Home Blog Page 4922

વિશ્વ કોરોનાથી ઝઝૂમે છે અને ઇમરાન ભીખ માગે છે…

ઇસ્લામાબાદઃ  રોમ જ્યારે ભડકે બળતું હતું ત્યારે નીરો વાંસળી વગાડતો હતો એમ ડિટ્ટો પાકિસ્તાનમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એના કેસોમાં ઉત્તરોઉત્તર વધી રહ્યા છે અને હાલ એ અત્યાર સુધીમાં વધીને 237 થઈ ગયા છે, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સુફિયાણી વાતો કરી રહ્યા છે. ભારત સહિત આખું વિશ્વ કોરોનો વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યું છે અને શહેરોનાં શહેર બંધ કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાને કહ્યું છે કે આવું કરવું અમારા માટે શક્ય નથી. અમે શહેર બંધ નથી કરી શકતા. તેમણે અર્થતંત્રનો હવાલો આપીને કહ્યું છે કે કોરોના બચી જઈશું તો ભૂખથી મરી જઈશું.

ભૂખથી મરી જઈશું : ઇમરાન ખાન

ઇમરાન ખાને કહ્યું હતું કે પશ્ચિમી દેશોની જેમ પાકિસ્તાન મોટા પાયે શહેરો બંધ કરવાનું જોખમ ના ઉઠાવી શકીએ. તેમનું કહેવું છે કે અહીંની સ્થિતિ અમેરિકા અથવા યુરોપ જેવી નથી. અહીં 25 ટકા વસતિ ગીરીબીમાં રહે છે. જો શહેર બંધ કરવામાં આવે તો લોકો કોરોના વાઇરસથી તો બચી જશે, પણ ભૂખથી મરી જશે.જોકે પાકિસ્તાન ક્રિક્રેટ સ્ટેડિયમ, સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી બંધ કરી ચૂક્યું છે.

પાકિસ્તાન માટે કફોડી સ્થિતિ

પાકિસ્તાનને કોરોના વાઇરસથી જોખમ અન્ય દેશો કરતાં વધુ છે. એની સીમાઓથી અંદર બહાર કરવું સરળ છે. હોસ્પિટલોની હાલત ખસ્તા છે અને હાથ મિલાવવાની અને ગળે મળવાની પરંપરાનો હિસ્સો છે અને મોટાં શહેરોમાં લાખ્ખોની જનસંખ્યા અશિક્ષિત છે. દેશની હાલત પણ સારી નથી અને આ વખતે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડથી લોનની જરૂર પડ઼ી ચૂકી છે. આ વાત ઇમરાન ખાન પણ સારી રીતે જાણે છે.

IMF પાસે રાહત માગી

ખાને કહ્યું હતું કે અર્થતંત્રને ગયા વર્ષે લાભ થયો હતો, પણ કોરોના વાઇરસને કારણે એના પર દબાણ વધી ગયું હતું.ખાને IMF પાસે રાહત માગી છે. ખાને આ મુશ્કેલ સમયમાં ચીજવસ્તુઓની જમાખોરી કરવાવાળાની સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી છે.

અત્યાર સુધી 237 કેસ

પાકિસ્તાનમાં કોરોના વાઇરસના અત્યાર સુધી કુલ 237 કેસ સામે આવ્યા છે, જેમાં 172 સિંધ, 26 પંજાબ, બલૂચિસ્તાન 16 ખબર પખ્તુનવા, પાંચ કાશ્મીર/ ગિલગિટ-બલટિસ્તાન અને બે ઇસ્લામાબાદમાં છે.

રેસ્ટોરન્ટ્સને 31 માર્ચ સુધી બંધ રાખવાની રાષ્ટ્રીય સંગઠનની સલાહ

મુંબઈઃ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ તેની સભ્ય રેસ્ટોરન્ટ્સના માલિકોને સલાહ આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને તેઓ 31 માર્ચ સુધી એમની હોટલ્સ-રેસ્ટોરન્ટ્સ, આઉટલેટ્સ બંધ રાખે. ડોમિનોઝ જેવી ચેન દ્વારા તો સલામતીના આ પગલાંનો અમલ શરૂ પણ કરી દીધો છે.

NRAI દ્વારા તેના સભ્યો જોગ એક સલાહ ઈસ્યૂ કરવામાં આવી છે જેમાં એમને 31 માર્ચ સુધી અથવા થોડાક સમય સુધી પોતપોતાની રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. થોડાક દિવસો પછી કોરોના વાઈરસના કેસ નોંધાવાનું બંધ થઈ જાય તે પછી રેસ્ટોરન્ટ્સ ફરી ખોલવી એમ કહેવામાં આવ્યું છે.

એક નિવેદનમાં આ સંસ્થાએ કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાના નિર્ણયને કારણે મોટી અવળી આર્થિક અસર ઊભી થશે, પરંતુ ખાણીપીણીની પ્રવૃત્તિઓ થોડોક સમય સુધી બંધ રાખવી તે સભ્યો, એમના કર્મચારીઓ તથા ગ્રાહકોનાં બહોળા હિતમાં રહેશે.

NRAIના નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં કોરોના વાઈરસ રોગચાળાથી જે પરિસ્થિતિ સર્જાઈ છે એની પર અમારી બારીક નજર છે. આ અભૂતપૂર્વ પરિસ્થિતિ છે, જેમાં આપણે અમુક મુશ્કેલ નિર્ણયો લેવાની ફરજ પડી છે, જેની આપણા ધંધા પર મોટા પાયે અવળી અસર પડશે. પરંતુ, આપણે આપણી ટીમ્સ, આપણા મહેમાનો અને આપણા સમાજોના બહોળા હિતને ખાતર આમ કરી રહ્યા છીએ.

આ એસોસિએશનમાં દેશભરની 50 લાખથી વધારે રેસ્ટોરન્ટ્સ સામેલ થયેલી છે.

તેણે નિવેદનમાં જણાવ્યું છે કે રેસ્ટોરન્ટ્સના મોટા ભાગના કર્મચારીઓ આવવા-જવા માટે જાહેર પરિવહનના સાધનોનો ઉપયોગ કરતા હોવાથી એમને ભયાનક કોરોનાનો ચેપ લાગે અને એમનાથી ફેલાવો વધે એવું જોખમ રહેલું છે. તેથી એવું કોઈ જોખમ ટાળવાને માટે અમે સભ્યોને સલાહ આપીએ છીએ કે તેઓ થોડાક દિવસો માટે પોતપોતાની રેસ્ટોરન્ટ્સ બંધ રાખે અને આ ખતરનાક વાયરસને ફેલાતો રોકવામાં મદદરૂપ થાય.

NRAIના પ્રમુખ અનુરાગ કતિહારે કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને ફરજિયાત નથી.

NRAIની સભ્ય ફર્સ્ટ ફિડલ રેસ્ટોરન્ટ્સ કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રિયાંક સખીજાએ જણાવ્યું છે કે અમે 31 માર્ચ સુધી અમારી રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને આવું નક્કી કરનાર ફર્સ્ટ ફિડલ ચેન દેશની પહેલી છે. અમે અમારા સ્ટાફ તથા માનવંતા ગ્રાહકોની સલામતીને ખાતર આ નિર્ણય લીધો છે.

સંસદનું સત્ર રોકવાની વાતે સાંસદોને શું કહયું મોદીએ?

નવી દિલ્હી:  કોરોના વાઈરસના ભયના કારણે સંસદની મુલતવી રાખવાની માંગણી કરતા સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આડે હાથ લીધા. પીએમએ કહ્યું સાંસદોએ તેમની જવાબદારીઓથી ભાગવાને બદલે લોકોની મદદ કરવી જોઈએ. ઘણા લોકો ભયંકર જોખમ હોવા છતાં પણ તેમની ફરજ નિભાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે, કોરોના વાયરસ વિશે જાગરૂકતા ફેલાવો. તેમણે સ્પષ્ટ કર્યું કે, સંસદના બજેટ સત્રને ટૂંકાવવામાં આવશે નહીં કારણ કે દેશ જ્યારે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યો હોય તો સાંસદોએ પોતાનું કામ કરતા રહેવું જોઈએ. ‘હું જે સાંભળી રહ્યો છું તે યોગ્ય નથી. સાંસદોએ આ રોગચાળો સામે લડવા ખડે પગે ઉભા રહેવું જોઈએ. આપણે ભારતીય વાયુ સેના અને એર ઇન્ડિયાના ક્રૂ સભ્યો વિશે વિચારવું જોઈએ, જે કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. આપણે અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો વિશે પણ વિચારવું જોઇએ. ગ્રાઉન્ડ સ્ટાફ વિશે વિચારો જે લોકોનો સામાન ફેરવી રહ્યા છે, જો તેઓ આ સમયે બ્રેક લેવાનું નક્કી કરે તો કેવી સ્થિતિ ઉભી થાય એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પીએમ મોદીએ આ બેઠકમાં કોરોના મામલે મીડિયાની ભૂમિકાના પણ વખાણ કર્યા.

મહત્વનું છે કે, સંસદનું બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, પીએમ મોદીએ તમામ સાંસદોને હાથ જોડીને નમસ્તે કર્યું અને તેમને તેમના લોકસભા ક્ષેત્રમાં જઈને કોરોના વાઈરસ અંગે લોકોને જાગરૂક કરવા અપીલ કરી.

શું ચીનના આ ડોક્ટરે શોધી કાઢી કોરોનાની રસી?

બેજિંગઃ ચીને કોરોના વાયરસની રસીનું મનુષ્યો પર પરીક્ષણ શરુ કર્યું છે. આ ચીનની પહેલી વેક્સિન છે કે જેને “ટર્મિનર ઓફ ઈબોલા” કહેવાતી દેશની ટોચ સૈન્ય જૈવ-યુદ્ધ વિશેષજ્ઞોની ટીમે તૈયાર કરી છે. વુહાનથી કોરોના વાયરસની શરુઆત બાદ ચીન અત્યારસુધી આ બિમારી સામે ઝઝુમી રહ્યું છે. આ વચ્ચે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ચીનમાં કોરોના વાયરસના ચેપનો બીજો દોર શરુ થઈ શકે છે.

એક ટોચના સંશોધક ચેન વુઈએ જાહેરાત કરી કે સરકારે તેમને આ વેક્સિનનો ટેસ્ટ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસનો ખાત્મો કરવા માટે વેક્સિન સૌથી મોટું હથિયાર છે. તેમણે કહ્યું કે, ચીન આ પ્રકારનું હથિયાર બનાવવામાં અને દર્દીઓને બચાવવામાં સૌથી પહેલા સફળ થાય છે તો આ આપણા દેશની છબી અને વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિને દર્શાવે છે.

ચેને કહ્યું કે, તેમની ટીમે આ વેક્સિનનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોરોના વાયરસની આ વેક્સિન એક મહિનાની શોધ બાદ સફળતાપૂર્વક તૈયાર કરી લેવામાં આવી છે. આમાં ઈબોલાની રસીઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે. ચીનની સરકારી મીડિયા અનુસાર આ એ જ ચેન છે કે જેમણે વર્ષ 2003 માં સાર્સના ફેલાવા બાદ મેડિકલ સ્પ્રે બનાવ્યો હતો. આ સ્પ્રે દ્વારા 14 હજાર મેડિકલ વર્કર્સના જીવ બચાવવામાં આવ્યા હતા.

છૂપા દુશ્મન સામે જીતી જઇશુંઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસની સામે લડાઈ જીતી જવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે દુનિયાઆખી કોવિડ-19ની એક અદ્રશ્ય સેના સામે યુદ્ધ લડી રહી છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ દેશ આ વાઇરસની સામેની લડાઈમાં દરેક ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ કરી રહી છે. અમેરિકામાં અત્યાર સુધી 105 લોકોનાં મોત થયાં છે અને વિશ્વમાં 7,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

વિશ્વ એક છુપાયેલા દુશ્મન સાથે યુદ્ધ

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિશ્વ એક છૂપા દુશ્મન સાથે યુદ્ધ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આપણે આનાથી છુટકારો મેળવવો પડશે. આપણે યોગ્ય રીતે અને ત્વરિત આ યુદ્ધ જીતવું જરૂરી છે. આપણે એરલાઇન્સ ઉદ્ગને મદદ કરવી પડશે. આ તેમની ભૂલ નથી.

આરોપ-પ્રતિ આરોપનો સમય આ નથી

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમનું વહીવટી તંત્ર આ દુશ્મનને માત આપશે. તેઓ અમેરિકાના વિદેશપ્રધાન  માઇક પોમ્પિઓએ ચીન પર આરોપ લગાવતાં કહ્યું હતું કે એ કોરોના વાઇરસના સંબંધમાં પોતાની જવાબદારીથી ધ્યાન હટાવવા માટે દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. પોમ્પિઓએ પણ પત્રકારોને કહ્યું હતું કે આ આરોપ-પ્રત્યારોપનો સમય નથી. અત્યારે આ વૈશ્વિક રોગચાળાને રોકવા માટે અને વધુ ફેલાતો અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે. તેમણે કહ્યું હતું કે હાલ પૂરતું તમે તમારો સમય ઘરમાં વિતાવો અને આ સમસ્યાથી આપણે છુટકારો મેળવવો પડશે અને સામાન્ય જનજીવનને પાટે ચઢાવવું પડશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

હવે ભણશે ગુજરાત ટીવી ચેનલના માધ્યમથી

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે સાવચેતીના ભાગરૂપે ગુજરાતમાં સ્કુલ-કોલેજો 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, હજુ સુધી ગુજરાતમાં એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં એ હેતુસર એક નિર્ણય કર્યો છે. જે હેઠળ રાજ્યના વિદ્યાર્થીઓને પ્રાદેશિક ટીવી ચેનલ્સના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે. રાજ્યના ધોરણ 7થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી કરાવવામાં આવશે.

19મી માર્ચથી વિદ્યાર્થીઓ ઘર બેઠા ટીવી ચેનલ્સના માધ્યમથી વિષયનો રિવિઝન અને અભ્યાસ કરી શકશે. 19 માર્ચથી દરરોજ એક-એક કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે. ધોરણ-7થી 9 માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-11માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.

રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ બન્ને સિંહ સાથે મેદાનમાં

અમદાવાદ: ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોન્ગ્રેસે પોતાના બે ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મોડી રાત્રે કોંગ્રેસના મોવડી મંડળે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી બંનેને ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં રહેલા પણ ભાજપની અવગણનાનો સામનો કરી રહેલા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને મદદ કરવાનો નિર્ણય કર્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણીમાં બંને ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસના મોભીઓએ ફાઈનલ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે,  આ બંને ઉમેદવારોએ તેમના ફોર્મ તો આ અગાઉ જ ભરી દીધા હતા. પરંતુ  ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસની સ્થિતિ નબળી પડી હતી. જેને કારણે કોઈ એક વ્યક્તિએ ફોર્મ પરત ખેંચવુ પડે તેમ હતું. જેને લઈને ખેંચતાણ હતી કે કોણ ફોર્મ પરત ખેંચશે.ત્યારે હવે કોંગ્રેસનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.

દેશમાં હાલ બીજા તબક્કામાં ચાલી રહ્યો છે કોરોના વાઇરસ

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં કોરોના વાઇરસ બીજા તબક્કામાં છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ તબક્કો-બીજાનો અર્થ એ છે કે અત્યારે વાઇરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન (લોકોની વચ્ચે એકમેકમાં નથી ફેલાયો) નથી થયું. હાલમાં દેશમાં સૌથી વધુ 149 લોકો કોરોના વાઇરસથી પ્રભાવિત છે, જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. જ્યારે વિશ્વભરમાં 7,000 લોકોનાં આ વાઇરસથી મોત થયાં હતાં. ભારત કોરોના વાઇરસના ત્રીજા તબક્કામાં ના પહોંચે એના પ્રયાસો કરી રહ્યો છે.

કોરોના વાઇરસના ચાર તબક્કામાં હોય છે, જે નીચે પ્રમાણે છે.

તબક્કો પહેલોઃ આ સ્થિતિ સંક્રમણના મામલે વાઇરસથી પ્રભાવિત દેશોથી આવે છે. આમાં એ લોકો ચેપગ્રસ્ત થઈ જાય છે, જેમણે વિદેશનો પ્રવાસ કર્યો હોય.
તબક્કો બીજોઃ જ્યારે સંક્રમિત લોકોથી બીમારીનો ફેલાવો સ્થાનિક લોકોમાં થાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ કોરોના પ્રભાવિત દેશમાં જાય છે અથવા ત્યાંથી આવે છે અને સગાંસબંધીના સંપર્કમાં આવે છે, જેનાથી તેમને પણ કોરાના વાઇરસનો ચેપ લાગે છે.

આ સ્થિતિમાં સ્થાનિક ટ્રાન્સમિશનમાં બહુ ઓછા લોકો પ્રભાવિત હોય છે. આ સ્થિતિમાં વાઇરસનો સ્રોત માલૂમ હોય છે અને ને સરળતાથી ટ્રેસ કરી શકાય છે.
તબક્કો ત્રીજોઃ જ્યારે આ વાઇરસ ત્રીજા તબક્કામાં પહોંચે છે, ત્યારે એનાથી બહુ મોટો વિસ્તાર પ્રભાવિત થાય છે. આ તબક્કામાં આ બીમારી ભારતની અંદર જ લોકોથી એકબીજા દ્વારા લોકોમાં ફેલાઇ જાય છે. આ બહુ ખતરનાક સ્થિતિ છે. આ તબક્કામાં જે લોકોના ટેસ્ટ પોઝિટિવ આવે છે, એ લોકો નથી જાણતા કે તેમને આ વાઇરસનો ચેપ ક્યાંથી લાગ્યો હતો. ઇટાલી અને સ્પેનમાં હાલ ત્રીજો તબક્કો છે.

ચોથો તબક્કોઃ આ સૌથી ભયંકર સ્થિતિ છે, જ્યારે બીમારી રોગચાળાનું રૂપ ધારણ કરી લે છે અને એ સ્પષ્ટ નથી થયું કે એનો ખાતમો ક્યારે થશે. ચીનમાં આવું જ થયું છે.

 

 

 

કેબિનેટ મંત્રી સુરેશ પ્રભુ સ્વૈચ્છિક રીતે 14 દિવસ આઇસોલેટ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસના વધતા પ્રકોપની વચ્ચે ભાજપના સંસદસભ્ય સુરેશ પ્રભુએ પોતાને આગામી 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન (અલગ રહેવું) કરી લીધા છે. તેઓ હાલમાં જ સાઉદી અરેબિયાથી પરત ફર્યા છે. તેમનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે, પણ તેમણે સાવચેતીરૂપે અલગ રહેવાનું પસંદ કર્યું છે. બીજી બાજુ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 149 પહોંચી ગઈ છે. ભારતમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના વધીને 42 થયા
પુણેમાં એક 28 વર્ષીય મહિલાને કોરોના વાઇરસગ્રસ્ત મળી આવી હતી.આ મહિલા ફ્રાંસ અને નેધરલેન્ડ્સના પ્રવાસે ગઈ હતી.તેની સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસ 42 ઈ ગયા છે.

લેહમાં સેના જવાનને પણ કોરોના વાઇરસ

એક અહેવાલ મુજબ લેહમાં સેનાના 34 વર્ષીય એક જવાનને કોરોના વાઇરસ થયો હતો. સશસ્ર દળોમાં કોઈને પણ કોવિડ-19થી ચેપગ્રસ્ત થવાની પહેલી ઘટના છે. આ સૈનિક લેહના ચુચોટ ગામનો રહેવાસી છે અન તેના પિતાના સંપર્કમાં આવ્યા પછી તેને પણ આ વાઇરસનો ચેપ લાગ્યો હતો. આ જવાનના પિતા ઇરાનથી તીર્થ યાત્રા કરીન  એર ઇન્ડિયાના વિમાનથી 20 ફેબ્રુઆરીએ પરત ફર્યા બાદ 29 ફેબ્રુઆરીથી લડ્ડાખ હાર્ટ ફાઉન્ડેશનમાં અલગ રહી રહ્યા છે.

 

પાંચ દાયકા પછી પ્રેમનું આ પ્રતીક બંધ…

આગ્રાઃ કોરોના વાયરસના ડરથી તાજમહેલ બંધ થઈ ગયો છે. તાજ મહેલને જોવા માટે આવેલા તમામ ટુરિસ્ટને આજે નિરાશ થઈને પાછું ફરવું પડ્યું. કેટલાક વિદેશી પર્યટકો તો તાજમહેલની બહાર રડતા દેખાયા. તાજ મહેલ, લાલ કિલ્લો, ફતેહપુર સીકરી જેવા પર્યટન સ્થળો જો વધારે દિવસ સુધી બંધ રહ્યા તો આગ્રાની અર્થવ્યવસ્થા બગડી જશે કારણ કે, તાજમહેલના કારણે અડધા ભાગના આગ્રાને રોજી મળે છે. અહીંયા દર વર્ષે આશરે 90 લાખ જેટલા પર્યટકો આવે છે અને ટુરિઝમ અને ચર્મ ઉદ્યોગથી વાર્ષિક 6000 કરોડ જેટલી આવક થાય છે. તાજમહેલ બંધ થઈ થઈ ગયો કે જેના આંગણે હંમેશા વિશ્વભરમાંથી આવેલા તેના ચાહકોનો જમાવડો હોય છે. આજે તાજમહેલ સૂનો પડી ગયો છે. અન્ય દેશોમાંથી આવેલા કેટલાક લોકો દૂરથી તેની ઝલક મેળવવાનો પ્રયત્ન કરે છે. અન્ય પર્યટકો ગાર્ડન પાસેના મેદાનથી ખૂબ દૂરથી તાજમહેલનો દીદાર કરી રહ્યા છે અને કેટલાક પર્યટકોતો તાજનો દીદાર ન થવાના કારણે રડી પણ પડ્યા હતા.

તાજમહેલમાં દર વર્ષે શાહજહાં અને મુમતાઝ મહેલની કબરો પર ઉર્સ થાય છે કારણ કે આ તેમનો મકબરો છે. એ દિવસે લોકોને નકી કબરોની જિયારતની મંજૂરી હોય છે પરંતુ આ વર્ષે ઉર્સ પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. તાજમહેલ પહોંચેલા ઘણા પ્રવાસીઓએ એવા પણ હતા કે જેમને લાગ્યું કે તાજમહેલ બંધ હોય તે શક્ય નથી.

આગ્રાનો કિલ્લો જોવા માટે પણ મોટી સંખ્યામાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતા પરંતુ તે પણ બંધ હોવાના કારણે લોકો બહારથી જ સેલ્ફી લેતા રહ્યા. આ પહેલા અડધી સદી પહેલા તાજમહેલ બંધ થયો હતો. 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે સુરક્ષાના કારણોસર તાજમહેલને બંધ કરવામાં આવ્યો હતો.