શું ઉત્તરાખંડ ફોર્મ્યુલાથી કમલનાથ સરકાર બચશે?

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે સામસામા રાજકીય દાવપેચ ચાલુ જ છે. કમલનાથ સરકારને બચાવવા માટે કોંગ્રેસના નેતાઓ દરેક ઉપાય અજમાવી રહ્યા છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાન કમલનાથને બે વાર કહ્યા છતાં ફ્લોર ટેસ્ટ નથી કરવામાં આવ્યો. વિધાનસભા સ્પીકરે કોરોના વાઇરસને લીધે વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી. જે મામલે ભાજપ સુપ્રીમ કોર્ટમાં ગયો છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકાર અને વિધાનસભાના સચિવને નોટિસ ફટકારી હતી અને આદેશ કર્યો હતો કે આ નારાજ વિધાનસભ્યોને નોટિસની કોપી મોકલવામાં આવે. જોકે કોર્ટમાં હાલ આની સુનાવણી ચાલી રહી છે, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પીકરનો ઊધડો લેતાં પણ બજેટ સત્ર ઉડાડી મૂકવા બદલ સ્પીકરને ઠમઠોર્યા હતા. વધુ સુનાવણી આવતી કાલે હાથ ધરાવાની છે. 

સરકાર બચાવવા ઉત્તરાખંડની ફોર્મ્યુલા?

મધ્ય પ્રદેશમાં સરકાર બચાવવા માટે શું ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતવાળી ફોર્મ્યુલા અપનાવવામાં આવશે? એક વાર તેમની સામે ઉત્તરાખંડના કોંગ્રેસી વિધાનસભ્યોએ બંડ પોકાર્યું હતું. ત્યારે હરીશ રાવતે બધા વિધાનસભ્યોની સભ્યતા રદ કરાવી દીધી હતી અને બાકીના બચેલા વિધાનસભ્યોને આધારે બહુમત સાબિત કરી દીધો હતો. હરીશ રાવતનું એ પણ કહેવું છે કે મધ્ય પ્રદેશનમાં કમલનાથ સરકારને કોઈ જોખમ નથી.

 રાજ્યપાલ સ્પીકરને આદેશ ના આપી શકે

ઉત્તરાખંડના બળવાખોર વિધાનસભ્યો  ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ હરીશ રાવતને પક્ષપલટુ કાયદાનો સહારો મળી ગયો હતો, પણ મધ્ય પ્રદેશમાં બળવાખોર વિધાનસભ્યો હજી ભાજપમાં જોડાયા નથી. એટલે તેમને પક્ષપલટુ કાયદો લાગુ નહીં થાય. રાજકીય દાવપેચનો ઉપયોગ કરીને મુખ્ય પ્રધાન કમલનાથ આ વિધાનસભ્યોનાં સભ્યપદો રદ કરાવી શકે છે, એ પછી આ મામલો ઉત્તરાખંડ જેવો થઈ શકે. કાયદાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ રાજ્યપાલ સ્પીકરને આદેશ ના આપી શકે અને વિધાનસભામાં સ્પીકરને વિવેકથી નિર્ણય લેવાનો અધિકાર છે.

મધ્ય પ્રદેશની બેઠકોનું ગણિત

મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિધાનસભ્યોનાં રાજીનામાં પહેલાં 227 વિધાનસભ્યો (બેનું નિધન અને એક BSP વિધાનસભ્ય સસ્પેન્ડ) હતા, જેમાં કોંગ્રેસના 114 + 6  સહયોગી મળીને 120 થાય અને ભાજપ પાસે 107, પણ 21 વિધાનસભ્યોનાં રાજીનામા પછી (આમાંથી હજી સુધી છ વિધાનસભ્યોનાં રાજીનામાંનો સ્વીકાર થયો છે) કુલ વિધાનસભ્યોની સંખ્યા 206 થાય બહુમતનો નવો આંકડો 104, કોંગ્રેસી અને સહયોગીઓ મળીને 99 એટલે કે બહુમતથી પાંચ ઓછા. સામે ભાજપ પાસે 107 છે એટલે કે બહુમતથી ત્રણ વધુ. ભાજપ  અને કોંગ્રેસની લડાઈ એકમદ નજીકની છે. કોંગ્રેસી નેતા દાવા કરી રહ્યા છે કે તેમના સંપર્કમાં ભાજપના ચાર-પાંચ વિધાનસભ્યો છે તો કદાચ હરીશ રાવત કમલનાથ સરકાર બચાવવામાં સફળ થઈ જાય.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]