબ થઈ રહી છે. વિપક્ષ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહી રહ્યો છે કે સરકારે આ રોગને ફેલાતો અટકાવવા માટેના યોગ્ય પગલા ભર્યા નથી. તો ભાજપ તરફથી પણ એ વાતનો સંદેશ આપવામાં આવી રહ્યો છે કે, સરકાર આ મુદ્દે ગંભીર છે અને આનાથી બચવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે.

આ મુદ્દે એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસના રોહન ગુપ્તા વચ્ચે ડિબેટ થઈ રહી હતી. કોંગ્રેસ નેતાએ ભાજપ પર નિશાન સાધતા સંબિત પાત્રાને પૂછ્યું કે કોવિડ-19 નું ફુલ ફોર્મ શું છે પરંતુ સંબિત પાત્રા પ્રશ્ન સાંભળતા જ ભડકી ઉઠ્યા અને એંકરને કહેવા લાગ્યા કે આ લોકો આવું જ બધું કરશે. ડિબેટની એંકરે પણ કોંગ્રેસ નેતાને કહ્યું કે, તમે લોકો સંબિત પાત્રાનું જનરલ નોલેજ શા માટે ચેક કર્યા કરો છો.

રોહન ગુપ્તા એંકર અને સંબિત પાત્રાના વિરોધ છતા પોતાના પ્રશ્ન પર અડગ રહ્યા અને તેમને કોવિડ-19 નું ફુલફોર્મ પૂછતા રહ્યા. રોહન કુમારે એ કહેતા સંબિત પાત્રા પર પ્રહારો ચાલુ રાખ્યા કે આ ભાજપને લોકો કોરોના વાયરસ પર ગંભીર થવાની વાત કરે છે અને આ લોકો તો કોવિડ-19 ના ફૂલફોર્મ વિશે જાણતા પણ નથી.